સાઇબર સ્કૅમની નવી શોધ : એ આઇડિયા લાવ્યા કરે, તમે વધુ ને વધુ અલર્ટ થતા રહો

03 April, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે જ મિનિટમાં તમને મેસેજ આવશે કે તમારા અકાઉન્ટની તમામ રકમ છે એ ટ્રાન્સફર થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા સમયથી શરૂ થયેલો સાઇબર સ્કૅમનો આ નવો આઇડિયા જરા ધ્યાનથી સમજવાનો છે. તમને એક દિવસ અચાનક વિડિયો-કૉલ આવશે, કોઈ અજાણ્યા નંબર પરથી. તમે જેવો એ ફોન રિસીવ કરશો કે તરત સામેના છેડે તમને યુપી, બિહાર કે છત્તીસગઢ જેવા રાજ્યની પોલીસ-વર્દી પહેરી હોય એવી વ્યક્તિ જોવા મળશે અને એ વ્યક્તિની પાછળ આપણા દેશનાં રાષ્ટ્ર ીય ચિહ્‍નો લાગ્યાં હોય એવી દીવાલ પણ જોવા મળશે. કહેવાનો ભાવાર્થ એટલો કે તમને એવું જ લાગશે કે ખરેખર એ પ્રદેશના કોઈ પોલીસ-સ્ટેશનમાંથી જ ફોન આવ્યો છે. ભાષા પણ એ પ્રદેશ જેવી જ હશે અને વ્યવહાર પણ એ પોલીસ કરતા હોય એ પ્રકારનો હશે. તમે એ મહાશયને ફોન કરવાનું કારણ પૂછશો એટલે એ વર્દીધારી પોલીસમૅન તમને કહેશે કે તમારા પર પોલીસકેસ ફાઇલ થયો છે, જેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે તમે અન્ય ફલાણા ભાઈના અકાઉન્ટમાંથી પૈસા હડપ કરી લીધા છે. એ નામ ભળતું-સળતું હશે, તમે તેને ઓળખતા પણ નહીં હો. નૅચરલી તમે બચાવ કરશો અને કહેશો પણ ખરા કે તમે તો એ ભાઈને ઓળખતા પણ નથી એટલે એ પોલીસ-કર્મચારી પોતાની કડકાઈ અકબંધ રાખ્યા પછી પણ સહેજ સૉફ્ટનેસ સાથે તમને કહેશે કે બની શકે કે તેમની આ કોઈ ભૂલ હોય, પણ મારે તપાસ તો કરવી પડશે એટલે તમે એક કામ કરો, હું અહીં ઑનલાઇન ચેક કરી લઉં છું કે તમે તેમના અકાઉન્ટમાંથી કોઈ ફન્ડ તમારામાં ટ્રાન્સફર કર્યું છે કે નહીં? આ બધું ચાલતું હશે એ દરમ્યાન એ જ પોલીસ-સ્ટેશનમાં ચાલતી બીજી હરકતો પણ તમને જોવા મળી શકે છે અને જે પોલીસ-કર્મચારી તમારી સાથે વાત કરે છે એ મહાશય પણ કોઈ ત્રાહિતને મા-બહેન સમાણી ગાળ આપતો સાંભળવા મળી શકે છે. અદ્દલોઅદ્દલ પોલીસ-સ્ટેશન જેવો જ માહોલ ઊભો થયો હશે, જે તમને પ્રભાવ િત કરવા માટે જ છે. તે તમારી પાસે તમારા બૅન્ક-અકાઉન્ટની ડિટેઇલ માગશે. એ ડ િટેઇલ માગે ત્યાં સુધીમાં તમે એટલા ગભરાઈ ચૂક્યા હશો, તમે એટલા ટેન્શ થઈ ચૂક્યા હશો અને એટલા પ્રભાવ િત પણ થઈ ગયા હશો કે તમારું નાનું મગજ કામ કરતું અટકી ગયું હશે અને તમે તમારા બૅન્કની તમામ ડ િટેઇલ આપી દેશો. એ કમ્પ્યુટર કે લૅપટૉપ પર તમારી ડ િટેઇલ ફીડ કરશે અને પછી તમને કહેશે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવ્યો હશે એ આપો. તમે એ આપશો અને એવું પણ કહેશો કે સર જોઈ લો, મેં એક પણ પૈસો કોઈનો લીધો નથી. એ મહાશય ઓટીપી એન્ટર કરશે અને પછી તમારો વિડિયો-કૉલ કટ થઈ જશે. બે જ મિનિટમાં તમને મેસેજ આવશે કે તમારા અકાઉન્ટની તમામ રકમ છે એ ટ્રાન્સફર થઈ ગઈ છે.

હા, આ લેટેસ્ટ સ્કૅમ છે અને આ સ્કૅમ મોટા ભાગે યુપીનાં અંતરિયાળ ગામડાંઓમાંથી ચાલે છે. ફિલ્મ માટે પોલીસ-સ્ટેશનનો સેટઅપ ઊભો કરવામાં આવે એ જ પ્રકારનો સેટઅપ ઊભો કરી આ સ્કૅમ ચલાવવામાં આવે છે. તમારે આ સ્કૅમથી ગભરાવાની જરૂર નથી. આવો ફોન જ્યારે પણ આવે ત્યારે તમારે એક જ કામ કરવાનું છે. કહી દેવાનું કે જે ફરિયાદ છે એ ફરિયાદ તમે મારા સિટીના પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દો, હું રૂબરૂ મળીને વાત કરી લઈશ. અહીં વાત પૂરી નથી થતી. તમારે તરત જ તમારા નજીકના પોલીસ-સ્ટેશનમાં પણ આ ઇન્ફર્મ કરી દેવાનું છે અને ફરિયાદ પણ લખાવી દેવાની છે. સ્કૅમર્સ જાતજાતનાં ગતકડાં લાવ્યા કરશે, પણ તમે એ ગતકડાંઓને ઓળખતા જાઓ એ જ તમારી સુરક્ષા છે. સતર્ક રહો, સાવધાન રહો.

columnists life and style manoj joshi