મારે તો ઍક્ટિંગ કરવી જ નહોતી, હું તો ક્લિનિકલ થેરપિસ્ટ બનવા માગતી હતી

29 June, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અઢળક હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં કૃ‌િત્તકા દેસાઈ હમણાં ગુજરાતી નાટક ‘એકલવ્ય’થી ૧૦ વર્ષ પછી રંગભૂમિ પર પાછાં ફર્યાં છે ત્યારે તેમની સાથે કરીએ થોડીક અંગત સંગત

કૃત્તિકા દેસાઈ

મારે ઍક્ટિંગમાં આવવું જ નહોતું.

આ શબ્દો છે વર્સટાઇલ ઍક્ટ્રેસ કૃત્તિકા દેસાઈના. PhD બનવા ઇચ્છતાં કૃત્તિકાને ૧૫ વર્ષનાં હતાં ત્યારે અનાયાસ ગુજરાતી નાટકમાં એક પાત્ર માટે ઑફર મળી, પછી તો આ પ્રતિભા ઍક્ટિંગના ફીલ્ડમાં જબરદસ્ત ખીલી. નેવુંના દશકમાં ‘બુનિયાદ’ સિરિયલમાં તેમના અભિનયની પ્રશંસા શરૂ થઈ, જે આજ સુધી અવિરત ચાલુ છે. ગુજરાતી નાટકો ઉપરાંત ‘ઍર હૉસ્ટેસ’, ‘બુનિયાદ’, ‘દેખ ભાઈ દેખ’, ‘ચંદ્રકાંતા’, ‘નૂરજહાં’, ‘ઉતરન’, ‘પંડ્યા સ્ટોર’ જેવી લગભગ ૪૫ જેટલી ટીવી-સિરિયલો; ‘ઇન્સાફ’, ‘દસ્તક’, ‘સેક્શન ૩૭૫’ જેવી હિન્દી ફિલ્મો; ‘ટર્ન લેફ્ટ ફૉર ધિસ વર્લ્ડ’ જેવી ઇન્ટરનૅશનલ ફિલ્મ અને કેટલીક બંગાળી ફિલ્મો કૃ‌િત્તકા દેસાઈએ કરી છે. ૧૦ વર્ષ પછી તેઓ હમણાં ગુજરાતી નાટક ‘એકલવ્ય’ કરી રહ્યાં છે ત્યારે આ મુલાકાતમાં તેમણે પોતાની ઘણી અજાણી વાતો દિલ ખોલીને ‘મિડ-ડે’ સાથે શૅર કરી. સામાન્ય રીતે તેઓ પોતાની અંગત વાતો કરતાં નથી. જોઈએ એની ઝલક...

શું બનવું હતું?

અભિનયક્ષેત્રે જબરદસ્ત ઊંચાઈ અંકિત કરનારાં ૫૬ વર્ષનાં કૃત્તિકા દેસાઈએ અભિનયની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી, પણ નાટકો વધુ નથી કર્યાં. જીવનના આ એક મહત્ત્વના પાસાને ઉજાગર કરતાં તેઓ કહે છે, ‘મારે ઍક્ટિંગ કરવી જ નહોતી. મને રિગ્રેટ છે. હું ક્યારેક ફીલ કરું છું કે હું ઍક્ટિંગમાં ન હોત તો... અમેરિકાની કૅન્સસ યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાયકોલૉજીમાં PhD માટે મારું ઍડ‍્મિશન પણ થઈ ગયું હતું. ક્લિનિકલ સાયકોલૉજીમાં મેં માસ્ટર્સ કરી લીધું હતું. આ સમયે ‘બુનિયાદ’ ચાલતી હતી એટલે થયું આટલું વર્ષ કરી લઉં; કારણ કે ઍક્ટિંગ મારે કરવી નહોતી, મને બિલકુલ શોખ નહોતો. હું નાટકમાં કામ કરતી હતી એ પણ પૉકેટ-મની માટે.’

