કોરોના કેર : માસ્ક ફરજિયાત થાય ત્યારે પહેરવાનું આપણને સૂઝશે કે પછી નિયમનું પાલન શરૂ કરી દઈએ

27 December, 2022 04:43 PM IST  |  Mumbai | Manoj Joshi

આરોગ્ય મંત્રાલય સ્પષ્ટતા સાથે કહે છે કે કોરોનાની બાબતમાં આપણે ડરવાની જરૂર નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કોરોનાએ દુનિયાભરને ધ્રુજાવવાનું શરૂ કરી દીધું છે અને સાથોસાથ ભારતને પણ ફરી એક વખત વિચારવિમર્શ કરવાની બાબતમાં ગંભીર બનાવી દીધું છે. એવા સમયે પહેલી અને અગત્યની જો કોઈ વાત આવે તો એ કે શું આપણે માસ્ક પહેરવાનું એમ જ શરૂ કરી દઈશું કે પછી માસ્કનો નિયમ આવે, સરકાર દંડ વસૂલવાનું ચાલુ કરે ત્યારે આપણે એના વિશે ગંભીર થઈશું?

સમય આવી ગયો છે કે આપણે કંઈ પણ વિચાર્યા વિના એ બધા નિયમોનું પાલન શરૂ કરી દેવું જોઈએ જે મહામારી ચરમસીમા પર હતી ત્યારે કરતા હતા. શું કામ એવું રિસ્ક પણ લેવું જેમાં આપણે કે પછી આપણી આજુબાજુ રહેતાં સગાંવહાલાંઓ હેરાન થાય અને એ લોકોએ તકલીફ કે પરેશાની ભોગવવી પડે. આજે દેશનાં કેટલાંક રાજ્યો એવાં છે જેણે માસ્કથી માંડીને સોશ્યલ ડિસ્ટન્સના અનેક નિયમ કડક બનાવી દીધા છે, તો જે નિયમોને ભૂલી જવાનું કાર્ય કર્યું હતું એને ફરીથી, નવેસરથી હરોળમાં મૂકી દીધા છે અને આપણે પણ એ જ કરવાનું છે. શું કામ, આપણે બેદરકારી દાખવીને એ જ દિશામાં આગળ વધીએ જે દિશા મોત તરફ ધકેલવાનું કામ કરે છે.

આરોગ્ય મંત્રાલય સ્પષ્ટતા સાથે કહે છે કે કોરોનાની બાબતમાં આપણે ડરવાની જરૂર નથી. સાથોસાથ આ જ વાત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ કરે છે કે ૯૮ ટકા ભારતીય કોરોના સામે લડી લેવાને સક્ષમ છે. ઇમ્યુનિટીથી લઈને બીજી અનેક બાબતમાં આપણે હિન્દુસ્તાની હવે અડીખમ થઈ ગયા છીએ એવું પણ એ કહે છે, પણ સાહેબ, એ કહે છે અને કહેવાયેલા શબ્દો પાછા ખેંચવાની બાબતમાં તેમને કોઈ રોકી શકવાનું નથી, તો પછી આપણે જાતને અને આપણાં સગાંવહાલાંઓને શું કામ રિસ્ક પર મૂકવાનાં? તમે જ કહો, શું કામ આપણે એ વ્યક્તિના જીવને જોખમમાં મૂકવો જેના વિના જીવવું અઘરું છે?

બહેતર છે કે આપણે માસ્કથી માંડીને સોશ્યલ ડિસ્ટન્સના એ તમામ નિયમોનું પાલન કરીએ જે નિયમોનું અગાઉ પાલન કરવાનું કહેવામાં આવતું હતું. આજે ઍરપોર્ટ પર ચેકિંગ શરૂ થઈ ગયું છે તો સામાન્ય શરદી-ઉધરસમાં પણ એવું કહેવાનું શરૂ થઈ ગયું છે કે જઈને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી લો. મતલબ કે એ જ દિવસો ફરીથી દેખાવા લાગ્યા છે જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. બહેતર છે કે આપણે માટે નિયમ બને એ પહેલાં જ આપણે કેટલાક સ્વૈચ્છિક નિયમો બનાવીને ફરીથી એ જ રીતે વર્તીએ જે રીતે અગાઉ વર્તી ચૂક્યા છીએ. શરમ રાખવાની જરૂર નથી. બીજાનો વિચાર કરવાની પણ જરૂર નથી કે તે શું બોલશે. આપણે માટે તો એક જ વાત અગત્યની છે કે આપણે સુરક્ષિત રહીએ અને આપણાં સગાંવહાલાંઓ સુરક્ષિત રહે. આપણે માટે એટલું જ મહત્ત્વનું છે કે આપણું કોઈ વહાલસોયું અહીંથી જાય નહીં અને આવતાં ૧૦ વર્ષ સુધી આપણે એ જ રીતે જીવીએ જે રીતે આપણે પાંચ વર્ષ પહેલાં જીવતા હતા. 

મહામારીને નાથવા માટે જો સૌથી અગત્યનું કંઈ હોય તો એ છે સમજદારી. સમજદારીનો અભાવ જ મહામારીને મોટી કરવાનું કામ કરે છે અને એ કામ આ વખતે કોરોનાને કરવા નથી દેવાનું. ભૂલતા નહીં, જરાય નહીં.

columnists manoj joshi coronavirus covid19