શ્રી રામના રાજ્ય ઉત્તર પ્રદેશમાં BJPની ભક્તિ કેમ વિફળ રહી?

16 June, 2024 12:00 PM IST  |  Mumbai | Raj Goswami

૩૭ બેઠકો જીતીને સમાજવાદી પાર્ટીએ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે...

ફાઇલ તસવીર

૩૭ બેઠકો જીતીને સમાજવાદી પાર્ટીએ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે અખિલેશ યાદવના રાજકીય કદની તુલના તેમના પિતા મુલાયમ સિંહ યાદવ સાથે થવા લાગી છે. અખિલેશ યાદવ રાહુલ ગાંધી સાથે મળીને વંચિતો, દલિતો અને લઘુમતીઓના ગઠબંધનના નારાને દરેક ઘરમાં પહોંચાડવામાં સફળ રહ્યા હતા

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અશ્વમેધી ઘોડાને ઉત્તર પ્રદેશે પગમાં બેડીઓ પહેરાવી દીધી એ સૌથી મોટું આશ્ચર્ય અને આઘાત બન્ને છે. દિલ્હીની સત્તા મેળવવામાં ૮૦ બેઠકોવાળા ઉત્તર પ્રદેશની ભૂમિકા કાયમ રહી છે અને BJPએ જ્યારે દિલ્હીની સત્તા પર પોતાની આંખો ટેકવી હતી ત્યારે એણે એનું સમગ્ર ધ્યાન અને તાકાત ઉત્તર પ્રદેશ પર લગાવી દીધાં.

ઉત્તર પ્રદેશ પાસે સૌથી વધુ લોકસભા બેઠકો છે એ તો ખરું જ, પરંતુ BJPનો મુખ્ય ચૂંટણીનારો બનેલું રામમંદિર પણ ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશ માત્ર આસ્થાસ્થળ જ નથી, એ બાકી દેશના હિન્દુઓને હિન્દુત્વની છત્રી નીચે એકત્ર કરવાની BJPની પ્રયોગશાળા પણ છે. દેશમાં લાંબા સમય સુધી શાસન કરવાની અને હિન્દુત્વની વિચારધારાનો પ્રસાર કરવાની BJPની યોજનામાં ઉત્તર પ્રદેશ નિર્ણાયક રહ્યું છે.

એટલા માટે ચૂંટણીનાં સમીકરણોમાં BJPએ ઉત્તર પ્રદેશને એટલું સુરક્ષિત કરી દીધું હતું કે પાર્ટીના વિરોધીઓને પણ એમાં કોઈ શંકા નહોતી કે આ વખતે ઉત્તર પ્રદેશ ૮૦માંથી ૮૦ બેઠકો BJPને આપશે. ગમે એમ તોય BJPએ અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવાનું સપનું પૂરું કર્યું હતું એટલું જ નહીં, વડા પ્રધાને ખુદ તેમના હાથે છ મહિના પહેલાં જ ધામધૂમથી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

જે BJPનો ઉદય જ રામમંદિરના નારાની આસપાસ થયો હોય એને ઉત્તર પ્રદેશમાં માત્ર ૩૩ બેઠકો મળે એ હકીકત જ ૨૦૨૪ની ચૂંટણીની સૌથી રહસ્યમય વાર્તા છે. ૨૦૧૯માં BJPએ આ જ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ૬૩ બેઠકો મેળવી હતી. એવું તે શું થયું કે BJP જેને આસાન રાજ્ય માનતું હતું એમાં એની બેઠકો ઘટીને અડધી થઈ ગઈ એટલું જ નહીં, ૨૦૧૯નો એનો વોટશૅર ૪૯.૬ ટકાથી ઘટીને ૪૧.૪ ટકા પર આવી ગયો?

