મંદિરમાં મારામારી : વારુ ત્યારે કહો જોઈએ, ભાવિકોના આ કૃત્યને ભગવાને કયા ખાતામાં ઉધારવાનું?

02 April, 2024 12:04 PM IST  |  Mumbai | Manoj Joshi

ગઈ કાલે સવારે ડાકોરના રણછોડરાય મંદિરમાં મંગળા આરતી સમયે ગર્ભગૃહમાં જ મારામારી થઈ અને મામલો છેક પોલીસ-સ્ટેશને પહોંચ્યા.

ડાકોર મંદિરની ફાઇલ તસવીર

ગઈ કાલે સવારે ડાકોરના રણછોડરાય મંદિરમાં મંગળા આરતી સમયે ગર્ભગૃહમાં જ મારામારી થઈ અને મામલો છેક પોલીસ-સ્ટેશને પહોંચ્યા. આ એક સમાચાર છે અને એ તમે કાં તો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાંચી લીધા હશે અને કાં તો તમે એ સમાચાર આજે કદાચ ક્યાંક વાંચશો. મુદ્દો એ છે કે તમે મંદિરમાં આવ્યા હતા શું કામ અને કેવા ભાવ સાથે? જો માણસ મંદિરમાં પોતાની જાતને શાંત ન રાખી શકે, જો મંદિરમાં એ પોતાની જાતને પાછળ ન મૂકી શકે, મંદિરમાં પણ એ સહનશીલતા કે સહિષ્ણુતા ન દાખવી શકે તો પછી એવી અપેક્ષા તેની પાસે કયા સ્થળે રાખવાની?
ઈશ્વરને હાથ જોડાયેલા હોય, હજાર હાથવાળાનું મુખારવિંદ તમારી આંખ સામે હોય અને એ પછી પણ જો તમારા મગજનો બાટલો ફાટી જતો હોય તો તમારે માનવું કે તમે જે કરી રહ્યા છો એમાં કદાચ આસ્થાનો અભાવ અને રોજિંદી પ્રક્રિયાનો ભાવ વધારે છે. ભગવાનના ધામમાં ગયા પછી તો માણસ વધારે શાંત થવો જોઈએ. ઈશ્વરની સામે ઊભા રહીને તો માણસના મનોભાવ વધારે ​સ્થિર થવા જોઈએ. મૂર્તિ સામે તો માણસ વધારે લાચાર થવો જોઈએ એને બદલે દર્શન જેવી બાબતમાં વાત છેક બોલાચાલી સુધી પહોંચી જાય અને બોલાચાલી સુધી પહોંચેલી વાત મારામારીને સ્પર્શી જાય એ તો કેવું કહેવાય? આ વાતને હાસ્યાસ્પદ ગણવી કે પછી શરમજનક પહેલાં તો એ સમજવું અઘરું થઈ જાય છે. ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ગઈ કાલે ઘટેલી આ ઘટનાનું આ લખું છું ત્યારે કોઈ વાજબી કારણ સામે નહોતું આવ્યું, પણ એવું કહે છે કે સ્થાનિક લોકો અને બહારથી દર્શન કરવા આવેલા લોકો વચ્ચેનો આ ગજગ્રાહ હતો. ખરેખર મનમાં વિચાર આવે છે કે આંખો બંધ કરો ત્યાં ઈશ્વર એવું ખુદ ભગવાન કહી ચૂક્યા હોય એ પછી પણ મૂર્તિનાં દર્શન માટે કે પછી મૂર્તિનાં વધારે સારી રીતે દર્શન થઈ શકે એવા ભાવથી વાતને વિરોધમાં અને પછી મારામારી સુધી ખેંચી જનારાઓને દૂર-દૂર સુધી વિચાર નહીં આવ્યો હોય કે આ બધું જોઈને રણછોડરાયજી નારાજ થશે?

એક નહીં, હજારો અને લાખો મહાપુરુષો કહી ચૂક્યા છે અને ખુદ ભગવાન સ્વંય પણ દર્શાવી ચૂક્યા છે કે એ ભાવના ભૂખ્યા છે, એને તમારી હાજરી સાથે કે પછી એને તમારા ચડાવા સાથે કશું લેવાદેવા નથી. ચડાવો કરો તો પણ ઈશ્વર તમારા પ્રત્યે એ જ છે અને બે હાથ જોડીને મંદિરની બહાર ઊભા રહી એનું નામ લો તો પણ ઈશ્વર તમારા પ્રત્યે એ જ છે. લાખો અને કરોડો રૂપિયાનું દાન દેનારા પોતાની શ્રદ્ધાને આધીન રહે છે અને મંદિરે ગયા વિના, માત્ર મનોભાવથી શીર્ષ ઝુકાવી ઈશ્વરને યાદ કરી લેનારા પોતાની શ્રદ્ધાને આધીન છે. આ જે આધીનતા છે એ ખુદ ભગવાન પણ સ્વીકારી ચૂક્યા છે ત્યારે આરતી દરમ્યાન ભગવાનના ભાવ સરખી રીતે જોઈ નહીં શકાયાનો આક્રોશ જો કોઈના મનમાં જન્મે તો પહેલાં તો તેણે જઈને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે ઈશ્વરના મુખારવિંદને જોવાની લાયમાં તેણે અજાણતાં જ એ વ્યક્તિને નુક્સાન પહોંચાડ્યું જેનામાં મારો ખુદનો ઈશ્વર વસે છે. એક ઈશ્વરનાં દર્શન માટે ઈશ્વરના બીજા રૂપનું અપમાન કઈ રીતે થઈ શકે, શું કામ થઈ શકે?

વિચારજો અને પછી જાતને જ જવાબ આપજો કે ભગવાન આ કૃત્યને ભાવિકના કયા ખાતામાં ઉધારશે, પુણ્યના ખાતામાં કે પછી અયોગ્ય કૃત્ય દ્વારા થયેલા પાપના ખાતામાં?

columnists life and style dakor