જીવનધ્યેય જીવનયાત્રાની દિશા બતાવશે અને અણધારી સફળતા પણ અપાવશે

16 December, 2024 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોટા નિર્ણય લઈને, એમાંથી અનુભવ મેળવીને સાચા નિર્ણય લેતાં શીખીને સફળતા મળી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

માનવી પોતાની માનસિક શક્તિ દસ ગણી વધારે ખીલવી શકે છે. આવું કરવા માટે જીવનનું ધ્યેય હોવું જરૂરી છે. જીવનધ્યેય એ જ વ્યક્તિઘડતરનો પાયો છે. આપણે પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી એ અનુભવસિદ્ધ વાત છે. જ્યાં ધ્યેય હોય ત્યાં ઇચ્છાશક્તિ મળે જ. અભ્યાસમાં નિષ્ફળ જતા સારા વિદ્યાર્થીઓની તપાસ કરતાં નિષ્ફળતાનું પહેલું કારણ ‘તેમના મનમાં અભ્યાસનું કોઈ સ્પષ્ટ લક્ષ્ય હોતું નથી’ એ જ શોધી શકાયું હતું. ભણવાની શક્તિ તો છે જ, પણ ભણવું શા માટે? હા, ડિગ્રી, નોકરી, પૈસા મેળવવા માટે પણ આ કોઈ ઊંચા આદર્શ નથી એથી ભણતર પણ ઊંચી કક્ષાએ પહોંચતું નથી. ક્યાં જવાનું છે એ ખબર નથી કે પૂછવાની ઇન્તેજારી પણ નથી, પછી ઉત્સાહ ક્યાંથી આવે? મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકા જતાં પહેલાં સામાન્ય માણસ હતા. નિશાળમાં હું સામાન્ય કોટિનો વિદ્યાર્થી હતો (આત્મકથા પાનું-પાંચ). કૉલેજમાં અહીં ઝટપટ પાસ થવાય એમ લાગતું નથી (આત્મકથા પાનું-૩૪) પણ એ સામાન્ય વ્યક્તિમાં એક અદ્ભુત આદર્શ ધીરે-ધીરે આકાર પામવા લાગ્યો. માતૃભૂમિની આઝાદી અને જેમ-જેમ એ આદર્શ મજબૂત બનતો ગયો એમ-એમ તેમની શક્તિ ઑર વધતી જતી હતી. જીવનધ્યેયથી મનોબળ અને મનોબળથી વ્યક્તિત્વ ખીલે છે એ ક્રમ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે.

સાચો આદર્શ ઉમદા અને પરલક્ષી હોય. પોતાને માટે નામ કાઢવું કે પૈસા ભેગા કરવા એ કોઈ આદર્શ નથી, સ્વાર્થ છે. સ્વજનોનું રક્ષણ અને પાલનપોષણ કંઈક સારું ધ્યેય છે, પણ સંકુચિત છે. જે પ્રમાણમાં માણસ પોતાનો સ્વાર્થ ત્યજીને બીજાઓને માટે જીવે એ જ પ્રમાણમાં તેનું સાચું વ્યક્તિત્વ ખીલે. તમારું જીવનધ્યેય તમારી જીવનયાત્રાની દિશા બાંધશે. દુ:ખમાં સહનશીલતા અને સુખમાં વિવેક સુઝાડશે અને કદાચ અણધારી સફળતા પણ અપાવશે. આજે સૌને સફળ થવું છે. એના રહસ્ય વિશે એક બૅન્કના અધ્યક્ષનો પત્રકાર સાથેનો સંવાદ સમજવા જેવો છે...

પત્રકારે પૂછ્યું, ‘સાહેબ આપની સફળતાનું રહસ્ય શું?’ અધ્યક્ષે જવાબમાં કીધું, ‘બે શબ્દો.’ પત્રકારે પૂછ્યું, ‘આ બે શબ્દો કયા?’ અધ્યક્ષે જવાબ આપ્યો, ‘સાચા નિર્ણય.’ પત્રકારે પૂછ્યું, ‘આપ સાચા નિર્ણય કઈ રીતે લો છો?’ અધ્યક્ષે જવાબ આપ્યો, ‘એક શબ્દ.’ પત્રકારે પૂછ્યું, ‘આ એક શબ્દ કયો?’ અધ્યક્ષે જવાબ આપ્યો, ‘અનુભવ.’ પત્રકારે પૂછ્યું, ‘આપ આ અનુભવ કઈ રીતે મેળવો છો?’ અધ્યક્ષે જવાબ આપ્યો, ‘બે શબ્દો.’ પત્રકારે ફરી પૂછ્યું, ‘આ બે શબ્દો ક્યા? અધ્યક્ષે જવાબ આપ્યો, ‘ખોટા નિર્ણય.’

ખોટા નિર્ણય લઈને, એમાંથી અનુભવ મેળવીને સાચા નિર્ણય લેતાં શીખીને સફળતા મળી શકે છે.

- હેમંત ઠક્કર

columnists gujarati mid-day