કૃ‌િત્તકા વિખ્યાત નાટ્યકર્મી ગિરેશ દેસાઈનાં પુત્રી છે. ઍક્ટિંગની શરૂઆત કેવી રીતે થઈ એનો એક મજાનો કિસ્સો કૃત્તિકાએ કહ્યો. કાન્તિ મડિયા કૃત્તિકાના ફુઆ હતા. તેઓ ત્યારે ‘બાણશય્યા’ નાટક કરી રહ્યા હતા. એમાં પોલિયોવાળી એક યંગ છોકરીનો રોલ હતો. કૃત્તિકા ત્યારે ૧૫-૧૬ વર્ષનાં હતાં. તે કહે છે, ‘ફુઆએ મને કહ્યું, આ છોકરીનો રોલ તું કરીશ? મેં કહ્યું, હા કરીશ; કેટલા પૈસા મળશે? તે કહે ૫૦ રૂપિયા એક શોના મળશે, આઠથી દસ શો થાય. મને થયું સાડાસાતસો રૂપિયા મળશે અને પપ્પા ૫૦૦ રૂપિયા પૉકેટ-મની આપતા હતા. આમ મહિને બારસો રૂપિયા મળશે તો ઓહોહો છે, કારણ કે મારા મિત્રોને બસો રૂપિયા પૉકેટ-મની મળતી હતી. એના પછી ‘ઍર હૉસ્ટેસ’ સિરિયલ આવી. ભણતી ગઈ અને કામ કરતી ગઈ. પછી આવી ‘બુનિયાદ’. થયું, આટલું વર્ષ આ કરી લઉં; પછી આગળના અભ્યાસ માટે જઈશ. ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માટે મેં વિચાર્યું જ નહોતું. ઇટ્સ લાઇક સાઇડ હૉબી. મારે ક્લિનિકલ થેરપિસ્ટ બનવું હતું. કરીઅર મારે એજ્યુકેશનમાં બનાવવી હતી, પણ ‘બુનિયાદ’ પતી ત્યાં સુધીમાં ઍક્ટિંગનો ચસકો લાગી ગયો હતો અને મારાં લગ્ન પણ થઈ ગયાં.’

પ્યાર હો ગયા...

કૃત્તિકા દેસાઈએ ફિલ્મો અને ટીવી-સિરિયલોના ઍક્ટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં, જેમનું ૨૦૨૦ની ૧૫ માર્ચે ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું. તેમને આયેશા નામની દીકરી છે. ઇમ્તિયાઝ ખાન હિન્દી ફિલ્મોના લેજન્ડરી વિલન અમજદ ખાનના ભાઈ હતા.

ઇમ્તિયાઝ પણ ‘બુનિયાદ’માં હતા. શૂટિંગ પછી તેઓ મળતાં. શરૂઆતમાં તો ઘરમાં કોઈને ખબર નહોતી. કૃત્તિકા કહે છે, ‘મારી પાસે ગાડી હતી. હું તેને મળવા જતી રહેતી, કોને ખબર પડે? બીજું, અમે ખારમાં મારાં દાદા-બા બધાં સાથે રહેતાં હતાં. ઘરના લોકોના વિચારો આમ મૉડર્ન પણ રૂલ્સ કડક. મારા ઘરે કોઈ ફિલ્મી મૅગેઝિન ન આવે, ફિલ્મો પણ ‘હાથી મેરે સાથી’ જેવી તેમને યોગ્ય લાગે એ જ જોવાની. આ કારણે જ હું બચી ગઈ, કારણ કે અમારા વિશે મૅગેઝિનોમાં જે આવવા લાગ્યું એની કોઈને ખબર જ ન પડી. હવે ઘરે ખબર કેવી રીતે પડી એની મને ખબર નથી, ઇમ્તિયાઝ સાથે હું નાટક પણ કરતી હતી.’

