મણિયારો રાસ કરનારામાં એવું જોમ હોય કે જોનારામાં પણ જુસ્સો આવી જાય

17 December, 2023 01:10 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

ગરબાનાં અનેક ફૉર્મ છે જેમને ઓળખવા, જાણવા, માણવા, સમજવા અને શીખવા તમારે એની પાસે જવું પડે. ગુજરાતમાં આજે મોટા ભાગનાં ફૉર્મ સાથે ગરબા થાય છે અને એ જોવા એ પણ એક લાહવો છે

પ્રતીકાત્મક તસવીર

અત્યારે એક બહુ મોટા પ્રોજેક્ટ પર અમારું કામ ચાલી રહ્યું છે, પણ એના વિશે હમણાં કંઈ કહેવું એ થોડું વહેલું કહેવાય એટલે એ વિશે પછી ચર્ચા કરીશું અને આ વીકમાં આપણે એ જ ટૉપિક આગળ વધારીશું જેની છેલ્લા દોઢેક મહિનાથી વાત ચાલી રહી છે - ગરબા. હમણાં એક વાચકમિત્રે મેસેજ કરીને સવાલ કર્યો કે ગરબામાં પ્રકાર હોય એવું તો ક્યારેય સાંભળ્યું નહોતું, ગરબા એટલે ગુજરાતી ફોક એટલી જ અમને ખબર હતી.

આ આપણી મજબૂરી છે કે આપણે અમુક વિશે વધારે જાણવાની કે સમજવાની કોશિશ નથી કરતા. જે કંઈ કરો, જેટલું પણ કરો એના મૂળ સુધી જવું જોઈએ. જો તમે મૂળ સુધી પહોંચો તો તમને ખબર પડે કે ગરબા એટલે માત્ર ગુજરાતી ફોક નથી. ગુજરાતી ફોકમાં પણ પચાસથી વધારે ફૉર્મ છે અને એ દરેક ફૉર્મની પોતાની વિશિષ્ટતા છે, પોતાની ખાસિયત છે. ગરબા તો એ પૈકીનું એક ફૉર્મ માત્ર છે. અઠિંગો, સૂપડું, સાંબેલું, તલવાર રાસ, ટિપ્પણી, મેર રાસ અને એવા બીજા અનેક ફોક ડાન્સ એવા છે જે આપણા ગરબાનો જ એક પાર્ટ છે. આપણું ગુજરાતનું કલ્ચર એટલું રિચ કલ્ચર છે કે તમે એની કલ્પના પણ ન કરી હોય.

મેર રાસ તરીકે જે પૉપ્યુલર છે એ મણિયારો રાસની પોતાની ઓળખ છે. એ રાસ જેમ-જેમ ચાલતો જાય એમ-એમ એમાં જોમ અને જુસ્સો આવતો જાય. અમે તમને ગૅરન્ટી સાથે કહી શકીએ કે મણિયારો રાસ દરમ્યાન એ જોનારાના શરીરનું લોહી પણ ગરમ થઈ જાય અને તે પણ જોમમાં આવી જાય. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અમે જે એક પ્રોગ્રામ કર્યો હતો એમાં આપણા આ ગુજરાતી ગરબા દરમ્યાન રીતસર લોકોના પગમાં થરકાટ આવી ગયો હતો. અનેક વખત એવું બન્યું છે કે એ શો જોવા માટે ગુજરાતી ગ્રુપ આવ્યું હોય તો એ લોકોએ રીતસર ઊભા થઈને ગરબા કર્યા હોય. મણિયારો રાસની તો તાકાત પણ એનાથી ક્યાંય ચડિયાતી છે. મણિયારો રાસ ચાલતો હોય એ વખતે રીતસર ધરતી ધ્રૂજતી હોય. જો સાચો મણિયારો રાસ રમનારી મંડળી આવી ગઈ હોય અને સ્ટેજ પર રાસ કરવાનો હોય તો મંડળીના સંચાલક ઑર્ગેનાઇઝરને પૂછી લે કે સ્ટેજ તૂટશે નહીંને? આ જે પ્રશ્ન છે એ ખેલૈયાઓનું જોમ અને જુસ્સો દેખાડે છે. મણિયારો રાસ પણ ગરબાનું એ જ એક ફૉર્મ છે. હા, આ રાસ મહિલાઓ પર શોભે નહીં, કારણ કે એમાં શૌર્યની વાત છે એટલે એ રાસમાં તાકાત પણ ભરપૂર વાપરવાની હોય છે. અમે તો ઑથેન્ટિક કહેવાય એવો મણિયારો રાસ જોયો છે, જેમાં રાસ રમનારા છોકરાઓ જમીનથી છ-છ ફુટ હવામાં જમ્પ લગાવતા હોય અને એકબીજાને તાળીની કે દાંડિયાની થાપ પણ આપતા જતા હોય. ક્યાંય કોઈની જરાસરખી પણ ભૂલ નહીં અને રાસ દરમ્યાન ક્યાંય કોઈનામાં જરાસરખો થાક પણ દેખાય નહીં.

