બૉલીવુડ ખોટા રસ્તે છે, આ બૉલીવુડને ટકાવી રાખવાનું કામ અઘરું છે

18 October, 2024 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ અગેઇન અને ભૂલભુલૈયા 3ના મેકર્સે પૉલિટિક્સ કરવાને બદલે સામાન્ય માણસનું વિચારવાની જરૂર હતી, એક અઠવાડિયે બે ફિલ્મ જોવાના પૈસા તે ક્યાંથી કાઢશે?

સિંઘમ અગેઇન અને ભૂલભુલૈયા 3 ફિલ્મનું પોસ્ટર

૨૦૨૪ના વર્ષમાં હું તો હવે ખાસ કોઈ આશા જોતો નથી. નસીબજોગે ‘સ્ત્રી 2’ ચાલી ગઈ અને ફિલ્મ પણ સારી હતી. આ એક ફિલ્મને બાદ કરતાં આપણું બૉલીવુડ હવે કંઈ ઉકાળે એમાં માલ નથી. દિવાળીએ ‘સિંઘમ અગેઇન’ આવે છે ત્યારે આજે પહેલી ફિલ્મ ‘સિંઘમ’ રીરિલીઝ કરીને બધાને બાજીરાવ સિંઘમના ઑરામાં લાવવાની ટ્રાય થવાની છે. ટિકિટના ભાવ ૧૦૦ રૂપિયા રાખ્યા છે, પણ જોઈએ રિસ્પૉન્સ કેવો મળે છે. જો સારો રિસ્પૉન્સ મળ્યો તો પણ એ કન્ટેન્ટને રિસ્પૉન્સ મળ્યો છે એવું માનવું રહ્યું.

આજે જ્યારે કન્ટેન્ટનો જમાનો આવી ગયો છે, OTT થ્રૂ દુનિયાઆખીનું કન્ટેન્ટ તમારા ટીવી પર આવી ગયું છે ત્યારે તમે શું બનાવો છો એ બહુ મહત્ત્વનું છે. એક હીરો મળી ગયો એટલે કોઈ હિરોઇન તૈયાર થઈ ગઈ અને પછી બસ, પૈસા લગાડનારો આવી ગયો. ફિલ્મ બની ગઈ. આમ ફિલ્મ ન બને. એક વાર સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જઈને જુઓ તો ખરા, એ લોકો કેવી મહેનત કરે છે, કેટકેટલું ધ્યાન રાખે છે. મને તો ઘણી વાર થાય કે આપણા આ બૉલીવુડના બધેબધાને બે વર્ષ સાઉથમાં મોકલી આપીને ત્યાં ટ્રેઇનિંગ લેવડાવવી જોઈએ, જેથી તેમને ખબર પડે કે કામ કેમ થાય અને કેવી રીતે દરેકને ગમે એવી ફિલ્મ બનાવી શકાય.

પહેલાંનો સમય કેવો અદ્ભુત હતો. એ સમયે સ્ટાર એકસાથે બબ્બે ફિલ્મો કરતા. એક જ ફિલ્મ પર ફોકસ કરવાની મેન્ટલિટી ડેવલપ જ નહોતી થઈ અને એ પછી પણ ઑડિયન્સ એ ફિલ્મ જોઈને ખુશ થઈ જતું. અરે, એક ને એક ફિલ્મ બબ્બે અને ત્રણ-ત્રણ વાર જોવા આવતા; સીટી પડતી, પૈસા ઊડતા, ગીતો માટે કૅસેટ ખરીદાતી. એ જે જાહોજલાલી હતી એ બૉલીવુડની મહેનતનું પરિણામ હતું. બધા એકબીજાથી ચડિયાતું કામ કરીને દેખાડવા માગતા હતા, પણ હવે આજે તો આલિયા ભટ્ટ હા પાડી દે એટલે ‘જિગરા’ બની જાય અને રાજકુમાર રાવની ડેટ્સ હોય એટલે ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો’ બની જાય. એક વાત યાદ રાખજો કે તમે ઑડિયન્સને મૂર્ખ ન બનાવી શકો. ઑડિયન્સ હૈ, યે સબ જાનતી હૈ.

