સખત પુરુષાર્થ, સાદું જીવન અને પરગજુ સ્વભાવ

15 November, 2024 02:29 PM IST  |  Mumbai | Sharmishta Shah

૯૫ વર્ષની ઉંમરે પણ ૯ કલાક સાડીની દુકાન પર બેસતા જયંતીલાલ ગાંધીની ફિટનેસનું રહસ્ય શું છે?

તસવીર સૌજન્ય: અનુરાગ અહિરે

કાલબાદેવીમાં આવેલા ગાંધી સાડી સેન્ટરના માલિક જયંતીલાલ નાનજીભાઈ ગાંધી ૯૫ વર્ષની ઉંમરે પણ રોજ સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી સતત થાક્યા વગર દુકાનનું કામકાજ સંભાળે છે. વાઇટ પૅન્ટ અને શર્ટ તેમ જ વાઇટ ચંપલ અને હાથમાં રાડો કંપનીની ઘડિયાળ જેમની ઓળખ છે એવા જયંતીભાઈનો જન્મ ૧૯૨૯ની ૧ માર્ચે ગુજરાતના ઘાંટવડ ગામમાં થયો હતો. અત્યારે તેઓ રોજ પોતાની દુકાનના હિસાબ-કિતાબથી માંડીને ખરીદી સુધીનું કાર્ય સંભાળે છે. આ પ્રેમાળ અને સન્માનનીય વડીલ બજારના દરેક વેપારી માટે પિતા સમાન છે અને ગાંધી-કુટુંબના સર્વેસર્વા છે. વતનના ગામ ઘાંટવડનું કોઈ સામાજિક કાર્ય હોય, ઉપાશ્રયનું કાર્ય હોય કે સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ હોય એ દરેક સેવાકાર્યમાં જયંતીભાઈ અગ્રેસર જ
હોય છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જ્ઞાતિના જયંતીભાઈના પિતાની ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઘાંટવડ ગામમાં નાનકડી હોટેલ હતી. માત્ર ચાર ચોપડી ભણેલા જયંતીભાઈ ૧૫ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા અને માત્ર ૪૦ રૂપિયાના પગારથી સાડીની દુકાનમાં નોકરીની શરૂઆત કરી. તેઓ વધુ આવક રળવા માટે રજાના દિવસે ભુલેશ્વરમાં સાડીનો પથારો લગાવતા હતા. તેઓ બે ભાઈઓના પરિવાર સાથે ઘણાં વર્ષ સુધી ૧૦૦ ફુટની રૂમમાં રહ્યા હતા. ત્યાર બાદ ૬૫ વર્ષ અગાઉ તેમણે માધવબાગમાં જયંતીલાલ એન. ગાંધી નામની સાડીની દુકાન શરૂ કરી જે આજે પણ ચાલુ જ છે અને ૩૫ વર્ષ અગાઉ ગાંધી સાડી સેન્ટર નામની

બીજી દુકાન પણ કાલબાદેવીમાં શરૂ કરી. જયંતીભાઈ અત્યારે પણ રોજ સવારે કાલબાદેવીની દુકાને જાય અને સાંજે ૭ વાગ્યા પછી અડધો કલાક માધવબાગની દુકાને જાય અને બન્ને દુકાનનો વહીવટ જુએ એ પછી જ સી.પી. ટૅન્કના સર્વોદયનગરમાં આવેલા પોતાના ઘરે જાય. તેમનો મોટો પુત્ર જયેશ જૂની દુકાનમાં બેસે છે તેમ જ નાનો પુત્ર અતુલ નવી દુકાનમાં કાલબાદેવીમાં બેસે છે. જયંતીભાઈ ભણ્યા નથી, પરંતુ ગણતર ખૂબ મેળવ્યું છે અને અંગ્રેજી ભણ્યા ન હોવા છતાં બધાં બિલ વગેરે આરામથી વાંચી લે છે. જયંતીભાઈનો બિઝનેસ-મંત્ર એ છે કે દુકાનમાં આવેલો ગ્રાહક નારાજ થઈને ન જવો જોઈએ. માયાળુ અને હેલ્પફુલ સ્વભાવને કારણે તેમનો વર્ષોજૂનો સ્ટાફ પણ તેમની સાથે
પ્રેમથી કામ કરે છે અને વર્ષોજૂના ગ્રાહકો પણ તેમની દુકાનમાં આવીને ખરીદી કરે છે.

