વાદળી શહેર કહો કે જાણે વાદળી મોતી

12 March, 2023 11:52 AM IST  |  Mumbai | Manish Shah

આ શહેરને પ્રેમથી લોકો શોવેન પણ કહે છે. આમ પણ આખા એ નામનો અર્થ મજાનો છે.

કાફલાની ગાડીઓ અને શેફશોવેનના પહાડો.

શેફ એટલે ‘તરફ જોવું’ અને સોવેન એટલે શિંગડાં. અહીં તળેટીમાંથી સામે આવેલી પર્વતમાળા પર એકબીજાથી થોડા અંતરે આવેલી બે ટેકરીઓ દૃશ્યમાન થાય છે જે આપણને કોઈ પ્રાણીનાં બે શિંગડાંનો ભાસ કરાવે છે એટલે શેફશોવેનનું જો રૂપાંતરણ કરવું હોય તો એમ કહી શકાય કે આ પર્વતનાં બે શિંગડાં તરફ જુઓ... look at the horns!

ગયા અઠવાડિયે લખ્યા મુજબ તાજીનમાં બાફેલાં શાકભાજીને ન્યાય આપ્યા બાદ અમે રબાતના પ્રખ્યાત ‘Kasbah of Udayas’ તરફ ચાલી નીકળ્યા. છેક ૧૨મી સદીમાં વિકસાવેલાં આ રહેઠાણોનો સમૂહ એટલે કે આ કસબો મૂળ તો ઉડાયાસ તરીકે પ્રખ્યાત લડવૈયાઓની એક કોમ માટે બાંધ્યો હતો. ત્યારની અનેક રખડુ જાતિઓ સામે લડવા અને પ્રતિકાર કરવા આ કસબાના સ્થળની પસંદગી પણ અનેક પાસાંઓને વિચારીને કરવામાં આવી હતી. એક બાજુ ઍટલાન્ટિકનો દરિયો અને બાકીની ત્રણે તરફથી આ કસબાને આવરી લેતી મજબૂત પથ્થરની દીવાલ ત્યારે અભેદ્ય ગણાતી. હવે તો આ કસબો પણ સમયની સાથે-સાથે આધુનિક થતો જાય છે; પરંતુ એનું મુખ્ય પ્રવેશદ્વાર તો એમ જ મૂળભૂત બાંધણી સાથે, એના મૂળભૂત સ્વરૂપમાં જ સચવાયેલું છે. મજબૂત પથ્થરોની કમાન વચ્ચે આવેલો લાકડાનો જાડો દરવાજો અહીં આવતા પ્રવાસીઓ માટે એક વિશિષ્ટ આકર્ષણ છે. જેવા અંદર પ્રવેશો એટલે તમારું ધ્યાન આકર્ષિત થાય છે આ સુંદર નાનકડાં રહેઠાણોની ગૂંથણી તરફ. ભૂલભુલૈયા જોઈ લો. સાંકડી શેરીઓ અને ગમે ત્યાંથી ડોકાતાં રહેતાં રહેઠાણો. અને હા, બીજી વિશિષ્ટતા છે આખા પરિસરને અનોખું રૂપ બક્ષતો સફેદ રંગ. બધું સફેદ. હવે તો અનેક રહેઠાણો દુકાનોમાં પરિવર્તિત થઈ ગયાં છે; પરંતુ સફેદ રંગોની વચ્ચે ગોઠવાયેલાં રંગબેરંગી પેઇન્ટિંગ્સ, પૉટરી અને આભૂષણોને કારણે સમગ્ર વિસ્તાર એક અલગ જ આભા પામે છે. આમ તો આ કસબો નાનો છે, પરંતુ આમાં જ મહેલ પણ છે અને મસ્જિદ પણ. આ ઉપરાંત મ્યુઝિયમ પણ ખરું. અમને