મુંબઈના આ મિની જંગલમાં તમે ક્યારેય ફર્યા છો કે નહીં?

28 December, 2024 06:13 PM IST  |  Mumbai | Heena Patel

મુંબઈના લોકો માટે સંજય ગાંધી નૅશનલ પાર્ક નવું નામ નથી, પણ ઘણા લોકોને હજી ધારાવીમાં આવેલા મહારાષ્ટ્ર નેચર પાર્ક વિશે વધુ માહિતી નથી.

મહારાષ્ટ્ર નેચર પાર્ક

મુંબઈના લોકો માટે સંજય ગાંધી નૅશનલ પાર્ક નવું નામ નથી, પણ ઘણા લોકોને હજી ધારાવીમાં આવેલા મહારાષ્ટ્ર નેચર પાર્ક વિશે વધુ માહિતી નથી. ૩૭ એકરમાં ફેલાયેલો આ પાર્ક હજારો વૃક્ષોથી આચ્છાદિત છે જે અનેક પક્ષીઓ, જીવજંતુઓ અને સરિસૃપોનું ઘર છે. કૉન્ક્રીટના જંગલ અને ધૂળ-પ્રદૂષણથી થોડી વાર બ્રેક લઈને પ્રકૃતિનો સંગાથ માણવાની ઇચ્છા હોય તો અહીં પહોંચી જજો

મહારાષ્ટ્ર નેચર પાર્ક આજે ભલે લીલીછમ વનરાઈથી ખીલેલો હોય, પણ એક સમયે ત્યાં કચરાનો ઢગ હતો. શહેરની ઊંચી-ઊંચી ઇમારતો વચ્ચે આ મિની ફૉરેસ્ટનું અસ્તિત્વ કેમ આવ્યું એ જાણવું પણ રસપ્રદ છે. આ જગ્યા એક ડમ્પિંગ ગ્રાઉન્ડ હતી. ચારેય બાજુ કચરાના ઢગલા અને દુર્ગંધ સિવાય કશું નહોતું. આ ડમ્પિંગ ગ્રાઉન્ડને મિની ફૉરેસ્ટમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવવામાં આવી. આ યોજના હેઠળ સૌપ્રથમ ડમ્પિંગ ગ્રાઉન્ડ પરથી કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. બહારથી માટી લાવીને અહીં ઠાલવવામાં આવી. એ પછી નાના-નાના છોડ વાવવાની શરૂઆત થઈ. મહારાષ્ટ્ર નેચર પાર્કમાં સૌપ્રથમ છોડ ૧૯૮૩માં પ્રસિદ્ધ પક્ષીવિજ્ઞાની ડૉ. સલીમ અલીના હાથેથી રોપવામાં આવ્યો હતો. એ પછી મોટા પાયે વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી. એમાં ખાસ કરીને સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓના હાથેથી વૃક્ષારોપણની કામગીરી પાર પાડવામાં આવી. ૧૧ વર્ષ બાદ છોડવાઓ મોટા થતા અહીં સરસ વૃક્ષોનું જંગલ તૈયાર થઈ ગયું. ૩૭ એકરમાં ફેલાયેલો મહારાષ્ટ્ર નેચર પાર્ક સામાન્ય જનતા માટે વિશ્વ પૃથ્વી દિવસ એટલે કે ૧૯૯૪ની ૨૨ એપ્રિલે શરૂ કરવામાં આવ્યો હતો. આ જંગલને પછી અનેક પક્ષીઓ, જીવજંતુઓ, સરિસૃપો વગેરેએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું.

વરસાદી પાણીના સંગ્રહ માટે બાંધેલું તળાવ

શું છે જોવા જેવું?

શ્વેતકંઠ કલકલિયો (કિંગફિશર)

. નેચર ટ્રેલ : મહારાષ્ટ્ર નેચર પાર્કની અંદર ૧.૮ કિલોમીટરની લાંબી નેચર ટ્રેલ છે. ઈંટોથી બનેલી આ કેડી પર ચાલીને તમે વિવિધ પ્રકારનાં વૃક્ષો-પક્ષીઓ નિહાળીને પ્રકૃતિનો સંગાથ માણી શકો છો. અહીંના અધિકારી કહે છે, ‘પાર્કમાં હર્બ્સ, જડીબુટ્ટી સહિત વૃક્ષની આશરે ૪૦૦ જેટલી પ્રજાતિ છે. એ સિવાય પ્રવાસી પક્ષીઓ સહિત આશરે ૧૨૫ જેટલી વિવિધ પક્ષીઓની પ્રજાતિ છે. બર્ડ-વૉચિંગ માટેનો બેસ્ટ સમયગાળો ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે. આ સમયગાળા દરમિયાન હવામાન ઠંડું હોય અને માઇગ્રેટરી બર્ડ્સના આવવાનો પણ સમયગાળો હોય. વહેલી સવારમાં તમે ટ્રેલ કરો તો એમાં આરામથી ૪૦-૫૦ પ્રકારનાં પક્ષીઓ જોઈ શકો. એ સિવાય અહીં સાપ, કરોળિયાઓ, ગરોળીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. અહીંનું જે જંગલ છે એ કુદરતી રીતે જ મેઇન્ટેન થાય છે. એટલે ઉનાળા, શિયાળા અને ચોમાસાની ઋતુ અનુસાર તમને પાર્કનો અલગ નજારો જોવા મળશે. અત્યારે તમે પાર્કમાં જોશો તો વૃક્ષોનાં પાન ખરેલાં હશે. જો તમે ચોમાસાની ઋતુમાં આવશો તો તમને ચારેય બાજુ લીલોતરી જ દેખાશે.’

