ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, એક રેશમી રજાઈ ઓઢે અને બીજો ચાદર મેલી ઘેલી

29 September, 2024 03:23 PM IST  |  Mumbai | Pravin Solanki

આપણે અસંખ્ય વાર આ કહેવત બોલ્યા હોઈશું કે ક્યાંક લખી-વાંચી હશે. જોકે આ કહેવત પાછળ ખૂબ રસપ્રદ વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. આજે એ વાત જાણીને ખરા અર્થમાં આ કહેવતનો અર્થ સમજીએ

પ્રતીકાત્મક તસવીર

આપણે નાનપણમાં વાર્તા સાંભળવાની મજા લઈએ છીએ. યુવાનીમાં આપણે વાર્તા વાંચતા થઈએ છીએ તો ઘણી વાર વાર્તા જીવનનો એક બોધપાઠ બનીને પણ સામે આવે છે. એમાં પણ લોકવાર્તાની એવી ખૂબી છે કે એનાં એક પછી એક પડ ઊખડતાં જાય અને દરેક ઊખડતા પડે આપણી જિજ્ઞાસા વધારે સચેત બનતી જાય. એમાં પણ પ્રાચીન કહેવતો અને મહાવરાઓની વાતો એટલી બધી રસપ્રદ રીતે કહેવાતી હોય છે કે આપણે એકબેઠકે વાંચવા મજબૂર થઈ જઈએ છીએ. આજે આવી જ એક વાત કરવી છે. આપણે અસંખ્ય વાર એક કહેવત બોલ્યા હોઈશું કે લખી-વાંચી હશે કે ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી.’ જેની વચ્ચે સરખામણી ન થઈ શકે એવી બે વ્યક્તિ માટે આ કહેવત બોલીએ છીએ, પણ એની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાત-વાર્તા છે જે બહુ ઓછા લોકો જાણતા હશે.

વાત રાજા ગંગુ અને તેલીની છે. રાજા ભોજ પ્રજાપ્રિય, મહાપ્રતાપી, દાનવીર અને દયાળુ રાજા હતા. એવા પુણ્યશાળી આત્મા હતા જેમની જીવનકથા સાંભળવાથી પણ દરેક પ્રકારનાં પાપ દૂર થતાં એવી લોકવાયકા હતી. એ એક એવા રાજા હતા જેમાં તપ, જ્ઞાન, ધૈર્ય અને મહાશક્તિ સમાન અંશે સમાયેલાં હતાં. કર્ણની જેમ ક્યારેય કોઈ માગણ તેમના દરવાજેથી પાછો ફરતો નહોતો. તેઓ દરરોજ રાતે વેશપલટો કરીને રાજ્યમાં પ્રજાનાં સુખ-દુઃખની ઝાંકી કરવા નીકળી પડતા હતા.

એક વાર આ જ રીતે વેશપલટો કરીને પ્રજાનાં સુખ-દુઃખ જાણવા નીકળ્યા. એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં છૂપા વેશે તેમનાથી ડોકિયું થઈ ગયું. બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે હૈયાવરાળ કાઢતાં બોલ્યો, ‘હે ગોરાણી, હવે મારી ઉંમર થઈ છે. મારાથી ઢસરડા થતા નથી. કમાવાની કોઈ તાકાત રહી નથી. વળી આપણા નસીબમાં કોઈ સંતાન પણ નથી જે આપણા ઘડપણની લાકડી બને. આવી પરિસ્થિતિમાં મને એક જ વિચાર આવે છે કે દયાવાન રાજા ભોજ પાસે જઈને હું મારી વેદના સંભળાવું.’ ગોરાણીને એ વિચાર ખૂબ ગમી ગયો.

બીજા દિવસે બ્રાહ્મણ રાજા ભોજના દરબારમાં ગયો અને પોતાની વેદના કહી સંભળાવી. રાજા ભોજને તેની વાત એટલા માટે સાચી લાગી કે તેમણે એ વાત કાનોકાન સાંભળી હતી. રાજા ભોજે કાંઈ પણ વધુ પૂછપરછ કર્યા વગર તરત જ ખજાનજીને ૧૦૦ સોનામહોર બ્રાહ્મણને આપી દેવાનો આદેશ આપી દીધો. બ્રાહ્મણ તો ખુશખુશાલ થઈ ગયો. તેણે પગે પડીને રાજાના આશીર્વાદ લીધા.

