ભારતમાં બળાત્કાર પર થતી રાજનીતિ બળાત્કારથી પણ વધુ ખરાબ છે

18 August, 2024 01:10 PM IST  |  Mumbai | Raj Goswami

દિલ્હીના નિર્ભયાકાંડ પછી પણ દેશમાં કશું બદલાયું નથી. જો કડક કાયદા અને સજા છતાં બળાત્કાર જેવી સામાજિક સમસ્યાનું સમાધાન ન થતું હોય તો સમાજે એના વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે અને રાજકીય પક્ષોને બળાત્કારના રાજકારણ બદલ ચૂંટણીમાં પાઠ ભણાવવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

કલકત્તાની એક સરકારી હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે પાશવી બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે અને ફરી એક વાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર શહેરની આર. જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં કામ કરતી હતી. સંસ્થાના સેમિનાર હૉલમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. કલકત્તા પોલીસે તેની સાથે કામ કરતા એક સિવિક વૉલન્ટિયરની ધરપકડ કરી છે. જોકે બળાત્કારમાં નિર્દયતા જોતાં અને દેશના ડૉક્ટર સમુદાયમાં ઊઠેલા આક્રોશને પગલે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે.

કાયમ બને છે એમ આ ઘટનાએ પણ રાજકીય રંગ લીધો છે અને રાજ્યની મુખ્ય વિરોધી પાર્ટી BJP સત્તાધારી TMC અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને નિશાન બનાવી રહી છે. દેશમાં બળાત્કારની ઘટનાઓમાં રાજકારણ વધુ હોય છે અને મહિલા પ્રત્યે સંવેદના ઓછી. મીડિયા પણ એવા સમાચારોમાં વધુ રસ બતાવે છે જેમાં ‘રાજકીય કસ’ હોય.

ભારતમાં દરરોજ સરેરાશ ૮૭ બળાત્કારના કેસ નોંધાય છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ની વચ્ચે બળાત્કારના કેસમાં ૧૩.૨૩ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ઉત્તર ભારતમાં બળાત્કારની ૧૪,૨૬૦ ઘટનાઓ બની હતી, જે દેશની કુલ ઘટનાઓનો લગભગ અડધો ભાગ છે. એમાંથી અમુક ‘હાઈ-પ્રોફાઇલ’ કેસને બાદ કરતાં બાકી ઘટનાઓની કોઈ ચર્ચા થતી નથી.

જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે રાજકીય પક્ષો તેમના હિત અનુસાર એકબીજા પર આરોપ લગાવતા રહે છે. ઘટનાઓ પ્રત્યે તેમની ગંભીરતા દેખાતી નથી. વિપક્ષમાં હોય તેને એવું લાગે છે કે સત્તાધારી પક્ષને નિશાન બનાવવાનો આ સારો અવસર છે, જ્યારે સત્તાપક્ષને એવો વિશ્વાસ હોય છે કે આ બધી બૂમાબૂમ થાકીને બંધ થઈ જશે.

સમસ્યા એ છે કે સરકારો અથવા પોલીસ વહીવટી તંત્ર આવા કેસોમાં તેમની ભૂલ ક્યારેય સ્વીકારતાં નથી. વધુમાં, આ ઘટનાઓ પછી ખેલાતું રાજકારણ અને ભીનું સંકેલવાના પ્રયાસો પણ સમસ્યાને હાંસિયામાં ધકેલી દે છે એટલે થોડા દિવસ પછી બધું સામાન્ય થઈ જાય છે.

એવું નથી કે સરકારો અથવા પોલીસ વહીવટી તંત્રને આવા ગુનાઓનાં કારણો ખબર નથી; પરંતુ રાજકીય આશ્રય, નબળી ન્યાયવ્યવસ્થા અને કાયદાકીય ગૂંચવણોને કારણે કેટલાક હાઈ-પ્રોફાઇલ કેસો સિવાય મોટા ભાગના કેસોમાં ગુનેગારોને સજા પણ થતી નથી.