એ જોવાનો સમય નહોતો એટલે અમે તો મુસ્તફાસાહેબ સાથે વાતો કરતાં-કરતાં, તેમના જ્ઞાનનો લાભ ઉઠાવતાં-ઉઠાવતાં જઈ ચડ્યા કસબાને બીજે પાર, જ્યાં આ નાની ગલીઓ નાની-નાની નદીઓ જેમ છેવટે સાગરમાં વિલીન થાય એમ એક વિશાળ ચોકમાં વિલીન થાય છે. યોગાનુયોગ આ ચોક વળી કસબાની અગાસી પણ છે. ચોકમાંથી સામે નજરે ચડે છે નિર્બંધ, નિ:સીમ, અસીમ ઍટ્લાન્ટિક મહાસાગર. છેને કમાલ? છેક બારમી સદીમાં દાખવેલી દૂરંદેશી પર આફરીન-આફરીન. વળી આ કસબાની નીચેની એક અજબ ગોઠવણથી ગામની નદીનું પાણી પણ અન્ડરગ્રાઉન્ડ નહેરોથી કસબામાં પ્રગટ થાય છે એટલે આક્રમણખોરો કદાચ બહારથી ઘેરાબંધી કરે તો પણ રહેવાસીઓને પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.

આગળ લખ્યા મુજબ રબાતને બે દિવસ આપવા જ જોઈએ, પરંતુ અમારે તો મુસ્તફાસાહેબને છોડવા પડ્યા. તેમણે જણાવ્યું કે આ કસબા સિવાય રબાતનાં મુખ્ય આકર્ષણો અહીં આવેલો રૉયલ પૅલેસ અને રાજમહેલની બાજુમાં જ આવેલો હસન ટાવર જે હકીકતમાં તો એક અધૂરી રહી ગયેલી મસ્જિદ છે. છેક બારમી સદીથી આ બાંધકામ એમ જ પડ્યું છે અને અત્યાર સુધી એને આમ જ અધૂરું રહેવા દીધું છે. આ મસ્જિદમાં પણ એક મિનારો છે જેની ઊંચાઈ ૪૪ મીટર છે. આ ઉપરાંત આ મિનારાની સામોસામ આવેલા છે ૩૬૮ અધૂરા રહી ગયેલા થાંભલાઓ એટલે કે મસ્જિદની કૉલમ્સ. જોકે કહેવાય છે કે, અને પછી ફોટોગ્રાફ્સ પણ જોયા, આ અધૂરા બાંધકામનું જ સૌંદર્ય એટલું બેમિસાલ છે કે હવે મસ્જિદ પૂરી કરવાનો પણ સરકારનો કોઈ જ ઇરાદો નથી. વાચકમિત્રો, ખરેખર ક્યારેક આ અધૂરપની મજા પણ માણવા જેવી હોય છે, આનંદ જ કોઈ ઑર હોય છે. કોઈક અધૂરાં સપનાં, કોઈક અધૂરો સંબંધ, કોઈક અધૂરી યાત્રા, કોઈ અધૂરી વાર્તા, કોઈક અધૂરો અનુભવ... કેટલુંય શીખવાડી જાય છે, નહીં? ક્યારેક સાકાર થયેલા કોઈ આકાર કરતાં આવડી આ અધૂરપની મધુરપ વિશેષ નિવડે છે એવો ઘણાનો અનુભવ હશે એ ચોક્કસ. ક્યારેક સફળતા કરતાં નિષ્ફળતા વાગોળવાની મજા જ કંઈક અલગ હોય છે. જખમોને ખોતરી-ખોતરીને ભીતરથી લોહીલુહાણ થવું, ઘવાયેલી લાગણીઓને ધારદાર કરી-કરીને પીડાને આવકારવી અને આ બધામાંથી જ કોઈ પરમ સત્યને પામવું, કોઈક અલગ જ અવસ્થા. જીવનનાં કઠોર સત્યોને પામવાની અને પામીને પચાવવાની પીડાનું સ્વરૂપ, સૌંદર્ય કદાચ અપ્રતિમ હશે, સંપૂર્ણ હશે, કદાચ. એટલે જ અધૂરપનો પણ આનંદ માણીને એની  ઉજવણી કરવી જોઈએ. સત્યમાંથી સત્ત્વ બનવાની પ્રક્રિયા આવી જ હશે કે આ જ હશે, કદાચ. રબાત છોડવાનો સમય થઈ ગયો. થોડા મોડા જ હતા આમ પણ. હજી તો અમારે બીજા અઢીસો કિલોમીટર જવાનું હતું. બપોરના ત્રણ વાગ્યા હતા. મુસ્તફાસાહેબનો આભાર માનીને કાફલો નીકળ્યો. એક ઉમદા વ્યક્તિત્વ, વિદ્વાન વ્યક્તિને મળવાનો આનંદ થયો. ઘણી વાતો અધૂરી રહી, જાણકારી અધૂરી રહી; પરંતુ એ બધું ફરી ક્યારેક. પરમની મરજી હશે તો ફરી રબાતની મુલાકાત કરવી જ છે અને એમાં મુસ્તફાસાહેબનો સંગાથ પાકો. અવાજ, લહેકો, રણકાનું આકર્ષણ તો ખરું જ. અલવિદા મુસ્તફાસાહેબ. ફરી મળીશું.

હવે પછીના અઢીસો કિલોમીટરનું અંતર કાપીને અમારે પહોંચવાનું હતું મૉરોક્કોના ‘બ્લુ પર્લ’ તરીકે વિખ્યાત અને જેનું નામ ઉચ્ચારવામાં જ જીભના લોચા વળવા લાગે એ ‘શેફશોવન’ (Chefchaouen) શહેરમાં. અહીં અમારું રાત્રિરોકાણ પણ હતું. અમે રબાતથી ઉપર ઉત્તરમાં આગળ વધી રહ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ જિબ્રાલ્ટરની સામુદ્રધુની તરફ. આ શેફશોવન શહેર રૉક ઑફ જિબ્રાલ્ટરની સૌથી નજીક આવ્યું છે. સમુદ્રની સપાટીથી લગભગ બે હજાર ફુટની ઊંચાઈએ આવેલું આ એક પર્વતીય સ્થળ છે. રબાત છોડીને લગભગ દોઢસો કિલોમીટર આગળ વધો એટલે ‘રીફ’ પર્વતમાળા શરૂ થઈ જાય છે. હવે દરિયો ધીમે-ધીમે દૂર થતો જાય છે અને રસ્તો ઊંચાઈ પકડે છે. રસ્તાની બંને બાજુ પર્વતમાળા શરૂ થઈ જાય છે. અમારો કાફલો સરસ રીતે આગળ વધી રહ્યો હતો, રસ્તો કાપી રહ્યો હતો. સમગ્ર મૉરોક્કોમાં રસ્તાનું બહુ જ મોટું સુખ છે. ખૂબ જ સુંદર રસ્તાઓ. ખાડા-ટેકરાનું નામનિશાન નહીં. આખો દેશ એકદમ જ શિસ્તબદ્ધ છે. આયોજન પણ અવ્વલ દરજ્જાનું. ઠેર-ઠેર સુંદર યુનિફૉર્મ પહેરેલી પોલીસને જોઈને જ તમારી ચિંતા અડધી થઈ જાય. થોડા-થોડા અંતરે નાનાં-નાનાં ગામડાં આવે. અંતરિયાળ રસ્તાઓ પણ એટલા જ સરસ. ચોખ્ખાઈ તો