જાણકાર લોકો તો ત્યાં સુધી કહે છે કે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (BSP) જો BJPની ‘બી’ ટીમ તરીકે કામ ન કરતી હોત તો BJPની ૩૩ બેઠકો પણ આવી ન હોત (બાય ધ વે, દેશના દલિત સમુદાયના વૈકલ્પિક અવાજ તરીકે ઊભરેલી અને એક સમયે ઉત્તર પ્રદેશની સત્તામાં જેનો દબદબો હતો એ BSP આ વખતે સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે).

ત્રણ કારણોથી BJPને ઉત્તર પ્રદેશમાં કારમો આઘાત સહન કરવો પડ્યો છે:

મોંઘવારી અને જાતિ સમીકરણ

BJP વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાકતવર છબિ સાથે ચૂંટણીમાં ઊતરી હતી, પણ એના પરંપરાગત ટેકેદારો સહિત જનતાના એક મોટા વર્ગમાં બેરોજગારી અને મોંઘવારીને કારણે રોષ પ્રવર્તતો હતો. BJP એની તીવ્રતા મહેસૂસ કરવામાં નિષ્ફળ ગઈ હતી એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કૉન્ગ્રેસના રાહુલ ગાંધીએ પ્રજાના પ્રશ્નો પર જ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વધારામાં, તેમણે BJPના ‘૪૦૦ પાર’ના નારાને બંધારણ બદલીને દલિતોના આરક્ષણને પાછું લઈ લેવાની ચાલ તરીકે ચીતર્યો હતો એનાથી પછાત વર્ગમાં બીક પેસી ગઈ હતી.

૨૦૧૪ પહેલાં BJPએ પછાત જાતિઓનું જે માળખું ઊભું કર્યું હતું એ આ વખતે ક્ષીણ થતું જોવા મળ્યું હતું. કુર્મી, કુશવાહા, મૌર્ય, બિંદ, નિષાદ, નોનિયા સહિત અન્ય ઘણી જાતિઓ વિખેરાઈ ગઈ હતી. પક્ષે આ જાતિઓનું પ્રતિનિધિત્વ જે ઉમેદવારોને સોંપ્યું હતું એમાંથી કોઈ પણ તેમને રોકી શક્યું નહોતું. એની સામે વિપક્ષોનું ગઠબંધન INDIA દલિતો, અન્ય પછાતો અને મુસ્લિમ મતદારોને પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યું હતું.

ઉમેદવારોની પસંદગી

આ વખતે ટિકિટનું વિતરણ કેટલીક સર્વેક્ષણ-એજન્સીઓ અને કેટલીક ગુપ્તચર એજન્સીઓના અહેવાલો પર આધારિત હતું. BJPના હાઇકમાન્ડે ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોને પોતાના માપદંડ અને પસંદ-નાપસંદ પ્રમાણે નક્કી કર્યા હતા અને સ્થાનિક લોકોની વાત સાંભળી નહોતી એટલું જ નહીં, BJPએ બહારથી આવેલા અને જેમની છબિ સારી ન હોય એવા ઉમેદવારોને ટિકિટ આપી હતી એને કારણે પાર્ટીના કાર્યકરોમાં નારાજગી હતી.

એવું પણ કહેવાય છે કે સંઘના સ્વયંસેવકો પણ ઉમેદવારોની પસંદગીથી નારાજ હતા અને મતદાનમાં તેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા. શરૂઆતમાં BJP ૩૦ ટકા ઉમેદવારોને બદલવા માગતી હતી, પણ વિરોધને કારણે ૧૪ ટકા સંસદસભ્યોને બદલી શકી હતી. ખેડૂતો અને અન્ય વર્ગોનો વિરોધ પણ અનેક બેઠકો પર દેખાતો હતો.

BJPએ સંસદસભ્યોને ટિકિટ આપતાં પહેલાં તેમનો સર્વે કર્યો હતો. દરેક અહેવાલમાં સંસદસભ્યો સામે લોકોમાં ગુસ્સો અનુભવાયો હતો. મોટા ભાગની જિલ્લા ટીમોએ સંસદસભ્યોને ફરીથી ટિકિટ આપવાનું સમર્થન કર્યું નહોતું, પરંતુ એ ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું. ચૂંટણી મોદીના ચહેરા અને રામમંદિર પર કેન્દ્રિત હતી. આની સીધી અસર જમીન પર પડી હતી. ઘણી જગ્યાએ વિધાનસભ્યો અને સંસદસભ્યો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ સંગઠને એના પર ધ્યાન આપ્યું નહોતું.