મહારાષ્ટ્ર નેચર પાર્કમાં આવેલી નર્સરી

લાઇમ બટરફ્લાય

. બટરફ્લાય ગાર્ડન : કોઈ પણ ગાર્ડન કે પાર્કમાં આપણે મુલાકાત લેવા જઈએ ત્યારે રંગબેરંગી પતંગિયાંઓ અચૂક જોવા મળતાં હોય છે. મહારાષ્ટ્ર નેચર પાર્કમાં પણ ખાસ બટરફ્લાય ગાર્ડન છે જ્યાં તમને વિવિધ પ્રજાતિનાં રંગબેરંગી પતંગિયાંઓ અહીંથી ત્યાં ઊડતાં જોવા મળશે. બટરફ્લાય ગાર્ડન વિશે માહિતી આપતાં અધિકારી કહે છે, ‘આમ તો અહીં ૮૫ પતંગિયાંની પ્રજાતિ નોંધાયેલી છે. પતંગિયાં જોવાનો સૌથી સારો સમયગાળો સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીનો છે. તમે અહીં ટ્રેલ કરો તો ૩૦-૩૫ પ્રકારનાં બટરફ્લાય તમે આરામથી જોઈ શકો. જો તમે ગાઇડ સાથે રાખ્યો હોય તો એ તમને એક પતંગિયાની ઈંડાથી લઈને ઍડલ્ટ બટરફ્લાય બનવા સુધીની તેમની લાઇફસાઇકલ કેવી હોય એ જણાવે. પતંગિયાં વનસ્પતિના પરાગનયનમાં કઈ રીતે મદદરૂપ થાય છે, કયા પ્રકારનાં વિશિષ્ટ વૃક્ષો પતંગિયાંઓને આકર્ષિત કરે છે એ બધી જ માહિતી આપશે.’

એશિયન કોયલ

સ્ટ્રાઇપ્ડ ટાઇગર બટરફ્લાય

. નક્ષત્ર વન : જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૧૨ રાશિ અને ૨૭ નક્ષત્ર હોય છે. દરેક રાશિમાં ૨-૩ નક્ષત્ર આવે છે. જન્મ સમયે ચન્દ્ર જે નક્ષત્ર અને રાશિમાં હોય એ પ્રમાણે નામ આખવામાં આવે છે. દરેક નક્ષત્ર સાથે એક ખાસ વૃક્ષ જોડાયેલું હોય છે. આપણે આપણા નક્ષત્ર મુજબ એ વૃક્ષ રોપીએ અથવા એની પૂજા કરીએ તો ભાગ્ય જલદી ખૂલે છે. આને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર નેચર પાર્કમાં નક્ષત્ર પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. આ પાર્કમાં ગોળ ફરતે નક્ષત્ર અને રાશિના હિસાબે વિવિધ વૃક્ષો આવેલાં છે. દરેક વૃક્ષ નીચે એક કાળો પથ્થર છે જેના પર એ વૃક્ષનું નામ તેમ જ એ કઈ રાશિ અને નક્ષત્ર સાથે સંકળાયેલું છે એની માહિતી આપવામાં આવી છે. એ વિશે અધિકારીનું કહેવું છે કે ઘણા લોકો આને કાલ્પનિક ગણે છે, જ્યારે ઘણા લોકોને તેમની રાશિ અને નક્ષત્ર મુજબનાં વૃક્ષ નીચે ઊભા રહીને પૉઝિટિવ ફીલ થાય છે. આ નક્ષત્ર પાર્ક ઊભો કરવાનો અમારો ઉદ્દેશ એ બહાને લોકો વૃક્ષોનું જતન કરતાં શીખે એ સંદેશો પહોંચાડવાનો છે.’

