મળી લો સવાયા મરાઠીઓ અને ગુજરાતીઓને

28 October, 2023 01:36 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે રાજકારણીઓ ભાષાના નામે એક નવા રમખાણની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભાષાનો ભેદ ભૂલીને એકરૂપતાનો નવો દાખલો કાયમ કરતા કેટલાક મહારથીઓને મળીએ

મળી લો સવાયા મરાઠીઓ અને ગુજરાતીઓને

એક બાજુ એવા લોકો જે જન્મે મરાઠી છે પણ કર્મે, ભાષાએ અને બીજી અનેક રીતે ગુજરાતીપણાને ઘોળીને પી ગયા છે; તો બીજી બાજુ જન્મે ગુજરાતી, પરંતુ મહારાષ્ટ્રપણું જેમની રગ-રગમાં વસે છે એવા લોકોની મુંબઈમાં કમી નથી. આજે રાજકારણીઓ ભાષાના નામે એક નવા રમખાણની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભાષાનો ભેદ ભૂલીને એકરૂપતાનો નવો દાખલો કાયમ કરતા કેટલાક મહારથીઓને મળીએ

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં એ પહેલાં સુધી બૉમ્બે સ્ટેટ અંતર્ગત બધું જ એક હતું. આજે પણ મહારાષ્ટ્રમાં પેઢીઓથી વસતા હોય એવા ઘણા ગુજરાતી પરિવારો તમને મળશે તો સામા પક્ષે ગુજરાતમાં વસતા મરાઠીઓની પણ કોઈ કમી નથી. ભાષા અને સંસ્કૃતિ બન્ને જુદા હોવા છતાં મરાઠી અને ગુજરાતીઓમાં એક જુદા જ પ્રકારનો તાલમેલ હરહંમેશથી જોવા મળ્યો છે. જોકે રાજકારણીઓ પોતાના એજન્ડાને પાર પાડવા માટે અવારનવાર તેમની વચ્ચે વૈમનસ્ય વધે અને ડિવાઇડ ઍન્ડ રૂલના નિયમ દ્વારા કંઈક છમકલાંઓ કરતા રહે છે. થોડાક દિવસ પહેલાં ઘાટકોપર ઈસ્ટમાં એમ. જી. રોડ અને સ્ટેશન રોડ વચ્ચે ક્રીએટ કરવામાં આવેલા બ્યુટિફિકેશન સ્પૉટ પર મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખવામાં આવેલા માય ઘાટકોપર, માઝા ઘાટકોપર અને મારું ઘાટકોપર પૈકી ગુજરાતીવાળા બોર્ડને ઉદ્ધવ ઠાકરેના કહેવા મુજબ કોઈ ભાષાપ્રેમીએ તોડી પાડ્યું હતું અને એના બદલે ઉદ્ધવ ઠાકરેનો આવનારી ચૂંટણીનો મેસેજ ત્યાં લગાવવામાં આવ્યો હતો. ભાષા અને સંસ્કૃતિને લોકો બનાવે અને લોકો એની સાથે-સાથે વિકસિત થતા જતા હોય છે. જોકે કઈ સંસ્કૃતિ, ભાષા કે ધર્મ બીજાને નીચા પાડવાનું, એકબીજાની સામે બાંયો ચડાવવાનું શીખવતાં હશે? એકેય નહીં. કદાચ એટલે જ મોટા ભાગના સામાન્ય નાગરિકોમાં પરસ્પર ભાષા પ્રત્યેનો ભેદ નથી સમજાતો. વિવિધતામાં એકતાને અક્ષરશઃ જીવી રહેલા કેટલાક એવા લોકો સાથે અમે વાત કરી જેઓ ગુજરાતી અને મરાઠી વચ્ચેનો ભેદ ક્યાંય દૂર મૂકીને એકરૂપતાની નવી મિસાલ કાયમ કરી રહ્યા છે.

