મોબાઇલ-ઍડિક્શન : જો દર દસ મિનિટે પાડોશીની બારીમાં તમારે નજર કરવી પડે તો તમે બીમાર છો

13 February, 2024 11:26 AM IST  |  Mumbai | Manoj Joshi

જો આ જ તમારી હરકત હોય તો બહેતર છે કે તમે ચેતી જાઓ અને શક્ય હોય એ રીતે સેલ્ફ-ડિસિપ્લિન કેળવીને મોબાઇલ કે ઇન્ટરનેટથી દૂર થવાનું કામ કરો.

પ્રતીકાત્મક તસવીર

જો તમે દર ૧૦ મિનિટે એક વાર, કોઈ કારણ વિના, જસ્ટ તમારી જાતને સંતોષ આપવા માટે મોબાઇલ હાથમાં લઈને એમાં નજર કરી લેતા હો; કોઈ મેસેજ ન હોય, નોટિફિકેશન ન હોય, કોઈ જાતનો ટેક્સ્ટ મેસેજ પણ ન આવ્યો હોય અને અગાઉના મેસેજ જોવાના બાકી પણ ન હોય કે પછી ફોન પણ ન કરવાનો હોય છતાં જો તમે ૧૦ મિનિટમાં એક વાર મોબાઇલ હાથમાં લેતા હો તો માની લેજો કે તમે મોબાઇલ-ઍડિક્ટ છો અને જો એવું હોય તો તમારે માટે ખરેખર સમય આવી ગયો છે કે તમે સુધરી જાઓ, તમારા પર કામ કરો અને તમે મોબાઇલની લતમાંથી વહેલી તકે છુટકારો મળે એ દિશામાં પગલાં લો. કારણ કે તમે એક એવી ચીજના પ્રેમમાં પડ્યા છો જેનું કોઈ મૂલ્ય નથી. તમે આભાષી જગત સાથે ચક્કર મારવા માંડ્યા છો અને સાચી દુનિયા આગળ વધતી જાય છે માટે સમયને સમજીને તમે તમારી આ લત છોડવાના પ્રયાસ આજથી જ આરંભી દો.

મોબાઇલ-ઍડિક્શનની સાથે જ ઇન્ટરનેટ-ઍડિક્શન પણ એમાં જોડાયેલું છે.
જો તમે કમ્પ્યુટર કે લૅપટૉપ પર કામ કરતા હો અને જો તમને દર ૧૦ મિનિટે એક વખત મેઇલ-પેજ ચેક કરવાની કે પછી યુટ્યુબ કે અન્ય કોઈ સોશ્યલ મીડિયા સાઇટ પર જઈને એક નજર કરી લેવાની આદત પડી ગઈ હોય તો પણ સાવચેત થઈ જવું. સાયકોલૉજિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે પર્સનલ મેઇલ-પેજ કે પછી યુટ્યુબ કે અન્ય કોઈ સોશ્યલ મીડિયા સાઇટ જ નહીં, ધારો કે તમને અન્ય કોઈ ન્યુઝ પોર્ટલ પર પણ થોડી-થોડી વારે જવાની જો આદત હોય તો એને મોબાઇલ કે પછી ઇન્ટરનેટ-ઍડિક્શન સાથે જ સરખાવી શકાય. કારણ કે તમે એવા કોઈ પ્રોફેશનમાં છો નહીં કે તમારે થોડી-થોડી ક્ષણે ન્યુઝ પર નજર કરી લેવી પડે અને તમે એવા કોઈ કામ સાથે પણ જોડાયેલા નથી કે દુનિયામાં ચાલતી ગતિવિધિઓ પર તમારે નજર રાખવી પડે. બસ, તમને લત છે. એક એવી લત જેમાં તમે દર ૧૦ મિનિટે બારી પાસે આવીને પાડોશીની વિન્ડોમાં નજર કરો છો અને પછી પાછા ચાલ્યા જાઓ છો. બારી પાસે આવવું ખોટું નથી, જરા પણ ખોટું નથી, પણ જો તમને એમાંથી પાડોશીનું ઘર જોવાની આદત પડી હોય તો એ બહુ ખરાબ છે અને એટલું જ ખરાબ છે થોડી-થોડી વારે ઇન્ટરનેટ પર જવું.

જો આ જ તમારી હરકત હોય તો બહેતર છે કે તમે ચેતી જાઓ અને શક્ય હોય એ રીતે સેલ્ફ-ડિસિપ્લિન કેળવીને મોબાઇલ કે ઇન્ટરનેટથી દૂર થવાનું કામ કરો. કામસર તમે એ પ્રક્રિયા કરતા હો તો પણ પ્રયાસ કરો કે તમારા કામ પૂરતી જગ્યાએ જ ચક્કર મારીને તમે બહાર આવી જાઓ. કબૂલ કે સમય આવી ગયો છે કે અડધી દુનિયા મોબાઇલ પર આવી ગઈ છે અને અડધું જગત ઇન્ટરનેટ પર પથારી પાથરીને બેસી ગયું છે, પણ તમારી એવી કોઈ આવશ્યકતા છે કે નહીં એ તો તમે જરા ચકાસો. જરૂર નથી એવા સમયે તમે આ કૃત્ય કરીને તમે તમારા સમયની બરબાદી કરો અને સૌથી અગત્યનું કે તમે તમારા ફોકસને પણ ડિસ્ટર્બ કરી રહ્યા છો. 

બહેતર છે કે જાતમાં સુધારો લાવો અને આ ભયાનક લતમાંથી બહાર નીકળો.

columnists manoj joshi