01 December, 2024 05:23 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો અણસારો મેળવવામાં ભલભલા નિરીક્ષકો થાપ ખાઈ ગયા. જનતાની આ તાકાત છે કે જેને પોષે તેને મારી પણ શકે. લોકસભામાં મહાયુતિએ પછડાટ ખાધી તો વિધાનસભામાં મહાવિકાસ આઘાડીએ પછડાટ ખાધી. સૂપડાં સાફ થઈ ગયાં શબ્દપ્રયોગનો અર્થ નજર સામે ચરિતાર્થ થતો જોવા મળ્યો. આપબડાઈમાં રાચતા વરિષ્ઠ નેતાઓ લડાઈમાં થાપ ખાઈ ગયા. જેઓ ધારાવી પ્રોજેક્ટ રદ કરવાનાં સપનાં જોતા હતા તેઓ જ રદબાતલ થઈ ગયા. આ ચૂંટણી યુતિ માટે ઝકાસ તો આઘાડી માટે રકાસ પુરવાર થઈ. કમલેશ શુક્લ એને આલેખે છે...
જંગની બબાલમાં, કેટલો રકાસ છે
જીતવાની હોડમાં, કેટલો રકાસ છે
જે હતું ખોયું બધું, હાથ આવ્યું ના કશું
એમની એ હારમાં, કેટલો રકાસ છે
જનતા જેને તક આપે એ સરકારે જાતને પુરવાર કરવી પડે. સત્તાધીશોનું વલણ સાહસિક છે કે ગભરુ છે, વિકાસલક્ષી છે કે અવરોધલક્ષી છે, મગજનો પારો વાસ્તવિક ધરા પર છે કે સાતમા આસમાન પર છે એ બધાં પરિબળો પરિણામ પર અસર પાડે છે. તમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકો, મેટ્રો ટ્રેન યોજના રોકો, વિકાસનાં કાર્યોમાં બાધા નાખો તો મતદારો કંઈ એટલા બાઘા નથી કે બધું નાના કીકલાની જેમ જોયા કરે. સત્તાધીશોએ અભિમાનને મગજમાંથી કાઢી દરબારની બહાર ઊભું રાખવાનું હોય. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ મૂળ સમસ્યા તરફ નિર્દેશ કરે છે...
ઉછેરો બાગ બાવળનો, તે ફૂલો આપશે ક્યાંથી?
રહે જે ગંદકી ભીતર એ, ફોરમ લાવશે ક્યાંથી?
નથી જ્યાં હેસિયત એકાદ ફૂટી પાઈ જેવી પણ,
પછી પાછળ કરે વાતો, એ સામે આવશે ક્યાંથી?
રાજકારણમાં ઘણા હેસિયત વગરના લોકોને ગાદી મળી જતી હોય છે. વૈવિધ્યસભર વટાણા વેરવામાં સુખ્યાત સંજય રાઉતની આદતે તેમના પક્ષને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું. જનતા મૂક બનીને ટીવી પર ચાલતો તમાશો જુએ ત્યારે તો કંઈ કરી શકતી નથી, પણ વારો આવે ત્યારે EVM મશીનમાં કયું બટન દાબવું એ તેને બરાબર ખબર હોય છે. કંગના રનૌતની બદદુઆ બરાબરની લાગી અને ઠાકરેનો ઘમંડ
ચૂર-ચૂર થઈ ગયો. કિરણ જોગીદાસ ‘રોશન’નું મુક્તક સ્વ-મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવા જેવું છે...
ઊંચકી અહમને બહુ, વધુ ચાલી શકો નહીં
અંતર હો વેંતનું છતાં કાપી શકો નહીં
એક આંખમાં ને બીજો ઉપર આભમાં ઊગે
નાખીને ધૂળ સૂર્યને ઢાંકી શકો નહીં
અહંકારનાં શિંગડાં દેખાતાં નથી. અવનવા વિચારો સાકાર કરતા ઇલૉન મસ્કને એક સૂચન કરવા જેવું છે. એ એવી કોઈ ચિપ બનાવે કે આ શિંગડાં સામેવાળાને દેખાઈ જાય જેથી આગોતરી ચેતવણી મળી જાય. મહા વિકાસ આઘાડીએ ધર્મની ટોપી પહેરવાની જ બાકી રાખી હતી ત્યાં સત્તાની ટોપી ફેરવાઈ ગઈ. ચાણક્ય ગણાતા શરદ પવાર હવે આઘાત અને આયુ બન્નેને કારણે બૅકફુટ પર ધકેલાઈ ગયા છે. વિચારભેદ ધરાવતા પક્ષો સમૂહલગ્નમાં ગોઠવાઈ તો જાય, પણ પછી અટવાઈ જતા હોય છે. શાંતિલાલ કાશિયાણી આ ભેદ સમજાવે છે...
પારકા ખેતરમાં આવીને ફૂલો વાવી ગયા
ને હું સમજ્યો પ્રેમથી એ પ્રેમ રોપાવી ગયા
લઈ ગયા ખેતર, ફૂલો ને ખુશ્બૂઓની પાલખી
પિપૂડી ગાજરની સમજી આખરે ચાવી ગયા
ચૂંટણી હારવામાં રાહુલ ગાંધીનું સાતત્ય પ્રશંસનીય રહ્યું છે. નોટબંધી, રાફેલ, અદાણી-અંબાણી, જાતિગણના વગેરે જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા એ તેમની જ વિરુદ્ધ પડ્યા. ખટાખટ પૈસા આપવાની વાત કરી એમાં કૉન્ગ્રેસ શાસિત રાજ્યોની તિજોરી ફટાફટ ખાલી થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં સરકારી કર્મચારીઓના પગારના વાંધા છે. નાનો વેપારી પણ ચેક ઇશ્યુ કરતાં પહેલાં બૅન્ક-બૅલૅન્સ જોતો હોય છે. આક્ષેપોને કદાચ પગ ન હોય, પણ પાયો તો હોવો જોઈએ. નિરાલી રશ્મિન શાહ સ્વસા સવાલ પૂછે છે...
પુરાવા નથી તોય આક્ષેપ શાને?
ચુકાદા વગર આમ આદેશ શાને?
સજા છે ઉમરકેદની કોઈ દિલમાં,
પ્રણયનો છતાં પણ શિરોચ્છેદ શાને?
લાસ્ટ લાઇન
જિંદગી તો ઝાંઝવા જેવી જ ભ્રામક હોય છે
ને વળી એમાં ઉદાસી! પ્રાણઘાતક હોય છે
મૌન સંજોગોની મહેફિલમાં તો શબ્દો શાંત છે
પણ ઉછાળા મારતી ઊર્મિઓ મારક હોય છે
સંસ્મરણ ભોંકાય ને યાદોનું ટોળું દોડતું
બહુ વિચારો ખુદને માટે હાનિકારક હોય છે
છે મહાભારતના કિરદારો સમા કપટી ઘણા
ભીતરે અંગતનો છૂપો માર દાહક હોય છે
આભ નીચે પાથર્યા છે ધરતીએ રસ્તા ઘણા
હે મુસાફર! ચાલતો જા, પથ પ્રવાહક હોય છે
- જિગીષા દેસાઈ