પ્રખર ભારત, અગ્રેસર ભારત : હિન્દુસ્તાનની આન, બાન અને શાનમાં જબરદસ્ત વધારો થયો છે એ હવે સૌ સ્વીકારશે

24 May, 2023 03:20 PM IST  |  Mumbai | Manoj Joshi

આજે જે રીતે અમેરિકન આ દેશમાં આવે કે ઑસ્ટ્રેલિયન, ન્યુ ઝીલૅન્ડવાસી આ દેશમાં આવે અને આપણા બ્યુરોક્રેટ્સથી માંડીને એકેએક સરકારી અધિકારી માટે એ જવાબદારી બની જાય છે એવું જ ભવિષ્યમાં આપણી સાથે બનવાનું છે

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

જે રીતે ત્રણ દેશના પ્રવાસ દરમ્યાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માન-સન્માન મળ્યાં અને ભારત માટે જે પ્રકારના શબ્દોનો ઉલ્લેખ થયો એ જ દેખાડે છે કે હિન્દુસ્તાન હવે એ દેશ નથી જે પહેલાં માત્ર ઑડિયન્સ બની રહેતો. ના, હવે એવું નથી રહ્યું. હવે હિન્દુસ્તાનની પોતાની એક આગવી શાન છે અને એ શાન દેશની આન-બાનમાં જબરદસ્ત ઉમેરો કરે છે.

ભારત છેલ્લાં ૭ વર્ષમાં એ સ્થાને પહોંચ્યું છે જેનાં આપણે સૌ સપનાં જોતા હતા. નાની-નાની પણ મહત્ત્વનો નિર્ણય પુરવાર કરતી હોય એવી અનેક ઘટના આ વર્ષોમાં બની, જેણે માત્ર દેશવાસીઓમાં જ નહીં, પણ દુનિયાભરના દેશો સામે પણ ભારતનો પ્રભાવ વેંત ઊંચો કર્યો. કોવિડ સમયે ઘરમાં જ વૅક્સિન બનાવી એ વૅક્સિનનો ઉપયોગ કરવાની વાત હોય કે પછી પુલવામા કાંડ સમયે દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમને સીધાદોર કરી નાખવા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક હોય. અનેક એવી ઘટના છે જેણે દુનિયાની સામે હિન્દુસ્તાનને વધારે બળવત્તર અને બળકટ બનાવ્યું અને એ જ કારણે આજે વિશ્વભરના દેશોની આંખમાં હિન્દુસ્તાન માટે માન અને સન્માન સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : નોટબંધી 2.0 : આખી વાતનું તારણ સમજ્યા વિના દોડાદોડ કરવી અયોગ્ય અને નિરર્થક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ત્રણ દેશના છેલ્લા વિદેશપ્રવાસને જરા ધ્યાનથી જુઓ. તમને દેખાશે પણ અને તમને સમજાશે પણ કે ભારત કેવું સન્માન મેળવી રહ્યું છે. તમારા દેશના વડા પ્રધાનને અન્ય દેશના વડા પ્રધાન પગે લાગે?! અરે, જ્યાં સાંજ પછી સત્તાવાર રીતે અમુક પ્રકારનાં સન્માન આપવાની પ્રક્રિયા કરવામાં નથી આવતી એ દેશ પોતાની સદીઓ જૂની એ પરંપરાને તોડી, છોડી તમારા દેશના વડા પ્રધાનનું સન્માન સમી સાંજે કરે અને એ પણ એ રીતે જાણે હજી સૂર્યોદય થયો હોય! આ નાની વાત નથી સાહેબ અને આ કોઈની વ્યક્તિગત તારીફ પણ નથી. આ ગર્વ સૌકોઈનું, દેશના એકેએક નાગરિકનું ગૌરવ છે. આજે જે રીતે અમેરિકન આ દેશમાં આવે કે ઑસ્ટ્રેલિયન, ન્યુ ઝીલૅન્ડવાસી આ દેશમાં આવે અને આપણા બ્યુરોક્રેટ્સથી માંડીને એકેએક સરકારી અધિકારી માટે એ જવાબદારી બની જાય છે એવું જ ભવિષ્યમાં આપણી સાથે બનવાનું છે. જો તમે થાઇલૅન્ડ કે બાલી કે પછી શ્રીલંકા ગયા હશો તો તમને ખબર હશે કે ઇન્ડિયનને કેવા અહોભાવથી ત્યાંના સરકારી અધિકારીથી માંડીને સામાન્ય નાગરિકો જોતા હોય છે. એ જે અહોભાવ છે એ અહોભાવ હવે વધારે વિસ્તર્યો છે અને હવે જપાન, જર્મની, અમેરિકા અને રશિયા જેવા દેશો સુધી પહોંચી ગયો છે. એક સમય હતો કે ઇજિપ્ત જનારા ઇન્ડિયનને જોઈને ત્યાંની પ્રજા હોંશે-હોંશે શાહરુખ ખાનનું નામ આપતી અને આજે પરિસ્થિતિ એ છે કે ઇજિપ્ત અને થાઇલૅન્ડવાસીઓ ઇન્ડિયનને જોઈને ગર્વભરી સ્માઇલ સાથે કહે છે, નરેન્દ્ર મોદી. એનું ઉચ્ચારણ ત્યાં મુજબનું હોય છે, પણ વાત એ ઉચ્ચારણની નથી, વાત એ ગર્વની છે જે આપણા દેશને હવે વૈશ્વિક સ્તરે મળતું થઈ ગયું છે.

આ ગર્વ કોઈ નેતાનું નહીં, આ ગર્વ એક ભારતીયનું છે અને એ ભારતીયનું છે જે આપણું પ્રતિનિધિત્વ કરે છે. ખરેખર કહેવાનું મન થાય, ગર્વ છે કે આપણું પ્રતિનિધિત્વ એક એવી વ્યક્તિના હાથમાં છે જે સન્માનને નવી ઊંચાઈ આપવાનું કામ કરે છે.

columnists manoj joshi narendra modi