આમને ઓળખો છો?
સાડાત્રણસો કરતાં વધારે ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકેલા ઍક્ટર, ડિરેક્ટર અને રાઇટર અરવિંદ વૈદ્યને મળો તો કલ્પી જ ન શકો મૂળતઃ તેઓ મરાઠી છે, ગુજરાતી નહીં. અરે હમણાં જ ‘અનુપમા’ના સેટ પર એક ઍક્ટરને જ્યારે ખબર પડી કે હું તો મરાઠી છું તો તે અજંપામાં મુકાઈ ગયેલો એમ જણાવીને ખડખડાટ હસી પડતાં અરવિંદભાઈ જેટલું સારું મરાઠી બોલે છે એટલું જ સારું, ઇન ફૅક્ટ ગુજરાતીઓ કરતાં વધુ સ્પષ્ટ ગુજરાતી બોલી જાણે છે, લખી જાણે છે. અરવિંદભાઈ કહે છે, ‘મારી ક્યાં વાત કરો છો, અઢળક એવા મહારથીઓ થઈ ગયા જેમને ભાષાનાં બંધનો ક્યારેય આડે આવ્યાં નથી. કાકાસાહેબ કાલેલકર લઈ લો. અમારા ઘરમાં મરાઠી બોલાતું. અમદાવાદમાં રહેતો હતો છતાં એ સમયે મરાઠી મીડિયમ સ્કૂલમાં ભણ્યો છું. કૉલેજમાં પણ મરાઠી બોલાતું. જોકે એ દરમ્યાન જ નાટકોમાં રસ પડવા માંડ્યો હતો. આ સદીના મહાન નાટ્યકાર જશવંત ઠાકર પાસે ભણ્યો છું. યશવંત શુક્લ જેવા સાહિત્યકારો પાસેથી શીખ્યો છું. મારા ગુરુસ્તર પર એવા મહાન લોકો હતા કે ગુજરાતી પર પ્રભુત્વ તો આવવાનું જ હતું. જોકે અત્યારે એવું છે કે મારાં વાઇફ રાજશ્રી મરાઠી છે, પરંતુ અદ્ભુત ગુજરાતી બોલે છે. અમે ગૂડી પડવો અને નવરાત્રિ બન્ને ઊજવીએ છીએ. હા અમારી ખાણીપીણીમાં હવે સહેજ ગુજરાતી ટચ વધારે હોય છે અને ગુજરાતી પાડોશ અમે શોધતાં હોઈએ છીએ. બહુ-બહુ તો દસ મરાઠી નાટકોમાં મેં કામ કર્યું હશે, પણ સાડાત્રણસો ગુજરાતી નાટકોમાં જોડાયેલો હતો. મને રાજકારણીઓ ભાષાને હથિયાર તરીકે વાપરે અને લોકો તેમના રવાડે ચડીને ભોળવાઈ જાય ત્યારે નવાઈ લાગે છે. મરાઠી હોવા છતા ફાંકડું ગુજરાતી બોલતા અને ગુજરાતી હોવા છતાં અસ્સલ મરાઠી બોલતા અઢળક લોકોને હું ઓળખું છું. અમારા ઘરમાં એક ગુજરાતી અને એક મરાઠી એમ બન્ને પેપર આવે છે. હા, હું સવાયો ગુજરાતી છું એવું કહેવામાં મને જરાય સંકોચ નથી. એમ કહેવાથી મરાઠી ભાષા કે મરાઠી સંસ્કૃતિ પ્રત્યે મેં અનાદર દાખવ્યો હોય એવું મને લાગતું નથી. અનેક ગુજરાતી મરાઠી ઍક્ટર તામિલ ફિલ્મમાં કામ કરવા માટે તામિલ શીખે છે, કન્નડ શીખે છે તો એનાથી કંઈ ભાષાઓના ભેદ ન પડાય. ચાર-પાંચ લોકોની ટોળકી પોતાના સ્વાર્થને કારણે લોકોને ભડકાવવાની કોશિશ કરે તો લોકોએ પોતાની અક્કલ વાપરવી જોઈએ.’

