21 February, 2023 03:09 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગઈ કાલે અમદાવાદના કિસ્સાની વાત કરી. આજે વાત કરવી છે રાજકોટમાં બનેલી ઘટનાની. રાજકોટની એક મા હમણાં કલેક્ટર પાસે ગઈ અને આખી ઘટના બહાર આવી. મોટી ઉંમરનાં એ માજી વિધવા છે. તેમણે આખી જિંદગી દીકરાને ભણાવ્યો, લગ્ન કરાવ્યાં, સરસ રીતે સંસાર શરૂ કરાવી દીધો અને ગંગા નાહ્યાના આનંદ સાથે રહેવા માંડ્યાં. એક દિવસ દીકરાએ આવીને માની સામે અમુક કાગળ મૂક્યાં. માએ તો ભોળા ભાવે એ કાગળ પર સહી કરી દીધી. થોડા દિવસ પછી મા અને પુત્રવધૂને ઝઘડો થયો અને દીકરાએ માને ઘરની બહાર કાઢી મૂકી. બસ, એ પછી એ ઘરના દરવાજા ક્યારેય ખૂલ્યા નહીં. મા કરગરતી રહી, માફી માગતી રહી, પણ ના, નીંભર દીકરાના કાન સુધી એ અવાજ પહોંચ્યો જ નહીં. બીજું શું કરે એ વૃદ્ધ મા, એ બિચારી તો નીકળી ગઈ ત્યાંથી અને પછી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવવા માંડી. ફુટપાથ પર પડી રહે. ઠંડી, ગરમી અને વરસાદ જેવી સીઝન વચ્ચે બસ તે પોતાના મોતની યાચના કર્યા કરે.
એક દિવસ આ આખી ઘટના એક ભલામાણસની સામે આવી અને તેમણે પેલાં વૃદ્ધાને સમજાવીને કલેક્ટર પાસે મોકલી કે તમે તમારો હક માગો. મા પહોંચી કલેક્ટર પાસે અને તેણે બધી હકીકત કહી. વાત સાંભળીને કલેક્ટરે આદેશ કર્યો કે દીકરો તાત્કાલિક તમામ પ્રૉપર્ટી માને પાછી સોંપે અને પોલીસ એ દીકરા સામે છેતરપિંડી કરવા બદલ કેસ કરે. હવે દીકરો માને હાથેપગે લાગે છે, તે ઇચ્છે છે કે મા બધું ભૂલી જાય, પણ મુદ્દો અહીં એ વાતનો છે જ નહીં કે દીકરાને આત્મજ્ઞાન થયું. મુદ્દો એ છે કે એક સંતાન કઈ રીતે પોતાનાં જ માબાપ સાથે આટલા હીન સ્તરે પહોંચી શકે અને તેમની સાથે આવું અમાનુષી વર્તન કરી શકે?
આ પણ વાંચો: આખું જીવન સંતાનો પાછળ ખર્ચી નાખ્યું તેમને દરવાજે રાહ જોતાં બેસાડી રાખવાં?
ગુસ્સો કે ફ્રસ્ટ્રેશન વચ્ચે માણસ અપસેટ હોય અને થોડી ક્ષણ પૂરતો તે જાત પરથી કાબૂ ગુમાવે એવું બની શકે અને એવું ધારી શકાય, પણ તમારાં માબાપ સતત છ-આઠ-બાર મહિનાથી કરગરી રહ્યાં છે અને એ પછી પણ તમારી અંદર માણસાઈ જાગતી નથી, તમારી અંદર એ પ્રેમ નથી જાગતો, જેના આધારે તમે આજે તમારા આ પગ પર ઊભા છો?! શરમ કરો શરમ.
હું તો કહીશ કે આવાં જે નરાધમ સંતાનો છે તેમની સામે માત્ર સામાજિક સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ કામ થવું જોઈએ અને તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. અનિવાર્ય છે આ.
પોતાની સુવિધા, પોતાની સગવડ અને પોતાની આઝાદીનો વિચાર કરીને જીવનાર આ સંતાનો કેવી રીતે એ ભૂલી શકે કે જો તેના જન્મ સમયે માબાપે આ વિચાર કર્યો હોત તો અત્યારે તે અનાથાશ્રમમાં પડ્યાં હોત. તે એ કેમ ભૂલી શકે કે જો માબાપે પોતાની ઇચ્છા, પોતાની જરૂરિયાતો રોકી ન હોત તો આજે એવી હાલત હોત કે એ લોકો કાંદા-બટાટાની લારી ફેરવીને આમદની કમાતા હોત. તેમનામાં જે ક્ષમતા આવી છે એ માબાપની દેન છે, તેમનામાં આ જે આત્મવિશ્વાસ છે એ પણ માબાપે આપેલી જાગીર છે અને એના પર માબાપનો એટલો જ હક છે જેટલો તમારો પોતાનો હક છે.