સ્વમાનના ભોગે સમાધાન નહીં : પસાર થતો સમય BJP અને રૂપાલા બન્ને પર જોખમ વધારે છે

04 April, 2024 11:41 AM IST  |  Mumbai | Manoj Joshi

સૌથી સરળ રસ્તો જો કોઈ હોય તો એ રાજ્યસભાનો છે, જ્યાં કોઈ સમાજની પરમિશન લેવા જવાની નથી અને ગુજરાતમાં તો BJP એ સ્તર પર છે જ કે રાજ્યસભાના તેમના ઉમેદવારને ક્લીન સ્વીપ જ મળે.

પરષોત્તમ રૂપાલા

ગઈ કાલે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી નાખ્યું કે સમાધાન ત્યારે જ શક્ય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે. ધીમે-ધીમે આખી વાતે બહુ મોટું રૂપ લઈ લીધું છે. હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે સ્વમાનના ભોગે સમાધાન શક્ય નથી રહ્યું. મુદ્દો એ છે કે ક્ષત્રિયો માટે પણ સ્વમાનની વ્યાખ્યા જુદી છે તો સામે પક્ષે BJP માટે પણ અત્યારના સમયે સ્વમાનની વ્યાખ્યા જુદી છે. પાર્ટી પોતાના ઉમેદવારને બદલવા રાજી ન થાય એ વાત માટે મન મનાવીને બેઠી હતી અને એટલે જ તો ગઈ કાલની મીટિંગ થઈ, પણ એ મીટિંગમાં આવેલા પરિણામ પછી હવે જોવાનું અને વિચારવાનું BJPના પક્ષે આવે છે. પાર્ટીએ નક્કી કરવું પડશે કે આખેઆખા સમાજને દાવ પર મૂકવો કે પછી એક વ્યક્તિની ટિકિટ રદ કરીને આગળ વધવું. હજી સુધી એટલું સારું થયું છે કે ક્ષત્રિયો BJP વિરુદ્ધ કશું કહેતા નથી થયા. તેઓ જ કહે છે કે અમે મનથી, દિલથી BJPની સાથે છીએ અને જો BJP અમારી વાત માને તો હજી પણ અમે તેમની સાથે જ રહેવા માગીએ છીએ.

જો અંગત રીતે આખી વાતને જોવાની હોય અને એ પછી કહેવાનું હોય તો કહેવું પડે કે અત્યારે પૉલિટિકલ સિચુએશન ડિટ્ટો પેલી ગુજરાતી કહેવત જેવી ઊભી થઈ છે : ‘ડોશી મરે તો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય એ નહીં ચાલે’. આજે એક સમાજ આગળ આવ્યો અને એ સમાજની માગણી સ્વીકારવામાં આવી તો આવતી કાલે અન્ય કોઈ આગળ આવે અને એની સામે પાર્ટીએ ઝૂકવું પડે એ કોઈ પણ નૅશનલ પાર્ટી સ્વીકાર્ય ન ગણે, પણ સામા પક્ષે એ પણ સમજવું જ રહ્યું કે સમાજ સામે ક્યારે આવ્યો અને કેવા સંજોગોમાં આવ્યો? પરષોત્તમભાઈનું ભણતર બહુ સારું છે. જો તમે તેમને મળ્યા હો, નજીકથી ઓળખતા હો તો તમને ખબર પણ હોય કે વ્યક્તિગત રીતે તેઓ ખરેખર બૌદ્ધિકતા ધરાવનારી વ્યક્તિ. તેમના મોઢેથી એવી વાત બોલાઈ ગઈ એનું આ પરિણામ આવ્યું છે.

હવે ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારી જ શકાય છે તો સાથોસાથ એ પણ ક્લિયર છે કે જો તેમને ઍક્ટિવ પૉલિટિક્સમાં લઈ જવા હોય તો બીજા અનેક રસ્તા છે જ છે અને BJP એ વાપરી જ શકે. સૌથી સરળ રસ્તો જો કોઈ હોય તો એ રાજ્યસભાનો છે, જ્યાં કોઈ સમાજની પરમિશન લેવા જવાની નથી અને ગુજરાતમાં તો BJP એ સ્તર પર છે જ કે રાજ્યસભાના તેમના ઉમેદવારને ક્લીન સ્વીપ જ મળે. ક્ષત્રિયોએ પરષોત્તમ રૂપાલાના બીજા દરવાજા બંધ નથી કર્યા જે દેખાડે છે કે તેઓ કોઈની ચડામણીથી આગળ નથી વધી રહ્યા. બહેતર છે કે હવે આ વિવાદનો અંત આવે અને વહેલી તકે ક્ષત્રિય સમાજની ઇચ્છા મુજબ આખી વાતનો નિવેડો લાવવામાં આવે. રસ્તા પણ કોઈ બાકી બચ્યા નથી એ પણ નિર્વિવાદ છે. બસ, હવે સમય પસાર ન થાય એ જોવાનું છે, કારણ કે પસાર થતો સમય BJP અને રૂપાલા બન્ને માટે ૧૦૦ ટકા જોખમી પુરવાર થનારો છે.

columnists manoj joshi Parshottam Rupala bharatiya janata party Gujarat BJP