એલ-૧ વિઝા પર અમેરિકામાં સાત વર્ષ કામ કરવાનું છે, પત્ની-બાળકો વિના કેવી રીતે રહીશ?

01 March, 2024 07:33 AM IST  |  Mumbai | Sudhir Shah

તમારી કંપની એમની બ્રાન્ચ અમેરિકામાં એકબે દિવસની અંદર જ ખોલી શકે છે. એ બ્રાન્ચનું બૅન્ક અકાઉન્ટ પણ તરત ખોલી શકે છે પછી એ બૅન્ક અકાઉન્ટમાં અહીંથી બેઅઢી લાખ ડૉલર મોકલાવી શકે છે.

વિઝા માટે વપરાતી પ્રતીકાત્મક તસવીર

મારી કંપની અમેરિકામાં એમની બ્રાન્ચ ખોલવાનો વિચાર કરી રહી છે અને મને એમના મૅનેજર તરીકે એ અમેરિકન કંપનીમાં આંતર કંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા ઉપર મોકલવાનું વિચારી રહી છે. અમને એવું જણાવવામાં આવ્યું છે કે એલ-૧ વિઝા માટે જે ફૉર્મ આઇ-૧૨૯ ભરીને પિટિશન દાખલ કરવાની રહે છે એ પિટિશનને અપ્રૂવ કરાવતાં લગભગ એક વર્ષ જેટલો સમય નીકળી જાય છે. મારી કંપની તો ખૂબ જ ઉતાવળમાં છે. એ તો બે-ચાર મહિનામાં જ હું અમેરિકા જઈને ત્યાં એમની બ્રાન્ચ ખોલીને કામ કરતો થઈ જાઉં એવું ઇચ્છે છે. આ કેવી રીતે શક્ય બને? આ ઉપરાંત એ મારી પાસેથી અમેરિકામાં સાત વર્ષ સુધી એલ-૧ વિઝા પર એમના મૅનેજર તરીકે કામ કરવાની બાંયધરી માગે છે. આટલો લાંબો સમય હું અમેરિકામાં મારી પત્ની અને બાળકો સિવાય કેવી રીતે રહી શકું? પ્લીઝ, મને આ બાબતમાં સરખું ગાઇડન્સ આપો. 
 
તમને અમેરિકાના ઇમિગ્રેશન ખાતાની ‘પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ’ શું છે એની જાણ છે? તમારી કંપની એમની બ્રાન્ચ અમેરિકામાં ખોલે, બે-અઢી લાખ ડૉલર એ બ્રાન્ચના બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે, બિઝનેસ પ્લાન તૈયાર કરાવીને તમારા લાભ માટે ફૉર્મ આઇ-૧૨૯ ભરીને ઇમિગ્રેશન ખાતાને સુપરત કરે, જેની હેઠળ તમારા માટે એલ-૧ વિઝાની માગણી કરવામાં આવી હોય અને સાથે-સાથે ફૉર્મ આઇ-૯૦૭ ભરીને તેમ જ વધારાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપીને ફૉર્મ આઇ-૧૨૯ ઝડપથી પંદર દિવસની અંદર  અપ્રૂવ‍ કરી આપો એવી માગણી કરે તો તમારા લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી છે એ યોગ્ય જણાય, એલ-૧ વિઝા માટે જે જરૂરિયાત હોય એ બધી જ તમે પૂરી પાડો છો એવું એમને લાગે તો ઇમિગ્રેશન ખાતું તમારી એલ-૧ વિઝાની પિટિશન પંદર દિવસની અંદર અપ્રૂવ કરશે.

‘પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ’ એટલે ફૉર્મ આઇ-૧૨૯ જે પિટિશન ફૉર અ નૉન-ઇમિગ્રન્ટ વર્કર માટે છે અને ફૉર્મ આઇ-૧૪૦ જે પિટિશન પરદેશી વર્કરો માટે છે એ દાખલ કર્યા બાદ સાથે-સાથે યા પછીથી જો પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ માટે ફૉર્મ આઇ-૯૦૭ ભરીને, વધારાની ફી આપીને, માગણી કરવામાં આવે તો ઇમિગ્રેશન ખાતું એ પિટિશનો પંદર દિવસની અંદર તપાસીને જો યોગ્ય લાગે તો અપ્રૂવલ નોટિસ મોકલાવે છે. જો જરૂર જણાય અને કંઈ વધારાની માહિતી જોઈતી હોય તો ‘રિક્વેસ્ટ ફૉર એવિડન્સ’ મોકલાવે છે અથવા તો ‘નોટિસ ઑફ ઇનટેન ટુ ડિનાય’ પાઠવે છે. એમને જો શંકા પડે કે આમાં કંઈક છેતરપિંડી છે, ગોલમાલ છે તો તેઓ ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કરે છે. 

તમારી કંપની એમની બ્રાન્ચ અમેરિકામાં એકબે દિવસની અંદર જ ખોલી શકે છે. એ બ્રાન્ચનું બૅન્ક અકાઉન્ટ પણ તરત ખોલી શકે છે પછી એ બૅન્ક અકાઉન્ટમાં અહીંથી બેઅઢી લાખ ડૉલર મોકલાવી શકે છે. અમેરિકામાં જે બિઝનેસ કરવાના હો એને લગતી જાણકારી આપતો બિઝનેસ પ્લાન તૈયાર કરાવી શકાય છે. તમારા લાભ માટે તમારા માટે આંતર કંપની ટ્રાન્સફરી મૅનેજરો માટેના એલ-૧ વિઝાનું પિટિશન ફૉર્મ આઇ-૧૨૯ ભરીને અને સાથે-સાથે પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસની માગણી કરતું ફૉર્મ આઇ-૯૦૭ ભરીને દાખલ કર્યા પછી પંદર દિવસની અંદર અપ્રૂવલ મેળવી શકો છો. તમે તરત જ અહીં એલ-૧ વિઝા મેળવીને અમેરિકા જઈ શકો છો. શરૂઆતમાં તમને એક વર્ષનો સમય આપવામાં આવશે. પછી અરજી કરતાં ત્રણ વખત એ સમય બબ્બે વર્ષનો લંબાવી આપવામાં આવશે. તમારી વાઇફ અને સંતાનોને ડિપેન્ડન્ટ એલ-૨ વિઝા મળી શકે છે. તમારી વાઇફ પરમિશન લઈને અમેરિકામાં કામ કરી શકે છે. બાળકો ત્યાં ભણી શકે છે. તમે તમારી કંપનીને બેધડક કહી શકો છો કે ‘પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ’ હેઠળ પિટિશન દાખલ કરતાં પંદર દિવસની અંદર એલ-૧ વિઝા પ્રાપ્ત થઈ શકે છે.

C અને D વિઝા કોના માટે?
અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘C’ અને ‘D’ સંજ્ઞા ધરાવતા વિઝા કોને માટે છે?
 

જે લોકો કન્ટિન્યુઅસ ટ્રાનજીસ્ટમાં હોય એમના માટે ‘C’ વિઝા ઘડવામાં આવ્યા છે. વહાણ ઉપર કામ કરતા ખલાસીઓ તેમ જ અન્ય કાર્યકરો અને વિમાનોમાં પણ કામ કરતી ઍર-હૉસ્ટેસ અને અન્ય માટે ‘D’ વિઝા ઘડવામાં આવ્યા છે. 

united states of america columnists