અમેરિકાને ખુલ્લો પત્ર : ભલા માણસ, પારકી પંચાત કરવાને બદલે તું તારું કામ કરને વહાલા

29 March, 2024 11:00 AM IST  |  Mumbai | Manoj Joshi

કેજરીવાલ જેલમાં છે તો એ એના કરમે અને કૉન્ગ્રેસનાં બૅન્ક-અકાઉન્ટ સીઝ છે તો એ પણ એની ભૂલને કારણે

અરવિંદ કેજરીવાલ

ભાઈશ્રી અમેરિકા,
બેચાર દિવસથી તેં કૉન્ગ્રેસ અને કેજરીવાલના મુદ્દે તારો ઓપિનિયન આપવાનું શરૂ કર્યું છે, પણ તારા એ ઓપિનિયનની અમને કોઈ અસર થઈ નથી. અમે અમારી રીતે આગળ વધી રહ્યા છીએ અને અમે એ રીતે જ આગળ વધવાના છીએ. કૉન્ગ્રેસનાં બૅન્ક-અકાઉન્ટ સીઝ થયાં છે, પણ એ અકાઉન્ટ ટૅક્સ ઑથોરિટી દ્વારા સીઝ કરવામાં આવ્યાં છે. એની સાથે દેશની સરકારને કોઈ નિસબત નથી એટલી સાદી સમજ તારા જેવા ભણેલાગણેલા દેશને તો ખબર જ હોય એવું અમે ધારતા આવ્યા છીએ અને આગળ પણ ધારતા રહીશું. તેં સ્ટેટમેન્ટ કરીને પુરવાર કર્યું છે કે તને પણ એવું જ લાગે છે કે આ દેશના દરેક સ્વતંત્ર વિભાગ સાથે દેશની સરકારને સીધો જ સંબંધ છે. સાચું કહું તો વહાલા, તું આવું માને છે એ જાણીને અમને ખરેખર આનંદ થયો. આનંદ એ વાતનો થયો કે તેં પણ હવે સ્વીકારવાનું શરૂ કર્યું કે અત્યારની દેશની પ્રવર્તમાન સરકાર એટલી તો જોરૂકી છે કે એ બધા ડિપાર્ટમેન્ટ પર પોતાનો અંકુશ રાખી શકે છે અને એ અંકુશ તળે એ ડિપાર્ટમેન્ટે કામ પણ કરવું પડે છે. અમેરિકાભાઈ, તું આ જ વિચારધારા સાથે આગળ વધે એવી અપેક્ષા સાથે માત્ર એટલું કહેવાનું કે તારા દેશના મબલક ઇન્વેસ્ટર અત્યારે આ દેશમાં આવીને નાણાં રળે છે. તારા દેશની અઢળક પ્રોડક્ટ અત્યારે આ દેશમાં આવીને પોતાનું માર્કેટ બનાવે છે ત્યારે તારે એ ભૂલવું નહીં કે જો દેશની સરકાર દેશની જ પાર્ટી કે પૉલિટિકલ પર્સનાલિટી સામે પણ કાયદામાં રહીને લાલ આંખ કરી શકે તો તારે ત્યાંથી આવેલી એ કંપનીઓને તો કેવી વલે એ કરી શકે છે. એવું કરવાનું તો અમારા મનમાં દૂર-દૂર સુધી નથી, આ તો જસ્ટ વાત છે.

કેજરીવાલ માટે તને પેટમાં બળતરા શરૂ થઈ એ જાણીને પણ અમને આનંદ થયો કે અમારા એક ચીફ મિનિસ્ટર માટે તમને લાગણી છે. જાણીને ખરેખર આનંદ થયો, પણ દુઃખ એ વાતનું થયું કે બધેબધી કાર્યવાહી પુરાવા સાથે આગળ વધી રહી છે. તમારા જ પાડોશી દેશ એવા કૅનેડામાં રહેલા અમારા ખાલિસ્તાની આતંકવાદી ત્યાંથી સ્ટેટમેન્ટ કરે છે કે કેજરીવાલે અમારી પાસેથી પણ ફન્ડ લીધું છે અને એ પછી પણ તમે એવું કહી રહ્યા છો કે આ આખી તપાસ કોઈ પણ જાતના પૂર્વાગ્રહ વિના થાય. ભાઈ અમેરિકા, તું ક્યાં બેઠો હતો જ્યારે ગોધરા-દુર્ઘટના પછી ગુજરાતના ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરની સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં અને ગુજરાતના અનેક પોલીસ-અધિકારીઓની આ જ  CBIએ અરેસ્ટ કરી હતી? એ સમયે તો ભલામાણસ, તેં એકેય જાતનું સ્ટેટમેન્ટ કર્યું નહોતું. કેમ? ત્યારે તારે મૂંગો મંગળવાર હતો કે પછી કૉન્ગ્રેસની કૂખમાં બેસવાનું પ્રણ લીધું હતું?

જે હોય એ, પણ એટલું તો પાક્કું કે જગતના જમાદાર બનવાનું તને જો ચોવીસે કલાક શૂર ચડેલું રહે છે એ જ શૂર તેં અમારા દેશ માટે વાપરવાનું શરૂ કર્યું એ જોયા પછી એટલું તો થાય છે કે તને પણ વખત આવ્યે એકાદ ઝાટકો આપ્યો હોય તો તું પણ સમજી જાય કે આ નવું ભારત છે, જે હવે માત્ર કહેતું નથી, કરી દેખાડે છે. કેજરીવાલ જેલમાં છે તો એ એના કરમે અને કૉન્ગ્રેસનાં બૅન્ક-અકાઉન્ટ સીઝ છે તો એ પણ એની ભૂલને કારણે. વાલીડા, જરાક તો આખી વાત સમજવાનું કામ કર. ચાલો ત્યારે મળીએ. ફરી તું તારું દોઢડહાપણ વાપરે ત્યારે.
એક જાગ્રત ભારતીય.

columnists life and style manoj joshi arvind kejriwal aam aadmi party