કર્મનિષ્ઠ અને પરગજુ વ્યક્તિત્વ

જયંતીભાઈ કુટુંબપ્રેમી છે અને કુટુંબના અનેક સભ્યોને તેમણે ધંધામાં પણ મદદ કરી છે. જયંતીભાઈ સાથે જ ૩૬ વર્ષથી કામ કરતો તેમનો પુત્ર સમાન ભત્રીજો ભાવેશ કહે છે કે મારું ઘડતર પણ કાકાએ જ કર્યું છે. કાકા કર્મનિષ્ઠ અને પરગજુ વ્યક્તિત્વ ધરાવે છે એમ જણાવતાં ભાવેશભાઈ કહે છે, ‘તેઓ સખત પુરુષાર્થ કરે છે. આરામ કરવામાં તેઓ માનતા જ નથી. ઘરમાં બેસી રહેવું તેમને જરાય ગમતું નથી. તેમણે અત્યાર સુધી ફક્ત મોતિયાનું અને પ્રોસ્ટેટનું ઑપરેશન કરાવ્યું છે એ સિવાય તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી. તેઓ કોઈ પણ પ્રકારની દવા ખાતા નથી. શરીરમાં અસુખ હોય તો પણ ક્યારેય ડૉક્ટર પાસે ગયા હોય એવું મને યાદ નથી.’

સતત કર્મનિષ્ઠ રહેવું એ તેમનો ફિટનેસ-મંત્ર છે. આ ઉપરાંત સાદગીસભર વ્યક્તિત્વ અને પરગજુ સ્વભાવને કારણે પોતાને મળતા લોકોમાં જયંતીકાકા પ્રિય બન્યા છે. જયંતીભાઈ પોતાનાં સ્વર્ગસ્થ બહેન-બનેવીના નામનું એક ટ્રસ્ટ ચલાવે છે અને એમાંથી કૅન્સર તેમ જ ડાયાલિસિસના પેશન્ટ્સને મદદ કરે છે.

સ્વાવલંબી જીવન

જયંતીભાઈનાં જીવનસાથી ગુલાબબહેનનું બાર વર્ષ પહેલાં જ અવસાન થયું છે. તેઓ બીમાર હતાં ત્યારે પણ જયંતીભાઈએ તેમની ઘણી સેવા કરી હતી. તેઓ પોતાનું બધું કામ જાતે જ કરવામાં માને છે. ધર્મપ્રેમી હોવાને કારણે રોજ સવારે  સામાયિક કરે છે. તેમનું ફેવરિટ ફૂડ રસ-રોટલી છે. કેરીની સીઝનમાં ત્રણેય મહિના તેઓ કેરી ખાય છે. વણેલા ગાંઠિયા અને દાળઢોકળી તેમની પ્રિય વાનગી છે.

ચાર પેઢીઓ જોઈ

પાંચ ભાઈ અને બે બહેન મળીને ૭ ભાઈ-બહેનોમાં સૌના લાડકા એવા આ વડીલ અત્યારે એકલા જ હયાત છે. જયંતીભાઈને બે પુત્ર અને બે પુત્રી સહિત ચાર સંતાનો છે. મોટા પુત્ર જયેશભાઈ અને પુત્રવધૂ જયશ્રી ગાંધીના સુપુત્રને ત્યાં પણ બે પુત્રો છે. આમ તેમણે ૪ પેઢીઓ જોઈ નાખી છે. તેમની સાથે અત્યારે તેમનો નાનો પુત્ર અતુલ અને તેમનાં પત્ની કામિનીબહેન રહે છે. તેમની મોટી દીકરી રેણુકા દિલીપ મોદી બોરીવલીમાં રહે છે અને નાની દીકરી પ્રફુલ્લા અનિલ શાહ કાંદિવલીમાં રહે છે. જયંતીભાઈને એક પૌત્ર અને ત્રણ પૌત્રી છે તેમ જ ચાર દોહિત્રી અને બે
દોહિત્ર છે.

 

columnists kalbadevi gujarati community news gujaratis of mumbai