17 October, 2024 04:25 PM IST | Mumbai | Vipul Mehta
ઇલેક્શન
મહારાષ્ટ્રનું ઇલેક્શન અનાઉન્સ થઈ ગયું, પણ ખરું કહું તો અત્યારે બધાનો કૉન્ફિડન્સ હલી ગયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જે પ્રકારનું પૉલિટિકલ એન્વાયર્નમેન્ટ રહ્યું છે એ જોતાં ઘણાને એવું લાગવા માંડ્યું છે, ‘ઠીક જ છેને ભાઈ, હવે આ બધામાં બહુ રસ લેવા જેવું નથી.’ પણ ના, હું કહીશ કે એવું ન કરતા. અત્યારનું વાતાવરણ જેમને ન ગમતું હોય તેમણે તો વધારે તીવ્રતા સાથે બહાર નીકળવાનું છે અને વોટિંગ કરવાનું છે. આ મારી કોઈ સલાહ નથી. આ આપણી ફરજ છે. ભારતના નાગરિક તરીકે તમારી જવાબદારી બને છે કે તમે બહાર આવો અને અત્યારની જે વ્યવસ્થા છે એને તોડીને તમે વ્યવસ્થિત માણસને, પાર્ટીને કે પછી યુતિને એ સ્થાને બેસાડો કે તમારું રાજ્ય, તમારું સિટી યોગ્ય રીતે ચાલે.
અત્યારનું જે વાતાવરણ છે એનાથી નાસીપાસ થવાથી કશું વળવાનું નથી. દરેકનો પોતાનો રોલ છે અને દરેક પોતાના રોલ મુજબ કામ કરે છે. સાચું છે કે છેલ્લાં વર્ષોમાં જે રીતે ગઠબંધન તૂટ્યાં, જે પ્રકારે નવાં ગઠબંધન બન્યાં, જે પ્રકારે કઈ પાર્ટી સાચી એના વિવાદ થયા એ બધું વાંચી-સાંભળીને મારા-તમારા જેવા કૉમનમૅન ડિસ્ટર્બ થઈ જાય, પણ એ હતાશાથી રિઝલ્ટ તો નથી આવવાનુંને? રિઝલ્ટ ત્યારે જ આવશે જ્યારે કૉમનમૅન બહાર આવશે અને તે પોતે નિર્ણય લેશે કે તેણે કોને સત્તા પર બેસાડવો છે. જો આ વાત તમે નહીં વિચારો તો નૅચરલી, તમને જે નથી ગમતું એ બધું તમારી આસપાસમાં ચાલુ રહેશે. એના કરતાં બહેતર છે કે એક નવી લડાઈ ગણીને આગળ આવો, એનો સામનો કરો. હું તો કહીશ કે અત્યારનું જે તંત્ર છે એને થાળે પાડવા માટે પણ લોકોએ આગળ આવવું પડશે.
એ ખરું કે છેલ્લાં થોડાં વર્ષોમાં જે પ્રકારની પૉલિટિકલ ઘટનાઓ મહારાષ્ટ્રમાં ઘટી એને લીધે લોકો ધ્રૂજી ગયા છે. કોણ, ક્યારે, કોની સાથે હાથ મિલાવે છે અને કોના ફ્રેન્ડ થઈને ઊભા રહી જાય છે એ આપણને જે ફિલ્મોમાં જોવા મળતું એના કરતાં પણ વધારે કટ્ટરતા સાથે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. રાતોરાત પાર્ટીના બે ભાગ થઈ જાય અને જે બે ક્યારેય ઊભા જ ન રહે એવી આંખ બંધ કરીને શરત લગાવતા એ લોકો એકબીજાનાં મોઢાં મીઠાં કરાવવા માંડે. એક રાઇટર તરીકે હું ઘણું દૂર-દૂર સુધી વિચારી શકું એવું હું કહેતો હોઉં છું, પણ મહારાષ્ટ્રનો જે પૉલિટિકલ સિનારિયો રહ્યો એટલે સુધી વિચારવાનું ગજું તો કદાચ બીજા કોઈ રાઇટરમાં નહીં હોય.
આ સરકારોનું કેવું થઈ ગયું છે એનું હું એક એક્ઝામ્પલ આપું. નવી સિરિયલ કેટલી ચાલશે એ જેમ કોઈને ખબર નથી હોતી એવું જ આ સરકારનું થઈ ગયું છે. તમે આંકડાઓ લઈ આવો તો તમારી સિરિયલ ચાલશે. ભલે પછી એ સિરિયલમાં સહેજ પણ ભલીવાર ન હોય અને સારી સિરિયલ પાસે આંકડા લાવવાનું ગજું ન હોય તો ત્રણ મહિનામાં એનું પડીકું વળી જાય. આવું બને છે પછી પણ સિરિયલ બનતી અટકતી નથી અને સિરિયલ જોવાનું પણ કોઈ છોડતું નથી. બસ, આ જ માનસિકતા રાખવાની. સરકાર એનું જાણે, પણ આપણે આગળ-પાછળ કે ઉપર-નીચેનું વિચાર્યા વિના કૉન્ફિડન્ટ થઈને વોટ કરવા બહાર આવવાનું અને લાયક વ્યક્તિને ચૂંટીને સરકારમાં મોકલવાની.
મને તો લાગે કે આ યુતિ-બ્યુતિ પણ ન હોવી જોઈએ. સિંગલ હૅન્ડેડ્લી આવો મેદાનમાં અને લોકોનાં દિલ જીતો. પહેલાં ક્યાં આવી યુતિઓ હતી, પણ પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ વધ્યું એટલે રાષ્ટ્રીય પાર્ટી એ લોકોને સપોર્ટમાં લેતી થઈ ગઈ અને પછી એકબીજામાં ભેળસેળ શરૂ થઈ. ઠીક છે, યુતિ સાથે મેદાનમાં આવો. અમે અમારી રીતે ક્લિયર થઈ જઈશું, કન્ફ્યુઝન દૂર કરીશું અને વોટિંગના દિવસે અમારી ઇચ્છાઓ તમને જણાવી દઈશું.
મારી વાત કરું તો હું પણ અત્યારે કન્ફ્યુઝ છું. દરેક ઇલેક્શન વખતે મારી હાલત થોડાઘણા અંશે આવી જ હોય છે, પણ વોટિંગનો દિવસ આવે એ પહેલાં હું મારી રીતે બધી તૈયારી કરી લઉં અને સવારે ૮ વાગ્યે એકદમ ઘૂઘરા જેવો તૈયાર થઈને વોટ આપવા પહોંચી જાઉં. સાચું શું છે ખબર છે. મારા અને તમારાથી એ જ થઈ શકે છે તો આપણે એ કામ તો પૂરી નિષ્ઠા સાથે કરીએ. તમે માનશો નહીં, પણ છેલ્લાં ત્રીસેક વર્ષમાં હું એક જ વાર વોટ આપવાનું ચૂક્યો છું. એ સમયે હું અબ્રૉડ હતો. આ વખતે પણ હું ક્લિયર છું.
સવારે ૮ વાગ્યે ઘૂઘરા જેવા તૈયાર થઈને સૌથી પહેલાં મત આપવા પહોંચી જવાનું. આપણને જે તાકાત લોકશાહીએ આપી છે એને શું કામ વેડફવી? અણગમો દેખાડવાનું આ તો એકમાત્ર હથિયાર છે. વાપરો અને બીજાને પણ વાપરવાનું સૂચવો.