પ્રેમ કે પૈસો?: કોણ કોના પર ભારે?

29 December, 2023 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનમાં પ્રેમ અને પૈસા બંને મહત્ત્વપૂર્ણ છે, પણ બંનેમાંથી શું વધારે મહત્ત્વનું છે? આ ટૉપિક આજના વિચારશીલ યંગસ્ટર્સ વચ્ચે ફ્રીક્વન્ટ્લી ચર્ચાનો વિષય રહ્યો છે. આજના યંગસ્ટર્સ પ્રેમ અને પૈસા બંનેમાંથી કોને વધારે પ્રાયોરિટી આપે છે?

પ્રતીકાત્મક તસવીર

બંને મહત્ત્વના છે, તમને લાઇફમાં શું જોઈએ એ તમારે નક્કી કરવાનું : અર્ણવ શાહ

એક વસ્તુ તો ૧૦૦ ટકા પાક્કી જ છે કે જીવનમાં તમને પ્રેમ કાં તો પૈસા આ બે વસ્તુમાંથી એક મળશે. માંડ લાખોમાં એક હોય જેને બંને વસ્તુ મળે. તમે લાઇફમાં કઈ વસ્તુને વધારે મહત્ત્વ આપો છો એના પર તમારી લાઇફ ડિપેન્ડ કરે છે એમ જણાવતાં મુલુંડમાં રહેતો ૧૮ વર્ષનો અર્ણવ શાહ કહે છે, ‘જેમ કે જો તમે આખી જિંદગી પૈસા પાછળ ભાગો તો તમને એ મળી જશે પણ જરૂરી નથી કે પ્રેમ મળી જાય. ઘણા લોકોની પ્રાયોરિટી પ્રેમ હોય તો તેમને એ તો મળી જાય પણ આર્થિક બાબતે તેમને જીવનભર સંઘર્ષ કરવો પડે એવું બને. એટલે તમારી આગળની લાઇફ તમારી ચૉઇસ અને પ્રેફરન્સિસ પર ડિપેન્ડ કરે છે. હવે ઘણા લોકોને તેમની ચૉઇસ મુજબ લાઇફમાં એક વસ્તુ મળી જાય તેમ છતાં જે વસ્તુ નથી મળી એને લઈને અફસોસ કરતા હોય છે. મારા હિસાબે એ ખોટું છે. લાઇફમાં દરેકને કંઇકને કંઇક કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હોય છે. મારી જ વાત કરું તો મારા માટે પ્રેમ વધુ મહત્ત્વનો છે. એનો અર્થ એવો જરાય નથી કે મારા માટે પૈસા મહત્ત્વના નથી. મને પર્સનલી એમ લાગે છે કે પૈસા તો હું ગમે તેમ કરીને કમાઈ લઈશ. બની શકે કે કરોડો ન કમાઈ શકું, પણ એટલું તો કમાઈ જ લઈશ કે સારી રીતે લાઇફ સ્પેન્ડ કરી શકું. પણ સાચો પ્રેમ શોધવાનું એટલું સરળ નથી. આજકાલની મોટા ભાગની છોકરીઓ એવા જ છોકરાને બૉયફ્રેન્ડ બનાવે જે તેના ખર્ચા ઉઠાવી શકે, તેની બધી ડિમાન્ડ પૂરી કરી શકે. એટલે મારા માટે તો લાઇફમાં એક લૉયલ પાર્ટનર મળે એ મોટી વાત છે જે ખરેખર તમને પસંદ કરે નહીં કે તમારું સ્ટેટસ જોઈને તમારી સાથે રહે. જનરલી છોકરીઓ એવા છોકરાને પ્રેફરન્સ આપે જે લાઇફમાં સ્ટેબલ હોય અથવા તો જે રિચ ફૅમિલીથી બિલૉન્ગ કરતો હોય. મારા કેસમાં એવું છે કે મારે એવી જ પાર્ટનર જોઈએ જે બિલીવ કરતી હોય કે હસબન્ડ અને વાઇફ બંનેએ સાથે મળીને અર્ન કરવું જોઈએ અને એકબીજાનાં ડ્રીમ્સને સપોર્ટ કરવો જોઈએ.’

