તમને પૂછ્યા વિના લોકો પાણી પણ ન પીએ એવી અવસ્થા લાવે મા સિદ્ધિદાત્રી

23 October, 2023 03:07 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

Navratri 2023: તમામ પ્રકારની સિદ્ધિ આપવામાં મદદરૂપ બનતી મા સિદ્ધિદાત્રીનું પૂજન પણ અત્યંત સરળ અને સહેલું છે. માત્ર માની મૂર્તિને ખરા દિલથી નીરખવાથી પણ મા સિદ્ધિદાત્રી પ્રસન્નતા પામે છે

તમને પૂછ્યા વિના લોકો પાણી પણ ન પીએ એવી અવસ્થા લાવે મા સિદ્ધિદાત્રી

મા સિદ્ધિદાત્રીનો મંત્ર
મંત્રો તો ઘણા છે પણ હવે સંસ્કૃતના જ્ઞાનનો અભાવ હોવાથી ઉચ્ચારણમાં તકલીફ પડે એવું લાગે અને સૌથી સરળ મંત્રનું પઠન કરવું હોય તો ઓમ ઐં હ્રીં ક્લીં સિદ્ધિદાત્ર્યે નમઃ સૌથી સરળ અને સર્વોત્તમ મંત્ર છે.

નવ દુર્ગા પૈકીનું નવમું અને અંતિમ સ્વરૂપ એટલે મા સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રીની એક ખાસિયત કહું.

જો તમે અગાઉના મા દુર્ગાના આઠ સ્વરૂપને પૂજી ન શક્યા હો તો મા સિદ્ધિદાત્રી દ્વારા મા દુર્ગાનાં તમામ રૂપને પૂજી શકો છો પણ એની માટે એક નાનકડી શરત પણ છે. જો દર મહિને નોમના દિવસે મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે તો મા દુર્ગાનાં નવેનવ સ્વરૂપનું પૂજન થયું માનવામાં આવે છે અને એવું કરવામાં આવ્યું હોય એવી નોંધ પણ શાસ્ત્રોમાં છે. મા સિદ્ધિદાત્રી તેમના નામ મુજબ જ સિદ્ધિ આપવાનું કામ કરે છે તો સાથોસાથ એ પણ કહેવું જરૂરી છે કે અગાઉની આઠેઆઠ દુર્ગા પણ જે આપે છે એ આપવાનું કામ પણ મા સિદ્ધિદાત્રી કરે છે. મા સિદ્ધિદાત્રીની આરાધનાના નિયમો બહુ સરળ છે. પરોઢથી સૂર્યોદય સુધીના સમયમાં માત્ર મા સિદ્ધિદાત્રીને પ્રતિમાને નિહાળવામાં આવે તો પણ મા એને પોતાની આરાધના ગણે છે.

નામ શું કામ સિદ્ધિદાત્રી? | માર્કન્ડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એ આઠ સિદ્ધિઓ છે, જે આઠેઆઠ સિદ્ધઓ પ્રાપ્ત કરાવવામાં મા સિદ્ધિદાત્રીની આરાધના ફરજિયાત છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં તો આ આઠ સિદ્ધિ ઉપરાંતની પણ દસ અન્ય સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે પણ એ તમામ સિદ્ધિની પ્રાપ્તિ માટે પણ મા સિદ્ધિદાત્રી જ અંતિમ ચરણ છે. એકલવ્યએ મા સિદ્ધિદાત્રીની સ્થાપના કરી એમની પાસે સિદ્ધિની માગ કરી હતી. એકલવ્યની આરાધનાથી ખુશ થઈ મા પ્રકટ થયાં અને તેમણે એકલવ્યને વચન આપ્યું કે તે સિદ્ધિ આપશે, પણ વચન આપવાની સાથોસાથ એ પણ કહ્યું કે તું માગે છે એ સિદ્ધિ તારા નસીબમાં નથી અને નસીબ ઉપરાંતનું કંઈ પણ માગવામાં આવે તો જાય પણ એટલું જ ઝડપથી. એટલે એકલવ્ય, વિચારી લે કે તને એ વચન જોઈએ છે કે નહીં. પણ એકલવ્ય માન્યો નહીં અને તેણે મા સિદ્ધિદાત્રી પાસે હઠ પકડી.

સૌકોઈને ખબર છે કે એકલવ્યએ પ્રાપ્ત કરેલી સિદ્ધિ કેવી રીતે તેના અંગૂઠા સાથે જ વિદાય લઈ ગઈ પણ હા, તેણે પ્રાપ્ત કરેલી સિદ્ધિની નોંધ આજે સદીઓ પછી પણ દુનિયા લઈ રહી છે એ પણ એટલું જ મહત્ત્વનું છે.

મા સિદ્ધિદાત્રી શું આપે? | આગળ કહ્યું એમ અગમ-નિગમની તમામ પ્રકારની સિદ્ધિ આપવાનું કામ મા સિદ્ધિદાત્રી કરે છે. મા સિદ્ધિદાત્રીની નિયમિત આરાધના કરનારાને તેના ગ્રુપ-સર્કલમાં એ સ્થાન પર મા પહોંચાડે છે કે તેમને પૂછ્યા વિના લોકો પાણી સુધ્ધાં ન પીએ. મા સિદ્ધિદાત્રીનું નિયમિત પૂજન કરવાથી કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે તો સાથોસાથ મા સિદ્ધિદાત્રી ગ્રહદોષ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. 

જન્માક્ષરમાં રહેલો કોઈ પણ ગ્રહ જો નડતરરૂપ હોય તો એ દોષ દૂર કરવાનું કામ મા સિદ્ધિદાત્રી સરળતાથી કરે છે અને આ માટે જ તેમને તમામ ગ્રહ અને નક્ષત્રના મહારાણી તરીકે પણ ઓળખવામાં આવ્યાં છે. સૂર્યથી લઈને શનિ અને રાહુથી લઈને કેતુ પર મા સિદ્ધિદાત્રીનું શાસન છે. જો કોઈ ગ્રહદોષ નડતરની પૂજા કે વિધિ ન ફાવતી હોય તો મા સિદ્ધિદાત્રી એકની પૂજા પણ ફળદાયી પુરવાર થાય છે.

navratri 2023 navratri festivals columnists