ઘરે ખબર પડી એટલે હંગામો થવો સ્વાભાવિક હતો. ઇમ્તિયાઝ મુસ્લિમ અને કૃત્તિકાથી ૧૮ વર્ષ મોટા. કૃત્તિકા કહે છે, ‘મને કહેવામાં આવ્યું કે આ બરાબર નથી. મેં કહ્યું, મેં બધો વિચાર કર્યો છે, હું ભાગીને લગ્ન કરવાની નથી, તમે જ મારાં લગ્ન કરાવશો, ત્યાં સુધી હું બેઠી છું, મને કોઈ ઉતાવળ નથી; તમે તેને એક વાર મળો, વાત તો કરો. મારા ફાધરને વાંચવાનો શોખ અને ઇમ્તિયાઝને પણ, એટલે એ લેવલ પણ વર્ક કરે. ઘરના લોકો મૉડર્ન ખરા તેથી મારું મળવાનું કે કામ કરવાનું બંધ કરાવી દે એવું નહીં પણ મને કહેતા કે તું પોતે વિચાર કર. તેમને હતું કે ઇમ્તિયાઝ મને મારી રીતે જીવવા નહીં દે પણ જ્યારે મેં કહ્યું કે ઇમ્તિયાઝ કન્વર્ટ થઈને, હિન્દુ થઈને લગ્ન કરશે ત્યારે તેમને રિયલાઇઝ થયું કે ઇમ્તિયાઝ કટ્ટર મુસ્લિમ નથી અને મને મારી રીતે જીવવા દેશે. તેમને લાગ્યું કે તે ઓપન-માઇન્ડેડ છે. એક મુસ્લિમ માટે આ રીતે કન્વર્ટ થઈને લગ્ન કરવાં એ મોટું પગલું હતું.’

ઇમ્તિયાઝ ખાન સાથે લગ્ન થયાં એ વખતે કૃત્તિકા દેસાઈ

કૃત્તિકા-ઇમ્તિયાઝ લગ્ન વિશે વિચારતાં હતાં ત્યારે કૃત્તિકાએ કહ્યું કે રજિસ્ટર્ડ મૅરેજ કરી લઈએ, પણ ત્યારે ઇમ્તિયાઝે જ ના કહી કે ‘આ રીતે શું કામ? તારે મેંદી લગાડવી છે, હલ્દી કરવી છે, ફેરા લેવા છે, મંગળસૂત્ર પહેરવું છે, સિંદૂર લગાડવું છે તો આપણે એ રીતે લગ્ન કરીશું; ધર્મથી હું હંમેશાં મુસ્લિમ છું, પણ તારી સાથે લગ્ન કરવા માટે હું કન્વર્ટ થઈશ.’

આ બધાને લઈને કૃત્તિકાના પરિવારને ખાતરી થઈ કે ઇમ્તિયાઝ તેમની દીકરીની કાળજી લેશે; બીજું, ઓપન-માઇન્ડનો છે તેથી તેની રીતે જીવવા દેશે. ત્યાર પછી કૃત્તિકાનાં દાદા જયકૃષ્ણ દેસાઈ અને દાદીએ પોતાના નામે કંકોતરી છપાવી અને ૧૯૮૮માં આર્ય સમાજમાં લગ્ન થયાં અને રિસેપ્શન પણ થયું.

એક મોડ

ઘણા લોકોની જેમ કૃત્તિકા પોતાનાં લગ્નને જીવનનો ટર્નિંગ પૉઇન્ટ ગણે છે. તે કહે છે, ‘ઘણીબધી રીતે લગ્ન મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ છે. મને જુદી લાઇફ મળી, આઇ ડિસ્કવર્ડ માયસેલ્ફ મોર. ફ્રીડમ મને પહેલેથી હતી જ, પણ ગૉટ ફ્રીડમ ટુ ડિસ્કવર માયસેલ્ફ મોર. લગ્ન પછી લાઇફ જુદી જ બની જાય. તમારે જે જીવન જોઈએ છે એના નિર્ણય લઈ શકો. યંગ ગર્લમાંથી હું યંગ લેડી બની. ઘર, બાળકની જવાબદારી આવી. અત્યાર સુધી શેલ્ટરવાળી લાઇફ હતી. મારા કામની શરૂઆત પછી બે વર્ષમાં જ લગ્ન થયાં.’