મેર રાસ તરીકે ઓળખાતા આ મણિયારો રાસની હિસ્ટરી એવું કહે છે કે એ મેર કમ્યુનિટીનો પોતાનો રાસ હતો. બસો-અઢીસો વર્ષ પહેલેથી આ રાસનું અસ્તિત્વ છે. મેર લડાયક પ્રજા છે. પોરબંદર રાજ્યના મહારાજાઓના લશ્કરમાં મેર રેજિમેન્ટ હતી. આ રેજિમેન્ટના સૈનિકો સરહદ પર ચોકી કરતાં-કરતાં પોતાના મનોરંજન માટે મેર રાસ કરતા અને આનંદ મેળવતા. એવું પણ સાંભળ્યું છે કે એક તબક્કે મેર કમ્યુનિટીના બધા પુરુષોને એ રાસ આવડતો. જોકે સમય જતાં હવે એ ઘટવા માંડ્યું અને એની પાછળ આપણું શહેરીકરણ જવાબદાર છે. મેર એટલે કે મણિયારો રાસ આપણે ત્યાં રાષ્ટ્ર ફેસ્ટિવલ દરમ્યાન પણ કરવામાં આવતો હોય છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લામાં જે રાષ્ટ્રીય કાર્યક્રમો થાય છે એમાં મેર રાસનો સમાવેશ ઑલમોસ્ટ દરેક વર્ષે થયો છે. આપણે ત્યાં ગુજરાતી બૅકડ્રૉપની હિન્દી ફિલ્મો હવે બનતી થઈ છે એટલે આવતા સમયમાં આપણને આ મણિયારો રાસ ફિલ્મના પડદે પણ જોવા મળી શકે. હા, ‘હમ દિલ દે ચુકે સનમ’ના કોરસમાં અમુક જે એનર્જીવાળાં સ્ટેપ્સ હતાં એની પ્રેરણા અમને આ મેર રાસ પરથી આવી હતી એવું કહેવું ખોટું નહીં કહેવાય.

આપણી પાસે આપણો પોતાનો ભાતીગળ ઇતિહાસ છે. એવી જ રીતે ગુજરાત પાસે પોતાના ભાતીગળ ડાન્સ પણ છે. જરૂર છે તો એ ડાન્સ સુધી પહોંચવાની. એ બધાં ફૉર્મ આજે પણ છે જ; પણ એ ફૉર્મ જોવાં, જાણવાં અને શીખવાં હોય કે સમજવાં હોય તો તમારે ત્યાં જવું પડે. ગીરના જંગલમાં પણ ગરબા થાય છે, જે ગરબાનું ફૉર્મ જુદું છે. તો એવી જ રીતે કચ્છમાં પણ અલગ-અલગ પ્રકારના ગરબાનાં ફૉર્મનો વપરાશ છે.

આ અને આવી જ બીજી વાતો સાથે હવે આપણે મળીશું આવતા રવિવારે.

Garba navratri columnists