ઊડીને આંખે વળગે એવી. મૉરોક્કોના ઝંડાઓ તો એટલા દેખાય કે ન પૂછો વાત. માટીનાં ઘરોની સુંદરતા કોને કહેવાય એ અહીં આવો તો ખબર પડે. હમણાંથી થોડાં-થોડાં આધુનિક મકાનો બની રહ્યાં છે, પરંતુ મુખ્યત્વે માટીનાં સુંદર ઘરો - ગેરુ રંગની સુંદરતા જ કંઈક ઑર છે. આખું ગામ દીપી ઊઠે. આમ પણ ગામમાં પ્રવેશતાં જ ગતિ ઓછી કરવી પડે ૪૦ કિલોમીટર પર. આરામથી મકાનો નિહાળતાં-નિહાળતાં ગાડી ચલાવો તમતમારે. વચ્ચે-વચ્ચે ઝેલો ઍપ પર કબીરની સૂચનાઓ, યાત્રીઓનાં વાંધા-વચકા-સૂચનો ચાલ્યા કરતાં હતાં. કાફલામાં બધા જ પ્રકારના ડ્રાઇવરો હતા. કોઈ ઝડપથી ચલાવવાવાળા, કોઈક અનુભવી, કોઈક બિનઅનુભવી. સોએક કિલોમીટર ગાડી ચલાવ્યા પછી ચા-પાણી માટે વિરામ લેવાનું નક્કી કર્યું. બધી ગાડીઓ એક પાછળ એક એમ રસ્તા પર આવેલી એક કૅફે પાસે અટકી. જેવા બધા ઊતર્યા કે દલીલો ચાલુ થઈ ગઈ. કોઈને ઝડપ ઓછી લાગતી હતી તો કોઈક આગળની ગાડીથી પરેશાન હતું તો કોઈક ટ્રાફિકના નિયમોની પૂરતી જાણકારી ન હોવાથી અકળાયેલા હતા.  આ કબીરનો પણ આ દેશનો પ્રથમ અનુભવ હતો; પરંતુ તે મગજ પર બરફ રાખીને બધાને સમજાવી રહ્યો હતો, બધાનું સમાધાન કરી રહ્યો હતો. ચા-કૉફી પીવાઈ ગઈ, વૉશરૂમ્સ વપરાઈ ગયા. ગાડી ઊપડી અને મુંબઈથી આવેલી બે બહેનપણીઓ ઉમા અને શ્વેતાની ધીરજ ખૂટી પડી. છેક આઠમા નંબરથી ઓવરટેક કરીને તેઓ પહોંચી ગઈ બીજા નંબરે એટલે કે કબીરની ગાડીની પાછળ. ઉમાને ગાડી ચલાવવાનો બહુ અનુભવ નહોતો. શ્વેતાને અનુભવ ખરો, પરંતુ આ જમણી તરફ ચલાવવાનું તેને થોડું ભારે પડી રહ્યું હતું. આ ઉપરાંત થોડું જોખમ તો ખરું જ. એકાદ જણે તેમની ફરિયાદ કરી અને નામ આવ્યું મારી ગાડીનું, મારું. ગણગણાટ ચાલુ થઈ ગયો કે પાંચ નંબરની ગાડીને હિસાબે પાછળની બધી જ ગાડીઓએ ધીમી ઝડપે વાહનો હંકારવાં પડે છે. બીજા બધાને એટલો મોટો વાંધો નહોતો, પણ મુંબઈની આ તેજતર્રાર છોકરીઓને પડ્યો. હું તો નિર્લેપ જ રહ્યો. તેજ ગતિથી ગાડીઓ ભગાવીને શું કરવું હતું? રાત્રે નવ વાગ્યે પહોંચો કે દસ વાગ્યે શું ફરક પડે છે? આમ જ આગળ-પાછળ કરતાં-કરતાં કાફલો હોટેલ પર પહોંચ્યો રાત્રે સાડાનવ વાગ્યે.

