થોડા દયાવાન બનીએ, થોડી કરુણા દાખવીએ

02 March, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું માનું છું કે દરેક ભણતા બાળક માટે દરરોજ ‘કાઇન્ડનેસ ક્લાસ’ શરૂ થાય એવો સમય અત્યારે આવી ગયો છે

લોકો પંકજ ઉધાસને ગઝલસમ્રાટ તરીકે ઓળખે છે, પણ અમારી ફૅમિલી તેમને અને તેમની ફૅમિલીને સાવ જુદી જ રીતે ઓળખે છે

આજના સમયમાં આ બાબતો પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજે આપણે ત્યાં કાઇન્ડનેસનો જાણે દુકાળ પડ્યો છે. કેવી રીતે કોઈ મૂંગા જાનવરને મારી શકે? એના અંગ પર ફટાકડા બાંધીને સળગાવી શકે? દીકરો ઘરડી મા પર હાથ ઉપાડી શકે? આવી ઘટનાઓ જો તમને અરેરાટી ન ઊપજાવે તો માનવું કે આપણી માણસાઈ મરી ચૂકી છે. હું માનું છું કે દરેક ભણતા બાળક માટે દરરોજ ‘કાઇન્ડનેસ ક્લાસ’ શરૂ થાય એવો સમય અત્યારે આવી ગયો છે

ગઝલસમ્રાટ પંકજ ઉધાસની આ દુનિયામાંથી થયેલી વિદાયે માત્ર સંગીતને જ નહીં, પણ માનવજાતને પણ નુકસાન પહોંચાડ્યું છે એવું હું કહી શકું. મારા હસબન્ડ આકાશના તેઓ વર્ષોથી ખાસ મિત્ર એટલે પારિવારિક મિત્રતાને કારણે અઢળક મહત્ત્વના પ્રસંગો દરમ્યાન અમે બન્ને પરિવારો એકલા જ સેલિબ્રેશન માટે મળ્યા હોઈએ. યાદ નથી કે કેટલા બર્થ-ડે અને કેટલી ઍનિવર્સરી અમે સાથે ઊજવી હશે. જોકે એ દરેક મુલાકાતમાં પંકજભાઈનું એ વ્યક્તિત્વ મેં જોયું છે, જે કદાચ દુનિયાએ નથી જોયું. તેમનામાં ભારોભાર દયા અને કરુણાભાવ હતો. દુનિયા ભલે તેમને ગઝલસમ્રાટ કે સારા ગાયક તરીકે ઓળખે, પણ એક શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિ તરીકે પંકજભાઈને અમે જોયા છે.

મને યાદ છે કે તેમની બન્ને દીકરીઓ નાયાબ અને રેવામાંથી કોઈ એક રસ્તે રઝળતું નાનું ડૉગી ઘરે લઈ આવેલી. રેસ્ક્યુ થયેલું એ સ્ટ્રીટ-ડૉગ પંકજભાઈના પરિવારનું સભ્ય બની ગયું. નામ એનું સ્નોઇ. તમે માનશો નહીં, પરંતુ એક મિનિટ માટે પણ પંકજભાઈને રેઢા ન મૂકનારો સ્નોઇ આજે તેમની ગેરહાજરીમાં એટલો સ્તબ્ધ છે કે કલ્પના સુધ્ધાં ન થઈ શકે. અરે, તેમના ઘરે કામ કરતા લોકો પણ છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષથી તેમની સાથે જોડાયેલા છે. આ તમારામાં રહેલી કાઇન્ડનેસની નિશાની છે કે એક વાર વ્યક્તિ તમારી સાથે જોડાય પછી ક્યારેય તમારાથી એ અલગ ન થાય. એ તમારા પરિવારનો હિસ્સો બની જાય. પંકજભાઈએ દયા અને કરુણાભાવની બાબતમાં ખરેખર એક બેન્ચમાર્ક સેટ કર્યું છે. દયા કેવી હોવી જોઈએ એવું કોઈ મને પૂછે તો હું ૧૦૦ ટકા કહીશ કે પંકજ ઉધાસ અને તેમના પરિવાર જેવી.

