ગાય હમારી રાજ્યમાતા હૈ યે કહને મેં ક્યા જાતા હૈ

13 October, 2024 01:46 PM IST  |  Mumbai | Ruchita Shah

રાજકીય લાભ માટે મહારાષ્ટ્રની સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો હોવાનો ઊહાપોહ વિપક્ષ દ્વારા થઈ રહ્યો છે ત્યારે એ જાણવું મહત્ત્વનું છે કે ખરેખર ગાયમાતાને આપેલા ‘રાજ્યમાતા’ના દરજ્જાથી ખરેખર શું ફરક પડવાનો.

લાલ કાંધારી ગાય

રાજકીય લાભ માટે મહારાષ્ટ્રની સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો હોવાનો ઊહાપોહ વિપક્ષ દ્વારા થઈ રહ્યો છે ત્યારે એ જાણવું મહત્ત્વનું છે કે ખરેખર ગાયમાતાને આપેલા ‘રાજ્યમાતા’ના દરજ્જાથી ખરેખર શું ફરક પડવાનો. એક તરફ પશુસંવર્ધકો અને ગૌપાલકો દ્વારા લગભગ ૩ કરોડ જેટલા મહારાષ્ટ્રના ગૌવંશને મળેલી સવલતનો જયજયકાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અધિનિયમમાં રહેલી કેટલીક મર્યાદાઓ પર વિચાર કરવાની અપીલ પણ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૪થી ગૌહત્યા પ્રતિબંધિત છે છતાં એનું પ્રભાવક અમલીકરણ નથી થઈ રહ્યું એની બબાલ વચ્ચે હવે ‘રાજ્યમાતા’ બનેલી ગૌમાતાની રક્ષા કરવા માટે સરકાર કેટલી કટિબદ્ધ છે એ પણ મહત્ત્વનું છે

૨૦૨૪ની ૩૦ સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી ગવર્નમેન્ટ રેઝોલ્યુશનનો એક પત્ર રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવી પવિત્ર અને પૂજનીય ગૌમાતાને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવામાં આવ્યો. ગાયમાતા માટે હિન્દુઓની ફીલિંગ્સ હંમેશાં મુઠ્ઠીઊંચેરી રહી છે અને એટલે જ ઇલેક્શન પહેલાં લેવાયેલો નિર્ણય આવી રહેલા મહારાષ્ટ્રના ઍસેમ્બલી ઇલેક્શનમાં સરકારની રણનીતિનો જ એક હિસ્સો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ગાયમાતાને પ્રોટેક્ટ કરતો અને ગાયની કતલ કરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો ૨૦૧૪માં જ અમલમાં મુકાઈ ગયો છે. એટલે કાયદાકીય રીતે મહારાષ્ટ્રમાં ગાયને મારી ન શકાય અને હવે ‘રાજ્યમાતા’ બનેલી ગાયમાતાને તો મારવાનો વિચાર પણ ન કરી શકાય એવું માનવું સ્વાભાવિક છે. અફકોર્સ ગ્રાઉન્ડ રિયલિટી જુદી છે. ‘મિડ-ડે’એ પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરતી જીવદયાપ્રેમી સંસ્થાઓ અને ગૌપાલકો સાથે કામ કરતી સંસ્થાઓના અગ્રણી સાથે વાત કરીને જાણ્યા આ નવા શાસનના નિર્ણય સાથેના મહત્ત્વના મુદ્દા.

કમલેશ શાહ

રાકેશ પાંડે

શું કામ જરૂરી?

સૌથી પહેલો પ્રશ્ન થાય કે ગાયને માતા કહેવાને બદલે ‘રાજ્યમાતા’ કહેવાથી ફરક શું પડવાનો? એનો જવાબ આપે છે ગૌશાળા અને પાંજરાપોળના માધ્યમે જીવદયાનું મોટા પાયે કામ કરતી સંસ્થા સમસ્ત મહાજનના ગિરીશ શાહ. તેઓ કહે છે, ‘આ ગાયમાતાને મળેલું સન્માન છે અને જ્યારે સન્માન વધે ત્યારે નજરિયો પણ બદલાય. બહુ જ ઉમદા પગલું રાજ્ય સરકારે લીધું છે અને મારી દૃષ્ટિએ તો આ લૅન્ડમાર્ક ડિસિઝન છે. આવનારા સમયમાં આખો દેશ આ પગલે ચાલે તો એનાથી માત્ર ગાયની સુરક્ષાની દૃષ્ટિએ નહીં, પણ અર્થતંત્રના વિકાસની દૃષ્ટિએ પણ આ એક નિર્ણયના ખૂબ ઊંડા પડઘા પડશે.’

