વ્યક્તિની ખામી જ તેની ખૂબી બની જાય એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે લલિતા પવાર

15 September, 2024 08:15 AM IST  |  Mumbai | Rajani Mehta

લલિતા અને પવાર એ નામ તો પછીથી આવ્યાં. તેમનું મૂળ નામ અંબિકા જેને લાડમાં સૌ અંબુ ક

લલિતા પવાર

‘હિન્દી ફિલ્મનો ઇતિહાસ લખાશે ત્યારે ચાર નામ સુવર્ણાક્ષરે લખવાં પડશે : અશોકકુમાર, મીનાકુમારી, દિલીપકુમાર અને લલિતા પવાર.’

‘આ શું બકવાસ છે?’ આટલું કહીને મને (મનમાં) ગાળ આપો એ પહેલાં એક વાતની ચોખવટ કરી લઉં. આ મારો અભિપ્રાય નથી. આવું બ્રહ્મજ્ઞાન થયું હતું ‘ચૌદહવી કા ચાંદ’ના દિગ્દર્શક એમ. સાદિકને (આંશિક રીતે હું સંમત છું, કારણ કે ચાર નહીં, પણ પચીસ નામમાં તેમનો સમાવેશ કરવો પડે). આ મત તેમનો હતો અને તેમના મત તરીકે જ માનવાનો (જેમ રાજકારણીઓ ‘આ પાર્ટીનો નહીં, નેતાનો અંગત અભિપ્રાય છે’ કહીને છેડો ફાડી નાખે છે એમ). પહેલાં ત્રણ નામ વિશે મતમતાંતર હોઈ શકે, પણ લલિતા પવાર? કોઈ કાળે નહીં. જોકે એનો અર્થ એવો નહીં કે તેમના યોગદાનની નોંધ પણ ન લેવાય. દુષ્ટ સાસુ, નિર્દયી નણંદ, કાવતરાબાજ ભાભી કે પછી પંચાત કરતી પાડોશણ; કોઈ પણ ભૂમિકાની વાત આવે ત્યારે તરત લલિતા પવારનો ચહેરો આંખ સામે આવી જાય.

લલિતા અને પવાર એ નામ તો પછીથી આવ્યાં. તેમનું મૂળ નામ અંબિકા જેને લાડમાં સૌ અંબુ કહે. ૧૯૧૬ની ૧૮ એપ્રિલે તેમનો જન્મ નાશિક જિલ્લાના યેવલા ગામમાં થયો હતો. પિતા લક્ષ્મણરાવ શગુન રેશમી કાપડના વેપારી. અંબુ રામલીલા જોવાની શોખીન. ૯ વર્ષની ઉંમરે મૂંગી ફિલ્મનું શૂટિંગ જોવા ગઈ. જે દીવાલ પર બેઠી હતી ત્યાંથી અકસ્માતે ગબડી ગઈ. યુનિટના માણસો દોડતા આવ્યા. રડતી બાળકીએ જીદ કરી કે મારે પણ ફિલ્મમાં કામ કરવું છે. માતાની ઇચ્છા વિરુદ્ધ પિતાએ દીકરીનો શોખ પૂરો કર્યો. આમ ફિલ્મ ‘પતિતોદ્ધાર’માં પહેલી વાર અંબુએ કૅમેરાનો સામનો કર્યો.

નાના રોલ કરતી અંબુ ૧૩ વર્ષની વયે ‘ભવાની તલવાર’માં હિરોઇન બની. ત્યાર બાદ ‘દિલેર જિગર’, ‘મસ્તીખોર માશૂક’, કૈલાસ’ અને બીજી અનેક ફિલ્મોમાં હિરોઇનની ભૂમિકા ભજવી. એ દિવસોમાં તેમની ઘણી ફિલ્મોના ડાયરેક્ટર હતા ગણપત પવાર. તેમની સાથે પ્રેમ થયો અને બન્નેનાં લગ્ન થયાં (કમનસીબે થોડાં વર્ષ બાદ છૂટાછેડા થયા. ગણપત પવારે લલિતા પવારની બહેન સાથે લગ્ન કર્યાં. સમય જતાં લલિતા પવારનાં લગ્ન રાજકુમાર ગુપ્તા સાથે થયાં).

