14 January, 2023 09:30 AM IST | Mumbai | Manhar Udhas
પ્રતીકાત્મક તસવીર
આમ તો આજના દિવસે તમને કહેવાનું એ હોય કે પતંગ ચગાવતી વખતે એટલું ધ્યાન રાખજો કે મૂગાં પક્ષીઓ કે પછી અન્ય કોઈ જીવને હાનિ ન પહોંચે. તહેવારો ઊજવવાના જ હોય અને ઊજવવા માટે જ તહેવારો બન્યા છે એટલે એવું બિલકુલ નહીં કહું કે આજના દિવસે પતંગ નહીં ચગાવતા. પતંગ ચગાવજો, પણ પક્ષીઓનું ધ્યાન રાખજો અને એમનું ધ્યાન રાખતાં-રાખતાં પતંગ દ્વારા કહેવામાં આવતી ફિલોસૉફીને પણ સમજવાની કોશિશ કરજો. બહુ ઉમદા ફિલોસૉફી છે આ તહેવારની, આ પતંગની.
એ ઊંચે જવાનું સમજાવે છે, પણ સાથોસાથ એમ પણ કહે છે કે ઊંચે ગયા પછી પણ ડોર કોઈના હાથમાં રહેવી જોઈએ, નહીં તો તમે છાકટા થઈ જાઓ અને છાકટા થયેલા માણસની અધોગતિ નક્કી જ હોય. તે નીચે જ આવે અને તમે જોયું હશે કપાઈને કે પછી હાથમાંથી છૂટીને પતંગ જમીન પર આવે ત્યારે એને લેવાવાળો વર્ગ કેવો હોય છે? જો છાકટા થઈ જશો તો તમે એ સ્તરના લોકોના હવાલે થઈ જશો. આથી પતંગ કહે છે કે ડોર કોઈના હાથમાં રહે અને તે કોઈ પણ એવું હોય જેનામાં સમજણ હોય, ધૈર્ય હોય અને જેનામાં દુરુપયોગ કરવાની ભાવના ન હોય.
પતંગ જ સમજાવે છે કે જો ઊંચાઈ પર જવું હોય તો બધા વચ્ચેથી સુરક્ષિત પસાર થતા જવું પડશે અને એનો તમે લાખ પ્રયાસ કરો તો પણ કોઈની ને કોઈની સાથે પેચ લાગી જ જાય. પેચ લાગે ત્યારે ઘર્ષણ પણ જન્માવે અને એ ઘર્ષણ તમને નબળા પણ પાડે. નબળા પડશો તો નહીં ચાલે. નબળા પડ્યા તો તમે હવારૂપી પરિસ્થિતિના હવાલે જશો અને એ હવાલે ગયેલાને કોઈ રોકી કે અટકાવી નથી શકતું. બહેતર છે ઘર્ષણની ઘડી આવે ત્યારે લડી લેવાની ભાવના સાથે ઊડતા રહેજો અને પૂરી મહેનત, પૂરી ખંત અને પૂરી જવાબદારી સાથે લડી લેજો. પેચ લાગેલો પતંગ હાથ પર કાપા કરી જાય. આ જે કાપા છે એ દેખાડે છે કે સંઘર્ષ થાય એવા સમયે માત્ર સામેના પક્ષને જ નહીં, તમારા પક્ષને પણ નુકસાન થઈ શકે છે. સાચો વિજેતા એ કે જે તમામ પ્રકારના સંઘર્ષ પછી પણ લડવા માટે અડીખમ રહે છે. અહીંથી જ કપાયેલી પતંગની ફિલોસૉફી શરૂ થાય છે.
સાચો લડવૈયો અને સાચો વિજેતા એ જે અડીખમ રહી મળેલી હારને ભૂલીને નવેસરથી મેદાનમાં ઊતરવા માટે આવી જાય છે. મેદાનમાં આવી પણ જાય છે અને નવેસરથી જંગ માટે તૈયારીઓ પણ કરે છે. પતંગની પોતાની જે ફિલોસૉફી છે એ પણ સમજવા જેવી છે. સફળતા ક્યારેય સ્થિર નથી રહેતી. એ ચંચળ છે અને હંમેશાં ઉપર-નીચે કે ડાબે-જમણે સરક્યા કરે છે. સફળતાને સાચવી રાખવા માટે સતત મહેનત કરતા રહેવી પડે. જો તમે નિરાંતે બેસી જાઓ તો પણ તમારી સફળતારૂપી પતંગ છે એ કોઈના હાથમાં ચાલી જશે અને જો તમે એ પતંગને સાચવી રાખવાની જહેમત પણ નહીં લો તો પણ એ અન્ય કોઈના ખાતામાં સામેલ થઈ જશે.
આજના ઉત્તરાયણના દિવસે પતંગ સફળતાપૂર્વક ચગાવો અને જીવનમાં પ્રાપ્ત થનારી સફળતાને પતંગની જેમ જ જતન સાથે સંભાળી રાખો એવી શુભેચ્છા.
લેખક ગુજરાતી, મરાઠી, હિન્દી એમ ત્રણ લૅન્ગ્વેજની રંગભૂમિ, ફિલ્મ અને ટીવીસિરિયલના દિગ્ગજ ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. સાંપ્રત વિષય અને માનવીય સંબંધો વિશેના તેમના વિચારો દરરોજ અહીં વાંચવા મળશે. ફીડબૅક માટે તેમનો સંપર્ક કરી શકો છો manoj.joshi@mid-day.com