નિર્લિપ્ત રહેવું અઘરું છે, પણ સંબંધોમાં અર્થ શોધવાને બદલે જીવનનો અર્થ શોધીએ

28 November, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિંદગીમાં સંબંધો ભાવનાત્મક હોય, સામાજિક હોય કે વ્યાવહારિક હોય એમાં નિર્લિપ્ત રહેતાં શીખવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

તમે જિગ્સૉ પઝલના પેલા નાના-નાના ટુકડા જોયા જ હશે. સ્મૂધ વળાંકવાળા, એકદમ સહેલાઈથી એકબીજામાં બંધ બેસતા. ક્યારેય વિચાર્યું છે કે જો આ વળાંકને બદલે ધાર હોત તો? આપણે બધા પણ આવા જિગ્સૉ પઝલના નાના-નાના ટુકડા જેવા છીએ. પઝલના ટુકડાઓ જોડાઈને એક ચિત્ર બને એમ આપણે એકબીજા સાથે જોડાઈએ અને સંબંધ બને. 
ઘણી વખત સાવ સહેલાઈથી જોડાઈ જતા આ જિગ્સૉ પઝલના ટુકડાઓ (એટલે કે આપણે અને આપણા સંબંધો) સમયના વહેણ સાથે ઘસારો અનુભવે છે અને એકબીજામાં વ્યવસ્થિત રીતે બંધ બેસી ગયેલા ટુકડાઓની કોઈ કિનારી ઘસાઈ જાય, બરછટ થઈ જાય અને એ જોડાણ ઢીલું પડતું લાગે તો ચિત્ર અસ્તવ્યસ્ત થઈ જાય. એકાદ ટુકડો સાવ છૂટો પડી જશે એવું લાગે ત્યારે જરૂર છે એકબીજાના નબળા પડેલા આકારને સાચવીને ફરી પકડી રાખવાની.

કેટલીક વ્યક્તિઓ કે જિગ્સૉ પઝલના ટુકડાઓના વળાંકો એટલા ધારદાર હોય છે કે સહજતાથી એને સાથે જોડી ન શકાય. એને માટે આપણે આપણી જાતને થોડી ઘસવી પડે અને કદાચ એમ કરતાં એની ધાર પણ સુંવાળી બને અને જોડાઈ જાય. કેટલીક વખત થોડા એકબીજાના વળાંકો સાથે ઍડ્જસ્ટ થઈ જઈએ તો એવું પણ થાય કે એટલા બધા ચપોચપ અને બંધ બેસી જાય કે પછી ઉંમર આખી છુટ્ટા ન પડે, પરંતુ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે લાગણી દાખવીએ, યત્ન કરીએ તોય આપણે એ વ્યક્તિ સાથે ફિટ ન થઈ શકીએ અને કદાચ થઈ જઈએ તો પણ એ તીક્ષ્ણ ધારથી આપણે સતત ઘવાયા કરીએ અને કદાચ બને કે એ પ્રક્રિયામાં પોતાનો આકાર ખોઈ બેસીએ. આવી વ્યક્તિઓ પોતાની તીક્ષ્ણતાને છોડવા તૈયાર જ નથી હોતી અને એને કારણે કોઈ સાથે જોડાઈ નથી શકતી.

સંબંધોમાં જોડાવામાં પોતાનો આકાર, અસ્તિત્વ ડહોળાઈ ન જાય એ મહત્ત્વનું છે. ક્યારે, કેટલું અને કોને માટે ઘસાવું એ શીખવું મહત્ત્વનું છે અને એ ક્રિયામાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું એથી પણ વધુ મહત્ત્વનું છે. જોડાવું કદાચ સહેલું છે, પરંતુ જોડાઈ રહેવું અઘરું છે. એ માટે બન્ને પક્ષે પહેલાં ઇચ્છા, સ્વીકાર, ધીરજ અને વિશ્વાસ અપેક્ષિત છે. એ હોય તો સમર્પણ આપોઆપ આવે. સંબંધનું જતન કરવાની જવાબદારી સંબંધમાં જોડાયેલી બન્ને વ્યક્તિઓ પર રહે છે.

જિંદગીમાં સંબંધો ભાવનાત્મક હોય, સામાજિક હોય કે વ્યાવહારિક હોય એમાં નિર્લિપ્ત રહેતાં શીખવું જોઈએ. નિર્લિપ્ત રહેવું અઘરું છે. જાતને કેળવવાનો આયાસ કરવો પડે. પેલા જિગ્સૉ પઝલના ટુકડાથી બનતા ચિત્રની જેમ સંબંધો દ્વારા જીવનચિત્ર તો પૂરું કરવાનું જ છે. બસ, જરૂર છે એમાં આવતા સંબંધોમાં અર્થ શોધવા કરતાં પોતાના જીવનનો અર્થ શોધવાની. 

- અનિતા ભાનુશાલી

columnists gujarati mid-day