એ સમય હતો મૂંગી ફિલ્મોનો જેમાં સ્ટન્ટ ફિલ્મોનું ચલણ હતું. ઘોડેસવારી કરવી, ટેકરી પરથી છલાંગ મારી પાણીમાં પડવું, ઝાડ પર લટકવું જેવાં હિંમતનાં અનેક કામ તેમણે કર્યાં. આવા રોલથી કંટાળીને ૧૯ વર્ષની ઉંમરે તેમણે પોતે જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મના પાત્ર માટે તેમનું નામ હતું લલિતા. ટૉલ્સ્ટૉયની કથા પર આધારિત ફિલ્મ ‘દુનિયા ક્યા હૈ’ અત્યંત સફળ થઈ. હીરો હતા માધવ કાળે અને ડિરેક્ટર હતા ગણપત પવાર. અંબુ પવારે હવે શુકનિયાળ નામ અપનાવીને સદાયને માટે લલિતા પવાર બનવાનું નક્કી કર્યું.

એક અકસ્માતે તેમનું નાયિકાપદ છીનવાઈ ગયું. ફિલ્મ ‘જંગે આઝાદી’ના એક દૃશ્યમાં અભિનેતા ભગવાન તેમને તમાચો મારે છે. વાસ્તવિક અભિનયનાં આગ્રહી લલિતા પવારે ભગવાનને જોરદાર થપ્પડ મારવા કહ્યું. ભગવાનદાદાએ ઇચ્છા વિરુદ્ધ થપ્પડ મારી. લલિતા પવારને આંખે અંધારાં આવી ગયાં. તેઓ બેહોશ થઈને નીચે પડ્યાં. કાનમાંથી લોહી વહેતું થયું. હૉસ્પિટલમાં નિદાન થયું કે ચહેરાનો ડાબો ભાગ ખોટો પડી ગયો છે. ‘ફેશ્યલ પૅરૅલિસિસ’ની અસર હેઠળ તેમની ડાબી આંખ કાયમ માટે ઝીણી થઈ ગઈ.

કોઈ રેંજીપેંજી હોત તો આ અકસ્માત પછી ફિલ્મોમાંથી વિદાય જ લીધી હોત. બે વર્ષ સુધી તેમની પાસે કામ નહોતું. ઝીણી આંખવાળી અભિનેત્રીને હિરોઇનનો રોલ કોણ આપે? મૂંગી ફિલ્મોમાંથી બોલતી ફિલ્મોનું ચલણ શરૂ થઈ ગયું હતું. સહજતાથી તેમણે ચરિત્ર ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. પહેલી વાર ‘ગ્રહસ્થી’ (૧૯૪૮)માં તેમણે ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કર્યું. જે ફિલ્મમાં યાકુબ, પ્રાણ, શ્યામા, સુલોચના જેવાં કલાકારો હોય એવી ફિલ્મમાં તેમના કામની સરાહના થઈ અને તેમની બીજી ઇનિંગ્સ શરૂ થઈ. ‘Length’ નહીં પણ ‘Strength’નું મહત્ત્વ જોઈ તેમણે નાના અગત્યના રોલ સ્વીકારવાનું શરૂ કર્યું. પરિણામસ્વરૂપ એ સમયના મુખ્ય પ્રધાન બાળાસાહેબ ખેરના હસ્તે ૧૦ તોલાનો સુવર્ણચંદ્રક મળ્યો.

નાયિકા તરીકેની કારકિર્દી અચાનક પૂરી થઈ એ તેમની કમનસીબી, પરંતુ એને કારણે લલિતા પવાર જેવી મહાન ચરિત્ર અભિનેત્રીનો જન્મ થયો એ તેમનું સદ્ભાગ્ય કહેવાય. એક હિરોઇન તરીકે આટલી વૈવિધ્યસભર ભૂમિકા ન મળી હોત જેટલી તેમને કૅરૅક્ટર આર્ટિસ્ટ તરીકે મળી. બહુઢંગી, બહુરંગી, અતરંગી ભૂમિકા કરવામાં તેમની કમાલ અનોખી હતી. ઝીણી આંખવાળા ચહેરાએ તેમના અભિનયને નવી ધાર આપી. વ્યક્તિની ખામી જ તેની ખૂબી બની જાય એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે લલિતા પવાર.

તેમની એક આદત હતી કે પોતાનું શૂટિંગ પૂરું થાય તો પણ ‘પૅકઅપ’ ન થાય ત્યાં સુધી સેટ પર બેસે. સાથી-કલાકારોનો અભિનય જુએ અને મનોમન નવું શીખે. યાદશક્તિ જોરદાર. કિશોર સાહૂએ વર્ષો બાદ ‘ગ્રહસ્થી’ ફિલ્મ પરથી ‘ઘર બસા કે દેખો’ શરૂ કર્યું જેમાં મેહમૂદ આગલી ફિલ્મના યાકુબનો રોલ કરતો હતો. તેના જેવી જ વેશભૂષા કરીને તે સેટ પર આવ્યો ત્યારે સૌએ તેનાં વખાણ કર્યાં.

