20 June, 2023 04:28 PM IST | Mumbai | Manoj Joshi
મનોજ મુન્તશિર શુક્લા
આ વાત લાગુ પડે છે આપણા ભાઈ મનોજ મુન્તશિર શુક્લાજીને, જેણે ‘આદિપુરુષ’ના સંવાદો લખ્યા છે. આજે વાત માત્ર એક પક્ષે નથી કરવી. વાત બન્ને પક્ષે કરવી છે અને એ વાતમાં બન્ને પક્ષની બાજુઓ પણ મૂકવી છે, પણ એ વાતમાં પહેલાં વાત કરીએ ફિલ્મના સંવાદ-લેખકની.
ફિલ્મને અત્યારે જબરદસ્ત રીતે વખોડી કાઢવામાં આવી છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં આ જ જગ્યાએથી કહેવાયું હતું કે નવી વાત, નવા દૃષ્ટિકોણ અને નવી નીતિને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ અને જો એ રાખવામાં આવશે તો જ આપણે નવી દિશામાં આગળ વધી શકીશું. જોકે એ નવી વાત, નવી નીતિ અને નવા દૃષ્ટિકોણને પણ એક મર્યાદા હોવી જોઈએ. એક વાત હંમેશાં યાદ રાખવી કે નવપરિણીત રૂમમાં જઈને કઈ પ્રવૃત્તિ કરવાના છે એના વિશે સૌકોઈ જાણતા જ હોય છે અને એ પછી પણ સંબંધિત આચારસંહિતાને ક્યારેય છોડવામાં નથી આવતી. આ જ વાત અહીં ‘આદિપુરુષ’માં પણ લાગુ પડે છે અને એ સદાય લાગુ પડતી રહેશે.
ભગવાન રામની સામે યુદ્ધ છેડનારા કે પછી મા જાનકીનું અપહરણ કરનારા રાવણ માટે હનુમાજીના મનમાં કેવી-કેવી વાતો આવતી હશે એ કોઈ પણ સમજી શકે છે અને એ પછી પણ બાલાજી ક્યારેય એને શાબ્દિક રીતે રજૂ નથી કરતા કે કરે પણ નહીં એ વાત પણ આપણે જાણીએ છીએ. આ વાત કોઈને કહેવાની પણ જરૂર નથી અને એને શાબ્દિક રીતે રજૂ કરવાની પણ જરૂર નથી, પણ એ રજૂ થઈ અને રજૂઆતના સમયે એ પણ પુરવાર થયું કે લોકોને એ ગમ્યું નથી. જો એવું જ હોય તો પછી હવે બચાવ રજૂ કરવાની જરૂર નથી. બચાવ શું કામ રજૂ નહીં કરવાનો એનો પણ જવાબ આપી દઉં.
સાહેબ, તમે હવે જે કંઈ કહી રહ્યા છો એ બચાવ છે અને ફૅન્સને બચાવ સાથે કોઈ નિસબત નથી હોતી. લેખકશ્રી મનોજ મુન્તશિર શુક્લાએ અત્યારે જે પ્રકારે બચાવ શરૂ કર્યો છે એ બચાવનો હવે કોઈ અર્થ સરવાનો નથી. અત્યારે તો માત્ર એક જ શબ્દને મહત્ત્વ આપવાનું હોય અને કહેવાનું હોય, સૉરી. બસ, વાત પૂરી થઈ. એનાથી કશું વધારે નહીં અને કશું ઓછું પણ નહીં.
લાંબા-લાંબા ખુલાસા અને એ ખુલાસાને લગતા મેસેજ કરીને તમે લોકોને વધારે દુઃખી કરી રહ્યા છો, જેનો તમને કોઈ હક નથી. તમે કસૂરવાર પુરવાર થઈ ગયા છો અને તમારી વાત હવે કોઈ સાંભળવાનું નથી. જો તમને આટલી અમસ્તી વાત પણ ન સમજાતી હોય તો તમારે ચૂપ રહેવું જોઈએ અને બકવાસ કરવા આગળ ન આવવું જોઈએ. નારાજગીના સમય દરમ્યાન કરવામાં આવતા ખુલાસાઓ પણ બેબુનિયાદ પુરવાર થતા હોય છે. અત્યારે એ જ થઈ રહ્યું છે. શુક્લાસાહેબ દ્વારા આપવામાં આવતી એકેએક સ્પષ્ટતા લોકોને વધારે ઉશ્કેરે છે અને અફસોસની વાત એ છે કે વિવાદાસ્પદ ડાયલૉગ્સ ઑલરેડી કાઢી નાખવાનો નિર્ણય પણ લેવાઈ ચૂક્યો છે એ પછીયે આવી ચોખવટો આવી રહી છે. ના, એની કોઈ જરૂર નથી. મોઢું બંધ રાખી ઘરમાં બેસી રહો અને જે ફેરફાર કરવાના છે એ ફેરફાર કરો.