      કાઇન્ડનેસ અને એમ્પથી. દયા અને કરુણાભાવ. ખરેખર કહું છું કે આજના સમયમાં દરેક બાળકને એની ટ્રેઇનિંગ પેરન્ટ્સ આપે અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થોડી કાઇન્ડનેસને દર્શાવે એ મહત્ત્વનું છે. અત્યારે થયું છે એ કે આપણે પોતાની જ સ્ટ્રગલમાં ગુમ છીએ, એ દોડાદોડમાં જ એટલા અટવાયેલા છીએ કે આપણી સામે રડતા બાળકને શાંત કરવા જેટલી માણસાઈ પણ આપણે દેખાડી શકતા નથી. આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈ માટે દાખવેલી દયા કે કરુણા કઈ રીતે આપણા મનને શાંત, સ્થિર કરે છે.

લાભ તમને પણ

તમારો એક નાનકડો પ્રયાસ કોઈના ચહેરા પર સ્માઇલ લઈને આવે કે કોઈના દુઃખને હળવું કરી શકે, એનાથી એ વ્યક્તિનું તો ભલું થશે, પણ સાથે એમાં તમારો પણ લાભ જ છે. તમને પણ માનસિક શાંતિ મળશે, તમે પણ અંદરથી આશ્વાસન અને આત્મવિશ્વાસ અનુભવશો એનું વર્ણન ન કરી શકાય. કોઈને સ્માઇલ આપવાનો સંતોષ તમને જે પીસ આપે એ બીજી કોઈ અચીવમેન્ટથી પણ નથી મળવાની એટલે હું તો કહીશ કે તમારા સ્વાર્થને ધ્યાનમાં રાખીને પણ તમારે કોઈ માટે નાની કાઇન્ડનેસ દેખાડતા રહેવું.

      અરે, હું તો કહીશ કે આજનાં બાળકોને પણ એની સમજણ આપવાની ખાસ જરૂર છે. ઘરમાં તો એ થવું જ જોઈએ, સ્કૂલમાં એક સબ્જેક્ટ તરીકે પણ ઍક્ટ ઑફ કાઇન્ડનેસ શીખવવામાં આવે એ જરૂરી છે. કાઇન્ડનેસ ક્લાસમાં બાળક કેવી રીતે કોઈ અન્યના ચહેરા પર સ્માઇલ લાવી શકે, કેવી રીતે કોઈને હેલ્પફુલ થઈ શકે એ દિશામાં વિચારતા થાય, જે આજના સમયમાં બહુ જરૂરી છે. બાળકોના દૃષ્ટિકોણમાં આવેલો એક બદલાવ તેના વિકાસમાં પણ અદ્ભુત પરિણામ આપી શકશે. હું મારાં બાળકોને એ સંસ્કાર આપવાના પ્રયાસ કરું છું. તેમણે મને એ રીતે જીવતાં જોઈ છે અને એમાંથી જ તેઓ શીખી

રહ્યાં છે.

ઘણી વાર લિફ્ટમાં કોઈ અજાણ્યું મળે અને મેં સ્માઇલ સાથે તેને ગુડ મૉર્નિંગ કહ્યું હોય તો મારો દીકરો પૂછે પણ ખરો, ‘મમ્મા, તું તેને ઓળખે છે?’ ત્યારે હું તેને સમજાવું કે સ્માઇલ થકી કોઈનું અભિવાદન કરવા તમે તેમને ઓળખતા હો એ જરૂરી નથી. ફિલ્મસિટીના મારા અનુભવની વાત કરું. એક વાર ત્યાં વાંદરાનું ટોળું જોયું, જેમાં ઘણા વાનર ઘાયલ હતા. મને દયા આવી અને મેં તેમને બિસ્કિટ આપ્યાં, એ પછી આ નિત્યક્રમ બની ગયો. હું ફિલ્મસિટીના ગેટમાં દાખલ થાઉં અને વાનરોને ખબર પડી જાય. એવી જ રીતે હું ત્યાં ડૉગ્સને પણ નિયમિત ખાવાનું આપું છું. એ લોકોએ આજ સુધી મને હાનિ નથી પહોંચાડી. મને એવો એક પણ ડૉગ કે વાંદરો નથી મળ્યો જે ક્યારેય હિંસક બન્યો હોય. ઇન ફૅક્ટ, અત્યારે એ મારા સૌથી મોટા પ્રોટેક્ટર છે. મારો દીકરો મને કહેતો પણ હોય છે કે અત્યારે તમારા માટે આ લોકો સિક્યૉરિટી ગાર્ડ બની ગયાં છે. આ ડૉગ્સ અને મન્કી તમને એટલાં પ્રોટેક્ટ કરે છે કે આખી ફિલ્મસિટીમાં તમારા પર રિસ્ક આવે એવા ચાન્સ જ નથી. તેમની આ વાત ઘણા અંશે સાચી જ છે.

