કર્મનું ફળ મળે જ મળે : પ્રશ્ન એ છે કે એ ફળ મેળવવા માટે પરસેવો પાડવા કેટલા રાજી છે?

07 February, 2024 08:16 AM IST  |  Mumbai | Manoj Joshi

યાદ રાખજો, મક્કમતા સાથે આવેલી સફળતા જ કાયમી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સાહેબ, કોઈને મહેનત કરવી જ નથી, ખરેખર. મહેનત કરવામાં જાણે કે તકલીફ પડતી હોય એવો ઘાટ છે અત્યારે. બધાને રાતોરાત અને કલાકમાં થતી હોય તો એક જ કલાકમાં સિદ્ધિઓ પામી લેવી છે; પછી એ કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય. મહેનત કરવા, પરસેવો પાડવા કોઈ રાજી નથી. કોઈને રિસર્ચ કરવું નથી, કોઈને જહેમત ઉઠાવવી નથી. બધાને ગરમાગરમ વડાપાંઉની જેમ પાંચ મિનિટમાં પેટ ભરી લેવું છે અને બે મિનિટમાં બનતાં નૂડલ્સની જેમ નામના ગજવે કરી લેવી છે. અમારા સમયમાં આ પ્રકારની નીતિ હતી જ નહીં.

હું જ્યારે સંઘર્ષ કરતો હતો ત્યારની વાત છે. મારીને, હા, લિટરલી મારીને શીખવવામાં આવતું. મેં કરીઅરની શરૂઆત નાટકથી કરી છે, પણ એ શરૂઆત જો આજના કોઈએ જોવી પડે તો ચોક્કસપણે એ લાઇન છોડીને બીજા પ્રોફેશનમાં પોતાની કરીઅર વાળી દે અને કાં તો ક્યાંય નોકરી શોધીને બેસી જાય. મારું કહેવું એ છે કે તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું છે, તમારે જે ક્ષેત્રમાં ઉપર આવવું છે એ ક્ષેત્રને તમારે માન આપવું પડશે. તમારે એ ક્ષેત્ર માટે લોહી પાડવું પડશે, પરસેવો પાડવો પડશે અને તનતોડ મહેનત કરવી પડશે. આ વાત હું આ કૉલમ વાંચનારાઓને જ કહું છું એવું બિલકુલ નથી. મેં મારા દીકરા ધર્મજ અને રુદ્રને પણ કહ્યું છે અને સતત કહેતો આવ્યો છું કે સફળતા ક્યારેય તાસકમાં નથી મળતી. ક્યારેય કોઈ સફળતા તમને ઘરે મળવા આવતી પણ નથી. સફળતા પાસે તમારે જવું પડે અને સફળતાને તમારે મળવાનો સમય કાઢવો પડે. 

ક્યારે, કયા સમયે અને કઈ રીતે સફળતા તમારા સુધી પહોંચી જાય એનું કંઈ નક્કી નહીં એટલે તમે જો સફળતા ઇચ્છતા હો તો તનતોડ મહેનતની તૈયારી રાખવી પડશે અને એવું કરશો તો અને તો જ તમે એ સફળતાને પામશો. સફળતાને પામવાનો કોઈ શૉર્ટકટ પણ નથી હોતો. ક્યારેય નહીં. સફળતા હંમેશાં લાંબા રસ્તે જ આવે અને આકરી મહેનત પછી જ આવે. સફળતાના રસ્તે તમને એકધારી નિષ્ફળતા મળ્યા કરે એવું બની શકે છે, પણ એવું થાય ત્યારે અપસેટ નહીં થવાનું એ સફળતાની પહેલી શરત છે. સફળતા માટે તમારે તો મહેનત કરતા જ રહેવાની અને દોડતા જ રહેવાનું. આપણે જો દોડતા રહીશું તો જ સફળતા એક સમયે તમને પાસે બોલાવશે, પાસે બેસાડશે અને તમને એની સાથે રહેવાનો જશ આપશે. જોકે આગળ કહ્યું એમ વારંવાર કહેવા માટે હું તૈયાર છું કે મહેનત તો આકરી જ કરવી પડશે અને આંધળી જ કરવી પડશે. જો તમે સહેજ કચાશ રાખી તો સફળતા બીજી જ ક્ષણે બીજાના ગળામાં વરમાળા પહેરાવી દેશે. જો સફળતાને તમે ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ માનતા હો અને એ બીજા સાથે જાય નહીં એવું ઇચ્છતા હો તો તમારે તૈયારી કરવી પડશે કે કંઈ પણ થાય, એ બીજાના ગળામાં વરમાળા ન પહેરાવે અને તમારી સાથે વરે. જ્યારે પણ આ પ્રકારની સફળતા આવી છે ત્યારે એ નક્કર પગલાં લઈને આવી છે અને મક્કમતા સાથે આવી છે અને યાદ રાખજો, મક્કમતા સાથે આવેલી સફળતા જ કાયમી હોય છે.

columnists manoj joshi