પ્રેમનું મહત્ત્વ વધુ છે, પણ પૈસાને પણ ઓછા આંકી ન શકાય : ઋષભ લીંબાણી

મારા માટે પ્રેમ મહત્ત્વનો છે. જીવનની ગાડી તો જ સરખી ચાલે જો હસબન્ડ-વાઇફ વચ્ચે પરસ્પર પ્રેમ અને સમજણ હોય. પૈસાનું તો એવું છે કે જો કોઈ દિવસ ઓછા-વધુ હોય તો પણ બંને એમાં ઍડ્જસ્ટ કરી લેશે એમ ડોમ્બિવલીમાં રહેતા અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા ૨૬ વર્ષના ઋષભ લીંબાણીનું કહેવું છે. ઋષભ કહે છે, ‘મારાં મમ્મી એક્સપાયર થઈ ગયાં છે. ફૅમિલીમાં હું અને મારા પપ્પા જ છીએ. એટલે લાઇફના આ સ્ટેજ પર હું એવી જ છોકરી શોધીશ જેના માટે પ્રેમ મહત્ત્વનો છે. જો તેનામાં પ્રેમની ભાવના હશે તો જ એ મને અને મારા પપ્પા અમને બંનેને પ્રેમથી સાચવશે. સાવ એવું પણ નથી કે લાઇફમાં પ્રેમ હોય એટલે પછી બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આજે પૈસાનું મહત્ત્વ પણ આપણે ઓછું આંકી શકીએ એમ નથી. હસબન્ડ અને વાઇફ બંને કમાતાં હોય તો જ ઘર ચાલી શકે. એટલે હું પણ એ એક્સપેક્ટ કરું કે મારી પાર્ટનર હોય તે થોડુંઘણું કમાય. હા, પણ એ વાતમાં હું ફર્મલી બિલીવ કરું છું કે સંબંધમાં પૈસા કરતાં પ્રેમનું મહત્ત્વ વધારે હોય તો જીવન સરળ બની જાય છે.’

પ્રેમ જે વસ્તુ આપી શકે એ ગમે એટલા પૈસા હોય તોય ખરીદી શકો નહીં : આરતી શાહ


મારાં હજી થોડા સમય પહેલાં જ લવ મૅરેજ થયાં છે. ફેબ્રુઆરીમાં અમને એક વર્ષ પૂર્ણ થશે. એટલે મારા માટે પ્રેમ વધુ મહત્ત્વનો છે એ દેખીતી વાત છે એમ જણાવતાં ૨૪ વર્ષની આરતી શાહ કહે છે, ‘હું અને મારા હસબન્ડ હર્ષ અમે બંને સ્કૂલ ટાઇમથી સાથે છીએ. જનરલી એમ કહેવાય કે નાની ઉંમરે થયેલો પ્રેમ કંઈ લાંબો ન ચાલે. એ પ્રેમ નહીં, ફક્ત આકર્ષણ હોય. જોકે મને છેલ્લાં આટલાં વર્ષોમાં એવું કયારેય ફીલ નથી થયું કે મને હર્ષ પ્રત્યે પ્રેમ નથી. લાઇફમાં વચ્ચે એવો પણ ફેઝ આવેલો કે અમારો કૉન્ટૅક્ટ તૂટી ગયેલો. તેમ છતાં હર્ષ માટેની મારી ફીલિંગ ક્યારેય બદલાઈ નથી. મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બૉય્ઝ છે. એમના પર ક્રશ આવી ગયો હોય એવું પણ નથી બન્યું. મારા માટે પ્રેમ મહત્ત્વનો છે. પૈસાથી તમે તમારાં ઘણાં ડ્રીમ્સ પૂરાં કરી શકો જેમ કે વર્લ્ડ ટૂર કે પછી નવું ઘર, કારની ખરીદી વગેરે. આ બધી વસ્તુ પણ આપણે લાઇફમાં એક્સપેક્ટ કરીએ છીએ. એમાં કંઈ ખોટું નથી. હવે ઘણાને આ બધી વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈતી હોય તો એ લોકો એવા પાર્ટનર પસંદ કરે જેમની પાસે આ બધી વસ્તુ ઑલરેડી છે. એટલે તેઓ પૈસા જોઈને પાર્ટનરની પસંદગી કરે. મારે એવું છે કે લાઇફમાં પાર્ટનર સારો હોવો જોઈએ. બાકી બધું તો તમે ધીમે-ધીમે સાથે મળી મહેનત કરીને વસાવી લેશો. એક સારો પાર્ટનર તમને જે પ્રેમ, હૂંફ, સાથસહકાર આપશે એ તમને પૈસા ક્યારેય નહીં આપી શકે. મારા હસબન્ડનો કેમિકલનો બિઝનસ છે અને હું વીએફએક્સ કંપનીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કો-ઑર્ડિનેટરનું કામ કરું છું.’

