નવી સંસદ, નવી અભિવ્યક્તિ : તાબૂત જેને પણ દેખાયો છે એ તેમની વિચારધારાને દર્શાવી રહ્યા છે

30 May, 2023 03:16 PM IST  |  Mumbai | Manoj Joshi

જો તમે દેશવાસીઓની સેવા કરવા આવ્યા હો તો તમારા પક્ષની વિચારધારા નહીં પણ તમારા મતવિસ્તારના સામાન્યજનની જરૂરિયાતને આંખ સામે રાખવી જોઈએ.

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

રાષ્ટ્રીય જનતા દળે બે દિવસ પહેલાં નવા સંસદભવનનો ફોટો ટ્વીટ કરી એની સાથે તાબૂત દેખાડીને પૂછ્યું કે આ શું છે? 

બિહારની ભારતીય જનતા પાર્ટીએ બહુ સરસ જવાબ આપ્યો અને લખ્યું કે પહેલો (એટલે કે તાબૂતવાળો) ફોટો તમારું ભવિષ્ય દર્શાવે છે અને બીજો ફોટો (એટલે કે નવું સંસદભવન) ભારતનું ભવિષ્ય દર્શાવે છે. આમ જોઈએ તો આ વાતને એ સમયે જ વિરામ લાગવો જોઈતો હતો પણ ના, એ પછી આ બન્ને ટ્વીટ પર લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું અને એ કમેન્ટને કારણે જ આજે આ ટૉપિક અહીં ખૂલી રહ્યો છે. તમે એ જ જુઓ જે તમારા વિચારોમાં ચાલતું હોય, તમે એ જ બોલો જે તમારા મનમાં વહેતું હોય અને તમે એવું જ કરો જે તમે જોતા આવ્યા હોય.

સાઇકોલૉજીનો આ બહુ જૂનો અને જાણીતો નિયમ છે અને આ નિયમને અત્યારે રાષ્ટ્રીય જનતા દળ પુરવાર કરી રહ્યું છે. જો એ પાર્ટીને નવા સંસદભવનમાં તાબૂતનાં દર્શન થતાં હોય તો એ માત્ર અને માત્ર સંસદભવનનું નહીં, પણ સાથોસાથ ભારતીય વાસ્તુશાસ્ત્રનું પણ અપમાન છે અને આ અપમાન કરનારાઓએ આવું કરીને ભારતીય શાસ્ત્રો, પુરાણ અને પરંપરાનું પણ અપમાન કર્યું છે. આ અપમાન કોઈ હિસાબે સાંખી લેવું ન જોઈએ અને ક્યારેય એ બરદાસ્ત પણ ન કરવું જોઈએ. તમે વિચાર તો કરો, તમારા દેશની લોકશાહીને સાબૂત રાખનારું ભવન બને છે અને એ ભવનને તમે તાબૂત સાથે સરખાવો છો? તમે એને મૃતદેહ ભરવાની પેટી દેખાડો છો? તમને શરમ નથી આવતી કે તમે કેવું વર્તો છો અને કેવો બકવાસ કરો છો?

વિરોધ પક્ષોએ નક્કી કર્યું કે નવા સંસદભવનનો તેઓ સૌ બહિષ્કાર કરશે અને બહિષ્કાર કર્યો પણ ખરો, પણ જવાબ આપે તેઓ સૌ કે તેમણે આ બહિષ્કારની પહેલાં શું મતદારોની પરવાનગી લીધી હતી, જે મતદારોએ તેમને પોતાના પ્રશ્નો માટે એ મતવિસ્તારમાંથી આ ભવન સુધી પહોંચાડ્યા હતા? જવાબ તો આપો કે શું મતદારોને ભવન સાથે નિસબત હતી કે પછી પોતાના પ્રશ્નોના નિરાકરણ સાથે? મતદારોને ભવનની આકૃતિ સાથે સંબંધો હતા કે પછી પોતાની તકલીફોના નિરાકરણ સાથે? મતદારોને ક્યારેય કોઈ બાહ્ય પરિસ્થિતિ કે સંજોગો સાથે સંબંધ હોતો નથી, એ તો પોતાના પ્રશ્નોના નિરાકરણ અને સુખાકારીને જ આંખ સામે રાખે છે અને એ પછી પણ તેમના પ્રતિનિધિ બનીને આવેલા આ સંસદસભ્યો એ વાતનો વિરોધ કરે છે જેની સાથે મતદારોને કોઈ સંબંધ નથી. આવું કેવી રીતે ચલાવી લેવાય? કઈ રીતે આ વાતને અવગણી શકાય? 

સંસદભવનનું ઓપનિંગ એ એક રાષ્ટ્રીય ઘટના હતી અને એ ઘટના સાથે જોડાવું એ રાષ્ટ્રના એકેક રાજકીય પક્ષ માટે મહત્ત્વની વાત હતી અને એ પછી પણ વિરોધ પક્ષમાં બેઠેલા સૌકોઈએ એના વિરોધમાં આ આખા કાર્યક્રમનો વિરોધ કર્યો, બહિષ્કાર કર્યો અને એ બહિષ્કારની સાથે પોતાના મતદારોનો પણ બહિષ્કાર કર્યો. જો તમે દેશવાસીઓની સેવા કરવા આવ્યા હો તો તમારા પક્ષની વિચારધારા નહીં પણ તમારા મતવિસ્તારના સામાન્યજનની જરૂરિયાતને આંખ સામે રાખવી જોઈએ. બાકી તમને કહ્યું જ, એવું જ તમને દેખાય જેવી દૃષ્ટિ તમે પામી હોય.

manoj joshi columnists parliament