01 December, 2024 05:14 PM IST | Mumbai | Raj Goswami
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કારમી હાર પછી વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીએ EVM મશીન પર ઠીકરું ફોડ્યું છે. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનોની વિશ્વસનીયતા વિશેનો વિવાદ નવો નથી. દરેક ચૂંટણી પછી પરાજિત પક્ષો અને એમના નેતાઓ EVM પર સવાલ ઉઠાવે છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષે ફરી એક વાર EVM પર સવાલ ઉઠાવ્યા છે. એક તરફ સુપ્રીમ કોર્ટે EVMને બદલે બૅલટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવી દીધી છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કૉન્ગ્રેસે બૅલટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ સાથે દેશવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે.
પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે કૉન્ગ્રેસ EVM દ્વારા ચૂંટણી યોજવાના પક્ષમાં નથી. તેઓ આ અભિયાનને દેશભરમાં લઈ જવા માગે છે. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે EVMને છેતરપિંડી ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું છે કે ‘અમે છેલ્લાં ૧૦ વર્ષથી આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છીએ. જ્યારે કૉન્ગ્રેસ સત્તામાં હતી ત્યારે BJPએ EVM પર સવાલ ઉઠાવ્યા હતા. આ દેશમાં EVM છેતરપિંડી છે અને જો EVM નહીં હોય તો BJPને આખા દેશમાં ૨૫ બેઠકો પણ નહીં મળે.’
ઝારખંડમાં સત્તામાં વાપસી કરનારા ઝારખંડ મુક્તિ મોરચાએ પણ EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પાર્ટીએ કહ્યું છે કે ચૂંટણી જો બૅલટ પેપરથી યોજાઈ હોત તો તેમનું ગઠબંધન ઓછામાં ઓછી ૭૫ બેઠકો જીતી શક્યું હોત. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં JMM-કૉન્ગ્રેસ-RJD ગઠબંધને ૫૬ બેઠકો જીતી હતી, જ્યારે BJPને ૩૪ બેઠકો મળી છે.
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામ કોઈના ગળે ઊતરે એવાં નથી. આઘાડીના વરિષ્ઠ નેતા શરદ પવારે અગાઉ EVM વિવાદમાં કશું કહેવા ઇનકાર કર્યો હતો, પરંતુ પાછળથી કરાડમાં પત્રકારો સાથે વાતચીતમાં ઇશારામાં કહ્યું હતું કે ‘અમુક લોકો કહે છે કે EVM મશીનો ગુજરાત અને મધ્ય પ્રદેશથી લાવવામાં આવ્યાં હતાં (જ્યાં BJPએ સારું પ્રદર્શન કર્યું છે), પરંતુ મારી પાસે એની માહિતી નથી.’
આ દરમ્યાન રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના ઉમેદવાર રાજેશ યેરુણકર એક વાઇરલ વિડિયોમાં પોતાના બૂથનો હવાલો આપતાં કહે છે કે તેમના ઘરમાં ચાર મત હતા, પરંતુ બૂથના EVMને માત્ર બે મત મળ્યા. યેરુણકર કહી રહ્યા છે કે એવું શક્ય જ નથી કે મારી માતા, મારી પત્ની, મારી દીકરીએ પણ મને મત ન આપ્યો હોય.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને EVM મુદ્દે કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘વાસ્તવમાં સમસ્યા EVMની નથી, પરંતુ કૉન્ગ્રેસની ભ્રષ્ટ માનસિકતાની છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ ચૂંટણીમાં બૅલટ પેપરના ઉપયોગનો વિરોધ કર્યો હતો. આજે જ્યારે કૉન્ગ્રેસ ચૂંટણી હારી રહી છે ત્યારે તેમના રાજકુમારને EVM સાથે સમસ્યા લાગે છે.’
ચૂંટણીમાં EVMનો ઉપયોગ હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે. આનું સૌથી મોટું કારણ મશીન સાથે ચેડાં અથવા હૅક થવાની સંભાવના છે. ટેક્નૉલૉજીની મદદથી દુનિયાભરમાં નામ કમાવનાર અમેરિકન બિઝનેસમૅન ઈલૉન મસ્કે પણ થોડા મહિના પહેલાં EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, ‘EVMને હૅક કરી શકાય છે.’ આ ઉપરાંત દુનિયાના અન્ય ઘણા ટેક્નિકલ નિષ્ણાતોએ પણ સમયાંતરે આવા દાવા કર્યા છે.