લગ્ન થયાં ત્યારે કૃ‌િત્તકા બાવીસેક વર્ષનાં હતાં. એવું ન લાગ્યું કે આટલાં જલદી લગ્ન શું કામ કરી લેવાં? જવાબમાં કૃત્તિકા કહે છે, ‘મેં MA સુધી ભણી લીધું હતું, હું કમાતી હતી, મને મારો રાઇટ પર્સન મળી ગયો હતો, મને મારો પ્યાર મળી ગયો હતો, પછી લગ્ન માટે લેટ શું કામ થવું? હું લગ્ન કરીશ અને જીવન આવું હશે વગેરે નૉન્સેન્સ મેં વિચાર્યું નહોતું પણ મને એવી વ્યક્તિ મળી ગઈ જે મને ચાહે, મને અને મારા વિચારોને રિસ્પેક્ટ કરે અને એ ફ્રીડમ મળે. અમારી રિલેશનશિપમાં ધર્મ ક્યાંય વચ્ચે ન આવ્યો. તે મુસ્લિમ છે તો નમાઝ-કુરાન શરીફ પણ થતાં, મારે ત્યાં ભાગવત સપ્તાહ હોય તો પણ તે આવતો. અમારા ઘરે ઈદ, દિવાળી, ભાઈબીજ બધું મનાવાતું. અમે એકબીજાના ધર્મ, આઇડિયા, વિચારોને રિસ્પેક્ટ કરતાં.’

બચપન કી મસ્તી

બચપણમાં કૃત્તિકાના ઘરનું વાતાવરણ ભારે શિસ્તબદ્ધ અને કડક, પણ કૃત્તિકા ભારે મસ્તીખોર અને બંડખોર પણ ખરાં. કિશોર વયે સહજપણે કરેલી જબરદસ્ત મસ્તીની વાતો કરતાં કૃત્તિકા કહે છે, ‘વિચારોની દૃષ્ટિએ ઘરમાં આમ ઓપન, પણ દાદાજીના રૂલ્સ કડક. એ જમાનો જ એવો હતો. રાત્રે ૧૦ વાગ્યે અમારા ઘરમાં લાઇટ બંધ થઈ જાય, વાંચવું હોય તો બારી ખોલીને સ્ટ્રીટલાઇટથી જ વાંચવું પડે. ઘરમાં દાદા-દાદીથી લઈને બધાને વાંચવાનો બહુ શોખ. ઘરમાં બધે પુસ્તકો જ પડ્યાં હોય. આવા વાતાવરણમાં પણ મારે એ જ બધું કરવું હોય જે ઘરના લોકો કરવાની ના પાડે, તેઓ ના પાડે એ જ મારે વાંચવું હોય. હું ૧૪ વર્ષની હોઈશ. ત્યારે કોઈ સંજોગોમાં હું ડ્રાઇવિંગ શીખી જ ન શકું. મારે એ શીખવું હતું. ઘરમાં બધા સૂઈ જાય એટલે હું ગાડીની ચાવી લઈને ધીમેથી અમારા બંગલાની નીચે ઊતરું. મારી બહેનપણી અને તેનો ભાઈ અને એક મિત્ર આવી ગયાં હોય. અમે મારા પપ્પાની ગાડીને બંગલાના પાછળના ગેટથી ધક્કો મારી-મારીને લેનના એન્ડ સુધી લઈ જઈએ. ખારની અમારી સોસાયટીમાં બધા બંગલા જ હતા. ગાડી બહાર લઈ ગયા પછી સ્ટાર્ટ કરીએ જેથી કોઈને ખબર ન પડે. આ રીતે હું ગાડી શીખી. થોડા દિવસ તો આ ચાલ્યું, પણ એક દિવસ ગાડી ઝાડ સાથે અથડાઈ અને બાજુની ગટરમાં ફસાઈ ગઈ. મેં ફ્રેન્ડ્સને કહ્યું, આપણે ધક્કો મારીને ગાડી જ્યાં હતી ત્યાં મૂકી દઈએ; કોણે ઠોકી એ ખબર નહીં પડે. અમે ખૂબ મહેનત કરી પણ ગાડી જરાય હલે જ નહીં. હવે ઘરે ખબર પડી ગઈ, બહુ બબાલ થઈ, બૂમાબૂમ થઈ. મેં કહ્યું મેં નથી ચલાવી, મારી બહેનપણીનો ભાઈ લઈ ગયો હતો. પણ તેમને ખબર પડી જ કે આ મારું જ કૃત્ય હતું. પાંચ દિવસ સુધી ક્યાંય પણ નહીં જવાનું એવી શિક્ષા થઈ.’

