04 June, 2023 01:17 PM IST | Mumbai | Chandrakant Sompura
અહિલ્યા
ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતાં અહલ્યાબાઈને મહાદેવ પ્રત્યે લખલૂટ વિશ્વાસ હતો અને એને કારણે જ તેમની રોજની મહાદેવપૂજા અઢી કલાક ચાલતી. રાજના સમયની બરબાદી ન થાય એને માટે અહલ્યાબાઈનો દિવસ સવારે ૪ વાગ્યે શરૂ થતો અને તેઓ પોતાના આ પૂજાપાઠ પરોઢના સમયે જ પૂરાં કરી લેતાં.
આઝાદી પહેલાં સોમનાથ મંદિરનું નવનિર્માણ કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈ હોળકરે અને આપણે તેમની જ વાત કરીએ છીએ. મહારાણી અહલ્યાબાઈ હોળકરનો જન્મ ૧૭૨પની ૩૧મી મેના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરના જામખેડમાં આવેલા ચૌંઢી નામના ગામમાં થયો અને તેમનું નિધન ૧૭૯પની ૧૩મી ઑગસ્ટે થયું હતું. તેમનાં લગ્ન સુવિખ્યાત સૂબેદાર મલ્હારરાવ હોળકરના દીકરા ખંડેરાવ સાથે થયાં હતાં, જેને માટે મલ્હારરાવે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અહલ્યાબાઈ નાનાં હતાં ત્યારે મલ્હારરાવે તેમને પહેલી વાર જોયાં અને તેઓ તેમની ધાર્મિક ભક્તિ, આસ્થા અને તેમના હાજરજવાબી સ્વભાવથી ભારોભાર પ્રભાવિત થયા અને તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતાના દીકરા ખંડેરાવ સાથે તેઓ અહલ્યાબાઈનાં લગ્ન કરાવશે.
અહલ્યાબાઈનાં લગ્ન ખંડેરાવજી સાથે થયાં અને બહુ નાની ઉંમરે તેમણે પતિને ગુમાવ્યા, જેને લીધે અહલ્યાબાઈના દીકરાને રાજગાદી સોંપવામાં આવી. રાજગાદી સોંપાઈ ત્યારે અહલ્યાબાઈના પુત્ર અને ઇન્દોરના કુંવરની ઉંમર માંડ બે કે અઢી વર્ષની હતી, જેને લીધે રાજનો કાર્યભાર સંભાળવાની જવાબદારી અહલ્યાબાઈના શિરે આવી. તેમણે એ જવાબદારી બહુ સારી રીતે સંભાળી. એ જોઈને તમામ દરબારીઓથી માંડીને ખુદ રાજપરિવાર પણ બહુ અચંબિત થયો અને એ પછી મહારાણીને સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો. સ્વતંત્ર કાર્યભાર પછી મહારાણીએ જે અમુક નિર્ણય લીધા એ એવા અદ્ભુત હતા કે પ્રજામાં તેમની વાહવાહી થઈ ગઈ.
અઢારમી સદીમાં મહારાણીએ સ્ત્રીભ્રૂણ હત્યાને ગુનો ગણાવ્યો હતો અને એવું કરનાર સામે સજા મળે તો તેને જેલવાસની સજા સંભળાવી હતી. જરા વિચાર કરો કે આજે એકવીસમી સદીમાં આપણે આવી ઘટનાને ગુનો ગણીએ છીએ, પણ મહારાણીએ તો અઢારમી સદીમાં જ આ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત મહારાણીએ સ્ત્રી-શિક્ષણ સંપૂર્ણ નિઃશુલ્ક કર્યું હતું. હા, સંપૂર્ણ નિઃશુલ્ક, એટલે કે દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેણે એક પણ પૈસો ફી ભરવાની નહીં. જો દીકરી ભણવા માટે વિદેશ જાય તો એ ખર્ચ પણ રાજ પર હતો, એટલું જ નહીં, ભણવા ગયેલી દીકરીના ખાવાપીવા અને ટ્રાવેલિંગ દરમ્યાન થતા ખર્ચની જવાબદારી પણ રાજની હતી. એક સમય હતો કે તેમના રાજમાં સ્ત્રી-શિક્ષણનું પ્રમાણ જબરદસ્ત વધ્યું હતું અને એને લીધે એ વિસ્તારમાં રહેતી દીકરીઓને વર મળવો પણ કષ્ટદાયી થયું હતું. આવું લાંબો સમય ચાલે નહીં એ માટે મહારાણી અહલ્યાબાઈએ આંતરજ્ઞાતીય લગ્નને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને રાજની દીકરી કોઈ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો એ દીકરીના કન્યાદાનની જવાબદારી રાજની ગણાશે એવી જાહેરાત કરવા ઉપરાંત એવું પણ જાહેર કર્યું કે આ લગ્નમાં દીકરીને ઘરથી માંડીને લગ્ન કરનારા છોકરાને રાજ દ્વારા નોકરી આપવામાં આવશે.
કહેવાનો ભાવાર્થ એ જ કે અહલ્યાબાઈની વિચારધારા એટલી હદે આધુનિક હતી કે કોઈએ કલ્પના સુધ્ધાં ન કરી હોય, પણ ગર્વની વાત એ છે કે તેમની આ આધુનિક વિચારધારા વચ્ચે તેમણે સંયમશીલ પોતાનું વિધવાપણું પણ આજીવન નિભાવ્યું. ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતાં અહલ્યાબાઈને મહાદેવ પ્રત્યે લખલૂટ વિશ્વાસ હતો અને એ જ કારણે તેમની રોજની મહાદેવપૂજા અઢી કલાક ચાલતી. રાજના સમયની બરબાદી ન થાય એને માટે અહલ્યાબાઈનો દિવસ સવારે ૪ વાગ્યે શરૂ થતો અને તેઓ પોતાના આ પૂજાપાઠ પરોઢના સમયે જ પૂરાં કરી લેતાં.
મહારાણી અહલ્યાબાઈ મહાદેવ સાથે સીધો સંપર્ક ધરાવતાં એવું તેમના વંશજો કહી રહ્યા છે. કદાચ આ જ કારણ હશે કે એક રાતે તેમના સપનામાં મહાદેવ આવ્યા અને તેમને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારનું આહવાન કર્યું, જેનું પાલન મહારાણીએ કર્યું અને સૌથી પહેલાં કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે વારાણસીમાં ઊભેલું આ મંદિર મહારાણી અહલ્યાબાઈ હોળકરની દેન છે અને સોમનાથ મંદિરના કૅમ્પસમાં આવેલું મહાદેવ મંદિર પણ તેમની જ દેન છે. સોમનાથ કૅમ્પસમાં રહેલા અને જૂના મંદિર તરીકે ઓળખાતા એ મંદિરને સ્થાનિક લોકો તો અહલ્યાબાઈ મંદિર તરીકે જ એને ઓળખે છે. અહલ્યાબાઈ મંદિર અને કાશી વિશ્વાનાથ મંદિરની નિર્માણગાથા વિશે વધારે વાત કરીશું હવે આપણે આવતા દિવસોમાં.