01 April, 2024 11:19 AM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
આજથી શરૂ થતા નવા ફાઇનૅન્શિયલ યરનો આ જ સૌથી મોટો ટાસ્ક છે. ટાસ્ક પણ છે અને આ જવાબદારી પણ છે. સમય આવી ગયો છે કે હવે સંતાનો પૈસાનું મૂલ્ય સમજે અને એ કામ તમારે કરવાનું છે. પૈસાની વાતો એટલી સહજ બનતી જાય છે. આંકડાઓ એટલા નાના થતા જાય છે અને પૈસા કમાવાની પ્રક્રિયા પણ પ્રમાણમાં સરળ થવા માંડી છે ત્યારે સમય આવી ગયો છે કે આપણે આપણાં બાળકોને પૈસાનું મહત્ત્વ સમજાવીએ અને સાથોસાથ એને એ પણ સમજાવીએ કે પૈસો વાપરવો જેટલો સહજ છે, સરળ છે એટલો જ એ પૈસો કમાવો અઘરો પણ છે અને એ પ્રક્રિયામાંથી બધાએ પસાર થવાનું હોય છે.
હું કહીશ કે આ કામ જેટલું વહેલું શરૂ થાય એ જરૂરી છે. જો તમારું બાળક ટીનેજર હોય અને તેને તમે આ ફાઇનૅન્શિયલ વર્ષમાં પૈસાનું મહત્ત્વ સમજાવવાનું શરૂ કરી દેશો તો તે પૈસાની બાબતમાં પહેલેથી જ ચીવટ ધરાવતી વ્યક્તિ બનશે, જે તેને આખી જિંદગી કામ લાગશે અને તે તમારું આભારી રહેશે. જેટલું મોડું કરશો એટલું એ બાળક દુખી થશે અને એટલું જ એ તમને દોષી ગણે એવું પણ બની શકે છે. પૈસા વિશે જ્ઞાન આપવું, પૈસો વાપરવાની કળા શીખવવી અને સાથોસાથ પૈસો કેવી રીતે બચાવવો એની આવડત પણ બાળકમાં વિકસતી કરવી એ આજના સમયની બહુ અનિવાર્ય કહેવાય એવી આવડત બની ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારા બાળકના હાથમાં મૂકેલો પૈસો તે સમજી-વિચારીને વાપરે કે ખર્ચે તો તમારે તેને ટ્રેઇન કરવું પડશે.
યાદ કરો તમારું નાનપણ. તમારા હાથમાં એક રૂપિયો મૂકવામાં આવતો અને કંઈ લઈ આવવા માટે કહેવાતું ત્યારે પાછા આવ્યા પછી તમારી પાસેથી વધેલા ચાર આના લઈ લેવામાં આવતા હતા. એ ચાર આના માબાપે પાછા ન લીધા હોત તો ચાલ્યું હોત. એ ચાર આનાથી તેનો કોઈ દલ્લો લૂંટાઈ નહોતો જવાનો અને લૂંટાયો હોત તો પણ એ તમારું જ હતું અને તમે જ એ લૂંટ્યું છે, પણ ભવિષ્યમાં જ્યારે તમે મોટા થાઓ ત્યારે તમે કોઈ ત્રાહિતને પાઈ-પાઈનો હિસાબ આપો અને એ હિસાબ આપતી વખતે તમને સહેજ પણ રંજ ન હોય કે તમારે આ રીતે હિસાબ આપવો પડે છે એની એ ટ્રેઇનિંગ હતી. આજે એવી નાની-નાની કે પછી કહો કે ઝીણામાં ઝીણી ટ્રેઇનિંગ વ્યવહારમાંથી નીકળી ગઈ છે અને એને લીધે પૈસો છે એના કરતાં વધારે નાનો થતો ગયો છે. પૈસો નાનો ન થવો જોઈએ. પૈસો ક્યારેય નાનો હતો જ નહીં, એને નાનો કરવાનું કામ, પૈસાને નાનો બનાવી દેવાનું પાપ આપણે કર્યું છે અને આપણે અજાણતાં જ એ પાપ આગળ વધારી રહ્યા છીએ. આશા રાખું કે આ ફાઇનૅન્શિયલ વર્ષમાં તમે એ પાપ આગળ વધતું અટકાવો અને તમારાં સંતાનોને પૈસાનું મૂલ્ય સમજાવો. આપો તેના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ અને તેને કહો કે આ ૫૦૦માં આખો મહિનો કાઢવાનો છે અને જે પૈસા ખર્ચાય એની એકેક વિગત પણ તારે લેખિત આપવાની છે. તમે જોજો તેનો ચહેરો. તેને એવું લાગશે કે તમે તેને આ પનિશમેન્ટ આપી છે. આ જ માનસિકતા છે એ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે. જો એ બદલશો તો જ તમારાં સંતાનો પણ પૈસાની માનસિકતા સમજશે અને જે દિવસે તેને એ સમજાઈ જશે એ દિવસે એ જ સંતાનોને પૈસાના વપરાશ અને પૈસાના વેડફાટ વચ્ચેનો ફરક પણ સમજાઈ જશે.