જે નિર્ણયના જયજયકારરૂપે અગ્રણી ગૌસેવા અને પશુધનના સંવર્ધન સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ગૌ સમાજ દ્વારા શુક્રવારે સરકારનું અભિવાદન મુંબઈના યોગી સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. નિર્ણયની મર્યાદાઓ પર આવતાં પહેલાં આ નિર્ણયમાં શું ખાસ છે એની વાત પહેલાં કરીએ. સૌથી પહેલાં તો રાજ્યની દેશી બ્રીડની ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. ગૌવંશ માટે સરકાર પ૦ રૂપિયા નિભાવખર્ચ રજિસ્ટર્ડ ગૌશાળાઓને આપશે. એ ઉપરાંત ગૌશાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સરકારે લગભગ ૩૫ કરોડનું ફન્ડ રિલીઝ કર્યું છે. ગિરીશભાઈ ઉમેરે છે, ‘મહારાષ્ટ્રમાં લગભગ સવાબે કરોડ ગાય છે અને દોઢ કરોડ લીટર દૂધ ઉત્પન્ન થાય છે. દર વર્ષે લગભગ પચાસેક લાખ નવાં બચ્ચાં જન્મે છે જેમાંથી વીસ-પચીસ ટકા જેટલા બળદ હોય છે અને મોટા ભાગના કેસમાં એને સીધેસીધા કતલખાને મોકલાય છે, કારણ કે હવે એનો કોઈ ઉપયોગ થતો નથી. પહેલાંના સમયમાં ખેડૂતને ત્યાં નંદી જન્મે તો ગામમાં પેંડા વહેંચાતા, કારણ કે સાંઢ અથવા તો નંદી દૂધ ન આપે તો છાણ તો આપે જ છે. પ્રાકૃતિક ખેતીમાં છાણનું મહત્ત્વ અદકેરું છે. ગામેગામ ગૌવંશને કારણે દૂધ, દહીં, ઘી, છાશ અને છાણને કારણે ગામના અર્થતંત્રને ખૂબ સ્ટ્રૉન્ગ કરી શકાય છે અને એમાં આ પહેલને કારણે આ વાતને આગળ વધવામાં એક બહુ મોટું પ્રેરકબળ મળવાનું છે. રાજ્યમાં લગભગ ૧૦,૦૬૫ જેટલી ગૌશાળા છે અને ૧,૬૫,૦૦૦ પશુધન છે એમાંથી ગૌવંશની સેવા માટે કામ કરતી ૧૩૨ સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે ફન્ડ રિલીઝ કર્યું છે પ્લસ દર વર્ષે લગભગ ૨૦૦ કરોડ રૂપિયા ગૌવંશના પરિપોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર આપશે.’

ખિલ્લારી ગાય

તો પ્રૉબ્લેમ શું છે?