રામમંદિર ન ચાલ્યું

ઉત્તર પ્રદેશમાં જ નહીં, પૂરા દેશમાં રામના નામની લહેર ઊભી કરવા માટે ચૂંટણી પહેલાં જ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે યોજવામાં આવ્યો હતો. વિચાર એવો હતો કે ચૂંટણી સુધી મતદારોના મન પર રામમંદિર છવાયેલું રહે. જોકે મંદિરના નિર્માણ સાથે જ એ મુદ્દો લોકોના મનમાંથી ઓસરી ગયો હતો. પ્રાણપ્રતિષ્ઠા માત્ર એક ઔપચારિકતા હતી અને ચૂંટણીપ્રચાર શરૂ થતાં સુધીમાં એની ચર્ચા પણ ગાયબ થઈ ગઈ હતી. એવું પણ કહેવાય છે કે મંદિર-આંદોલનમાં સંઘથી લઈને પાયાના અનેક કાર્યકરો જોડાયેલા હતા, પણ પ્રાણપ્રતિષ્ઠામાં તેમની અવગણના થઈ હતી અને ‘દિલ્હી’ની સેલિબ્રિટીઓ છવાઈ ગઈ હતી.

અયોધ્યામાં દરરોજ VVIP આવવા લાગ્યા હતા. એવી સ્થિતિમાં અહીં દરરોજ મોટા અને કડક પ્રોટોકૉલ લાદવામાં આવવા લાગ્યા, જેનાથી અયોધ્યાના લોકો પણ પરેશાન થયા હતા. કેટલીક વાર અયોધ્યાના રહેવાસીઓનાં વાહનોને તેમના ઘરથી ત્રણ કિલોમીટર દૂર રોકવામાં આવતાં હતાં. આ કારણે અયોધ્યાના લોકોમાં સંસદસભ્ય અને સરકારને લઈને ઘણો ગુસ્સો હતો. ઉપરાંત રામપથને પહોળો કરવાના નામે ભક્તિપથ, કૌસી માર્ગ, પરિક્રમા માર્ગ તેમ જ લોકોનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ તેમને ખૂબ ઓછું વળતર મળ્યું હતું. સદીઓથી ત્યાં રહેતા લોકોને વિકાસના નામે એક ક્ષણમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. લોકોમાં એનો પણ ગુસ્સો હતો.

આ જ કારણ હતું કે અયોધ્યા જેના અંતર્ગત આવે છે એ ફેઝાબાદ બેઠક પર પણ BJPના ઉમેદવાર લલ્લુ સિંહ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે હારી ગયા હતા. ‘મંદિર તો બરાબર છે, પણ નોકરીઓ નથી એનું શું?’ એવું દરેક જગ્યાએ લોકો પૂછતા હતા. માત્ર લોકો જ નહીં, BJPના કાર્યકરો અને વિસ્તારનાં સંગઠનો પણ લલ્લુ સિંહની ઉમેદવારી સામે ગુસ્સે થયા હતા. મતદાન વખતે તેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા.

અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી રામમંદિર ગયા નહોતા એને પણ મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના પર રામદ્રોહી, ઔરંગઝેબ જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા; પરંતુ ચૂંટણી-પરિણામોમાં રાજ્યના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે રામમંદિર તેમના માટે રાજકીય મુદ્દો નથી, ભલે BJP ગમે એ કહે, એ સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધાની બાબત છે.