રસ્તામાં સૌથી યાદગાર ક્ષણ કઈ? ચંદ્રોદય જોયો એ ક્ષણ. ઉદય વખતની લાલાશ ધરાવતી ચાંદનીના પ્રકાશમાં ચમકી રહેલી અમારી ગાડીઓ, પર્વતીય વળાંકો  પર ડાબે-જમણે નાચી રહેલી ગાડીઓ અને આ વળાંકોને કારણે ક્યારેક ડાબે તો ક્યારેક જમણે દેખાઈ રહેલો ચંદ્રમા. આંખોને રસ્તે હૃદયમાં ચાંદનીની શીતળતા તો આપણે બધાએ અનેક વાર અનુભવી હશે, પરંતુ કુદરતી પરિબળોના આવા અનુભવો કેમ કાયમ તાજા જ લાગે છે? મન-હૃદય કેમ પુલકિત થઈ ઊઠે છે? રોમ-રોમ કેમ મહોરી ઊઠે છે? પ્રકૃતિમાતાના ખોળામાં જાણે કોઈ નવજાત શિશુ! અઠંગ પ્રવાસીઓને, કુદરત-પ્રેમીઓને પૂછી જોજો. દરેક અનુભવ ગમે એટલી વાર થાય, પરંતુ એનો રોમાંચ અલગ જ રહેવાનો - રોજેરોજ થાય તો પણ. એક સૂરમાં દરેક જગ્યાએથી આ જ વાત આવશે. આ ચંદ્રોદય પણ આમ વિશિષ્ટ અનુભવ રહ્યો. હોટેલ મળવામાં થોડી વાર લાગી, પરંતુ એક વાત સમજાઈ ગઈ. રસ્તાઓ સાંકડા અને પર્વતીય સ્થાન અંધારામાં દેખાતું નહોતું, પરંતુ હવાની તાજગી અને ફૂંકાઈ રહેલા પવનને કારણે કળાઈ રહ્યું હતું કે આ દેશના દરિયાઈ સૌંદર્ય પછી વારો છે હવે પર્વતીય સૌંદર્યનો અને આ શહેર શેફશોવન અમને નિરાશ નહીં જ કરે. અમારી હોટેલનું નામ હતું હોટેલ રિયાદ ઝિરયાબ. રિયાદ એટલે હોટેલમાં પરિવર્તિત કરેલું મોટું મકાન. આ હોટેલ ઠીકઠાક હતી, પરંતુ આખા દિવસના થાકેલા લોકોને શું ફરક પડે? જમ્યા અને પછી સૂતા. વહેલી પડે સવાર. જોકે મારી સવાર તો ખરેખર બધા કરતાં વહેલી પડી ગઈ. સવારે સાડાછ વાગ્યે જ મારી ઊંઘ ઊડી ગઈ. તાજી, ચોખ્ખી હવાનો આ જ તો ફાયદો છે. ચારથી પાંચ કલાકની ઊંઘ પણ પૂરતી થઈ પડે છે. હું બહાર ડોકિયું કરવાનું નક્કી કરી હળવેકથી દરવાજો ખોલીને બહાર નીકળ્યો. હોટેલનું જ ગાર્ડન હતું એટલે ગાર્ડનમાં પ્રવેશ્યો. સામે નજર કરી અને વાહ શું દૃશ્ય હતું? વાહ... બ્લુ પર્લ એટલે કે નીલું મોતી, પરંતુ અહીં આ બ્લુનો અર્થ વાદળી રંગ થતો હતો. વાદળી મોતી, મારી નજર સામે? સાચે જ. સમગ્ર સૃષ્ટિમાં આ સમયે વાદળી રંગનું સામ્રાજ્ય હતું. મારી આંખો સામે જ હતાં સમગ્ર નજરને આવરી લેતા પર્વતીય ઢોળાવ પરનાં વાદળી અને સફેદ મકાનો. આહાહાહા...  