ભેળસેળ અને ભારત : વિકાસ તરફ આગળ વધતા હિન્દુસ્તાનને હવે સત્યના રસ્તે વાળવાનું છે

10 June, 2023 02:10 PM IST  |  Mumbai | Manoj Joshi

મીઠાઈ અને ફરસાણનો પણ જો તમે ત્યાં વેપાર કરવા માગતા હો તો તમે જરા પણ તમારી ઘરની ધોરાજી ન ચલાવી શકો કે ન તો તમે એના સ્ટાન્ડર્ડમાં પણ કોઈ ફરક કરી શકો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે ત્યાં એક બાબતમાં કોઈ જાતની ફિકર કરવામાં નથી આવતી અને એ છે ભેળસેળ. તમે દુનિયાના કોઈ પણ વિકસિત દેશમાં જઈને જુઓ, એ દેશમાં સૌથી વધારે આકરા અને કડક કાયદા જો કોઈ બાબતના હોય તો એ ભેળસેળના મુદ્દે છે. ખાવાપીવાથી માંડીને અન્ય કોઈ પણ બાબતમાં એ ભેળસેળ સ્વીકારવા તૈયાર નથી. સ્વીકારવા તૈયાર નથી અને એ કોઈ કરે એ ચલાવવા પણ તૈયાર નથી. આ જ કારણ છે કે ત્યાં એવી કોઈ હિંમત કરવા પણ રાજી નથી. તમે જઈને જુઓ દુબઈથી માંડીને અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, જર્મની, જપાન જેવા દેશોમાં. તમને બધું જ સ્વચ્છ, સુઘડ મળે અને સાથોસાથ એટલું જ સ્વાસ્થ્યવર્ધક પણ મળે. કોઈ ચીટિંગ નહીં અને નિયમોનું કોઈ ઉલ્લંઘન નહીં. પરવડતું ન હોય તો માણસે નહીં ખરીદવાનું, પણ બજારમાં જે વેચાતું હશે એનું સ્ટેન્ડર્ડ કોઈ કાળે નીચું લાવવાનું નહીં. કેટલી સરસ, કેવી યોગ્ય અને કેવી પ્રજાલક્ષી વાત.

અમેરિકામાં જઈને જુઓ તો તમને ખબર પડે કે દૂધ એક ચોક્કસ ક્વૉલિટીનું જ તમને મળે. મીઠાઈ અને ફરસાણનો પણ જો તમે ત્યાં વેપાર કરવા માગતા હો તો તમે જરા પણ તમારી ઘરની ધોરાજી ન ચલાવી શકો કે ન તો તમે એના સ્ટાન્ડર્ડમાં પણ કોઈ ફરક કરી શકો. અરે, પાણીની બૉટલમાં વપરાતા પ્લાસ્ટિકનાં પણ પોતાનાં સ્ટાન્ડર્ડ છે અને રસ્તા પર વેચાતી પેપરમિન્ટ માટેનાં પણ એક ચોક્કસ સ્ટાન્ડર્ડ છે. એ સ્ટાન્ડર્ડ તમે છોડી ન શકો. આ જે નીતિ છે એ નીતિનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્થાનિક લોકોને ચોક્કસ ક્વૉલિટી સાથેનું ફૂડ મળે છે અને એ જ હોવું જોઈએ.
ભેળસેળની બાબતમાં દુનિયાભરમાં જો કોઈ વગોવાયેલો દેશ હોય તો એ આપણું હિન્દુસ્તાન છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે એ મુદ્દે વધારે આકરા થઈએ અને ભેળસેળને રોકવાની બાબતમાં વધારે સાવચેત બનીએ. ખાસ કરીને ખાનપાનની બાબતમાં ભેળસેળ બંધ થાય એ બહુ જરૂરી છે. કારણ કે આપણા દેશમાં સરેરાશ દરેક ત્રીજો માણસ રોજ બહારનું કંઈ ને કંઈ ખાય છે. નાના એવા વેફર્સના પૅકેટથી માંડીને પીવા માટે પાણીની બૉટલ લેવા જેવી બાબતો આજે લાઇફસ્ટાઇલ બની ગઈ છે ત્યારે એ ચીજવસ્તુ એટલી તો શુદ્ધ હોવી જોઈએ જેટલી એની કિંમત લેવામાં આવે છે. આ જ વાતનું પાલન આજે વિશ્વના એ દેશોમાં થતું રહ્યું છે જે દેશો વિકાસશીલ છે તો સાથોસાથ એ દેશોમાં પાલન થતું રહ્યું છે જ્યાં કાયદા અને કાનૂનનું પાલન ચુસ્તપણે કરવામાં આવે છે. ભેળસેળ અને અશુદ્ધિ માત્ર ત્યાં જ ચાલુ રહ્યાં જ્યાં વ્યક્તિના સ્વાસ્થ્ય કરતાં વધારે મહત્ત્વ સમૃદ્ધિને આપવામાં આવતું રહ્યું અને કમને એમાં હિન્દુસ્તાનનું નામ લેવું પડે.

બેદરકારી અને ભ્રષ્ટાચારના આધાર પર આપણે ત્યાં જે રીતે ભેળસેળ ચાલી છે એ ખરેખર શરમજનક કહેવાય એવી છે. વિદેશમાં આપણી જો કોઈ બાબતમાં સૌથી ખરાબ ઇમેજ હોય તો એ આ જ વાત છે અને એ લોકો જો સૌથી વધારે પ્રાઉડ ફીલ કરતા હોય તો એ પણ તેમની આ જ વાત છે. ભેળસેળ એ ખરેખર તો માનવજીવન સાથે કરવામાં આવતાં ચેડાં છે અને વિકાસની વાતો ત્યારે જ સાર્થક થયેલી પુરવાર થશે જ્યારે આપણે આ ભેળસેળના ભોરિંગમાંથી બહાર આવીશું.

manoj joshi columnists