માનવજાત એક ત્રિભેટા પર ઊભી છે

31 March, 2024 02:45 PM IST  |  Mumbai | Kana Bantwa

ત્રિભેટાથી બે રસ્તાઓ અલગ પડે છે. એક રસ્તો છે વિચારનો, બીજો છે અવલંબનનો : કયા રસ્તે જવું એના હોશ પણ નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુદ્ધભૂમિ પર લડાઈની વચ્ચે એક સૈનિક ગહન વિચારો કરતો રહે છે. તેના મનમાં એક વાક્ય ઊગે છે : કોગિટો એર્ગો સમ. ફ્રેન્ચ ભાષાના આ વાક્યનો અર્થ થાય છે : હું વિચારું છું એને કારણે મારું અસ્તિત્વ છે. ક્રાન્તિકારી વિચારો યુદ્ધભૂમિ પર જ આવે છે - પછી એ યુદ્ધ બે દેશ વચ્ચેનું હોય, બે વ્યક્તિ વચ્ચેનું હોય, બે સમાજ વચ્ચેનું હોય, બે વિચાર વચ્ચેનું હોય કે એક જ વ્યક્તિની અંદરના દ્વેતનું હોય. મહાભારતના યુદ્ધમાં બન્ને સેનાઓ એકબીજા સામે હાકલા-પડકારા કરી રહી હતી ત્યારે કૃષ્ણના મુખે અદ્ભુત ચિંતન પ્રગટ થયું હતું. પેલો સૈનિક સ્વભાવે વિચારક હતો. જીવનને જાણવા માટે લડાઈમાં જોડાયો હતો. સૈનિક બનતાં પહેલાં પણ સારું કમાતો હતો અને ત્રણ વર્ષ સૈનિક રહ્યા પછી પણ સારું કમાતો રહ્યો. તેના માટે સૈનિકની નોકરી આજીવિકા નહોતી. રેને દેકાર્ત નામનો આ સૈનિક પછીથી મહાન ફ્રેન્ચ ચિંતક તરીકે જાણીતો થયો. તેનું વાક્ય કોગિટો એર્ગો સમ આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને એટલું જ અણઉકેલ છે. દેકાર્ત માનતો કે માત્ર માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે છે.

માનવજાત આજે એક ત્રિભેટા પર ઊભી છે. આ તરફ જવું કે પેલી તરફ જવું એ નક્કી કરવાની છૂટ તેને છે, પણ તે પરવશ છે. અવશપણે તે એક તરફ ધકેલાવા માંડી છે. એ તરફ જવાનો નિર્ણય તેનો પોતાનો નથી. નિર્ણય લેવાની છૂટ છે પણ ક્ષમતા નથી. બેહોશીએ ક્ષમતાને કુંઠિત કરી દીધી છે. ત્રિભેટાથી બે રસ્તાઓ અલગ પડે છે. એક રસ્તો છે વિચારનો, બીજો છે અવલંબનનો. વિચારનો રસ્તો કઠિન છે. એમાં સતત પોતે નિર્ણય લેવા પડશે, કામ કરવું પડશે. અવલંબનનો રસ્તો આરામનો રસ્તો છે. એમાં માણસે યત્ન કરવાનો નથી, આયાસ કરવાનો નથી. કયા રસ્તે જવું જોઈએ એવો પ્રશ્ન નિરર્થક છે, જ્યાં સુધી પ્રશ્નનો મૂળ ઉદ્દેશ પ્રગટ કરવામાં ન આવે.

માણસ સામે અગાઉ ક્યારેય ન હોય એવડો મોટો પડકાર ઊભો થયો છે અને આ પડકાર માણસે પોતે પેટ ચોળીને ઊભો કર્યો છે. માણસને પોતાની બુદ્ધિ ઓછી પડતી હતી એટલે કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બનાવી રહ્યો છે અને આ કૃત્રિમ બુદ્ધિ જ માણસજાત સામે પડકાર ઊભો કરી રહી છે. ના, તમે વિચારો છો એવી કથા માંડવાનો અહીં ઉપક્રમ નથી. AIની વાર્તા માંડવી નથી કે નથી એના ફાયદા કે ગેરફાયદા ગણાવવા. વાત કરવી છે માણસ કયો રસ્તો પકડશે એની.

