લોકસાહિત્ય માત્ર સાહિત્ય નહીં, સંસ્કારની એ ધરોહર છે જે દરેક પોતાના સંતાનમાં ઇચ્છે છે

05 June, 2024 09:50 AM IST  |  Mumbai | Bhikhudaan Gadhvi

લોકસાહિત્યની સૌથી બળકટ વાત જો કોઈ હોય તો એ કે એમાં સાહિત્યના નવેનવ રસનો સમાવેશ થયો છે.

ભીખુદાન ગઢવી

મને ઘણા એવું પૂછે છે કે લોકસાહિત્યનું ભવિષ્ય શું? સવાલ સાંભળીને મને હસવું આવે અને કહેવાનું મન પણ થાય કે તમારા કરતાં ક્યાંય વધારે, પણ આવું કહીએ તો કોઈને માઠું લાગે એટલે હું જવાબ આપવાનું ટાળું.

આ વિષય પર વાત આગળ વધારતાં પહેલાં તમને એક ચોખવટ કરી દઉં. લોકસાહિત્ય એટલે એવું સાહિત્ય જે લોકો દ્વારા સચવાયું છે અને લોકો દ્વારા જ અન્ય સુધી પહોંચ્યું છે. અમે લોકકલાકારો તો માત્ર પૂરક છીએ, બાકી આ લોકસાહિત્યને આગળ લઈ જવાનું કામ તો લોકો જ કરે છે. શહેરમાં રહેતા લોકોને એવું લાગે છે કે લોકસાહિત્યના કાર્યક્રમો હવે થતા નથી કે પછી સાવ ઓછા થઈ ગયા, પણ ના, એવું નથી. તમે અંતરિયાળ ગામોમાં જઈને જુઓ તો તમને દેખાય કે આજે પણ ત્યાં ફિલ્મનાં ઍક્ટર-ઍક્ટ્રેસ કરતાં ને પિક્ચરનાં ગીતો કરતાં લોકસાહિત્યની બોલબાલા મોટી છે. લોકસાહિત્ય સાંભળવા માટે લોકો બેસે છે અને મધરાતે જ્યારે કલાકારો તેમનાં વાજિંત્રો પૅક કરે ત્યારે તેમને સ્ટેજ પરથી ઊભા નથી થવા દેતા. જ્યાં સુધી આ પ્રકારના કદરદાનો છે ત્યાં સુધી લોકસાહિત્યને ઊની આંચ નથી આવવાની.

તમે જુઓ તો ખરા, સદીઓ જૂનો ઇતિહાસ છે, કેવી ભવ્ય ધરોહર સાથે એ ઇતિહાસ આજે પણ જળવાયેલો રહ્યો છે. કેવી રીતે એ ઇતિહાસ ભુલાય, કેવી રીતે એને કોઈ વીસરી શકે. ઘણાની એવી દલીલ હોય છે કે હવે તો બધા અંગ્રેજી બોલતા થઈ ગયા છે એવા સમયે આવી તળપદી ગુજરાતી-કાઠિયાવાડી સાથેનો કાર્યક્રમ ક્યાંથી કોઈ માણે, પણ આ દલીલ કરનારાને મારે કહેવું છે કે એક વખત તે અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા કે લંડન જેવાં શહેરોમાં થતા લોકસાહિત્યના કાર્યક્રમો માણવા આવે અને જુએ કે આપણા ગુજરાતી જ નહીં, ગુજરાતીઓ સાથે સંબંધ ધરાવતા અંગ્રેજો પણ એ કાર્યક્રમમાં બેઠા હોય છે અને મન મૂકીને એને માણતા હોય છે.

લોકસાહિત્યની સૌથી બળકટ વાત જો કોઈ હોય તો એ કે એમાં સાહિત્યના નવેનવ રસનો સમાવેશ થયો છે. એ પ્રેક્ષકની આંખમાં આંસુ પણ લાવી દે અને કન્યાવિદાયની વાત વખતે ઑડિયન્સમાં બેઠેલાં માબાપને ધ્રુસકે-ધ્રુસકે રડાવી પણ દે. શૌર્યની વાત આવે ત્યારે પ્રેક્ષકના શરીરમાં વહેલા લોહીનો ધસારો પવનવેગી થઈ જાય અને બલિદાનની વાત આવે ત્યારે તમારી છાતી છપ્પનની થઈ જાય. લોકસાહિત્ય એ માત્ર સાહિત્ય નથી, એ સંસ્કાર છે અને જ્યાં સુધી માબાપ પોતાનાં સંતાનોમાં સંસ્કારનું સિંચન કરતાં રહેશે ત્યાં શિવાજીનું હાલરડું ને રંગ કસુંબલ... દરેક કાનમાં ગુંજતું રહેશે. લોકસાહિત્ય મરે નહીં સાહેબ, એ અમરત્વ લઈને આવ્યું છે. જુઓને, આજે પણ એ અમરત્વ જ ભોગવે છેને!

columnists gujarati mid-day