લલિતા પવાર ચૂપ હતાં. મેહમૂદે વિજયી અદામાં પૂછ્યું, ‘આબેહૂબ યાકુબ જેવો જ લાગું છુંને?’

‘ડાબા ગાલ પરનો મસો ક્યાં છે?’ લલિતા પવારની ટિપ્પણી સાંભળીને મેહમૂદનો નશો ઊતરી ગયો (યાકુબ એક સમયનો મશહૂર અભિનેતા હતો. તેના ચહેરા પર જન્મજાત એક મસો હતો).

હિન્દી, મરાઠી અને ગુજરાતી ગણીને ૭૦૦થી વધુ (મૂંગી અને બોલતી) ફિલ્મોમાં કામ કરનાર લલિતા પવારની કઈ-કઈ ભૂમિકાનો ઉલ્લેખ કરવો? ધૂર્ત આંનદીબાઈ (રામશાસ્ત્રી), લાલચુ બાઈ (ચોરીચા મામલા), નિષ્ઠુર સાસુ (સાસુરવાશીણ), પ્રેમાળ કેળાવાળી (શ્રી ૪૨૦), સ્વભાવે કડક પણ અંતરથી ઋજુ મિસિસ ડીસા (અનાડી), શ્રદ્ધાળુ નર્સ (આનંદ), ખૂની સ્ત્રી (કોહરા), કડક શિસ્તપ્રિય મા (જંગલી), નિષ્ઠાવાન આયા (મેમદીદી) પંચાતણી પાડોશણ (મઝલી દીદી), દ્વેષીલી સાવકી મા (બહુરાની) કે પછી ‘પ્રેમનગર મેં બસાઉંગી ઘર મૈં’ ગણગણતી પ્રેમમાં પડેલી પ્રૌઢ કુમારિકા (પ્રોફેસર).

દુર્ગા ખોટે અને લલિતા પવાર સમકાલીન હોવાને કારણે જાણ્યે-અજાણ્યે બન્નેની સરખામણી થતી. રૂપ, શિક્ષણ અને પરિવારની વાત કરીએ તો દુર્ગાતાઈ ચડિયાતાં, પરંતુ અભિનયની વાત આવે ત્યારે લલિતા પવાર બાજી મારે. દુર્ગાબાઈ ગરીબ, કામગાર વર્ગનાં, અશિક્ષિત લાગે જ નહીં. તેમને આવી ભૂમિકામાં જોઈએ તો સતત એમ જ લાગે કે એક સમયે આ સ્ત્રીએ બહુ સારા દિવસો જોયા હશે. લલિતા પવાર ગરીબ કે ગર્ભશ્રીમંત કોઈ પણ પાત્રમાં એકદમ ફિટ બેસે.

પાછલી જિંદગીમાં તેઓ પુણે રહેતાં. ગળાના કૅન્સરની બીમારીને કારણે ૧૯૯૮ની ૨૪ ફેબ્રુઆરીએ તેમનો સ્વર્ગવાસ થયો. રામાયણની આ મંથરાએ અંતિમ ક્ષણે ‘હે રામ’ કહીને વિદાય લીધી હશે એની ખબર નથી, પરંતુ મંથરાની વાત થશે ત્યારે લલિતા પવાર જરૂર યાદ આવશે.

 ‘અનાડી’માં તેમનું મિસિસ ડીસાનું પાત્ર અવિસ્મરણીય છે. ફિલ્મમાં મોતીલાલ, રાજ કપૂર અને નૂતન જેવાં કલાકારો હોવા છતાં લલિતા પવારને કેમ ભુલાય? (આ ફિલ્મ માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ આર્ટિસ્ટ’ અવૉર્ડ મળ્યો હતો.) એક દૃશ્યમાં લલિતા પવાર ગુસ્સે થયાનું નાટક કરતાં રાજ કપૂરને કહે છે, ‘હમને તુમ્હારે જૈસા બહુત દેખા હૈ.’

રાજ કપૂર પોતાની ટ્રેડમાર્ક મુસ્કુરાહટ સાથે ભીની આંખે કહે છે, ‘લેકિન હમને તો તુમ્હારે જૈસા એક ભી નહીં દેખા, મિસિસ ડીસા.’

લાખો દર્શકો રાજ કપૂરના આ સંવાદ નીચે પોતાના હસ્તાક્ષર કરે એની કોઈને નવાઈ ન લાગવી જોઈએ.

columnists rajani mehta entertainment news bollywood bollywood news