વિચાર છે એટલે માણસ છે. માણસ વિચારવાનું જ બંધ કરી દે તો? માણસને સતત વિચારતા રહેવાની ટેવ છે. ચિન્તયામિ સતતં, ભતૃહરિ કહી ગયા છે. જોકે તેણે ‘હું સતત વિચારતો રહું છું’ એવું આ વાક્ય અલગ જ પરિપ્રેક્ષ્યમાં કહ્યું હતું એ જુદી વાત છે. માણસ જે કંઈ જુએ, જાણે કે અનુભવે એના વિશે વિચાર્યા વગર રહી શકે નહીં. એ શું છે, શા માટે છે, કેવું છે, ક્યાંથી આવ્યું છે, એનું કારણ શું છે, એના ઉદ્દેશ શું છે, એનાથી ખતરો કેટલો છે, એનાથી ફાયદો કેટલો છે એવાં અનેક સમીકરણો માણસ એક ચીજને જોઈને ક્ષણમાત્રમાં વિચારી કાઢે છે. તેને વિચારવા માટે આદેશ આપવો પડતો નથી. જેની જેટલી બુદ્ધિ એટલું તે વિચારે. ખરતો તારો જોઈને કોઈ આદિવાસી એને કુદરતનો ચમત્કાર માને, કોઈ સામાન્ય માણસ એને રોમાંચક અવકાશી ઘટના તરીકે જુએ, કોઈ વિજ્ઞાની એને પૃથ્વી તરફ ધસી આવતા ઉલ્કાપિંડ તરીકે સમજે અને કોઈ ચિંતકના મનમાં એ ખરતો તારો જીવન-મરણની ફિલસૂફીનું વિચારવલોણું ચલાવે. જેની જેટલી ક્ષમતા એટલા વિચાર તેને આવે, પણ આવે ખરા. માણસ વિચારશૂન્ય થઈ ન શકે, રહી ન શકે. જો વિચારશૂન્ય થઈ જાય તો વેજિટેબલ, ભાજીમૂળો બની જાય.

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં માણસ વિચારતાં શીખ્યો. વિચાર નામના શસ્ત્રથી જ વિશ્વવિજેતા બન્યો. વિચારથી જ પ્રાણીમાંથી તે માનવી બન્યો. હવે વિચારવાનું કામ મશીનને સોંપવા જઈ રહ્યો છે માણસ. બે વર્ષ પહેલાં તમારે એક સરસ બિઝનેસ-પ્રપોઝલ લખવી હોય તો તમે શું કર્યું હોત? નિરાંતે વિચારીને, સમય લઈને વારંવાર મઠારીને લખ્યું હોત. અત્યારે શું કરો? ChatGPT ખોલશો, બિઝનેસ-પ્રપોઝલના લૂઝ મુદ્દા એમાં નાખશો, થોડી સેકન્ડમાં જ એક સરસ રીતે ડ્રાફ્ટ થયેલી બિઝનેસ-પ્રપોઝલ તમારી સામે હશે. તમને લાગે કે હજી વધુ આર્થિક ભાષાની જરૂર છે તો ChatGPT કહેશે, જરૂર મેરે આકા... અને એ બિઝનેસ-પ્રપોઝલની ભાષા વધુ આર્થિક થઈ જશે. તમને એમ થશે કે આને જરા સાહિત્યિક બનાવવી છે તો ChatGPTને આદેશ આપશો એટલે પળવારમાં એને સાહિત્યિક બનાવી દેશે. તમને લાગે કે જેને મોકલવી છે તેને કવિતા પસંદ છે તો કાવ્યાત્મક બનાવી દેશે.