બંગલાદેશ કટ્ટરતાના રસ્તે જઈ રહ્યું છે એ ચિંતાજનક
પાડોશી બંગલાદેશ કટ્ટરતા તરફ આગળ વધી રહ્યો છે અને એ ભારત માટે સારા સમાચાર નથી. ભારતની મદદથી અસ્તિત્વમાં આવેલો આ પ્રગતિશીલ મુસ્લિમ દેશ અગાઉ ક્યારેય ન હોય એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ દેશે એની આઝાદીના સમયથી સામાજિક સંવાદિતા અને સમભાવનો જે ચહેરો જાળવી રાખ્યો હતો એ વિખેરાઈ ગયો હોય એવું લાગે છે.
તાજેતરમાં શેખ હસીનાને ઊથલાવી દેવાયા પછી (જે અત્યારે ભારતમાં શરણ લઈ રહ્યાં છે), સર્વસંમતિથી મોહમ્મદ યુનુસ સત્તામાં આવ્યા પછી પણ સ્થિતિ શાંત થઈ નથી. ઊલટાનું, બંગલાદેશના મુસ્લિમ સમુદાયોએ હિન્દુ લઘુમતીઓ સામે કટ્ટરતાનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં જે રીતે હિન્દુ મંદિરો, વેપારી મથકો, મકાનો અને અન્ય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે એનાથી પ્રશ્ન ઊભો થયો છે કે શું આવનારા દિવસોમાં બંગલાદેશ કટ્ટરવાદ અને આતંકવાદથી પીડિત દેશોની કતારમાં ઊભો રહેશે? યુનુસના માથે એક કપરી જવાબદારી છે કે દેશને પાકિસ્તાનના રસ્તે જતો કેવી રીતે અટકાવવો.
એક તાજા ઘટનાક્રમમાં બંગલાદેશની સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરીને ઇસ્કૉન સંગઠન પર પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે અરજીમાં ઇસ્કૉનને ‘કટ્ટરવાદી’ સંગઠન ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે અને કોમી અશાંતિને પ્રોત્સાહન આપે છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે દેશના હિન્દુ સમુદાયનો અગ્રણી ચહેરો ગણાતા ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બંગલાદેશમાં હિન્દુ સમુદાયમાં રોષ છે. કેટલાંક હિન્દુ સંગઠનોએ ચિન્મય પ્રભુની મુક્તિની માગ કરી છે અને એને બંગલાદેશમાં લઘુમતીઓ પર અત્યાચારનું ઉદાહરણ ગણાવ્યું છે. બીજી તરફ બંગલાદેશ પોલીસે કહ્યું કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. ઇસ્કૉન બંગલાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્રએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ચિન્મય કૃષ્ણ દાસ સંસ્થા સાથે સંકળાયેલા નથી. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ચિન્મય દાસની ધરપકડ બાદ બંગલાદેશમાં લઘુમતીઓને કથિત રીતે નિશાન બનાવવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
શેખ હસીનાએ બંગલાદેશ છોડ્યા પછી અને મોહમ્મદ યુનુસની સામ્યવાદી સરકાર સત્તામાં આવ્યા પછી ચીન અને બંગલાદેશ નજીક આવ્યાં છે. મોહમ્મદ યુનુસ ચીનના સમર્થક તરીકે ઓળખાય છે. આવી સ્થિતિમાં એવું પણ કહેવાય છે કે બંગલાદેશ ચીનના પ્રભાવમાં છે. ચીને બંગલાદેશ સાથે એના આર્થિક અને સંરક્ષણ સહકારને વધાર્યો છે, ખાસ કરીને બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશ્યેટિવ (BRI) દ્વારા જેમાં બંગલાદેશ પણ મુખ્ય ભાગીદાર છે. ભારત ચીનના આ BRIનો વિરોધ કરે છે, આવી સ્થિતિમાં બંગલાદેશ સાથે ચીનની નિકટતા ભારતના વિરોધને દબાવવા માટે પણ હોઈ શકે છે.
દુનિયામાં આવા લગભગ ૧૦૦ દેશો છે જ્યાં ચૂંટણીમાં હજી પણ મતપેટીઓનો ઉપયોગ થાય છે. છેલ્લા બે દાયકામાં ઘણા દેશોમાં EVMનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ વધી રહ્યો છે. ૩૦થી વધુ દેશોમાં સરકારો ચૂંટવા માટે EVMનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતમાં ૯૦ના દાયકા સુધી ચૂંટણીઓમાં બૅલટ બૉક્સનો ઉપયોગ થતો હતો, પરંતુ એની સાથે જોડાયેલી ઘણી ફરિયાદો પછી દેશ EVM તરફ વળ્યો હતો. જોકે અમેરિકા જેવા વિકસિત દેશોમાં ઇલેક્ટ્રૉનિક મતદાન લોકપ્રિય નથી. તેઓ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનને બદલે પેપર બૅલટનો ઉપયોગ કરે છે.
