11 January, 2023 02:32 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
થોડા સમય પહેલાં એક ડૉક્ટરે ત્રીસ હજાર ફુટ ઉપર ઊડતા પ્લેનમાં પૅસેન્જરને હાર્ટ-અટૅક આવતાં તેનો જીવ બચાવ્યો હતો. એ જ રીતે લેખક અને ડૉક્ટર એવા નિમિત ઓઝાએ પણ થોડા સમય પહેલાં આવું જ કાર્ય કર્યું હતું. ફ્લાઇટમાં અચાનક વાઈ આવવાને કારણે એક પૅસેન્જરની જે કફોડી હાલત થઈ હતી એ ઇમર્જન્સીને તેમણે હૅન્ડલ કરી હતી તો આવા જ બીજા કિસ્સા સુધ્ધાં છે. કહેવાનો ભાવાર્થ એ કે હવે સમય એક નવી કરવટ પર પસાર થવાનો શરૂ થઈ ગયો છે. પહેલાં કરતાં આજના સમયમાં ફ્લાઇટમાં ઉપયોગ કરનારા વધ્યા છે. ફ્લાઇટ્સ પણ વધી છે અને ઍર-રૂટ પણ વધવા માંડ્યા છે. એવા સમયે ટ્રાવેલર્સના હિતમાં ડૉક્ટર ફ્લાઇટમાં હાજર હોય એવું ઍરલાઇન્સ પોતે કોઈ ને કોઈ રીતે અરેન્જ કરે. આપણે તેમને કોઈ બાબતમાં સજેશન આપવાનું કામ તો નથી કરવાનું, કારણ કે એ આપણું કામ નથી, પણ આ કાર્ય કરવાનો સમય તો આવી ગયો છે અને એ કહેવાનો હક તો આપણો છે જ છે.
પાંચેક વર્ષ પહેલાં આફ્રિકાના એક માલેતુજાર બિઝનેસમૅનના ભાઈએ ફૉરેન જતી ફ્લાઇટમાં જીવ ગુમાવ્યો હતો. એ ફ્લાઇટમાં એક પણ ડૉક્ટર ન હોવાને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હાર્ટ-અટૅકની સારવાર મળી નહીં અને માત્ર ૪૦ વર્ષના એ યંગસ્ટરનો જીવ ગયો. ઍરવેઝનો એમાં કોઈ વાંક હતો એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ ભવિષ્યમાં આવું ન બને એ જોવાની તકેદારી રાખવાનું સૂચન તો ચોક્કસ છે.
આ પણ વાંચો : સજેશન સ્વીકાર્ય અને આવકાર્ય, પણ બદતમીઝી કોઈ કાળે બરદાસ્ત કરવી નહીં
સમય આવી ગયો છે કે પહેલેથી જ, ટિકિટ બુકિંગ સમયે જ એવું પ્લાનિંગ થઈ શકે કે ડૉક્ટર ફ્લાઇટમાં હોય. જે ટ્રાવેલ કરવા માગતા હોય કે પછી નિયમિત ટ્રાવેલ કરતા હોય એવા ડૉક્ટરને કૉમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવે કે પછી માત્ર ટૅક્સ પૂરતા જ પૈસા લેવામાં આવે અને તેને ૨૦૦-૩૦૦ પૅસેન્જર સાથે જૉઇન કરવામાં આવે તો એ તમામ પૅસેન્જર માટે બહુ મોટી રાહતના સમાચાર બનશે.
ધારો કે એવું કરવું અસંભવ હોય તો ઍરવેઝ પોતાની ટીમને પણ મેડિકલ ઇમર્જન્સી માટે ટ્રેઇન કરી શકે છે. હાર્ટ-અટૅક આવે એવા સમયે કેવાં-કેવાં પગલાં લેવાં જોઈએથી માંડીને જે પ્રકારની અગાઉ ઇમર્જન્સી ઊભી થઈ હોય એની વિગતના આધારે એવા સમયે શું પગલાં લેવાં જોઈએ એ ઍરવેઝ સ્ટાફને જાણકારી હોય અને એને માટે જરૂરી હોય એ તમામ સામાન પણ ફ્લાઇટમાં હાજર હોય. બહુ અનિવાર્ય કહેવાય એવી આ તમામ સુવિધાઓ છે, કારણ કે હવે ફ્લાઇટ જર્ની એ ઐશ્વર્ય નહીં, પણ આજની ફાસ્ટ લાઇફ વચ્ચે અત્યંત મહત્ત્વની કહેવાય એવી જરૂરિયાત છે. આ જરૂરિયાતમાં જો કોઈનો જીવ જતો હોય તો એ સહેજ પણ લાંછનથી ઓછી વાત નથી.
આ પણ વાંચો : યાદ રહે કે જો આસ્થાનો સ્વીકાર કરશો તો જ શ્રદ્ધા અકબંધ અને અડીખમ રહેશે
ઍરવેઝે સમજવું પડશે કે જ્યારે-જ્યારે પણ નવી ફ્લાઇટ ઉમેરે કે પછી ટિકિટના રેટ ઘટાડે ત્યારે એ ભૂલે નહીં કે વધારે પૅસેન્જર લેવાની લાયમાં પોતે માણસાઈના તોલે આવે એવી સુવિધા કે જરૂરિયાતની બાબતમાં આંખ મીંચવાનું કામ તો નથી કરતીને? કબૂલ કે ટેક્નિકલી એ ક્યાંય દોષમાં નથી, પણ ભલાઈ અને માણસાઈના રસ્તે તો તેમની ચૂક ગણી જ શકાય.