કોરોના કેર : બોલો જોઈએ, ઘરે બેસવું છે, લૉકડાઉન જોઈએ છે કે પછી સુધરી જવું છે?

26 December, 2022 05:49 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના સામે લડી લેવા માટે આપણે શારીરિક સજ્જ થયા છીએ, પણ એનો અર્થ એવો નથી કે બેદરકારી દાખવીએ એ ચાલશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કોરોનાએ અચાનક દુનિયામાં ઊથલપાથલ મચાવી દીધી છે. જ્યાં જુઓ ત્યાં ફરીથી એની જ વાતો શરૂ થઈ ગઈ છે અને બજારમાં પૅનિક આવી ગયું છે, પણ એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ જ. સરકાર કહેતી હતી કે પ્લીઝ બૂસ્ટર ડોઝ લઈ લો, પણ ના, આપણે તો સુપરમૅન હતા. આપણને કંઈ થવાનું નહોતું એટલે આપણે એ સરકારી અવાજને ગણકાર્યો નહીં. એ બિચારી ગાતી રહી, ગળું ફાડતી રહી અને બધાને કરગરતી રહી, પણ ગણકારે એ બીજું, અમે નહીં.

હવે બૂસ્ટર ડોઝ માટે લાઇન લાગે છે. અનેક સ્ટેટ એવાં છે જ્યાં વૅક્સિન ખાલી થઈ ગઈ છે અને લોકોને પાછા મોકલવા પડે છે. એક સમય હતો કે વૅક્સિન આપવા માટે લોકો બેસી રહેતા અને કાગડો પણ ફરકતો નહીં અને હવે, હવે લોકોને પાછા મોકલવા પડે છે ત્યારે આપણે જ દેકારો કરીએ છીએ કે સરકારની કોઈ તૈયારી નથી. ભલામાણસ, જરાક તો માણસાઈ દાખવો. તમને બોલાવતા હતા ત્યારે તમે જવા રાજી નહોતા અને વણકહ્યે તમે પહોંચી ગયા ત્યારે તમારે થોડું તો માનસિક રીતે તૈયાર રહેવું પડે કે નહીં?

કોરોનાનો કેર ખરેખર વકરી શકે છે અને ફરીથી એક વાર આપણે સૌ જોખમમાં મુકાઈ શકીએ છીએ. કબૂલ કે હવે આપણી ઇમ્યુનિટી વધી છે. કોરોના સામે લડી લેવા માટે આપણે શારીરિક સજ્જ થયા છીએ, પણ એનો અર્થ એવો નથી કે બેદરકારી દાખવીએ એ ચાલશે. ના, જરા પણ નહીં અને કોઈ કાળે નહીં. તમારી બેદરકારી, તમારી જ આસપાસના તમારા સ્વજનને તમે જોખમી અવસ્થામાં મૂકી શકો છો. બહાદુર તમે છો, ઇમ્યુનિટી તમારી સુપરપાવર સમાન છે, પણ એનો અર્થ એવો નથી કે તમારી આસપાસના સૌને એ વાત લાગુ પડે છે.

આ સલાહ એ સૌને લાગુ પડે છે જેની આસપાસ સિનિયર સિટિઝન કે પછી જીવનકાળ દરમ્યાન સાથે રહેવાની હોય એવી બીમારી ધરાવતી વ્યક્તિ રહે છે. આસપાસ પણ અને સાથે પણ. કોરોનાની હિસ્ટરી રહી છે કે લાંબી બીમારી ભોગવતા લોકોને એણે વધારે નુકસાન પહોંચાડ્યું છે એટલે તેમની સાથે રહેનારાઓએ સાવચેત રહેવાનું છે, તકેદારી રાખવાની છે અને સાવધાની માટે જેકોઈ પગલાં લેવાનાં છે એ બધાં પગલાં પણ હોશિયારી કર્યા વિના લેવાનાં છે. 

આ ઉપરાંત આ પગલાં એટલા માટે પણ જરૂરી છે કે જો તમે લૉકડાઉન કે સ્ટ્રિક્ટ નિયમો ન ઇચ્છતા હો. જો કોરોના આકરો થયો અને એણે મરણાંક પર અસર કરી તો સરકાર પાસે કડક નિયમો લેવા સિવાય કોઈ છૂટકો રહેવાનો નથી અને જો એવું બન્યું તો તમે કશું કરી શકવાના નથી. તમે જાણો છો કે મુંબઈ કેવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું છે. હવે એ પરિસ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સંપૂર્ણપણે આપણી છે અને એને માટે આપણે સજાગ થઈને, હોશિયારી કર્યા વિના એ બધા નિયમોનું પાલન કરવાનું છે જે નિયમોનું પાલન બે-અઢી વર્ષ પહેલાં કરતા હતા.

columnists manoj joshi coronavirus covid19 lockdown