અમાનવીય નરસંહાર : સરસ્વતીની લાશના ટુકડા જોઈને કોઈને લાગે છે કે આ કેસ ચાલવો જોઈએ?

12 June, 2023 03:39 PM IST  |  Mumbai | Manoj Joshi

આવા નરાધમને કોર્ટમાં લાવીને તમે કોર્ટનું અપમાન કરો છો, એ ભારતીય સંવિધાનને હાસ્યાસ્પદ બનાવો છો જે ન્યાયનું રક્ષક છે.

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

આપણે વાત કરીએ છીએ મીરા રોડમાં બનેલી ઘટનાની. જે પ્રકારે સરસ્વતી વૈદ્યની હત્યા થઈ અને જે પ્રકારે સરસ્વતીની લાશના હાલ કરવામાં આવ્યા એ જોયા પછી શું આપણે મનોજ સાને પર કેસ ચલાવવો જોઈએ ખરો? શું હજી પણ એ નિર્દયને એવી છૂટ મળવી જોઈએ કે તે પોતાના બચાવમાં બે-ચાર શબ્દો બોલે કે પછી કોઈ વકીલ આગળ આવીને તેનો બચાવ કરે? જો તમને એવું લાગતું હોય તો ખરેખર તમારી સહિષ્ણુતાને માન આપવું પડે અને સાથોસાથ કહેવું પણ પડે કે ના, આવી સહિષ્ણુતાની આ દેશને કોઈ આવશ્યકતા નથી, આ દેશ એવી સહિષ્ણુતા ઇચ્છતો પણ નથી.

મનોજ સાને જેવા નરાધમને એવી સજા મળવી જોઈએ કે તેને મળેલી સજા વિશે સાંભળીને પણ ૫૦-૧૦૦ વર્ષ પછી માણસ ધ્રૂજી જાય. ભૂલી ભલે જવી પડે એ તમામ માનવીય લાગણીઓ, જેના આધારે આપણે સભ્ય સમાજના સદસ્ય બન્યા છીએ. હા, એવી કોઈ લાગણીની, એવી કોઈ સંવેદનાની જરૂર નથી. ઇમોશન્સની વાતો એની સાથે જ શોભે જે એનો પડઘો એવી જ તીવ્રતા સાથે આપે. સાનેએ માત્ર સરસ્વતીનું જ નહીં, પણ એ નામ સાથે જોડાયેલી દેશની એવી શ્રદ્ધાનું પણ ખંડન કર્યું છે જેનું નામ પડતાની સાથે આંખોમાં આસ્થા પ્રસરી જાય. સાને કોઈ હિસાબે બચવો ન જોઈએ એવું હું નહીં કહું, કારણ કે એ બચવાનો છે જ નહીં, પણ સાને કોઈ કાળે લાંબું જીવવો ન જોઈએ. હા, તેને આ પૃથ્વી પર શ્વાસ લેવાનો પણ હક નથી અને હોય પણ શું કામ?
તમે નથી માનવજીવનની પરવા કરતા કે નથી તમે તમારા જ પ્રેમની ફિકર કરતા. તમને લોહીના એક બુંદની પણ અસર ન થતી હોય એમ હત્યા કર્યા પછી તમે રીતસર હિંસક પ્રાણીની જેમ ચીરફાડ પર આવી જાઓ છો અને આવ્યા પછી તમે નિશાચરની જેમ ચીરફાડ થયેલાં અંગોની સાથે એવી રમત કરો છો કે અત્યારે, આ વાત કહેતી વખતે પણ આખા શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઈ જાય છે.

આ પણ વાંચો : ભેળસેળ અને ભારત : વિકાસ તરફ આગળ વધતા હિન્દુસ્તાનને હવે સત્યના રસ્તે વાળવાનું છે

આવા નરાધમને કોર્ટમાં લાવીને તમે કોર્ટનું અપમાન કરો છો, એ ભારતીય સંવિધાનને હાસ્યાસ્પદ બનાવો છો જે ન્યાયનું રક્ષક છે. ન્યાય એને માટે હોય સાહેબ, જેને કાયદાની પરવા હોય અને જેને સુધરવાની તક મળવાની હોય. નથી આપવી અમારે તક એ હરામખોરને જેનામાં લેશમાત્ર માનવતા ન હોય. નથી આપવી તક અમારે એ નિશાચરને જે સભ્ય સમાજમાં રહેવાને લાયક ન હોય અને નથી આપવી તક અમારે એ રાક્ષસને, જેના વિશે વાંચ્યા પછી આજે, કલાકો પછી પણ શરીરનું એકેએક રૂંવાડું ધ્રૂજી જાય છે. સરસ્વતીને ન્યાય ત્યારે જ સાંપડશે જ્યારે સાનેને તમે ફાંસીને માંચડે લટકાવ્યો હશે અને ફાંસીએ લટકાવતાં પહેલાં તેને એ તમામ પીડા આપી હશે જે પીડા પેલી યુવતીએ ભોગવી છે. હા, અમાનવીય ગણો તો અમનાવીય, પણ બહુ જરૂરી છે એવી સજા. સમય આવી ગયો છે કે હવે વિકાસની દિશામાં આગળ વધતું હિન્દુસ્તાન રાક્ષસોના અંત તરફ પણ આગળ વધે અને સાને જેવા રાક્ષસોને તેના અંતિમે પહોંચાડે. 

mira road murder case manoj joshi columnists