તમે પૂછશો કે આમાં ખોટું શું છે? કશું જ ખોટું નથી. બિઝનેસ-પ્રપોઝલ સારી બને એમાં પણ સમસ્યા એ છે કે તમને વિચારવાનો મોકો ન મળ્યો. તમે કહેશો કે વિચારવું ન પડ્યું એમ કહો. એ ઝંઝટ ઓછી થઈ. એક વ્યક્તિ તરીકે તમારા માટે આ ઝંઝટ મટી એ સારી બાબત છે. આવી ઝંઝટ ઘણા માણસોએ ન કરવી પડે એ પણ ખરાબ નથી, પણ લાંબા સમયે વિચારવાની આદત જ છૂટી જશે એ ગંભીર બાબત છે. આજે વિદ્યાર્થીઓ હોમવર્ક AI પાસે કરાવી લેવા માંડ્યા છે. AI અદ્ભુત જવાબ તૈયાર કરી આપે એ ખરાબ ન કહેવાય, પણ હોમવર્ક કરાવવાનો ઉદ્દેશ શું હતો? વિદ્યાર્થી પોતે પોતાની રીતે વિચારે, પ્રયત્ન કરે, એના માટે વાંચે એ ઉદ્દેશ હતો. જવાબ ઉદ્દેશ નહોતો. માણસની બુદ્ધિ વિચારવાથી વધે છે, વાદવિવાદથી બુદ્ધિ ઘટે છે એવું સુભાષિત છે. માણસનું મગજ આપાતકાલીન સ્થિતિમાં જ સૌથી સારું કામ આપે છે. જ્યારે કોઈ રસ્તો ન હોય ત્યારે મગજ સાવ આઉટ ઑફ બૉક્સ રસ્તા વિચારી લે છે.

નવી પેઢીને વિચારવાની તક જ ઓછી આપવામાં આવી રહી છે. તેનું એક્સપોઝર ઘટી રહ્યું છે. AI જેમ-જેમ સક્ષમ બનતી જશે તેમ-તેમ માણસની વિચારવાની અનિવાર્યતા ઓછી થતી જશે. ભણવું પણ અનિવાર્ય નહીં રહે. માણસ શા માટે ભણે છે? જ્ઞાન માટે? સમજણ માટે? કારકિર્દી માટે? સફળ થવા માટે? AI જ્યારે અત્યંત શક્તિશાળી બની જશે ત્યારે આજનું ભણતર વ્યર્થ બની જશે. કાં તો માણસે નવી જ એજ્યુકેશન સિસ્ટમ બનાવવી પડશે જે ભવિષ્ય માટે હોય, જેના ઉદ્દેશ કારકિર્દી કે નોકરી ન હોય, જે માણસને માણસ બનાવવા માટે અથવા માણસ બનાવી રાખવા માટે હોય. જોકે અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે માણસ સામે જ્યાં સુધી કોઈ વિકલ્પ જ ન રહે ત્યાં સુધી તે જૂની પરંપરા છોડતો નથી. ભવિષ્યની પેઢીની કલ્પના કદાચ વધુ પડતી લાગે તો આજની પેઢીને જુઓ એ કેટલું વિચારે છે? એણે વિચારવું પડે એવું કેટલું રહેવા દીધું છે? એણે સંઘર્ષ કેટલો કરવો પડે છે? એણે મગજ દોડાવવું જ પડે એવાં કામ ઘટી રહ્યાં છે. આવતાં થોડાં વર્ષમાં જ્યારે AI મોટા ભાગનાં કામ કરતી હશે ત્યારે તો વિચારવા માટે કશું રહેશે જ નહીં. ત્યારે માણસ માટે માત્ર રમતો જ બચી હશે જેમાં શરીર અને મનને વ્યાયામ મળે. એ સિવાય કોઈ ક્ષેત્રમાં માણસે વિચારવું નહીં પડે અને ત્યારથી માણસજાતની પડતી શરૂ થશે.

columnists gujarati mid-day