ઘરે આવીને બ્રાહ્મણીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે બ્રાહ્મણીએ પણ મનોમન રાજાને આશીર્વાદ આપ્યા. ૧૦૦ સોનામહોર જોઈને બ્રાહ્મણી ચકિત થઈ ગઈ હતી. ક્યારેય તેણે રતીભાર સોનું જોયું નહોતું. બન્ને સુવર્ણમુદ્રાઓ સાવચેતીપૂર્વક કબાટમાં રાખી ઈશ્વરને પ્રાર્થના કરીને નિરાંતે બન્ને સૂઈ ગયાં. સવારે ઊઠતાંવેંત જ બન્નેનાં હૃદયમાં મોટી ફાળ પડી. કબાટમાંથી સોનામહોર ગાયબ હતી. બ્રાહ્મણી તો બેભાન જેવી થઈ ગઈ. બ્રાહ્મણે તેને સાંત્વન આપતાં કહ્યું, ‘તું મૂંઝા નહીં, હું રાજાને સાચી વાત કરીશ. રાજા સમજુ છે, મારી વાત માનશે જ...’ અને થયું પણ એવું જ. ભોળા બ્રાહ્મણની વાત રાજાએ માની લીધી અને તેમણે બીજી વાર ૧૦૦ સોનામહોર આપી. બ્રાહ્મણ ગદ્ગદ થઈ ગયો. તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં અને ફરી વાર રાજાને પગે પડી ત્યાંથી હરખભેર વિદાય થયો. આ વખતે બ્રાહ્મણે વિશેષ કાળજી રાખીને સોનામહોર સાચવીને મૂકી.

કહેવાય છે કે તમારો સમય સારો હોય કે ખરાબ, પણ દુઃખ તો હંમેશાં એનો સમય સાચવે જ છે. બ્રાહ્મણનો સમય ખરાબ ચાલતો હતો. તે રાતે સૂતો ત્યારે એક સપનું આવ્યું. સપનામાં રાજા ભોજનો વેશ લઈને કોઈ માણસ આવીને કહેવા લાગ્યો કે રાજ પર મોટું સંકટ આવ્યું છે અને મને મારી સુવર્ણમુદ્રા પાછી જોઈએ છે.

ભોળા બ્રાહ્મણે કોઈ પણ આનાકાની વગર મુદ્રાઓ આપી દીધી, પણ આ વખતે સવારે બ્રાહ્મણ પોતે બેભાન થઈ ગયો. સવારે ખબર પડી કે મુદ્રાઓ પાછી ગાયબ છે. બ્રાહ્મણ કચવાતા જીવે ફરીથી રાજા પાસે ગયો અને સપનાની માંડીને વાત કરી. રાજા ભોજ તો રાજા ભોજ હતા. તેમણે બ્રાહ્મણ પર વિશ્વાસ મૂકીને ફરીથી સોનામહોર તો આપી દીધી, પણ પોતાનો વેશ લઈને બ્રાહ્મણને કોણ છેતરે છે એ માટે પાછળ-પાછળ ગયા. એ ચતુર ભોજે છદ્‍મવેશી ભોજને પકડી પાડ્યો અને પૂછ્યું, ‘તું આવું છળ શું કામ કરે છે. ગરીબ બ્રાહ્મણના નિઃસાસા શું કામ લે છે.’ છદ્‍મવેશીએ કહ્યું, ‘મહારાજ, આ બ્રાહ્મણના નસીબમાં લક્ષ્મીનું સુખ છે જ નહીં. તમે નાહક તમારું ધન વેડફો છો. તે તેના પાછલા જન્મનું ફળ ભોગવે છે અને એ ફળ મારે-તમારે બધાએ જ ભોગવવું પડે છે. એમાં તમે પણ અપવાદરૂપ નથી...’ એટલું કહી છદ્‍મવેશી અંધારામાં ઓગળી ગયો. બીજા દિવસે રાજા ભોજ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. પહાડી ઇલાકો હતો અને રાજાનો ઘોડો જાતવંત હતો. પવનવેગે ઊડતો હતો. અચાનક રાજા ઘોડા પરથી ઊથલી પડ્યા અને બેહોશ થઈ ગયા. અચાનક બીજા રાજ્યના સૈનિકો તેને ઘેરી વળ્યા. મૂર્છા વળતાં સૈનિકોએ રાજાની ઓળખાણ પૂછી. દુશ્મનના સૈનિકો સમજીને રાજા ભોજે પોતાની ઓળખ છુપાવી. ભોજને દુશ્મન દેશના જાસૂસ સમજીને બીજા રાજ્યના સૈનિકોએ તેમની ખૂબ મારપીટ કરી અને રાજ્યની સીમાની બહાર ફેંકી દીધા. એ જ સમયે સંજોગવશાત્ ગંગુ તેલી ત્યાંથી પસાર થાય છે અને રાજાને લોહીલુહાણ જોઈને તેમને પોતાના ઘરે લઈ જાય છે. રાજા ભોજ ગંગુ તેલી પાસે પોતાની ઓળખ છુપાવે છે. ગંગુ તેલી પણ અન્ય રાજ્યનો વતની હતો.

