17 October, 2022 05:05 PM IST | Mumbai | Falguni Jadia Bhatt
પ્રતીકાત્મક તસવીર
નિવેશની દુનિયામાં ઘણી વસ્તુઓ બદલાતી રહે છે, પરંતુ અમુક નિયમો એવા છે જે સદાબહાર હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે આ નિયમોને અનુસર્યા કરો તો જીવનમાં નિવેશ તથા ફાઇનૅન્સની બાબતોમાં બહુ વાંધો આવતો નથી. તો ચાલો આજે આપણે આવા સદાબહાર પર્સનલ ફાઇનૅન્સના નિયમોની વાત કરીએ અને એની પાછળના લૉજિકને સમજવાનો પ્રયત્ન કરીએ
પેન્ડેમિક કાળ હવે પોતાનું ભયંકર સ્વરૂપ ત્યજીને આગળ વધી ગયો હોય, પરંતુ એની આડઅસર હજી પણ વર્તાય છે. લોકોની જીવનશૈલી તથા જીવન પ્રત્યેના અભિગમ અને વલણમાં આવેલા કેટલાક ફેરફાર હજી પણ કાયમ છે. આમાં સૌથી મોટો ફેરફાર થયો લોકોના પર્સનલ ફાઇનૅન્સ પ્રત્યેના અભિગમમાં. લોકો પૈસા બચાવવા અને ઇન્વેસ્ટ કરવા વિશે ખાસ્સા ગંભીર થઈ ગયા. ભવિષ્યની ચિંતા અને નોકરીની અનિશ્ચિતતાને કારણે ઘણા લોકો શૅરબજાર, ક્રિપ્ટોકરન્સી જેવા ઍસેટ ક્લાસ તરફ વળ્યા. જો તમે પણ આવા કોઈ માધ્યમમાં ઇન્વેસ્ટ કર્યું હોય કે પછી કરવાનો વિચાર કરતા હો તો જરૂરી છે કે તમે ઇન્વેસ્ટમેન્ટના મૂળભૂત નિયમો વિશે પહેલાં જાણી લો.
૫૦, ૩૦, ૨૦નો નિયમ : ઇન્વેસ્ટમેન્ટનો સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે તમે તમારી આવકને હંમેશાં ૩ ભાગમાં વિભાજિત કરો. આ માટે ૫૦, ૩૦, ૨૦નો નિયમ બહુ કારગત છે. આ નિયમનો અર્થ છે કે પોતાની આવકના ૫૦ ટકા ખર્ચ જરૂરિયાતો પર કરો. આ રકમ ઈએમઆઇ, ઘરનું ભાડું, અનાજ-કરિયાણું, શાકભાજી વગેરે પર ખર્ચો. ત્યાર બાદ પોતાની આવકનો ૩૦ ટકા ખર્ચ પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે કરો. ફિલ્મો કે નાટકો જોવા, બહાર જમવા જવું, વેકેશન દરમ્યાન ક્યાંક ફરવા જવું વગેરે જેવાં સપનાંઓ પૂરાં કરો. છેલ્લે તમારી આવકનો બાકીનો ૨૦ ટકા હિસ્સો કોઈ પણ રીતે બચાવીને એનું શૅરબજાર, મ્યુચ્યુઅલ ફન્ડ, બૅન્ક એફડી વગેરેમાં રોકાણ કરો. અહીં છેલ્લાં ૨૨ વર્ષથી મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા અર્થશાસ્ત્ર ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના રાજુભાઈ ભાટિયા કહે છે, ‘જેમ આવકને આવશ્યકતા અનુસાર વિભાજિત કરવી જરૂરી છે તેવી જ રીતે રોકાણને પણ વિભાજિત રાખવું આવશ્યક છે. એક સામાન્ય નિયમ પ્રમાણે રોકાણનું વિભાજિત તમારી આવશ્યકતા અનુસાર થવું જોઈએ, જેમ કે આપણી કેટલીક આવશ્યકતાઓ એવી હોય છે, જે આવતાં ૫ વર્ષમાં પૂરી કરવાની હોય છે. કેટલીક આગલાં ૧૦ વર્ષમાં તો કેટલીક આગલાં ૧૫ વર્ષમાં. આ માટે તમારું રોકાણ પણ એ રીતે જ થયું હોવું જરૂરી છે. દા. ત. હાલ તમે ૧૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો તો એ સોએ સો રૂપિયા કોઈ એક જ સાધનમાં ઇન્વેસ્ટ કરવા યોગ્ય નથી. ૧૦૦માંથી ૩૦ રૂપિયા મ્યુચ્યુઅલ ફન્ડ, આરબીઆઇ બૉન્ડ, બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) તથા એનસીડી (નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ)માં ૧-૫ વર્ષ માટે રોકવા જોઈએ. ત્યાર બાદ બીજા ૩૦ રૂપિયા આગામી ૫-૧૦ વર્ષ માટે ડેટ્સ, ગોલ્ડ અને ઇક્વિટીમાં રોકવા જોઈએ, જ્યારે બાકીના ૪૦ રૂપિયા આવતાં ૧૦-૧૫ વર્ષ કે શક્ય હોય તો એનાથી પણ વધુ સમય માટે ઇન્વેસ્ટ કરવા જોઈએ. બલકે, આ ૪૦ રૂપિયામાંથી પણ ૨૫ રૂપિયા રિયલ એસ્ટેટ, ૫ રૂપિયા ગોલ્ડ તથા ૧૦ રૂપિયા ડેટ્સમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. દરેક વ્યક્તિએ બને એટલું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળા માટે કરવું જોઈએ, કારણ જેટલું ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનું હોય તેટલું રિટર્ન પણ વધારે મળે છે.’