ગુનાઓ ઓછા નોંધવાની પોલીસની વૃત્તિ પણ આવા કેસો માટે મોટા ભાગે જવાબદાર છે. દરેક જગ્યાએ પોલીસ-કર્મચારીઓ અને અધિકારીઓની ભારે અછત છે. આવી સ્થિતિમાં પોલીસ આ મામલાની યોગ્ય રીતે તપાસ નથી કરી શકતી. દરેક રાજકીય પક્ષ પોલીસ-સુધારાઓની વાત કરે છે, પરંતુ કોઈએ એનો અમલ કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી નથી. પરિણામે બ્રિટિશ યુગના નિયમો હજી પણ અમલમાં છે.

આ બધા વચ્ચે મહિલાઓ પ્રત્યેનો સામાજિક અભિગમ પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. આજના સમાજમાં પણ છોકરીઓને છોકરાઓ કરતાં ઓછી ગણવામાં આવે છે. બળાત્કાર માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી. પિતૃસત્તાક સમાજમાં પુરુષોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને મહિલાઓને બીજા વર્ગના નાગરિકો તરીકે ગણવામાં આવે છે એ પણ એક કારણ છે, પરંતુ મોટા ભાગના રાજકીય પક્ષો એને કાયદો-વ્યવસ્થાનો મામલો ગણીને આસાનીથી દોષારોપણ કરી શકે છે.

એટલા માટે જ દિલ્હીના નિર્ભયાકાંડ પછી પણ દેશમાં કશું બદલાયું નથી. જો કડક કાયદા અને સજા છતાં બળાત્કાર જેવી સામાજિક સમસ્યાનું સમાધાન ન થતું હોય તો સમાજે એના વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે અને રાજકીય પક્ષોને બળાત્કારના રાજકારણ બદલ ચૂંટણીમાં પાઠ ભણાવવાની જરૂર છે. ત્યારે જ આપણે ભવિષ્યમાં આવા ગુનાઓને રોકી શકીશું.

૧૦ વર્ષમાં પહેલી વાર બે બિલ નિરસ્ત

સંસદમાં જે ૧૦ વર્ષમાં ક્યારેય નથી થયું એ પહેલી વાર થયું. વિરોધ પક્ષના ભારે વિરોધ પછી મોદી સરકારે વક્ફ કાયદામાં બહુચર્ચિત સુધારાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બ્રૉડકાસ્ટિંગ બિલ ૨૦૨૪ને સ્થગિત કરી દેવામાં આવ્યું છે.  મોદી સરકારનો એક રેકૉર્ડ રહ્યો છે કે એ જે ધારે તે કરે છે, પરંતુ વર્તમાન લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર એના નીતિવિષયક નિર્ણયો સામેની ટીકા-ટિપ્પણી, ખાસ કરીને સહયોગી પાર્ટીની સંવેદનાઓને ધ્યાનમાં રાખતી થઈ છે જેનું પરિણામ છે કે એનાં બે વિવાદાસ્પદ બિલ વિરોધ વચ્ચે હાલ પૂરતા ઠંડાં પડી ગયાં છે.

સરકાર પર હંમેશાં એ આક્ષેપ થાય છે કે એ ઉતાવળે બિલ પાસ કરે છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના પહેલા અને બીજા કાર્યકાળ દરમ્યાન સંસદમાંથી ઘણાં બિલ પસાર થયાં અને એમને કાયદામાં રૂપાંતરિત કર્યા પછી વિપક્ષે કહ્યું હતું કે સંસદમાં એની ચર્ચા થવા દેવામાં આવી નહોતી.

વક્ફ કાયદામાં સુધારો કરવાના બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો નિર્ણય યોગ્ય છે, જેથી એના પર સર્વે પક્ષોની સહમતી બને. સરકાર પહેલેથી જ જાણતી હતી કે આ બિલને લઈને ગૃહમાં ઘણો હોબાળો થશે.

વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી આ બિલનો ફુગ્ગો છોડવા માગતી હતી જેથી ખબર પડે કે લોકોમાં એની કેવી હવા છે. પક્ષને એ પણ જાણવા મળ્યું છે કે મુસ્લિમ સમુદાયને પણ આ બિલમાં સુધારાની જરૂરિયાત દેખાય છે કે નહીં. કદાચ આ જ કારણ છે કે કેન્દ્રએ બિલને સ્થગિત રાખ્યું છે. સમાજવાદી પાર્ટીએ તો લોકસભામાં એવું કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં બેઠકો ઘટી છે એટલે સરકાર એના નાસીપાસ કટ્ટર સમર્થકોને ખુશ કરવા આ બિલ લાવી હતી.

કંઈક એવો જ ઘાટ બ્રૉડકાસ્ટિંગ બિલનો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એના ડ્રાફ્ટમાં ડિજિટલ વેબસાઇટ્સ, OTT પ્લૅટફૉર્મ્સથી લઈને યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને નેટફ્લિક્સ જેવાં પ્લૅટફૉર્મ્સ સુધીની સામગ્રીને નિયંત્રિત કરવાની વાત કરવામાં આવી હતી.

એનો ખૂબ વિરોધ થયો હતો અને સરકાર પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એ સ્વતંત્ર મીડિયાનો અવાજ દબાવવા માગે છે કારણ કે એ સરકારની ટીકા કરે છે. આ બિલના માધ્યમથી ફેક ન્યુઝના ફેલાવાને રોકવા, ઉંમરના વેરિફિકેશનના મેકૅનિઝમને અને કન્ટેન્ટને કન્ટ્રોલ કરવાની  યોજના હતી.

જ્યારથી બિલનો ડ્રાફ્ટ જાહેર થયો છે ત્યારથી વિપક્ષી દળો સરકાર પર હુમલો કરી રહ્યાં હતાં અને એના પર અઘોષિત સેન્સરશિપ લાવવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે સંસદના સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સમિતિમાં પત્રકારો, નાગરિક સમાજના સભ્યો અને અન્ય હિતધારકોને સામેલ કરવાની માગણી કરી હતી.

 

વિપક્ષો અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ઘમસાણ

સંસદમાં બન્ને ગૃહોના સ્પીકર અને વિપક્ષ વચ્ચે ટકરાવના પ્રસંગો આજકાલ નાટ્યાત્મક રીતે વધી ગયા છે. ગયા શનિવારે સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વચ્ચે રાજ્યસભામાં શાબ્દિક યુદ્ધ થયું હતું. જયા બચ્ચને સ્પીકર દ્વારા તેમનું નામ ‘જયા અમિતાભ બચ્ચન’ તરીકે લેવામાં આવ્યું એનો વિરોધ કર્યો હતો. એક દિવસ અગાઉ પણ આવું જ થયું હતું. જયાએ એનો પણ વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ‘સર, હું એક ઍક્ટ્રેસ છું. હું બૉડી-લૅન્ગ્વેજ અને ટોન સમજી શકું છું. તમે જે રીતે જયા અમિતાભ બચ્ચન કહ્યું, મને તમારો ઉચ્ચાર ગમ્યો નથી. અમે તમારા સાથી છીએ. તમારો સૂર મને સ્વીકાર્ય નથી.’

જગદીપ ધનખડે પણ જયા બચ્ચનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જયાજી, તમે ઘણું સન્માન મેળવ્યું છે. તમે જાણો છો કે એક અભિનેતા નિર્દેશક અનુસાર કામ કરે છે. હું દરરોજ એનું પુનરાવર્તન કરવા માગતો નથી. મારે દરરોજ સ્કૂલિંગ નથી કરવું. તમે મારી રીતની વાત કરો છો? તમે કોઈ

પણ હો, તમારે શિષ્ટાચારને સમજવાની જરૂર છે. તમે સેલિબ્રિટી હોઈ શકો છો, પણ તમારે ડેકોરમ રાખવું પડશે.’