મરાઠી બહેન ગુજરાતી શીખવે
૩૫ વર્ષ પહેલાં ગુજરાતી સાથે લગ્ન કરનારાં નેહા નાર્વેકર રાઠોડ જેટલું સારું મરાઠી બોલી શકે છે એવું જ ગુજરાતી પણ તેમનું પાવરફુલ છે. તેમના ઘરમાં મોટા દીકરાની વહુ પણ મહારાષ્ટ્રિયન છે પરંતુ તેમના ઘરમાં ગુજરાતી બોલાય છે. આ મારો જ આગ્રહ છે એમ જણાવીને નેહાબહેન કહે છે, ‘મારાં સાસુ-સસરાને, મારા હસબન્ડને, મારા દીકરાને અને મને એમ બધાને જ મરાઠી આવડે છે. એક સમયે અમે બધા જ મરાઠીમાં ઘરે વાત કરતાં પણ પછી મને થયું કે મરાઠીની જેમ ગુજરાતી પણ આવડવું જોઈએ. એટલે મારી સાથે બધાએ જ ગુજરાતીમાં વાત કરવી એવો નિયમ મેં બનાવ્યો છે. ગુજરાતી ગીતો, ગુજરાતી ફિલ્મો અમે બહુ જ આનંદથી જોતાં હોઈએ છીએ અને સાથે મરાઠી ફિલ્મો, નાટકો પણ અમે એન્જૉય કરીએ છીએ. હું તો મુંબઈની જ છું એટલે મને ગુજરાતી અને મરાઠીની ટ્રેઇનિંગ બાળપણમાં જ મળી ગઈ હતી અને સાચું કહું તો એમાં કોઈ ભેદભાવ કરવાની જરૂર પણ નથી. હું અત્યારે જ્યોતિષનું ભણી તો એ સંપૂર્ણ સિલેબસ ગુજરાતીમાં હતો. આજે સમર વેકેશનમાં ગુજરાતી ભાષા શીખવવાના ચાલતા વર્ગોમાં હું ટીચર તરીકે ભણાવવા જાઉં છું. મને લાગે છે કે પૉલિટિશ્યન્સની ફસામણીમાં આવીને લોકોએ આવા ભેદભાવોમાં પડવું જ ન જોઈએ. બીજું, સાચું કહું તો આજની પેઢીને આવા ભેદોની પડી જ નથી. આજની જનરેશન પોતાના ગોલ્સને અચીવ કરવામાં અને લાઇફને જીવવામાં વ્યસ્ત છે. આવા ચોચલા માત્ર નવરા, જૂના જમાનાના, આઉટડેટેડ વિચારધારાના લોકો જ પકડીને ચાલતા હોય છે.’

