23 December, 2022 04:22 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
છેલ્લા ત્રણેક દિવસથી સતત ન્યુઝ આવી રહ્યા છે કે કોરોનાએ નવેસરથી પોતાની માયા દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ ન્યુઝ વાંચ્યા પછી બહુધા લોકોને એની ગંભીરતાની સમજણ આવી છે, તો અમુક એવા પણ છે જેઓ બેદરકારી સાથે આ વાતને, આ સમાચારને અને વિશ્વમાં નવેસરથી આકાર લેતી આ મુશ્કેલીને હસી કાઢે છે, પણ એવી ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ વખતે તમે જોયું હોય તો આ આખો પ્રશ્ન બીજે ક્યાંય નહીં, પણ ચાઇના જેવા દેશમાં જ ઊભો થયો છે, જે દેશને કોરોના વાઇરસનો જનક માનવામાં આવે છે. આજે ચાઇનાની હાલત એ સ્તરે કફોડી થઈ ગઈ છે કે ત્યાં હૉસ્પિટલો છલકાવા માંડી છે. ડૉક્ટરથી માંડીને મેડિકલ સ્ટાફ સુધ્ધાં કોરોનાની હડફેટે ચડી ગયો છે અને કોરોનાને કારણે ચાઇનાની હાલત ફરી એક વાર એવી થઈ ગઈ છે કે દેશમાં કડક અમલ કરી શકાય એ પ્રકારના લૉકડાઉનની જાહેરાત કરવી પડે.
એક વાત કહેવાની કે ચાઇનામાં ઑલરેડી લૉકડાઉન છે, પણ એ અમુક વિસ્તારોમાં છે. હવે એવા સંજોગો ઊભા થયા છે કે ચાઇના આખા દેશમાં લૉકડાઉન મૂકવા વિશે વિચારણા શરૂ થઈ છે. ચાઇના એકમાત્ર એવો દેશ હતો જ્યાં સૌથી પહેલાં કોરોના વાઇરસ જોવા મળ્યો, એકમાત્ર એવો દેશ હતો જેણે સૌથી પહેલાં લૉકડાઉન લગાવ્યું હતું. કહેવું જ પડે કે ચાઇના એકમાત્ર એવો દેશ હતો જ્યાં લૉકડાઉન અત્યંત ગંભીરતા સાથે અમલી બન્યું હતું અને વિશ્વનો એકમાત્ર એવો દેશ જેણે ચાઇનાની વૅક્સિન શોધી લેવામાં આવી હોય એવા દાવા સાથે વૅક્સિન આપવાનું શરૂ પણ કરી દીધું હતું.
આ પણ વાંચો : હૉલીવુડ કરતાં અનેકગણું મોટું માર્કેટ બૉલીવુડ, છતાં ૧૦૦ કરોડ રૂપિયાની ખુશી?
એ જ ચાઇના અત્યારે ફરીથી એક વાર વૈશ્વિક મહામારીના રસ્તે ભાગતું થઈ ગયું છે તો ચાઇનાની જેમ જ બીજા દેશોમાં પણ કોરોનાના કિસ્સા વધવા માંડ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ આ બાબતમાં આશંકા દર્શાવે છે અને યુનાઇટેડ નેશન્સ પણ કોરોનાની બાબતમાં નવેસરથી ચિંતાગ્રસ્ત છે. કોરોનાએ ફરીથી સૌકોઈને સંદેશ આપ્યો છે કે ‘હું હયાત છું અને મારી હયાતીને તમે ભૂલી ન શકો.’
આ પણ વાંચો : કહેવાનું એ કે એ મીડિયા તમારી ઓળખનું પ્રતીક છે એ ભૂલતા નહીં
આપણે બેદરકાર રહેવું નહીં એ વાત બડી ગંભીરતાથી તમને સૌને કહેવાની છે, કારણ કે આજે પણ કોરોનાની કોઈ દવા શોધવામાં નથી આવી. વૅક્સિન આવી છે, પણ એ વૅક્સિન ક્યાંક ને ક્યાંક માત્ર રોગપ્રતિકારક શક્તિને જગાડવાનું કામ કરે છે. કોરોનાને રોકવાનું કામ તો હજી સુધી કોઈ કરી શક્યું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે સહજ રીતે સૌકોઈએ સમજવાની જરૂર છે કે અત્યારના તબક્કે સૌથી બેસ્ટ જો કોઈ રસ્તો હોય તો એ ચીવટ છે અને ચીવટની વાત જ્યારે પણ આવે ત્યારે આપણને બધાને બેસાડીને કાન આમળવા પડે એવું વાતાવરણ હોય છે.
ફરી એક વાર સતેજ રહેવાનું છે અને ફરી એક વાર એ તમામ નિયમોનું પાલન કરવાનું છે જે નિયમો અગાઉ સરકારે બનાવ્યા હતા. આજે, અત્યારે ભલે એની કોઈ જાહેરાત ન થઈ હોય, પણ એવી જાહેરાત પણ ક્યાં થઈ છે કે કપડાં પહેર્યા વિના કોઈએ બહાર ન આવવું. વસ્ત્ર-પરિધાન એ આપણી સમજણ હોય તો હવે પછી તમામ નિયમોનું પાલન કરવું એ પણ આપણી સમજણ જ છે અને આપણી આ જ સમજણ કોરોનાના નવા વેરિઅન્ટને જાગવા નહીં દે એ પણ યાદ રાખજો.