હું કોઈની પણ શરમ રાખ્યા વિના કહીશ કે સિંગલ સ્ક્રીનના બિઝનેસને તોડવાનો સૌથી મોટો અપજશ જો કોઈને આપવાનો હોય તો આપણા આ ફિલ્મમેકર્સને. વર્ષે માંડ બેચાર સારી ફિલ્મ બને અને એમાં પણ એ લોકોનું પૉલિટિક્સ શરૂ થઈ જાય છે. દિવાળીએ થવાનું જ છેને, ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’ બન્ને એક જ દિવસે રિલીઝ થશે. આવું શું કામ થાય છે, ખબર છે તમને? એવું નથી કે બેઉને પોતાના કન્ટેન્ટ પર ભરોસો છે. એ લોકો ભલે પોતાનાં વખાણ કરે, પણ આ તો પેલી કહેવત જેવું છે : ‘વરનાં વખાણ કોણ કરે, તો કહે વરની મા...’ રિલીઝ પછી બધી ખબર પડી જશે, પણ એ પહેલાં બન્ને મેકર્સને બૉક્સ-ઑફિસ પોતાના નામે કરી લેવી છે.

બે મોટી ફિલ્મ એક જ દિવસે આવે એટલે શોની મારામારી અને પછી ફિગર્સ અનાઉન્સ કરવાની રમતો. તમે જે ઑડિયન્સના આધારે ટિકિટબારી પર આવો છો એ કૉમનમૅનનું તો એક વાર વિચારો. દિવાળીના દિવસો છે એટલે એ ખર્ચા અને એમાં બે મસાલા ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મની રિલીઝ. મોટી ફિલ્મો છે એટલે ટિકિટના ભાવ પણ વધશે (એ નક્કી નથી થયું, પણ મારું અનુમાન છે). સામાન્ય માણસને ફૅમિલી લઈને ફિલ્મ જોવા આવવું છે, પણ એ પૈસા કાઢશે ક્યાંથી? છોકરાઓનાં નવાં કપડાં, તેના ફટાકડા, મીઠાઈઓ, મહેમાન ઘરે આવશે એટલે ખર્ચાઓ અને એ સિવાયના બીજા ખર્ચાઓ તથા એની વચ્ચે બે ફિલ્મ.

બૉલીવુડે આ પૉલિટિક્સમાંથી ખરેખર બહાર નીકળી જવું જોઈએ. પોતાનો અહંકાર, પોતાનું વર્ચસ્વ જ્યાં દેખાડવું હોય ત્યાં ભલે દેખાડે, પણ બૉક્સ-ઑફિસ પર આ પ્રકારની ફાઇટનો કોઈ અર્થ નથી. ફિલ્મ રિલીઝનો ટાઇમ નજીક આવશે એમ-એમ હજી વધારે પૉલિટિક્સ બહાર આવશે. પ્રમોશનમાં પણ પૉલિટિક્સ ચાલશે અને શો માટે પણ મારામારી ચાલશે. એ બધા વચ્ચે અમારી હાલત ખરાબ થવાની એ નક્કી. આવું કરવાને બદલે ધારો કે બન્ને ફિલ્મે એકમેકને રિસ્પેક્ટ આપીને થોડા સમયના ગૅપ સાથે રિલીઝ કરી હોત તો બન્નેને ફાયદો થયો હોત. અગાઉ રોહિત શેટ્ટીએ પણ એ બેનિફિટ લીધો જ છે તો ‘ભૂલભુલૈયા’ના પ્રોડ્યુસરને પણ એ અનુભવ થયો જ છે; પણ હશે, જેને જેમ ઠીક લાગે એમ. જોકે એટલું તો કહેવું રહ્યું કે બૉલીવુડ ખોટા રસ્તે છે. આ બૉલીવુડને ટકાવી રાખવાનું કામ અઘરું છે.

- ‘ખુદાગવાહ’ જેવી યાદગાર અને સુપરહિટ ફિલ્મ પ્રોડ્યુસ કરનારા મનોજ દેસાઈ મરાઠા મંદિર અને ગેઇટી-ગૅલૅક્સીના મૅનેજિંગ ડિરેક્ટર છે.

singham bhool bhulaiyaa box office bollywood news bollywood upcoming movie entertainment news columnists