24 October, 2022 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજુકતરી
અનેક જગ્યાએ સિંગની ભેળસેળ કરીને સસ્તી કાજુકતરી બનાવવામાં આવતી હોવાની વાતો થતી હોય છે. ગમે એટલા વિવાદ થાય, આજે પણ સગાંસંબંધીઓને આપવાની ભેટની યાદીમાં કાજુકતરીનું બૉક્સ સૌથી કૉમન રહ્યું છે.
ગણેશોત્સવમાં જેમ મોદક અને લાડુની બોલબાલા છે એવું જ દિવાળીમાં કાજુકતરીનું કહેવાય. વચ્ચે એક સમય હતો બંગાળી મીઠાઈના ટ્રેન્ડનો. તો વળી, ઘૂઘરા, મોહનથાળ અને મગસ જેવી ટ્રેડિશનલ મીઠાઈઓ તો દીપાવલીમાં પોતાનું આગવું સ્થાન ધરાવે જ છે અને છતાં કાજુકતરીનો ઉપાડ આ દિવસોમાં ટનબંધ થાય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજથી બે-ત્રણ દાયકા પહેલાં એક સમય હતો જ્યારે કાજુકતરી એ રિચનેસની નિશાની હતી. જોકે હવે એવું નથી. હવે કાજુકતરી મધ્યમવર્ગની મીઠાઈ થઈ ગઈ છે.
હેલ્થ-કૉન્શિયસ લોકોની કૃપાથી હવે કાજુકતરી ગોળમાં પણ મળે છે અને શુગર-ફ્રી ફૉર્મમાં પણ. જોકે આ ચાર-પાંચ દિવસમાં તમે એકેય કાજુકતરીનો ટુકડો મોંમાં નહીં નાખ્યો હોય એવું તો બનશે જ નહીં. દર દિવાળીએ ચર્ચાઓ જાગે છે કે તમે જે કાજુકતરી ખાઓ છો એમાં ખરેખર કાજુ હોય છે કે નહીં? અનેક જગ્યાએ સિંગની ભેળસેળ કરીને સસ્તી કાજુકતરી બનાવવામાં આવતી હોવાની વાતો થતી હોય છે. ગમે એટલા વિવાદ થાય, આજે પણ સગાંસંબંધીઓને આપવાની ભેટની યાદીમાં કાજુકતરીનું બૉક્સ સૌથી કૉમન રહ્યું છે.
પણ આજે આપણે આવી વિવાદાસ્પદ વાતોની નહીં, પણ કાજુકતરીના જનક કોણ છે એની વાત કરવાના છીએ. શું તમને ખબર છે કે આ સ્વીટ ગુજરાત કે મુંબઈની છે જ નહીં. મુગલ સમ્રાટ જહાંગીરના સમયની વાત છે. કહેવાય છે કે જહાંગીરના ખાનસામાઓએ કાજુ બરફીનું ઇન્વેન્શન કર્યું હતું. જહાંગીરે ઘણા લાંબા સમય સુધી કેટલાક સિખ ગુરુઓ અને લગભગ બાવન રાજાઓને ગ્વાલિયરના ફોર્ટમાં બંદી બનાવીને રાખ્યા હતા. આ બંદીઓની સ્થિતિ બહુ જ ખરાબ હતી. આ બંદીઓમાં સિખના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહજી પણ હતા. તેમણે પોતાની સૂઝબૂઝથી કિલ્લાની અંદર એવી વ્યવસ્થા ઊભી કરી જેથી સૌ બંદીઓની સ્થિતિ સુધરે. કિલ્લામાં બંદીઓ સુખથી રહેવા લાગ્યા એટલે બાદશાહ જહાંગીરના પેટમાં તેલ રેડાયું. તેને થયું કે જો આ સિખ ગુરુને છોડી મૂકવામાં આવે તો બાકીના બંદીઓ નોંધારા થઈ જાય. તેમણે ગુરુ હરગોવિંદસિંહજીને કહ્યું કે તેમને છોડી મૂકવામાં આવશે. ત્યારે હરગોવિંદસિંહજીએ કહ્યું કે મારે એકલાએ નથી જવું, હું મારી સાથે કોઈકને લઈ જઈ શકું? જહાંગીરને થયું કે ભલે તે એક, બે, ત્રણ જણને લઈ જતા. તેણે પરવાનગી આપી કે તમારાં કપડાંની કળીને ઝાલી લે એવા કોઈને પણ તમે લઈ જઈ શકો છો. હરગોવિંદજીએ બધા રાજાઓને કહ્યું કે તેમનાં કપડાંના ટુકડાઓમાંથી એક એવો મોટો રોબ બનાવવામાં આવે જેમાં બાવન કળીઓ હોય. જેલમાં જ બધાએ આ કામ પૂરું કરી લીધું. જ્યારે કિલ્લાની બહાર નીકળવાનું થયું ત્યારે બાવન રાજાઓ સિખ ગુરુનાં કપડાંની બાવન કળી પકડીને તેમની સાથે જ બહાર નીકળી ગયા. આ દિવસ હતો દીપાવલીનો. આ દિવસને સિખો બંદી છોડ દિવસ તરીકે ઊજવે છે.
ગુરુની આ ચાલાકી પારખી ગયેલા મુગલ સમ્રાટ જહાંગીર પણ ઝૂકી ગયા. તેમણે પણ સિખ ગુરુ પ્રત્યેનું સન્માન દર્શાવવા માટે પોતાના રૉયલ ખાનસામાને કંઈક એવી સ્વીટ બનાવવાનું કહ્યું જે આ પહેલાં ક્યારેય ન બની હોય. ખાનસામાએ કાજુની પેસ્ટ અને મિલ્કની રબડીને ઉકાળીને એમાંથી કાજુ બરફી બનાવી હતી. એ પહેલી વાર બની કાજુની બરફી. આ બરફી પછી તો જહાંગીરના દરબારમાં વારંવાર બનવા લાગી. બંદી છોડ દિવસ નિમિત્તે દીપાવલીમાં સિખો તેમ જ અન્ય રાજાઓના દરબારમાં પણ કાજુની બરફી બનવા લાગી. આ મીઠાઈ લાંબી ટકે એ માટે એમાં દૂધને બદલે પાણીનો વપરાશ થવા લાગ્યો, જે આપણી કાજુકતરી બની ગઈ.