મને પૂછો તો કહું
૨૮ વર્ષનો કુલદીપ ગોર પોતે ગુજરાતી બ્રાહ્મણ છે પરંતુ મરાઠીમાં સુપરહિટ ગણાતો શો મહારાષ્ટ્ર ચી હાસ્યજાત્રામાં કુલદીપે કામ કર્યું છે અને એમાં તેના એક કૅરૅક્ટરને ખૂબ પૉપ્યુલારિટી પણ મળી હતી. એ વિશે વાત કરતાં કુલદીપ કહે છે, ‘આ શોના રાઇટર, ડિરેક્ટરે સ્પેશ્યલી મારા માટે ગુજરાતી મરાઠીનું કૅરૅક્ટર ડિઝાઇન કરેલું જેમાં ગુજરાતી લહેકા સાથે એ મરાઠી બોલે અને એમાં મને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. કળા ક્ષેત્રે તો એકથી એક ચડિયાતા કલાકારો ક્યારનાયે ભાષાનો ભેદ ભૂલીને શ્રેષ્ઠ કામ કરવામાં આગળ નીકળી ગયા છે. ગુજરાતી અને મરાઠીમાં રહેલી ભિન્નતાની પણ લોકો જાણી જોઈને પોતાના લાભ માટે નેગેટિવ પબ્લિસિટી કરે છે, કારણ કે તેમની પાસે બીજા કોઈ મુદ્દાઓ જ નથી બચ્યા. બે ભાષાના લોકોને આપસમાં લડાવશે તો જ તો તેમનું અસ્તિત્વ બચશે. રોહિણી હટંગડી સાથે નોકરાણી નામના એક નાટકમાં મેં કામ કર્યું છે. તેઓ મરાઠી છે પરંતુ અદ્ભુત ગુજરાતી બોલે છે અને દરેક ભાષાના લોકો એ ગુજરાતી નાટક જોવા આવતા. કૉમનમૅને સમજવું જોઈએ કે ઇલેક્શન આવે ત્યારે આવા પ્રૉપગૅન્ડા લોકોના મગજમાં ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. હું ઘણા દેશોમાં ફર્યો છું. લંડનમાં એક એવી સ્ટ્રીટ હતી જ્યાં બધાં જ બોર્ડ માત્ર ગુજરાતીમાં લખેલાં. અંગ્રેજીમાં પણ નહીં. જોકે ત્યાં તો આવો મુદ્દો લઈને કોઈ લડતું નથી. અમારા પરિવારમાં મારાં મમ્મી મહારાષ્ટ્રના ગોરેગાવ નામનાને એક ગામડામાં રહેતાં હતાં. તેઓ ટિપિકલ મરાઠી બોલતાં. ત્યાં જે લક્ષ્મીનારાયણ મંદિર છે એમાં તેઓ પૂજારી હતાં અને તેમના જ નિર્ણય અંતિમ ગણાતા. આજે પણ એ ગામમાં પચાસથી વધારે ટકા લોકો ગુજરાતી, વૈષ્ણવ, બ્રાહ્મણ છે. ગુજરાતીઓ પૈસા વધુ કમાય છે કે મરાઠીઓનો કલાક્ષેત્રે જોટો નથી જડતો તો એ તેમની વ્યક્તિગત ટૅલન્ટનું પરિણામ છે. કમ્યુનિટીનો કોઈ બેનિફિટ તેમને મળ્યો નથી. સચિન તેન્ડુલકર જેવો ગ્રેટ ક્રિકેટર દેશને મળ્યો, કારણ કે તેનામાં એ ટૅલન્ટ હતી. લતા મંગેશકર જેવાં મહાન ગાયિકા દેશને મળ્યાં, કારણ કે તેમણે મહેનત કરી અને ઈશ્વરની કૃપા હતી તેમના પર. મુકેશ અંબાણીનું મોટું બિઝનેસ એમ્પાયર ઊભું થયું, કારણ કે તેમનામાં એ આવડત હતી. અહીં વ્યક્તિગત ટૅલન્ટની અને મહેનતની વાત છે નહીં કે તેઓ મરાઠી કે ગુજરાતી હતા એની વાત છે. આ સત્ય આપણને જેટલું જલદી સમજાય એટલા આપણે પૉલિટિકલ એજન્ડાનો શિકાર બનતાં અટકીશું. મરાઠી ભાષા મહારાષ્ટ્રમાં રહીને આવડે તો એ સારી વાત છે, જો જરૂરિયાત હોય તો વ્યક્તિ શીખી પણ લે છે. પરંતુ ધારો કે કોઈ મહારાષ્ટ્રમાં વર્ષોથી રહેતું હોય અને તેને મરાઠી બોલતાં ન આવડે, કારણ કે તેને એ બોલવાની જરૂર નથી પડી તો એ એકદમ નૉર્મલ છે કેમ કે આપણી મૂળ રાષ્ટ્રભાષા હિન્દી છે, જે દરેકને આવડે એ મહત્ત્વનું છે. મરાઠી બોલતાં નથી આવડતું એટલે તમે ભાષાનું અપમાન કર્યું કે તમને ભાષા પ્રત્યે આદર નથી એવું કહેવું મૂર્ખતાભર્યું છે.’

 લતા મંગેશકર લેજન્ડ બન્યાં કે અંબાણીએ બિઝનેસ ઊભો કર્યો તો એ તેમની વ્યક્તિગત ટૅલન્ટનું પરિણામ છે નહીં કે કોઈ જ્ઞાતિના પ્રભાવનું. આ સત્ય આપણને જેટલું જલદી સમજાય એટલા આપણે પૉલિટિકલ એજન્ડાનો શિકાર બનતાં અટકીશું. - કુલદીપ ગોર, એક્ટર

ruchita shah columnists