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ‘એવું ન માનતાં કે તમે એકલાં જ એવાં છો જેની ગરિમા છે અને વરિષ્ઠ સંસદસભ્ય તરીકે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નબળી પાડવાનું તમને લાઇસન્સ છે. પરિસ્થિતિને સંભાળવા માટે મારે પગલાં

લેવાં પડશે.’

આ પછી તમામ વિપક્ષી સંસદસભ્યો જયા બચ્ચનના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો. વિપક્ષના સંસદસભ્યો પર ટિપ્પણી કરતાં ધનખડે કહ્યું, ‘હું જાણું છું કે તમે દેશને અસ્થિર કરવા માગો છો. તમારામાં શિસ્તનો અભાવ છે અને તમે તમારી ફરજથી ભાગી રહ્યા છો.’ આ પછી વિપક્ષે વૉકઆઉટ કર્યો હતો.

વિપક્ષોનો આરોપ છે કે ધનખડ તટસ્થ રીતે નથી વર્તતા અને સત્તાધારી પક્ષ તરફ ઝૂકેલા રહે છે, વિપક્ષો તરફ તેમનો વ્યવહાર આક્રમક અને પક્ષપાતી હોય છે. હવે INDIA ગઠબંધન જગદીપ ધનખડને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે એટલું જ નહીં, ૮૭ સંસદસભ્યોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર પણ કર્યા છે.

રાજ્યસભાના અધ્યક્ષને તેમના પદ પરથી ત્યારે જ દૂર કરી શકાય છે જ્યારે તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિપદ પરથી દૂર કરવામાં આવે. અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે, લોકસભામાં નહીં. આ માટે ૧૪ દિવસની આગોતરી નોટિસ આપવી પણ જરૂરી છે.

વિપક્ષનું કહેવું છે કે આ પહેલી વાર નથી અને ધનખડનું તેમના પ્રત્યેનું વલણ યોગ્ય નથી. કૉન્ગ્રેસના અજય માકને કહ્યું કે રાજ્યસભા એક એવું ગૃહ છે જે અન્ય વિધાનસભાઓ માટે ધોરણો નક્કી કરે છે, એ ગૃહમાં અધ્યક્ષે પક્ષપાતી ન રહેવું જોઈએ. આમાં કૉન્ગ્રેસ એકલી નથી. તમામ વિપક્ષી દળોને લાગે છે કે તેમનું વર્તન એક તરફ પક્ષપાતી છે. મહિલા સંસદસભ્યો અને બાકીના પુરુષ સંસદસભ્યોને લાગે છે કે તેમનો અવાજ દબાવવામાં આવે છે અને તેમને વિપક્ષ તરીકે બોલવાની ઓછી તક મળે છે, ધનખડ તરત જ તેમના કોઈ પણ શબ્દો પર કાર્યવાહી કરે છે, જ્યારે શાસક પક્ષને કોઈ રોકટોક કરતા નથી. મોટા ભાગે મહિલા સંસદસભ્યોને લાગે છે કે ધનખડ તેમની સાથે સારી રીતે વાત નથી કરતા.

આવું પહેલી વાર નથી થયું. અગાઉ આમ આદમી પાર્ટીના સંજય સિંહને અધ્યક્ષના નિર્દેશોનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ ગયા વર્ષે સંસદના ચોમાસુ સત્રના બાકીના સમય માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમનું સભ્યપદ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

રાઘવ ચઢ્ઢાના કેસમાં ગયા વર્ષે ૧૧ ઑગસ્ટે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે નિયમોના ઘોર ઉલ્લંઘન, ગેરવર્તણૂક, અપમાનજનક વલણ અને તિરસ્કારપૂર્ણ વર્તન બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. TMCના નેતા ડેરેક ઓ બ્રાયન અને કલ્યાણ ચૅટરજી પર પણ કાર્યવાહી થઈ હતી.

columnists gujarati mid-day kolkata Crime News sexual crime Protection of Children from Sexual Offences Act POCSO political news