હાઉસ ઑફ કાર્ડ્‍સ : પત્તાંનો મહેલ

ઉત્તર પ્રદેશ BJPનો ગઢ હતું, પણ એના કાંકરા એવા ખર્યા છે કે પાર્ટીએ એને બચાવવા માટે મહેનત કરવી પડશે. અયોધ્યા ઉપરાંત અમેઠીમાં સ્મૃતિ ઈરાની સૌથી મોટા માર્જિન સાથે કૉન્ગ્રેસના કિશોરી લાલ શર્મા સામે હારી ગયા. વારાણસીમાં વડા પ્રધાનના મતોમાં ૨૦૧૯ની સરખામણીમાં એક લાખથી વધુનું ગાબડું પડ્યું છે. સુલતાનપુરમાં આઠ વર્ષથી ચૂંટાતાં મેનકા ગાંધીએ આ વખતે બેઠક ગુમાવી છે. અખિલેશ યાદવે BJPના ઉમેદવાર સુબ્રત પાઠકને હરાવ્યા હતા.

પ્રથમ યાદીમાં રહેલા ઘણા ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે ભારે રોષ હતો. જોકે BJPને વિશ્વાસ હતો કે મોદી-યોગીનું નામ તેમને જિતાડી દેશે, પરંતુ સ્થાનિક લોકોએ આ વખતે મોદી-યોગીને બદલે ઉમેદવારને જોયો અને તેમણે પોતાનો મત આપ્યો. આ જ કારણ છે કે ૧૬ વર્તમાન સંસદસભ્યો સહિત ૧૯ ઉમેદવારોએ સતત બીજી વખત લોકસભાની ચૂંટણી લડી હતી. સાત વર્તમાન સંસદસભ્યો સહિત દસ ઉમેદવારો તેમની બેઠકો હારી ગયા હતા.

અત્યાર સુધીમાં ૧૨થી વધુ ઉમેદવારોએ પાર્ટી હાઇકમાન્ડને તેમનો રિપોર્ટ મોકલ્યો છે. એવા ઘણા સંસદસભ્યો છે જેમની સામે રોષ હતો અને સ્થાનિક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ તેમને ટિકિટ ન આપવાની વિનંતી કરી હતી, પરંતુ તેમની અવગણના કરીને ઉમેદવારોને લાદવામાં આવ્યા હતા. આથી નારાજ પક્ષના કાર્યકર્તાઓ પણ ઘરે બેઠા રહ્યા.

હવે ૩૭ બેઠકો જીતીને સમાજવાદી પાર્ટીએ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે અખિલેશ યાદવના રાજકીય કદની તુલના તેમના પિતા મુલાયમ સિંહ યાદવ સાથે થવા લાગી છે. અખિલેશ યાદવ રાહુલ ગાંધી સાથે મળીને વંચિતો, દલિતો અને લઘુમતીઓના ગઠબંધનના નારાને દરેક ઘરમાં પહોંચાડવામાં સફળ રહ્યા હતા. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ઘણી વાર BJPએ ‘યુપીના બે શાહજાદા’ તરીકે ઓળખાવીને મજાક પણ કરી હતી.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી અને દલિત મતદારો વચ્ચે બહુ અંતર રહ્યું છે. અખિલેશ યાદવની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે આ અંતરને ૨૦૨૪માં દૂર કર્યું છે અને તેઓ આ વખતે દલિત મતદારોને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યા છે અને આ પણ તેમની અણધારી જીતનું સૌથી મોટું પરિબળ છે.

હકીકતમાં વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી પડકારજનક સમય હશે. એટલા માટે મુખ્ય પ્રધાને લોકસભાની ચૂંટણી હાર્યા બાદ બીજા દિવસે તમામ યોજનાઓની સમીક્ષા શરૂ કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતાઓ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ૧૦ વર્ષની સત્તા સામે નારાજગી પેદા થશે એને ઓછી નહીં કરી શકે અને એટલે ૨૦૨૭ની ચૂંટણીઓ તેમના માટે આસાન રહેશે.

columnists raj goswami uttar pradesh samajwadi party bharatiya janata party congress akhilesh yadav rahul gandhi