ઘટતી વસ્તીની ચિંતાથી કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિમાં વસ્તી વધારવાની ઝુંબેશ

12 April, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છી સમાજના સમાજશાસ્ત્રીઓને ચિંતા છે નામશેષ થવા તરફ જઈ રહેલી જ્ઞાતિની

વસંત મારુ

ભારતમાં આજે જ્યારે વસ્તી-નિયત્રંણનો વિચાર ચાલે છે ત્યારે ભારતમાં જ એક એવી જ્ઞાતિ છે જેની વસ્તી વધારવાની ઝુંબેશ શરૂ થઈ છે. આજે મુંબઈમાં કચ્છી વીસા ઓસવાળ(ક.વી.ઓ) જૈન સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે. ભારતની સૌથી શ્રીમંત ૧૦૦ વ્યક્તિઓમાંથી ૪ વ્યક્તિઓ કચ્છી જૈન છે. એના પરથી જ અંદાજ આવી જાય કે આ સમાજ કેટલો સમૃદ્ધ છે અને કેટલો વિકાસ પામ્યો છે. વિશ્વના લગભગ તમામ દેશોમાં આ સમાજની વ્યક્તિઓ વસે છે, પણ આ સમાજ આજે ઘટતી વસ્તીથી ચિંતાતુર છે.

કચ્છી સમાજના સમાજશાસ્ત્રીઓને ચિંતા છે નામશેષ થવા તરફ જઈ રહેલી જ્ઞાતિની. એક સમય હતો કે સમાજના એક-એક દંપતીનાં પાંચથી નવ-દસ બાળકો હોવાં સામાન્ય બાબત હતી, પણ ભવિષ્યનાં પચાસેક વર્ષમાં આ જ્ઞાતિ કદાચ પારસી કોમની જેમ મર્યાદિત વસ્તીમાં સમેટાઈ જશે.ઘટતી જતી વસ્તીનાં ઘણાં કારણો છે. અપર મિડલ ક્લાસનાં ઘણાં યુવાન દંપતીઓ બાળકની ઝંઝટમાં પડવા માગતાં નથી. ઘણાં મિડલ ક્લાસ દંપતીઓ માટે ફાટ-ફાટ થતી મોંઘવારીમાં બે બાળકોનો ઉછેર અને ભણતર મુશ્કેલ બની ગયાં છે. તો ઘણા યુવાનોનાં લગ્ન પ્રમાણમાં મોટી ઉંમરે થતાં બાળક મોટી ઉંમરે જન્મે છે. આજનાં ખાનપાનને કારણે ફર્ટિલિટી ઘટતી જાય છે. ઉપરાંત સંયુક્ત કુટુંબપ્રથા ઘટી જતાં બાળકનો ઉછેર અઘરો બની ગયો છે.

સરવાળે વિકસિત ક.વી.ઓ. સમાજ વસ્તીના અસ્તિત્વ માટે ઝઝૂમે છે. આ વાત ધીરે-ધીરે સમાજના વિચારવંત આગેવાનો અને સંસ્થાઓને ધ્યાનમાં આવી. કચ્છના મુન્દ્રા તાલુકાના બારોઈ ગામના મહાજને એક અનોખી ઝુંબેશ શરૂ કરી. ગામના જે દંપતીને બીજું બાળક જન્મે તો પ્રથમ વર્ષે એક લાખ રૂપિયા અને પછીનાં ૧૭ વર્ષ સુધી દર વર્ષે પચાસ હજાર રૂપિયા આ બાળકના ભણતર અને ઉછેર માટે આપવાનું શરૂ થયું. 

આ વિચાર ધીરે-ધીરે સમાજમાં ચર્ચાવા લાગ્યો. અત્યારે મહાજન પરંપરાની મહાન સંસ્થા સ્થાનકવાસી મહાજન આ ઝુંબેશને પોતાની રીતે અમલમાં લાવવા યોજના ઘડી રહી છે, જેની જાહેરાત ટૂંકમાં થશે. એ જ રીતે દેરાવાસી મહાજન પણ આવી યોજના લાવશે એવું ચર્ચાય છે. મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રમાં કચ્છી જૈન સમાજની નાની-મોટી સંસ્થાઓ વર્ષેદહાડે કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આ સમૃદ્ધ સમાજ વસ્તી વધારવામાં સફળ ન થાય તો જ નવાઈ હશે.

વસંત મારુ

columnists life and style kutchi community jain community