સંપત્તિસર્જનના માર્ગમાં જો એક પગલું ખોટું પડશે તો આખો દાખલો ખોટો પડશે

19 January, 2025 05:24 PM IST  |  Mumbai | Foram Shah

મ્યુચ્યુઅલ ફન્ડની જાહેરખબરો જોઈને SIP શરૂ કરવામાં આવે છે, પરંતુ પૂરતી સમજના અભાવે કરાયેલી એ SIP ઘણી વાર યોગ્ય કારણ વગર બંધ કરી દેવાય છે અને સંપત્તિસર્જન અટકી જાય છે.

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજકાલ શૅરબજારમાં રોકાણ કરવાના નામે ચાલતાં બોગસ ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ રહી છે. એ ઉપરાંત રોકાણ પર ઊંચાં વળતરની લાલચ આપીને લોકો પાસે નાણાં ભેગાં કરીને કૌભાંડીઓ રફુચક્કર થઈ જાય છે. હાલમાં મુંબઈમાં ટોરેસ કંપનીએ આચરેલા કૌભાંડનો કિસ્સો લોકોના ધ્યાનમાં હશે. જલદીથી અને સહેલાઈથી પૈસા કમાઈ લેવાની લાલચને લીધે લોકો આવાં કૌભાંડોનો ભોગ બને છે. આથી દરેકે સાવચેત રહેવાની જરૂર છે.

આ તો થઈ કૌભાંડોની વાત, પરંતુ એના સિવાયના સંજોગોમાં પણ લોકોના કેટલાક વ્યવહારો સંપત્તિસર્જનમાં અવરોધરૂપ બનતા હોય છે. ચાલો, આજે એના વિશે વાત કરીએ.

‘બધા લઈ ગયા, અમે રહી ગયા’ની ભાવનાને લીધે લોકો શૅરબજારમાં મોટા ભાગે તેજીના સમયે રોકાણ કરવા તૈયાર થઈ જતા હોય છે. મંદીના સમયે લોકો શૅરબજારમાંથી નાણાં ઉપાડવા માંડે છે, કારણ કે તેમનાથી કાગળ પરનું નુકસાન પણ સહન થતું નથી.

ઘણી વાર લોકો બીજાના કહ્યામાં આવીને અથવા બીજાનું જોઈને કે પછી સમાચાર જોઈ-વાંચીને શૅરબજારમાં રોકાણ કરવા પ્રેરાય છે. આ જ રીતે બૅન્કો ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર વધારે ત્યારે એમાં વધુ રોકાણ થવા માંડે છે, પરંતુ ફક્ત ફિક્સ્ડ ડિપોઝિટમાં કરાયેલું રોકાણ લાંબા ગાળે ફુગાવાની અસરને લીધે નુકસાનદાયક ઠરે છે.

બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફન્ડની જાહેરખબરો જોઈને SIP શરૂ કરવામાં આવે છે, પરંતુ પૂરતી સમજના અભાવે કરાયેલી એ SIP ઘણી વાર યોગ્ય કારણ વગર બંધ કરી દેવાય છે અને સંપત્તિસર્જન અટકી જાય છે.

અનેક કંપનીઓ આજકાલ ક્રેડિટ કાર્ડના લાભ દર્શાવતી સંખ્યાબંધ જાહેરાતો સોશ્યલ મીડિયા પર કરતી હોય છે. એનાથી લલચાઈને લોકો ક્રેડિટ પર ઘણો બધો ખર્ચ કરી નાખે છે. એક સુવિધા તરીકે ક્રેડિટ કાર્ડ ઘણી સારી વસ્તુ છે, પરંતુ બિનજરૂરી અને વધુપડતા ખર્ચ કરવાનું તથા કાર્ડનું બિલ સમયસર નહીં ચૂકવવાનું ઘણું મોંઘું પડતું હોય છે.

સંપત્તિસર્જન કરવા માટે લાંબા સમય સુધી શિસ્તબદ્ધ રોકાણ કરવું આવશ્યક હોય છે. કોરોનાના સમયમાં ખૂલેલાં ડિમેટ અકાઉન્ટમાં શરૂઆતમાં તો ઘણું ટ્રેડિંગ અને રોકાણ થયું, પરંતુ સમય જતાં એમાં નોંધપાત્ર ઘટાડો આવી ગયો છે. આવું સામાન્ય સંજોગોમાં પણ બનતું હોય છે.

એક સમયે ફક્ત ગૂગલ સર્ચ હતું, પરંતુ હવે તો ચૅટજીપીટી અને જેમિની પણ આવી ગયાં છે એથી પુષ્કળ માહિતી મળી જાય છે. એવામાં લોકો ‘એમબીએ સિન્ડ્રૉમ’ અર્થાત્ ‘મને બધું આવડે’નું વલણ ધરાવવા માંડે છે. આથી લોકો કોઈ પ્રોફેશનલની મદદ લેવાને બદલે બધું જાતે કરવાની કોશિશ કરતા હોય છે. પરિણામે રોકાણને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઘણી વાર બીજી વ્યસ્તતાને લીધે પાછળ ઠેલાઈ જતા હોય છે અથવા ભુલાઈ જતા હોય છે અને સંપત્તિસર્જન થઈ શકતું નથી. બીમાર પડ્યે ડૉક્ટર પાસે જઈએ છીએ એ જ રીતે નાણાકીય બાબતોમાં પણ સલાહકાર પાસે જવું જોઈએ.

ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખીને નાણાકીય વ્યવહારો વધુ સારી રીતે કરી શકાય છે.

share market mutual fund investment social media columnists gujarati mid-day mumbai stock market