21 December, 2022 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સગા બાપના પૈસા માટે પેલા માણસને શરમજનક અવસ્થામાં મુકાવા જેવી સામાન્ય હરકતનું પરિણામ એ આવ્યું કે પિતાએ હાથ જોડીને એ માણસની માફી માગવી પડી જેની સામે તે વટપૂર્વક ઊભા રહેતા હતા. એટલું જ નહીં, દીકરા માટે પિતાએ એવડી મોટી રકમ પણ જતી કરવી પડી જે રકમ માટે માણસ આખી જિંદગી હેરાન થતો હોય છે. મરણમૂડી કહો તો પણ ખોટું ન કહેવાય એવી મોટી અને તોતિંગ એ રકમ પિતા ભૂલી ગયા, કારણ કે તેના દીકરાએ ફેક અકાઉન્ટ ખોલીને ક્રાઇમ કર્યો હતો.
મુદ્દો એ છે કે ફેક અકાઉન્ટ જો ક્રાઇમ હોય તો પછી આજનો આ સાઇબર સેલ એ દિશામાં કેમ કામ નથી કરતો જે દિશાએથી વાઇટ કૉલર પર્સનાલિટીને બ્લૅકમેઇલ કરવાનું કામ ચાલે છે, જે દિશાએથી માલેતુજારોને ખંખેરવાનું કામ ચાલે છે?
એક અનનૉન નંબરથી વિડિયો-કૉલ આવે, જેવો કૉલ તમે રિસીવ કરો કે બીજી જ ક્ષણે તમારી સામે અર્ધનગ્ન થતી કન્યા આવી જાય અને તમે હેબક ખાઈ જાઓ. બસ, એને આ જ સેકન્ડ જોઈએ છે. સામેથી ફોન કટ થઈ જાય અને સ્ક્રીન રેકૉર્ડિંગના આધારે તમને વળતી મિનિટે એ આખું રેકૉર્ડિંગ મોકલીને કહેવામાં આવે કે હવે જો તમારાં તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ વિડિયો પોસ્ટ કરી, તને બદનામ કરું છું.
આવું છાશવારે બની રહ્યું છે અને બનતી આવી ઘટનાઓને કારણે સીધાસાદા અને સરળ કહેવાય એવા લોકોનાં ખિસ્સાં ખાલી થઈ રહ્યાં છે. જો એક ફેક અકાઉન્ટ પકડવામાં તમારા દેશનો સાઇબર સેલ ગઈ કાલે વર્ણવ્યો એ કિસ્સામાં જેટલી ઝડપ સાથે કામ કરતો હોય તો પછી જેની વાત કરીએ છીએ એ કિસ્સામાં કેમ એ શાંત બેસી રહે છે, કેમ ત્યારે એ કોઈ પગલાં લઈ નથી શકતો, કેમ એ સમયે કશું ઍક્શનમાં નથી આવતું?
પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ સિરિયસ જૉબ છે, દેશની જનતાની જવાબદારી તેમના શિરે છે અને એ જવાબદારી નિભાવે છે એટલે જ આપણે રાતે ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ. આ નિઃસંદેહ વાત છે, પણ મારે પૂછવું છે એ કે જે પ્રક્રિયા સર્વજનને દુખી કરવાનું કામ કરે છે એ પ્રક્રિયામાં આપણે શું કામ નિંભર થઈને બેસી રહીએ છીએ? અત્યાર સુધીમાં હજારો લોકો અહીં વર્ણવી એવી ઘટનાના ભોગ બની ચૂક્યા છે. શરમના માર્યા અઢળક લોકોએ પૈસા પણ મોકલી આપ્યા છે અને પૈસા મોકલનારાઓમાં ગોરેગામના એક ડૉક્ટર મિત્ર સુધ્ધાં સામેલ છે. સાઇબર સેલમાં ફરિયાદ લખાવી હોવા છતાં પેલી આખી ગૅન્ગ પોતાનું કામ આજે પણ ચાલુ રાખે છે. આ તે ક્યાંનો ન્યાય!
આ પણ વાંચો : સોશ્યલ મીડિયાની સિરિયસનેસ : નાનીઅમસ્તી હરકત પણ તમને કેવા હેરાન કરે એ જાણી લેજો
ઇચ્છા ન હોય તો પણ કહેવું પડે કે આ જે પ્રક્રિયા છે એ દર્શાવે છે કે આપણે ત્યાં બે પ્રકારના આરોપીઓ કાર્યરત છે. એક, જેને પોલીસનો ડર નથી અને બીજો વર્ગ, જે પોલીસ સાથે સાઠગાંઠ ધરાવે છે. જો સાઠગાંઠ ધરાવતા આરોપી હોય તો સામાન્ય લોકોના પક્ષે મોઢું સંતાડીને રડવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી બચતો નથી અને જો પહેલા વર્ગના આરોપીની સંખ્યા મોટી હોય તો સાહેબ કહેવું પડે, હજી આપણે બહુ પછાત છીએ અને આપણે પહેલાં એ દિશામાં કામ કરવાની જરૂર છે અને એ કામ ન કરીએ ત્યાં સુધી સોશ્યલ મીડિયા પર બૅન મૂકવાની તાત્કાલિક આવશ્યકતા છે.