કાળી પાંખવાળી સમડી 

. નર્સરી : જો તમને ઘરની બાલ્કનીમાં કે સોસાયટીના ગાર્ડનમાં રોપવા માટે સસ્તા દરે વિવિધ પ્રકારના છોડવાઓ જોઈતા હોય તો મહારાષ્ટ્ર નેચર પાર્કમાં આવીને લઈ શકો. અહીંની નર્સરીમાં તમને અળવી, રોહીયો, મોન્સ્ટેરા જેવા ઇન્ડોર પ્લાન્ટ; આમલી, કરંજ, અપરાજિતા જેવા બટરફ્લાય હોસ્ટ પ્લાન્ટ; મોગરા, મધુમાલતી, હેલીકોનિય જેવા ફ્લાવરિંગ પ્લાન્ટ; કઢીપત્તા, હળદર, બેસિલ, અલોવેરા જેવા મેડિસિનલ પ્લાન્ટ મળશે. અહીં મળતા છોડવાના ભાવની વાત કરીએ તો અહીંના મોટા ભાગના પ્લાન્ટ ૨૦થી ૪૦ રૂપિયાની રેન્જમાં છે. ગાઇડના માધ્યમથી અહીં વિવિધ પ્રકારનાં બીજ અને છોડના ઉછેર વિશે માહિતી આપવામાં આવે છે. એ સિવાય અહીં વર્મીકમ્પોસ્ટ સેક્શન પણ છે જેમાં જૈવિક ખાતર તૈયાર કરીને એને વેચવામાં આવે છે. અહીં એક કિલો ખાતર ૩૦ રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. એ સિવાય વિઝિટર્સને જૈવિક ખાતર બનાવવાની પ્રક્રિયા દેખાડીને એ વિશે માહિતગાર પણ કરવામાં આવે છે.

બ્લૅક વિંગ્ડ સ્ટિલ્ટ

. રેઇનવૉટર હાર્વેસ્ટિંગ : પાણીના મામલે મહારાષ્ટ્ર નેચર પાર્કને આત્મનિર્ભર બનાવવા માટે અહીં રેઇનવૉટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતાં અધિકારી કહે છે, ‘મહારાષ્ટ્ર નેચર પાર્કમાં હજારો વૃક્ષો છે જેમને દરરોજ ૪૫,૦૦૦થી ૧,૦૦,૦૦૦ લીટર સુધી પાણીની જરૂર પડે છે. મોટાં વૃક્ષોને પણ દર પંદર દિવસે પાણી આપવું પડે છે. અહીંનાં જે વૃક્ષો છે તેમનાં મૂળ જંગલનાં વૃક્ષોની જેમ મજબૂત નથી, કારણ કે અહીં બહારથી માટી લાવીને નાખવામાં આવેલી છે. એટલે અહીં વૃક્ષો પણ ઘણી વાર પડી જતાં હોય છે. વૃક્ષોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ ખોદવામાં આવ્યું છે. એ સિવાય મહારાષ્ટ્ર નેચર પાર્કના બિલ્ડિંગના રૂફટૉપ પર પણ પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા છે પણ હાલમાં એનું મેઇન્ટેનન્સ ચાલુ છે. રેઇનવૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત હોય તો આરામથી ૨.૫ કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. ચોમાસા બાદ બાકીના મહિનાઓમાં આ જ પાણી વૃક્ષોને આપવામાં આવે છે. અહીં કૃત્રિમ રીતે બાંધવામાં આવેલા તળાવને કારણે એ જળચર વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિવાસસ્થાન પણ છે.’

ઇન્ડિયન રૉક પાઇથન

. એજ્યુકેશનલ સેન્ટર : મહારાષ્ટ્ર નેચર પાર્ક હરવા-ફરવાનું સ્થળ નથી, પણ પ્રકૃતિ વિશે નૉલેજ આપતું એક સેન્ટર છે. આ વિશે વાત કરતાં અહીંના અધિકારી કહે છે, ‘અમારે ત્યાં આવનારા મોટા ભાગના વિઝિટર્સ સ્કૂલનાં બાળકો હોય છે. એ સિવાય વાઇલ્ડ ફોટોગ્રાફર્સ અને નેચર સાયન્સમાં ઊંડો રસ ધરાવતા લોકો આવે છે. એકલદોકલ પ્રવાસીઓ પણ નેચર ટ્રેલ કરવા માટે આવે, પણ તેમની સંખ્યા સીમિત હોય છે. અમારા એજ્યુકેશન સેન્ટરનું ગોળ શેપનું બિલ્ડિંગ ઉપરથી ઓપન છે અને આસપાસના જેટલા પણ રૂમ છે એમાં મહત્તમ હવા-ઉજાસ આવે એવી રીતે બનાવવામાં આવ્યું છે. ઉપર ખુલ્લું આકાશ અને નીચે લાદી પર બનેલી મ્યુરલ થીમના માધ્યમથી એ સંદેશો આપવામાં આવ્યો છે કે પૃથ્વી પર આકાશથી લઈને ભૂગર્ભજળ સુધી જેટલું પણ જીવન છે એ સૂર્યપ્રકાશની ઊર્જા પર નિર્ભર છે. અહીં ૩૦૦ લોકોની કૅપેસિટી ધરાવતો ઑડિયો-વિડિયો હૉલ છે જેમાં નેચર રિલેટેડ વર્કશૉપ, એક્ઝિબિશન કરવા હોય તો કરી શકાય છે. એ સિવાય ઍ​ક્ટિવિટી સ્પેસ છે જેમાં કોઈને આર્ટ-ક્રાફટ્સની ઍક્ટિવિટી, બર્થ-ડે સેલિબ્રેશન કે કોઈ પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો એ અમે ભાડેથી આપીએ છીએ.’

maharashtra nature park environment sanjay gandhi national park wildlife astrology columnists mumbai gujarati mid-day dharavi mumbai news