દરેક કાંડમાં કૃત્તિકા હંમેશા પકડાઈ જ જતાં. તે કહે છે, ‘મને છુપાવતાં ન આવડતું એટલે હું દર વખતે પકડાઈ જતી.’

અંગત-અંગત

મારો ફોબિયા

ગરોળીનો, લિઝર્ડનો મને ફોબિયા છે. રૂમમાં જો ગરોળીને જોઉં તો હું ત્યાં ન રહી શકું. એને જોઈને બૂમાબૂમ કરું, કોઈને બોલાવું અને એને કાઢે પછી જ હું રૂમમાં સૂઈ શકું. સાપનો મને ડર નથી, ‘ચંદ્રકાંતા’ સિરિયલમાં ઘણા જોયેલા; પણ આ ગરોળીનો મને ફોબિયા છે.’

ગરોળીને લઈને એક ફની કિસ્સો પણ બનેલો. વર્ષો પહેલાં નાટકના શો માટે તેઓ કોઈ જગ્યાએ ગયેલાં. ત્યાંના સર્કિટ હાઉસમાં બધાને રહેવા આપેલું. કૃત્તિકા કહે છે, ‘આમ તો રૂમ સારા હતા પણ બંધ રહેતા હશે કે કોઈ પણ કારણ હોય, ત્યાંના ટૉઇલેટમાં ગયા પછી ફ્લશ કર્યું તો અંદરથી ગરોળીઓ નીકળી. એ અંદર બેઠી હશે અને બહાર નીકળી. ત્યારથી હવે પહેલાં ફ્લશ કર્યા વિના હું ટૉઇલેટનો ઉપયોગ કરતી જ નથી. એ સમયની ફીલિંગ મને બરાબર યાદ છે. એવું લાગે કે જાણે એ મને જ જોઈ રહી છે.’

મને ગમે

પર્વતો પર ટ્રેકિંગ પર જવું મને ગમે એમ જણાવતાં કૃત્તિકા કહે છે, ‘અગાઉ હું ટ્રેકિંગ પર જતી હતી અને દર વર્ષે જવાની ટ્રાય કરું છું, પણ કોવિડ પછી વધુ નથી જઈ શકાયું. હા, ગયા વર્ષે ઉત્તરાખંડમાં લૅન્સડાઉન અને વૅલી ઑફ ફ્લાવર જઈ આવી છું. યંગ હતી ત્યારે લગભગ ૧૯૮૬માં એવરેસ્ટ બેઝ કૅમ્પ જઈ આવી છું. એવરેસ્ટ પર જવાની મારી બહુ ઇચ્છા હતી. મને હતું કે એક વાર એવરેસ્ટ પર જઈશ એટલે જ એવરેસ્ટ બેઝ કૅમ્પ ગઈ હતી, પણ એ ન થઈ શક્યું અને હવે તો ટ્રેન હૅઝ લેફ્ટ ધ સ્ટેશન. આ ઈઝી નથી, બહુ મોટું કમિટમેન્ટ છે. હા, મારે માનસરોવર જવું છે.’

કોઈ રિગ્રેટ?

જીવનમાં કોઈ રિગ્રેટ ન હોય એવું કેવી રીતે બની શકે? અગાઉ જીવનમાં કોઈ બાબત પસંદ કરો ત્યારે એટલું ડહાપણ ન હોય અને ત્યારે થાય કે એના બદલે આ કર્યું હોત તો અથવા આ કર્યું હોત તો? તમે કોઈ પણ સ્ટેપ વિચારીને લો કે એમનેમ લો, પણ એવું તો લાગે જ કે આ કર્યું હોત કે આ ન કર્યું હોત તો સારું એમ જણાવીને કૃત્તિકા કહે છે, ‘મારામાં અત્યારે જેટલું ડહાપણ છે એટલું જો યુવાનીમાં હોત તો આઇ મે હૅવ મેડ સો મચ ઑફ માય લાઇફ અને યુવાનીમાં જે એનર્જી હતી એ આજે હોત તો જીવનમાં હું હજી ઘણું કરી શકી હોત. હું ક્લિનિકલ થેરપિસ્ટ બનવા ઇચ્છતી હતી, ઍક્ટિંગમાં ન આવી હોત તો બની શકી હોત.’

columnists entertainment news Gujarati Natak gujarati film dhollywood news