16 January, 2023 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મીરારોડ-ભાઇંદરમાં બનેલા ભારત રત્ન લતા મંગેશકર નાટ્યગૃહના નિર્માણમાં જેમનો ફાળો વેંત ઊંચો રહ્યો છે એ પરાગ શાહને તમે મળો તો તમને ચોક્કસ એવો વિચાર આવી જાય કે આ માણસ રાજકારણમાં કેવી રીતે હોઈ શકે! હોઈ શકે, જો આગેવાની નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજે લીધી હોય તો. છેલ્લાં થોડાં વર્ષમાં આ દેશમાં જો કોઈ મોટું પરિવતર્ન આવ્યું હોય તો એ કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એવા-એવા સજ્જ્ન લોકો રાજનીતિમાં આગળ આવ્યા જેની આ દેશને આવશ્યકતા હતી, જરૂર હતી. જે રીતે પરાગ શાહે રિઝર્વ જમીન પર ઑડિટોરિયમ બનાવવાનો વિચાર કર્યો અને કરાયેલા એ વિચારને પહેલાં કલાકારો સામે અને ત્યાર પછી સરકારના લાગતા-વળગતા વિભાગોના સિનિયરો પાસે પાસ કરાવ્યો એ ખરેખર કાબિલે તારીફ વાત છે. મહામૂલી જમીન પર ઑડિટોરિયમ બને એ વાત આજના સમયમાં કોઈ પચાવી શકે એવું પાચનતંત્ર સરકારી અધિકારીઓમાં રહ્યું નથી એવા સમયે આ વાતને સહજ અને સરળ રીતે પચાવડાવવી અને પાચન કરાવ્યા પછી જહેમત સાથે ઑડિટોરિયમ તૈયાર કરવું એ નાની વાત નથી સાહેબ, પણ એ કામ પરાગ શાહે કરી બતાવ્યું. દેશભરમાં આજે ઑડિટોરિયમ તૂટતાં જાય છે અને એટલે જ ખૂટતાં જાય છે.
આ પણ વાંચો : આજે ઉત્તરાયણઃ પતંગ તમને શું શીખવે છે, શું સમજાવે છે એ જાણો છો?
મુંબઈની હાલત તો વધારે કફોડી છે. છેલ્લા દસકામાં માંડ એકાદ ઑડિટોરિયમ નવું આવ્યું; પણ એની સામે તમે જુઓ, કેટલાં ઑડિટોરિયમ બંધ થયાં. એવાં પણ અનેક ઑડિટોરિયમ છે જ્યાં મરાઠી ભાષાઓને પ્રાધાન્ય મળે છે, તો અનેક એવાં ઑડિટોરિયમ પણ છે જેનાં ભાડાં એ સ્તરે પહોંચી ગયાં છે કે નાનો પ્રોડ્યુસર ત્યાં શો કરવા જવાનું વિચારી સુધ્ધાં ન શકે. એવા સમયે ઑડિટોરિયમ આવે, કલાકારોને એક નવું પ્લૅટફૉર્મ મળે એ ખરેખર ગર્વની વાત છે અને આ ગર્વ એવા સમયે અનેકગણું ચડિયાતું બની જાય જે સમયે એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં એક ગુજરાતી સામેલ હોય. પરાગ શાહનો ગઈ કાલે આભાર માન્યો હતો ત્યારે એક કલાકાર તરીકે આભાર માન્યો હતો; પણ આજે એક ગુજરાતી તરીકે, એક કલાભાવક તરીકે હું તેમનો આભાર માનું છું કે તેમણે એક એવું હાઇટેક, અલ્ટ્રા-મૉડર્ન ઑડિટોરિયમ આપ્યું જેની દસકાઓથી જરૂર હતી. બે સ્ટેજ ધરાવતા આ ઑડિટોરિયમમાં ૪૦૦ અને ૮૦૦ એમ અલગ-અલગ બેઠક-વ્યવસ્થા છે તો માઇકથી લઈને ફ્લોર સુધીની દરેક બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઉત્તમ ટેક્નૉલૉજી લાવવામાં આવી છે તો સાથોસાથ શ્રેષ્ઠ ટેક્નિશ્યન પણ ઑડિટોરિયમ સાથે જોડવામાં આવ્યા છે. મારે મન આ ઑડિટોરિયમ એ ચારધામ પૈકી ઉમેરાયેલું એક એવું નવું ધામ છે જ્યાં પગ મૂકતાની સાથે હું પવિત્રતાનો અનુભવ કરું છું અને મારી આ પવિત્રતામાં નખશિખ પ્રામાણિકતા છે. બસ, કહેવાનું માત્ર એટલું કે આ નવાનક્કોર ઑડિટોરિયમ જેવાં અનેક ઑડિટોરિયમ બને અને એ દરેક ઑડિટોરિયમ માટે પરાગ શાહ નિમિત્ત બની મા સરસ્વતી અને દેવ નટરાજના ઉપાસક બની આજીવન કલાકારોનું પીઠબળ બની રહે.