શું વાત કરું? શું નજારો હતો? વહેલી સવારનું ધુમ્મસ ધીમે-ધીમે વિખેરાઈ રહ્યું હતું. નીચાણમાં રાતવાસો કરવા આવેલાં વાદળાં ધીમે-ધીમે ઘરવાપસી કરી રહ્યાં હતાં. ધુમ્મસી પડદો ધીમેકથી હળવે-હળવે ઊંચકાઈ રહ્યો હતો. અર્ધપારદર્શક, વાદળી પડદાથી આવૃત વાદળી મકાનો ચોરપગલે અનાવૃત થઈ રહ્યાં હતાં. ઉષા વ્યોમ પર ફેલાયેલી હતી, પરંતુ અહીં તો હજી પાંખાં વાદળોનું જ સામ્રાજ્ય હતું જે ધીમે-ધીમે ઊર્ધ્વગતિ કરી રહ્યાં હતાં. આ અલૌકિક સૌંદર્ય પરનો ઘૂમટો જાણે સરકી રહ્યો હતો. હું બગીચાની એક ખુરશી પર ગોઠવાયો અને જોતો રહ્યો, જોતો જ રહ્યો. બીજું કંઈ પણ યાદ નથી. બીના ક્યારે બાજુમાં આવીને ગોઠવાઈ ગઈ ખબર જ ન પડી. આ ઘટનાના હવે અમે બે સાક્ષીદાર હતાં. સમજદાર, સંવેદનશીલ સાથી હોવાનો ફાયદો આવા વખતે સમજાય. પંદરેક મિનિટમાં તો આકાશી તખ્તા પર બધું ભજવાઈ ગયું. તૃપ્ત આંખો, સંતૃપ્ત હૃદય અને શાશ્વત ક્ષણ. નાસ્તો ગોઠવાઈ ગયો હતો અને અહીં અમારી પાસે ફક્ત અડધો દિવસ જ હતો. આટલાં વર્ષોના અનુભવ પછી એટલું તો સમજાઈ રહ્યું હતું કે નજર સમક્ષ જે હતું એ જોતાં અહીં તો બે દિવસ પણ ઓછા પડે એમ હતા. પરંતુ શું કરવું? નિયમ એટલે નિયમ. પ્રવાસની રૂપરેખાને થોડી પડકારી શકાય? ચાલો, થોડા જલદી તૈયાર થઈને નીકળી પડીએ. આ શહેરને પ્રેમથી લોકો શોવેન પણ કહે છે. આમ પણ આખાએ નામનો અર્થ મજાનો છે. શેફ એટલે ‘તરફ જોવું’ અને સોવેન એટલે શિંગડાં. અહીં તળેટીમાંથી સામે આવેલી પર્વતમાળા પર એકબીજાથી થોડા અંતરે આવેલી બે ટેકરીઓ દૃશ્યમાન થાય છે જે આપણને કોઈ પ્રાણીનાં બે શિંગડાંનો ભાસ કરાવે છે એટલે શેફશોવેનનું જો રૂપાંતરણ કરવું હોય તો એમ કહી શકાય કે આ પર્વતનાં બે શિંગડાં તરફ જુઓ... look at the horns!

