મહાત્મા ગાંધી જયંતી : વિચારોને ઉતારી પાડવાની જાણે કે એક ભદ્દી ફૅશન શરૂ થઈ છે

02 October, 2023 12:00 PM IST  |  Mumbai | Manoj Joshi

ગાંધીજીએ દેશની આઝાદી માટે જે કામ કર્યું એ કામ કોઈ ન કરી શકે. આ વાત સ્વીકાર્યા વિના છૂટકો નથી

ફાઇલ તસવીર

મહાત્મા ગાંધીની જ્યારે પણ વાત નીકળે છે ત્યારે તેમને ઉતારી પાડવામાં આવે છે. તેમના વિચારો વિરુદ્ધ પણ પુષ્કળ બોલવામાં આવે છે તો સાથોસાથ તેમને મુસ્લિમતરફી ગણાવીને પણ તેમને હડધૂત કરવામાં આવે છે. આ બધું સાંભળીને ખરેખર બહુ શરમ આવે છે. કહેવાનું મન થાય છે કે ગાંધી વિચારધારાને ઉતારી પાડવાની જાણે કે એક એવી ભદ્દી ફૅશન શરૂ થઈ છે જેને ફૉલો કરવાથી તમે સૌની સામે વેંત ઊંચા દેખાવાના હો.

ગાંધીજીએ દેશની આઝાદી માટે જે કામ કર્યું એ કામ કોઈ ન કરી શકે. આ વાત સ્વીકાર્યા વિના છૂટકો નથી. સાઉથ આફ્રિકાથી ગાંધીજી પાછા આવ્યા એ પહેલાં પણ હિન્દુસ્તાનમાં આઝાદીની ચળવળ ચાલુ હતી, પણ એ ચળવળને એક હરોળમાં લાવી, સમગ્ર તાકાત એકત્રિત કરી અંગ્રેજોને પરસેવો છોડાવી દેવાની વ્યૂહરચના મહાત્મા ગાંધીની હતી એ વાત તો તેમના દુશ્મનોએ પણ સ્વીકારવી પડશે. ગાંધીજીએ અહિંસાની જે લડત ચલાવી એ લડતમાં પણ સૌથી અગત્યની વાત એ હતી કે તેમણે આખા દેશને પોતાના એ વિચાર સાથે સહમત કર્યા હતા. જરા વિચાર તો કરો કે તમને કોઈ કહે કે સામેવાળો ભલે મારે, આપણે ચૂપ રહેવાનું અને માર સહન કરતા રહેવાનું. જો આજે કોઈ આવું કહે તો આપણે પહેલાં તો બે લપડાક એવી સલાહ આપનારાને મૂકીએ, પણ મહાત્મા ગાંધીએ આ કહ્યું અને ત્યારે લોકોએ તેમના શબ્દોને બ્રહ્મવાક્ય સમજીને શિરઆંખો પર ચડાવ્યું હતું.

અહિંસાની લડતમાં જ્યારે હિંસાનો પ્રયોગ થતો ત્યારે મહાત્મા ગાંધી સૌથી આગળ ઊભા રહેતા અને પહેલી લાઠી પોતાના પર ઝીલતા. સાહેબ, એ કરવા માટે ખરેખર છપ્પનની છાતી જોઈએ અને એ પછી પણ સ્વભાવમાં વિનમ્રતા જોઈએ. મહાત્મા ગાંધી વિશે એક શબ્દ પણ કટુતા સાથે બોલતાં પહેલાં એક વખત તેમની લાઇફનો અભ્યાસ કરો, એક વખત તેમણે લખેલાં પુસ્તકો વાંચો અને પછી જીવનમાં માત્ર એક દિવસ માટે પણ ગાંધીવિચાર સાથે જીવવાનો પ્રયાસ કરો. કાળજું કિડનીની જગ્યાએ અને કિડની ફેફસાંની જગ્યાએ ગોઠવાઈ ન જાય તો કહેજો.

ગાંધીજીએ મુસ્લિમોની તરફેણ કરી હતી કે નહીં? ગાંધીજીએ સરદારને અન્યાય કર્યો હતો કે નહીં? ગાંધીજીએ કસ્તુરબા સાથે ગેરવર્તન કર્યું હતું કે નહીં? કે પછી હરિલાલ ગાંધી સાથે પિતા મહાત્મા ગાંધીએ અન્યાય કર્યો હતો કે નહીં? એ અને એવી અનેક વાતોની ચર્ચા કરવા માટે પણ એક લાયકાત જોઈએ અને જો એ લાયકાત ન હોય તો એ વિશે બોલીને માનસિક અંગપ્રદર્શન બંધ કરવું જોઈએ. આજે પણ મહાત્મા ગાંધી પ્રસ્તુત છે અને આજે પણ મહાત્મા ગાંધીના વિચારો અન્ય કરતાં એક લાખ ગણા ચડિયાતા છે. સામાન્ય જનમાંથી મહાત્મા સુધીની યાત્રાને જો હાંસલ કરવી હોય તો એને માટે અનેક ઇચ્છાઓનો ભોગ આપવો પડે, તો સાથોસાથ અનેક લોકોનો પણ ભોગ ધરવો પડે અને એ કામ ગાંધીજીના હાથે કુદરતે કરાવ્યું તો એમાં કશું ખોટું નથી. કારણ કે તેમનો પહેલો હેતુ એક હતો, સ્પષ્ટ હતો કે દેશ આઝાદ થાય. જો દેશની આઝાદી અગ્રીમ સ્થાને હોય તો પછી સ્વાભાવિક રીતે તેમણે કડવાં વેણ પણ કહેવાં પડ્યાં હોય અને કડવું વર્તન પણ કરવું પડ્યું હોય, પણ તમે શાના ગાંધીજી પ્રત્યે કડવા બનો છો?

પૂછો તો ખરા જાતને, ઔકાત છે તમારી?

columnists mahatma gandhi gandhi jayanti manoj joshi