હકીકતમાં EVM વિશ્વસનીય નથી એવું પુરવાર કરતા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે EVM દ્વારા પડેલા મતોની સો ટકા ચકાસણીની માગને ફગાવી દીધી હતી. કોર્ટે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે બૅલટ પેપર પર પાછા ફરવું એ ખરેખર પીછેહઠ હશે અને ચૂંટણી પ્રક્રિયામાં બૅલટ પેપરની ભૂલો, જેને દૂર કરવામાં આવી હતી, એ ફરી ઊભી થશે.
સંભલ તો સંભાળી ન શકાયું હવે અજમેરનો વારો
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક વાર કહ્યું હતું કે દેશમાં દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની શું જરૂર છે? ૨૦૨૨માં નાગપુરમાં એક કાર્યક્રમમાં તેમણે જ્ઞાનવાપીના મામલે કહ્યું હતું કે ‘ઇતિહાસ એવી વસ્તુ છે જેને આપણે બદલી શકતા નથી. એ ન તો આજના હિન્દુઓએ બનાવ્યો છે અને ન તો આજના મુસ્લિમોએ. ઠીક છે, એવાં અમુક પ્રતીકાત્મક સ્થળો માટે આપણી વિશેષ શ્રદ્ધા હતી, પરંતુ દરરોજ કંઈક નવો મામલો ઊભો કરવાનું યોગ્ય નથી. જ્ઞાનવાપીને લઈને આપણી કેટલીક માન્યતાઓ પરંપરાથી ચાલતી આવી છે. આપણે કરી રહ્યા છીએ, ઠીક છે, પણ દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે જોવું જોઈએ?’
એવું લાગે છે કે સંઘના વડાની વાતની કોઈ અસર થઈ નથી. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવાના અદાલતના આદેશને પગલે થયેલા તોફાનમાં પાંચ જણનાં મોત તાજાં જ છે ત્યાં રાજસ્થાનના અજમેરની સ્થાનિક અદાલતે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અને અજમેર દરગાહ સમિતિને પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણની માગ કરતી અરજી પર નોટિસ ફટકારી છે.
આ અરજી હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો છે કે અજમેરની સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર હકીકતમાં એક શિવમંદિર છે. અજમેર કોર્ટનો આ મામલો એવા સમયે આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશના સંભલમાં મોટી જાનહાનિ થઈ છે. ત્યાં હિન્દુ પક્ષનો દાવો છે કે મુગલ શાસક બાબરે ૧૫૨૬માં એક હિન્દુ મંદિરને તોડી પાડીને શાહી જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. હિન્દુ પક્ષ મસ્જિદ પર અધિકારની માગ કરી રહ્યો છે. હિન્દુ પક્ષ મસ્જિદને હરિહર મંદિર કહી રહ્યો છે.
હવે આવો જ દાવો અજમેર શરીફની દરગાહ માટે થયો છે. કોઈ મામલો એક વાર કોર્ટમાં જાય છે પછી એ એક લાંબા કાનૂની વિવાદનું કેન્દ્ર બની જાય છે અને દાવા-પ્રતિદાવા વચ્ચે ઇતિહાસના જૂના ઘા ઊખડતા રહે છે. આ નવો દાવો વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શાહી ઈદગાહ અને મધ્ય પ્રદેશના ધારમાં કમલ-મૌલા મસ્જિદના કેસોમાં કરવામાં આવેલા દાવાઓ જેવો જ છે.
દરગાહના સંરક્ષકોની સંસ્થા અંજુમન સૈયદ જાદગનના સચિવ સૈયદ સરવર ચિશ્તીએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે ‘બાબરી મસ્જિદ પછી અમે એક કડવો ઘૂંટ પી ગયા હતા અને એવું માનીને રાષ્ટ્રના હિતમાં એનો સ્વીકાર કર્યો હતો કે આવું ફરી નહીં થાય; પણ કાશી, મથુરા, સંભલ... આ તો અટકવાની ના પાડે છે. મોહન ભાગવતે જ કહ્યું હતું કે લોકોએ દરેક મસ્જિદમાં શિવલિંગ ન જોવું જોઈએ. આના માટે માટે ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ દોષિત છે.’
ભવિષ્યનું નિર્માણ કરવાની ઇચ્છા ધરાવતા કોઈ પણ સમાજે ભૂતકાળના સંઘર્ષોમાંથી પોતાને બહાર કાઢવો જરૂરી છે. મોહન ભાગવતે પણ એવું જ કહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ન્યાયતંત્ર પણ આ મુદ્દાની ગંભીરતાને સમજવા તૈયાર નથી. નીચલી અદાલતો વારાણસીથી સંભલ સુધી આવાં સર્વેક્ષણો માટે આદેશો જારી કરી રહી છે અને સુપ્રીમ કોર્ટ મૂક પ્રેક્ષક છે.