૪૦ ટકા ઈએમઆઇ : સુરક્ષિત ભવિષ્ય માટે પોતાની માસિક આવકના 40 ટકાથી વધારે ક્યારેય ઈએમઆઇમાં ન જવા દો. અર્થાત્ તમારી લોનની રકમ એટલી જ હોવી જોઈએ જેની ભરપાઈ કરવામાં તમારી માસિક કે વાર્ષિક આવકની ૪૦ ટકાથી વધુ રકમ ન જાય.
ત્રણ ગણું ઇમર્જન્સી ફન્ડ : કોવિડ બાદ લોકોમાં અચાનક આવી પડતી મુશ્કેલી માટે સજાગતા ઘણી વધી ગઈ છે. આમાં સૌથી વધુ આવશ્યકતા છે ઇમર્જન્સી ફન્ડની. તમારા માસિક ખર્ચથી ત્રણગણી રકમ અર્થાત્ ૩ મહિનાનો પગાર જેટલી રકમ તમારી પાસે હંમેશાં બચતમાં રહેવી જોઈએ. આનાથી અચાનક આવી પડતી બીમારી, નોકરી જતી રહેવી વગેરે જેવી મુશ્કેલ સ્થિતિમાં તમને ૩ મહિના સુધી ઘરખર્ચની મુશ્કેલી નહીં પડે. જોકે, અહીં ચેતવણીનો સૂર પુરાવતાં ઑર્બિટ ફાઇનૅન્શિયલ સર્વિસિસના ભૂષણ શેઠ કહે છે કે, ‘જેટલું જરૂરી પોતાનો ૩ મહિનાનો પગાર મુશ્કેલીના સમય માટે બાજુ પર મૂકી રાખવો આવશ્યક છે તેટલું જ જરૂરી કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં પોતાની જાતને ઇન્શ્યૉર કરવી છે. ગમે તેટલું સારું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કર્યું હોય, પણ સ્વાસ્થ્યની સંભાળ માટે જ નાણાં નહીં હોય તો બીજું બધું શું કામનું? આ માટે દરેક વ્યક્તિએ હેલ્થ ઇન્શ્યૉરન્સ અને ટર્મ પ્લાન તો લઈ રાખેલા જ હોવા જોઈએ. એક સામાન્ય નિયમ મુજબ તમારો ટર્મ પ્લાન તમારી વાર્ષિક આવકની 20થી 30 ગણી રકમ જેટલો હોવો જોઈએ. દા. ત. તમારી વાર્ષિક આવક 10 લાખ હોય તો તમારો ટર્મ પ્લાન લગભગ બે કરોડનો હોવો જોઈએ.’
૧૦૦ – ઉંમર : શૅરબજારમાંથી લોકોને હંમેશાં બમ્પર કમાણીની આશા હોય છે, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. વધતી ઉંમર સાથે શૅરબજારમાં કુલ બચતના કેટલા ટકા પૈસા રોકવા એનો આંકડો પણ બદલાય છે. બલકે વધતી ઉંમર સાથે શૅરબજારમાં તમારું રોકાણ તમારી કુલ બચતના પ્રમાણમાં ઘટતું જવું જોઈએ. રોકાણના નિયમ મુજબ ૧૦૦માંથી તમારી ઉંમરને બાદ કરતાં જે આંકડો આવે, એનાથી વધુ રકમ તમારે શૅરબજારમાં રોકવી જોઈએ નહીં. દા. ત. જો તમારી ઉંમર ૩૦ વર્ષ હોય તો ૧૦૦માંથી ૩૦ બાદ કરતાં આવતા ૭૦ ટકાથી વધુ રકમ તમારે શૅરબજારમાં રોકવી જોઈએ નહીં.