ગાયમાતા રાજ્યમાતા બને એ સારી વાત છે, પણ એની જાહેરાતમાં થયેલા કેટલાક શબ્દપ્રયોગને કારણે લોકોની ગાયમાતા પ્રત્યેની માનસિકતામાં એક બહુ મોટો અનિચ્છનીય બદલાવ આવે એવો ભય જીવદયાપ્રેમી અને ગૌસેવકોને દેખાઈ રહ્યો છે. અહીં સ્લોટર હાઉસ ઇન્સ્પેક્શનના લીગલ કમિટી મેમ્બર, ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના મેમ્બર, અખિલ ભારત કૃષિ ગૌ સેવા સંઘના ટ્રસ્ટી કમલેશ શાહ કહે છે, ‘ગાયમાતાને આપવામાં આવેલા દરજ્જાથી અમે ખુશ છીએ, પરંતુ સરકારે એમાં સ્પેસિફિકલી દેશી ગાય માટે જ ‘રાજ્યમાતા’નો દરજ્જો જાહેર કર્યો છે એની નેગેટિવ અસર પડશે એવો ભય અમને સતાવી રહ્યો છે. ગાય આપણી માતા છે એ દેશી છે કે નહીં એની કોઈ ચર્ચા જ ક્યારેય ન હોય. આજે એકલા મહારાષ્ટ્રમાં ૩૫ લાખ જેટલી ક્રૉસ બ્રીડ ગાય છે. આજે દેશી ગાય પ્રત્યે લોકોમાં માન જગાડવા જતાં આ ક્રૉસ બ્રીડ ગાય પ્રત્યે લોકોમાં નિષ્ઠુરતા જન્માવી ન દેવાય એની કાળજી નહીં રાખવાની? બીજું, માત્ર ગાય જ શું કામ, સંપૂર્ણ ગૌવંશની વાત થવી જોઈએ અને ત્રીજું, દેશી ગાયના પરિપોષણ માટે પ૦ રૂપિયાનો દિવસનો ખર્ચ સરકાર ગૌશાળાને આપશે તો ગૌશાળામાં રહેલી હજારોની સંખ્યામાં ક્રૉસ બ્રીડની ગાયોને સાચવવાનું કોઈ શું કામ વિચારશે?’

દેવની ગાય

આ જ આર્ગ્યુમેન્ટને આગળ વધારતાં ધ્યાન ફાઉન્ડેશનના રાકેશ પાંડે કહે છે, ‘ગાયમાતાના પરિપોષણની યોજનાઓ અન્ય રાજ્યની સરકારોએ પણ અમલમાં મૂકી જ છે. ત્યાં તો આવા કોઈ ભેદ નથી. ગોવામાં પ્રતિ ગોવંશ એક દિવસના ૧૫૦ રૂપિયા પરિપાલન માટે ફાળવાય છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં પણ આવા જ આંકડા મળશે જેની સામે મહરાષ્ટ્રની રાજ્ય સરકારે ખૂબ ઓછી રકમ રાખી છે.’

દેશભરમાં ૪૮ ગૌશાળા અને ૫૫,૦૦૦ જેટલા ગોવંશનું પરિપાલન કરતી આ સંસ્થાએ તાજાં જન્મેલાં અનેક વાછરડાંઓને કસાઈના હાથમાંથી બચાવ્યાં છે. પોતાના અનુભવો વ્યક્ત કરતાં રાકેશ પાંડે કહે છે, ‘ગાય પ્રત્યેની માનસિકતાને અહીં વેરણછેરણ કરવાનો પ્રયાસ થયો છે. દેશી-વિદેશીનો ભેદ ગાય માટે રાખવો તદ્દન અયોગ્ય અને અવ્યવહારુ છે. આ ભેદનો ગેરલાભ લેનારા અઢળક લોકો ટાંપીને બેઠા છે. જર્સી ગાયને અળખામણી કરીને એમને માટેની અમાનવીય સ્થિતિ ઊભી કરવા જેવું પરિણામ આનું આવી શકે છે.’

ગૌવંશ હત્યા અટકે એ માટે શું? -  ડૉ. વિનોદ કોઠારી

૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ગૌવંશ હત્યા પર પ્રતિબંધનો કાયદો પસાર થયો અને એનું અમલીકરણ શરૂ થયું  હતું, પરંતુ એ દિશામાં કામ કેટલું થયું એ પ્રશ્ન પેચીદો છે. કાયદો છે એટલે પહેલાં કરતાં તો એની હત્યા ઘટી જ છે એવી દલીલ ઘણા લોકો કરે છે જેના જવાબમાં ગોપાલક સેવાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કોઠારી કહે છે, ‘માત્ર ઘોષિત કરી દેવાથી ખરેખર ગાયને માતાનું પદ મળી નથી જતું. આપણે ત્યાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. કાયદો છે અને છતાં એને રોકવામાં બહુ ઓછું કામ થયું છે. લગભગ દરરોજ ગાયનું માંસ, લાઇવ સ્ટૉક પકડાતા રહે છે. પોલીસની મદદ લેવાનો પ્રયાસ કરીએ તો અમને જવાબ મળે છે કે અમે માણસોને બચાવીએ કે ગાયને? આ વાસ્તવિકતા છે. ‘રાજ્યમાતા’ની રક્ષા કરવા માટે સરકાર કેવાં નક્કર પગલાં લેશે એ મહત્ત્વનું છે. એ દિશામાં અમે પણ અમારા સ્તરે સરકારને સૂચન કરી રહ્યા છીએ.’ 