મારા માટે પહેલાં પૈસા, પછી પ્રેમ આવે : મહેક પારઘી


જનરલી આવા ક્વેશ્ચન પુછાતા હોય ત્યારે ૯૯ ટકા લોકો એમ જ કહેતા હોય કે તેમના માટે પૈસા કરતાં પ્રેમ વધુ મહત્ત્વનો છે. જોકે મને એ કહેવામાં કોઈ વાંધો નથી કે જીવનમાં પૈસા વધુ મહત્ત્વના છે એમ કહેવું છે થાણેમાં રહેતી ૨૧ વર્ષની મહેક પારઘીનું. મહેક કહે છે, ‘જીવનમાં પૈસા જ બધું છે એવું નથી, પણ હા જીવનમાં પૈસા છે તો ઘણુંબધું છે. જો તમે લાઇફમાં સારું એવું કમાતા હશો તો જ તમે એક સારી લાઇફ જીવી શકશો અને તમારાં જે પણ ડ્રીમ છે એ પૂરાં કરી શકશો. જ્યાં સુધી પ્રેમની વાત છે તો એ હું માનું છું કે નસીબની વાત છે. નસીબમાં હશે તો મળી જ જશે. પૈસા કમાવવા માટે મારે જાતે મહેનત કરવી પડશે. અત્યારે હું લાઇફના જે સ્ટેજમાં છું એને ધ્યાનમાં લેતાં મારે મારી કરીઅર પર વધારે ફોકસ કરવુ જોઈએ. એક સારી જૉબ હશે તો હું એક સ્ટાન્ડર્ડ લાઇફ જીવી શકીશ. ઈવન તમે આજકાલ જોશો તો લોકો લાઇફ-પાર્ટનરની પસંદગી પણ સ્ટેટસ જોઈને કરતા હોય છે. કોઈ ડૉક્ટર કે એન્જિનિયર હોય તો એ એક્સપેક્ટ કરે કે તેનો પાર્ટનર પણ એ જ લેવલનો હોય. આ બિટર ટ્રૂથ છે, પણ આપણે ઍક્સેપ્ટ કરવું જ પડશે. પૈસાનું મહત્ત્વ બધાની લાઇફમાં અલગ-અલગ હોય છે. જેમ કે કોઈ રિચ ફૅમિલીથી બિલૉન્ગ કરતુ હોય તો તેના માટે કદાચ પૈસા એટલા જરૂરી ન હોય, પણ જો કોઈ ખૂબ જ પૂઅર ફૅમિલી બૅકગ્રાઉન્ડમાંથી કે પછી એક સારું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ એક્સપેક્ટ કરતા મિડલ ક્લાસના લોકો માટે પૈસાનું ઘણું મહત્ત્વ છે. મારું માનવું છે કે જીવનમાં પ્રેમ હોવો જોઈએ, પણ ફક્ત પ્રેમથી જિંદગી વિતાવાતી નથી. એટલે મારા માટે પ્રેમની પહેલાં પૈસા આવે છે.’

columnists