હૅટ્સ ઑફ ભારત: છત્તીસગઢના ચીફ મિનિસ્ટર અને દેશના રાષ્ટ્ર-નેતા કઈ જ્ઞાતિના છે એની ખબર છેને?

11 December, 2023 09:10 AM IST  |  Mumbai | Manoj Joshi

છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નામ ગઈ કાલે જાહેર થયું. નામ સામે જે આવ્યું તેણે ખરેખર અચરજ આપવાનું કામ કર્યું. હવે છત્તીસગઢના ચીફ મિનિસ્ટરના પદે વિષ્ણુદેવ સાય આવશે.

તસવીર: PTI

છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નામ ગઈ કાલે જાહેર થયું. નામ સામે જે આવ્યું તેણે ખરેખર અચરજ આપવાનું કામ કર્યું. હવે છત્તીસગઢના ચીફ મિનિસ્ટરના પદે વિષ્ણુદેવ સાય આવશે. વિષ્ણુદેવ સાય આદિવાસી છે અને બીજેપીએ તેમને સત્તાની બાગડોર સોંપી છે. આ અગાઉ બીજેપીએ એ જ સ્તરનો નિર્ણય લીધો હતો, જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે શોધખોળ ચાલતી હતી. એ સમયે મુર્મુજીની પસંદગી કરવામાં આવી. અહીં વાત છે એ માનસિકતાની છે અને બીજેપી બહુ સ્ટ્રૉન્ગ રીતે દેશની માનસિકતા બદલવાનું કામ કરે છે, જેની અત્યંત આવશ્યકતા પણ છે અને આ જે આવશ્યકતા છે એનો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉપયોગ થતો રહેવાનો છે. તમે જુઓ તો ખરા સાહેબ કે દેશના સૌથી મોટા એવા રાજ્યના ચીફ મિનિસ્ટર પદે એક સાધુ હોય. દેશના વડા પ્રધાન પદે એક એવા નેતા હોય જેણે ઘરબાર છોડ્યાને દસકાઓ વીતી ચૂક્યા હોય. દેશના સર્વોચ્ચ નેતાના પદે એક આદિવાસી મહિલા હોય અને દેશના સૌથી અગ્રીમ અને બ્યુટીની દૃષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવા રાજ્યના મુખ્ય પ્રધાન પણ આદિવાસી હોય. આ જે માનસિકતા છે એ માનસિકતામાં જ રાષ્ટ્રવાદ છે અને આ રાષ્ટ્રવાદમાં જ સર્વોચ્ચ ભાવના છુપાયેલી છે.

ભારતમાં અગાઉ આ પ્રકારની માનસિકતા નહોતી અને એ સૌકોઈએ સ્વીકારવું પડે એવી નગ્ન વાસ્તવિકતા છે. હા, દેશમાં અગાઉ સેક્યુલરિઝમ ફેલાવવાની લાય ભારોભાર હતી અને એ પુરવાર કરવામાં આવતું હતું કે અમે મુસ્લિમોને ક્યાંય પાછળ રાખવા નથી માગતા. મારું માનવું છે કે આ જે માનસિકતા છે એ માનસિકતા નહેરુના કાળથી ખેંચાતી આવતી માનસિકતા છે. જવાહરલાલ નેહરુના કાર્યકાળને પણ જો તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાયા વિના, સમજાયા વિના નહીં રહે કે આવી જ માનસિકતા સાથે તેઓ કામ કરતા હતા અને ક્યાંય પણ દેશનો મુસ્લિમ નારાજ ન થાય એની ચીવટ રાખતા હતા. આ માનસિકતા સામે અંગત રીતે કોઈ વિરોધ ન હોઈ શકે, પણ જો એ માનસિકતામાં ડર અને વોટ-બૅન્કની જ ગણતરી હોય તો એ ભારોભાર ગેરવાજબી વાત છે અને એ અર્થહીન માનસિકતા છે એ સ્વીકાર્યા વિના છૂટકો પણ નથી.

જવાહરલાલ નેહરુના કાર્યકાળથી ખેંચાયેલી આ માનસિકતાને કૉન્ગ્રેસે પણ આગળ ધપાવી અને એ પછીના કૉન્ગ્રેસ-પ્રેરિત પક્ષોએ પણ એને તાણી રાખી, પણ બીજેપીએ એ માનસિકતાને તિલાંજલિ આપવાનું કામ કર્યું અને એ પણ સુપેરે કર્યું છે. આ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રની માનસિકતા હિન્દુસ્તાની વિચારધારા સાથે જોડાયેલી હોય તો એમાં કશું ખોટું પણ નથી અને ગેરવાજબી પણ નથી. આ દેશના સર્વોચ્ચ પદે હિન્દુ આવે એ ખરેખર તો રાજીપો વ્યક્ત કરવાની ઘટના છે અને એમાં પણ જો એ ત્યજી દેનારી જ્ઞાતિમાંથી કોઈ આવે તો એ ઘરે લાપસી મૂકવા જેવી વાત સુખમય વાત છે અને આ સુખમય વાત આપણને ગાંધીજી જ શીખવી ગયા છે. તમે જુઓ, બીજેપીએ આ બન્ને કામ કર્યાં અને એ પણ સર્વોચ્ચ રીતે કર્યાં છે અને એ આગળ પણ કરતી રહે એવી એની પોતાની અંગત માનસિકતા છે. 

બેસ્ટ છે સાહેબ અને આ જે બેસ્ટ કહી શકાય એવી વિચારધારા છે એ વિચારધારાને જ સલામ છે.હૅટ્સ ઑફ બીજેપી અને કૉન્ગ્રેચ્યુલેશન મિસ્ટર વિષ્ણુદેવ સાય.તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં...

columnists manoj joshi chhattisgarh