રાજા ભોજ સારા થયા પછી ગંગુ તેલી રાજા ભોજને તેલની ઘાણીમાં કામે લગાડે છે. ઘાણીમાં બળદની જગ્યાએ તેમને જોતરે છે અને ભોજ વિધિનું વિધાન સમજીને હસતા મોઢે ગુલામી સ્વીકારે છે. રાજા ભોજનું ગળું બહુ સારું હતું એટલે ગાતાં-ગાતાં તેઓ ઘાણી પીસવાનું કામ આનંદથી કરતા હતા. ગંગુ તેલી તેમનો અવાજ, ગાવાની ઢબ સાંભળીને આશ્ચર્યચકિત થયો હતો, એટલું જ નહીં, ગામ લોકો પણ રાજા ભોજનો અવાજ સાંભળીને ખુશ થઈ જતા. રાજ્યભરમાં તેઓ જોતજોતાંમાં મશહૂર થઈ ગયા.

સમય જતાં એ જ રાજ્યની રાજકુમારી વસુંધરાનો સ્વયંવર રચાયો. સ્વયંવરની શરત એ હતી કે જે રાજા સારો ગાયક હશે તેને વસુંધરા વરશે.

સ્વયંવરમાં અનેક રાજાઓએ ભાગ લીધો હતો, પણ વસુંધરાને કોઈ ગમ્યો નહીં, આખરે ગંગુએ ભોજને આગળ કર્યો. ભોજના નસીબનું પાંદડું ફર્યું હતું અને વસુંધરાએ રાજા ભોજને વરમાળા પહેરાવી દીધી. સ્વયંવરમાં પધારેલા અન્ય રાજાઓના ચહેરા પડી ગયા. સ્વયં વસુંધરાના પિતાને પણ એ ન ગમ્યું. તેમણે વિરોધ કર્યો કે તેલિયા ગુલામ સાથે રાજા પોતાની કન્યા વરાવવા કઈ રીતે તૈયાર થાય? જેનું કુળ કે ગોત્ર કોઈ જાણતું નથી તેને રાજા જમાઈ તરીકે કઈ રીતે પસંદ કરે? રાજાએ વસુંધરાને કહ્યું કે આપણા દરબારના વિદ્વાનો નક્કી કરશે કે આ દાસને મારો જમાઈ
બનાવવો કે નહીં.

રાજાના દરબારમાં ચાર વિદ્વાનોની ખૂબ બોલબાલા હતી. એક તપસ્વી હતો, બીજો જ્ઞાની હતો, ત્રીજો ધર્મનિષ્ઠ અને ચોથો મહાશક્તિ. વસુંધરાના પિતાએ સૌથી પહેલાં તપસ્વીને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી મોટો તપસ્વી કોણ? પહેલાએ તરત જ જવાબ આપ્યો કે સંસારમાં રાજા ભોજ જેવો બીજો કોઈ
તપસ્વી નથી.

જ્ઞાનીએ પણ આવો જ જવાબ આપ્યો કે સંસારમાં રાજા ભોજ જ, બીજો કોઈ જ્ઞાની નથી. ધર્મનિષ્ઠ અને મહાશક્તિ પાસેથી પણ આવો જ જવાબ મળ્યો. આ સાંભળીને રાજાએ વસુંધરાને કહ્યું કે ‘દીકરી તારે વરમાળા પહેરાવવી હોય તો રાજા ભોજ જેવાને પહેરાવવી જોઈએ. બાકી ક્યાં આ ગંગુ તેલી ને ક્યાં આ ગંગુ
તેલીનો દાસ.’

વસુંધરાના પિતાએ ગંગુના ગુલામ એવા રાજા ભોજને ઠપકો આપતાં લોકોને કહ્યું કે ‘મારી દીકરીને પરણવાની આ ગુલામની હેસિયત શું છે? અસલી રાજા ભોજે ખૂબ જ માર્મિક જવાબ આપતાં કહ્યું, ‘હે રાજન, કોઈની હેસિયત કે હિંમત કોઈ કામનાં નથી, કામનો હોય તો માણસનો સમય છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે બધું અનિષ્ટ થાય.’ અસલી ભોજની વાણી સાંભળીને દરબાર સ્તબ્ધ થઈ ગયો. એ લોકોને શંકા જાગી અને રાજ્યમાં તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે રાજા ભોજ શિકાર કરવા ગયા હતા ત્યારથી પોતાના રાજ્યમાં પાછા ફર્યા નથી અને ત્યારથી પ્રજા દુખી-દુખી છે. વસુંધરાના પિતાએ જ્યારે જાણ્યું કે આ પોતે જ રાજા ભોજ છે ત્યારે તેમણે પોતાની પુત્રી વસુંધરાને ધામધૂમથી રાજા ભોજને પરણાવી.

columnists gujarati mid-day