૨૫ ગણી રકમનો નિયમ : તમારો જે પણ વાર્ષિક ખર્ચ હોય એનાથી ૨૫ ગણી રકમ તમને રિટાયરમેન્ટ માટે જોઈશે એવું વિચારીને નિવેશનાં વિવિધ સાધનોમાં પહેલેથી રોકાણ કરવું હિતાવહ છે. એટલે કે જો વર્ષે તમારો ખર્ચ ૫ લાખ થતો હોય તો તમને રિટાયરમેન્ટ ૫ લાખના ૨૫ ગણા પ્રમાણે ૧.૨૫ કરોડ રૂપિયાની બચતની જરૂર પડશે. આ નિયમ લગભગ ૯૦થી ૯૫ ટકા કિસ્સાઓમાં સાચો પુરવાર થાય છે.
૭૨નો નિયમ : દરેક વ્યક્તિને મનમાં પ્રશ્ન હોય છે કે તેના પૈસા બૅન્કમાં બમણા ક્યારે થશે. આનો નિયમ સરળ છે. ૭૨ના આંકડાને બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરથી ભાગી નાખો. આમ કરતાં જે જવાબ આવે તેટલાં વર્ષમાં બૅન્કમાં મૂકેલાં નાણાં બમણાં થાય. એ જ રીતે ૧૧૪ના આંકડાને એફડીના વ્યાજદરથી ભાગી નાખતાં જે જવાબ આવે તેટલાં વર્ષમાં બૅન્કમાં મૂકેલાં નાણાં ત્રણ ગણાં અને ૧૪૪ના આંકડાને એફડીના વ્યાજદરથી ભાગી નાખતાં જે જવાબ આવે તેટલાં વર્ષમાં બૅન્કમાં મૂકેલાં નાણાં ૪ ગણાં થાય એવો સરેરાશ અંદાજ લગાડી શકાય.
આવા તો કેટલાય નિયમો છે જે વ્યક્તિને પોતાના પર્સનલ ફાઇનૅન્સને સંભાળવામાં સહાયક થઈ શકે એમ છે, છતાં કેટલીક વાર રોજિંદા જીવનની દોડધામમાં આપણે આ નિયમો ભૂલી જતા હોઈએ છીએ, પરંતુ આપણે સૌએ એ યાદ રાખવાની જરૂર છે કે આ બધી ભાગદોડ આપણે ભવિષ્યની સુરક્ષા માટે કરીએ છીએ. તેથી એ ભાગદોડમાં ભવિષ્યને જ સુરક્ષિત કરવાનું ભૂલી જવાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં એક સૌથી મહત્ત્વની સલાહ આપતાં અ કટિંગ એજ કંપનીમાં છેલ્લાં ૧૫ વર્ષથી ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકે ફરજ બજાવતાં ફોરમ શાહ કહે છે કે, ‘વર્કિંગ કપલ હોય કે બે પાર્ટનરમાંથી એક કામ કરતું હોય અને બીજું હોમમેકર, ફાઇનૅન્શિયલ પ્લાનિંગ હંમેશાં સાથે મળી પારિવારિક ગોલ્સ પૂરા કરવા માટે કરવું જોઈએ. આ માટે જરૂરી છે કે બંનેને કોણે કેટલા પૈસા ક્યાં રોક્યા છે એની રજેરજ માહિતી હોય. બલકે, બહેતર તો એ જ છે કે બંને સાથે મળી પૈસાને લગતી પ્રત્યેક માહિતી એક ડાયરીમાં નોંધી રાખે. સાથે જ જેમ પ્રત્યેક પરિવારનો પોતાનો એક ફૅમિલી ડૉક્ટર હોય છે તેવી જ રીતે પ્રત્યેક પરિવારનો એક ફાઇનૅન્શિયલ પ્લાનર પણ હોવો જોઈએ, જે હાથ પકડી તેમને પોતાના ગોલ્સ પૂરા કરવામાં મદદરૂપ બની શકે. એકની ગેરહાજરીમાં બીજાને મુશ્કેલી ન પડે એ માટે બંને પાસે પોતાના આ ફાઇનૅન્શિયલ પ્લાનર ઉપરાંત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો કૉન્ટૅક્ટ નંબર પણ હોવો અતિ આવશ્યક છે.’
સુરક્ષિત ભવિષ્ય માટે પોતાની માસિક આવકના ૪૦ ટકાથી વધારે ક્યારેય ઈએમઆઇમાં ન જવા દો. અર્થાત્ તમારી લોનની રકમ એટલી જ હોવી જોઈએ જેની ભરપાઈ કરવામાં તમારી માસિક કે વાર્ષિક આવકની ૪૦ ટકાથી વધુ રકમ ન જાય. ; રાજુભાઈ ભાટિયા
વર્કિંગ કપલ હોય કે બે પાર્ટનરમાંથી એક કામ કરતું હોય અને બીજું હોમમેકર, ફાઇનૅન્શિયલ પ્લાનિંગ હંમેશાં સાથે મળી પારિવારિક ગોલ્સ પૂરા કરવા માટે કરવું જોઈએ. : ફોરમ શાહ