મારી સાથે જે થયું એ

ઘણી વાર લોકો એવું વિચારતા હોય છે કે મારી સાથે ફલાણાએ આટલું ખરાબ બિહેવ કર્યું તો હું શું કામ સારું બિહેવ કરું. મને મારી સાસુએ ત્રાસ આપ્યો એટલે એનો બદલો હું મારી વહુને ત્રાસ આપીને લઉં, પણ મને લાગે છે કે આ હિસાબ અયોગ્ય છે. હવેના સમયમાં આવી માનસિકતા સાથે આગળ વધવાનું નથી. હવે જ્યારે હાથમાં સમય ઓછો છે અને વ્યસ્તતા વધારે છે ત્યારે બીજાએ શું કર્યું એ મારો લુકઆઉટ નથી, પણ હું શું કરું એ જ મારી જવાબદારી છે. હું મારી કાઇન્ડનેસને અકબંધ રાખી શકું, ભલે પછી સામેની વ્યક્તિ તેને સારી રીતે ન નિભાવે. મારે મારું કર્મ શું કામ બગાડવું જોઈએ.

મૂંગાં પ્રાણીઓની બાબતમાં ઘણા આવી દલીલ કરતા હોય છે કે એક કૂતરો કરડી ગયો અને એ કિસ્સો સામે મૂકી તમામ કૂતરાઓને ફૂડ આપવાનું બંધ કરે. ડૉગી કરડે છે એ જોયું, પણ કયા સંજોગોમાં એણે એવું કર્યું એ તો તમે જોયું જ નથી. તમે એ કેમ ભૂલી જાઓ છો કે આ પૃથ્વી પર જીવવાનો તમને જેટલો અધિકાર છે એટલો જ અધિકાર એ અબોલ પશુઓને પણ છે. કોઈ ડૉગને પથ્થર મારે, એના પર સળગતા ફટાકડા નાખે એવું સાંભળતાં કોઈનાં રૂંવાડાં કેમ ઊભાં નથી થતાં? યાદ રાખજો કે માણસમાં માણસાઈ આવશે એ પછી જ સંસારના પ્રશ્નોનાં સમાધાન મળશે. એ માણસાઈનું પહેલું પગથિયું છે કરુણા. કંઈક ભલું કરવાની દિશામાં તમે એક ડગલું પણ આગળ વધશો એ તમારા હિતમાં છે.

- શીબા આકાશદીપ

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘કોઈ મિલ ગયા’ જેવી ઢગલાબંધ ફિલ્મોમાં જોવા મળેલી શીબા આકાશદીપે ‘કુટુંબ’, ‘કરિશ્મા કા કરિશ્મા’, ‘નાગિન 6’ જેવી અઢળક પૉપ્યુલર સિરિયલો પણ કરી છે. વર્સેટાઇલ ઍક્ટિંગ માટે જાણીતી એવી શીબાએ કરીઅરની શરૂઆતમાં બૉલીવુડના અનેક સુપરસ્ટાર સાથે લીડ રોલ કર્યા છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

pankaj udhas sheeba bollywood entertainment news columnists