માતા તો પોતાની જ હોયને? : ગિરીશ શાહ

વાત જ્યારે રાજ્યમાતાની આવે ત્યારે વિદેશી ગાયને એ દરજ્જો કેવી રીતે આપી શકાય એની દલીલ સાથે ગિરીશ શાહ કહે છે, ‘તમે ભારતને માતા કહો છો, કારણ કે એ તમારો દેશ છે. અમેરિકાને તમે માતા નહીં કહો. આપણા દેશમાં જ આટલી બધી બ્રીડ ગાયની હોય તો પારકી બ્રીડને માતાના સ્થાને કઈ રીતે મૂકી શકાય. મહારાષ્ટ્રની લોકલ બ્રીડને જ ગાયમાતા કહેવાય અને એને જ ‘રાજ્યમાતા’ તરીકે સ્વીકારી શકાય. વાત રહી અન્ય બેનિફિટ્સની તો એમાં પણ કહીશ કે પ્રમોટ તો દેશી ગાયને જ કરવી જોઈએ. અહીં અન્ય ક્રૉસ બ્રીડ માટેનો દ્રોહ નથી, પણ ધીમે-ધીમે સમાજ પોતાની દેશી ગાયનું મહત્ત્વ સમજે એ જરૂરી છે. આજે ગીરની ગાયની અવેરનેસ આવ્યા પછી જુઓ કેવો બદલાવ આવ્યો છે. એ-વનની જેમ એ-ટૂની ડિમાન્ડ વધી, પંદર-વીસ હજારમાં મળતી દેશી ગાયની કિંમત બે લાખ થઈ ગઈ, કારણ કે પોતાની ધરતી પર અવતરેલી ગાયનું મૂલ્ય લોકોને સમજાયું. ક્રૉસ બ્રીડ ૫૦ વર્ષ પહેલાં આપણા દેશમાં આવી છે અને એમાં પણ એ વધુ દૂધ આપતી હોવાથી આર્ટિફિશ્યલ ઇનસેમિનેશન દ્વારા એના પર પણ ભયંકર ક્રૂરતા આચરવામાં આવતી હોય છે અને એ પ્રોસેસમાં પણ વિદેશમાંથી આવતી કેટલીક વસ્તુઓ માટે કરોડોનો ખર્ચ સરકાર કરે છે. આ બધું અટકવું જોઈએ અને આવનારા સમયમાં દેશી ગાયોનું પ્રચલન વધે એ મહત્ત્વનું છે. સરકારના નિર્ણયથી ક્રૉસ બ્રીડની ગાયો કતલખાને મોકલી દેવાશે એ લોકોની મૂર્ખતાભરી ધારણા છે. આવું કોઈ કનેક્શન જોડવાની જરૂર નથી. આજે પણ દરરોજ ૬૦૦૦ પશુઓ દેવનારના કતલખાનામાં કપાય છે. આવા કોઈ ભેદ નહોતા ત્યારે પણ આપણે એને અટકાવી નહોતા શક્યા. જૈન તરીકે હું પ્રત્યેક જીવમાત્રનું કલ્યાણ ઇચ્છું છું પરંતુ સંસ્કૃતિની રક્ષાની દૃષ્ટિએ હવે દેશી ગાય પ્રત્યે વધુ લોકો સભાન બને એ જરૂરી છે અને એ દૃષ્ટિએ પણ સરકારનું આ પગલું ઉચિત અને પ્રશંસનીય છે.’

columnists ruchita shah mumbai environment maharashtra news