અહીં પણ અમારો ગાઇડ ખૂબ જ મજાનો હતો. ખુશમિજાજી અને રમતિયાળ, મસ્તીખોર. મને ખૂબ જ ઉત્પાત થઈ રહ્યો હતો. વધારે સમય બગડે એ પોસાય એમ જ નહોતું. થોડી વાર લાગે એમ હતી એટલે હું ગાઇડ સાથે વાતોએ વળગ્યો. થોડો ઇતિહાસ જાણીએ? ઈસવીસન ૧૪૭૧માં પોર્ટુગીઝ આક્રમણને ખાળવા માટે જ આ શહેરની સ્થાપના થઈ હતી. પર્વતીય વિસ્તાર હોવાથી પોર્ટુગીઝો અહીં ક્યારેય ફાવ્યા જ નહીં અને સમય જતાં અહીં વધુ ને વધુ માણસો વસવા લાગ્યા. જોકે મુખ્ય પ્રવાહ ફંટાયો ૧૭મી સદીમાં. સ્થાનિક મુસ્લિમ સમુદાય સિવાય યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને યુરોપિયનો પણ અહીં ઠરીઠામ થવા લાગ્યા. યહૂદીઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે આ શહેરના વિકાસમાં. પછી ભલે એ કોઈ પણ ક્ષેત્ર હોય, યહૂદીઓ અહીં હંમેશાં આગળ જ રહ્યા હતા. એક માન્યતા પ્રમાણે અહીં વસતા યહૂદીઓ પોતાની ધાર્મિક માન્યતા અનુસાર પોતાનાં મકાનોને વાદળી રંગથી રંગતા અને મુસ્લિમો સફેદ રંગથી. એ સમયમાં ઘર રંગવા માટે વાદળી રંગ લોકો હાથેથી જ બનાવતા અને હાથેથી જ ઘરને રંગતા અને એટલે જ કોઈ પણ ઘરના રંગ થોડાઘણા અંશે વાદળીનો અલગ શેડ રજૂ કરતા હોય એવું લાગે. ધીમે-ધીમે વાદળી રંગ આકર્ષક લાગવાથી બીજી જાતિના લોકો પણ વાદળી રંગ વાપરવા લાગ્યા અને પછી તો પ્રવાસીઓના ધસારાને કારણે બધા જ સ્થાનિક લોકો વાદળી રંગ જ વાપરવા લાગ્યા અને આ શહેર પ્રખ્યાત થઈ ગયું વાદળી શહેર કહો કે વાદળી મોતી તરીકે. હજી પણ સફેદ મકાનો છે, ગેરુ રંગનાં મકાનો પણ છે; પરંતુ મોટા ભાગનાં મકાનો તો વાદળી રંગનાં જ છે. નાનકડું શહેર સરસ મજાનું છે; પરંતુ અહીં પણ મુખ્ય આકર્ષણ છે જૂનું શહેર, જૂની બજારો એટલે કે ‘મડીના’. સમગ્ર મડીનાને આવરી લેતા ૧૦ દરવાજા અને દીવાલ કોઈ અભેદ્ય કિલ્લાની ગરજ સારે છે. આ મડીનામાં જ આવેલી છે અહીંની સૌથી મોટી મસ્જિદ અને બીજી ઘણી નાની-મોટી મસ્જિદો. જોકે આ વિસ્તારની વિશિષ્ટતા છે વાદળી, સફેદ અને ગેરુ રંગનાં મકાનો; અલગ-અલગ કળાનાં માધ્યમોથી શણગારેલી સાંકડી શેરીઓ અને હાથબનાવટનો સામાન વેચતી અસંખ્ય દુકાનો. શેફશોવેન મડીના તમારી આંખોને એક વિઝ્યુઅલ ટ્રીટ છે. ફરતા રહો... ફરતા રહો... ફરતા રહો... આંખો થાકશે નહીં એ મારી ગૅરન્ટી. ગ્રીસમાં જેમ દરિયાકાંઠે વસેલું છે સેન્ટોરીની એમ આ દેશ મૉરોક્કોના પહાડોમાં વસેલું છે શેફશોવેન. મૉરોક્કોનું સેન્ટોરીની એવું શેફશોવેન અલૌકિક છે, અદ્વિતીય છે, અજોડ છે, અજાયબ છે, અનેરું છે, અવિચળ છે. આ શહેરની મુલાકાત વગર તમારો પ્રવાસ અધૂરો છે એ નક્કી સમજશો. જુઓ અહીં પથરાયેલી તસવીરો અને તમે જ નક્કી કરો પ્રિય વાચકમિત્રો.

પ્રવાસની વાતો લઈને આગળ વધીશું આવતા અઠવાડિયે.

columnists